નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

….એટલા માટે હું ‘મધર્સ ડે’ મનાવતો નથી…માનતો નથી?”

દીકરો અમેરિકાથી આવ્યો હતો. એની સાથે એના મિત્રો મળવા દોડી આવેલા. ઘરમાં ધાંધલ-ધમાલ મસ્તીનું એક રૂડું તોફાન સર્જાયું હતું.

મા ના હરખનો પાર ન હતો. “શું કરું?”…શું ના કરું?ની દ્વિધામાં મા ઘેલીઘેલી થઇ ગઈ હતી. મા એ બધાને જમવા બેસાડ્યાં. ખૂબ પ્રેમથી મા એ ભાવતા ભોજન બનાવેલા. રખેને દીકરાને કાંઈ ઓછું ન આવી જાય એ માટે તેના સ્વાદની પૂરેપૂરી તકેદારી રાખી હતી.

આ મા ને જાને આજે સર્વસ્વ મળ્યું હતું. સમજોને કે જાણે ઘરે પ્રભુ પધાર્યા હતાં.

દીકરો અને તેના મિત્રો વાતો કરતા કરતા જમ્યે જતા ને મા આગ્રહ કરીને પીરસતી રહેતી. દરેક કોળીયે મા નો પ્રેમ પણ જમી રહ્યો હતો. મિત્રો પણ માતૃત્વના અમી-સિંચનને માણી રહ્યા હતાં.

જમ્યા બાદ મા એ કબાટમાંથી ઈસ્ત્રીબંધ રૂમાલ હાથ લુછવા આપ્યો. પુત્રે હાથમાં લઇ તો લીધો. પણ ગડી ખોલતા જ તેની આંખોમાંથી ચોધાર આંસુઓ ટપકવા લાગ્યા. પેલો રૂમાલ પણ ભીંજાવા લાગ્યો.

માને થયું ‘આમ કેમ? શું મારા દીકરાને કાંઈ ઓછું આવ્યુ?…જમવામાં સ્વાદ ના મળી શક્યો?, એના મિત્રોને સાચવી ન શકાયાં?….ક્યાં અડચણ આવી?’- પોતાના દીકરાની આંખોમાં આંસુ જગતની કઈ મા જોઈ શકે?

દીકરો ડૂસકાં ભરતા બોલ્યો: “મા ! મને આ ઈસ્ત્રીબંધ રૂમાલ ના જોઈએ. મને તો તારા આ સાલ્લાનો પાલવ આપ જેનાથી હું કાયમ મારા હાથ લૂંછતો આવ્યો છું.”

મા-દીકરો રડતા રડતા એકબીજાને ખૂબ પ્રેમથી ભેંટી પડ્યા. જગતની કોઈ તાકાત તેમને છુટા પાડવા શક્તિમાન નહોતી. અને એ આંસુઓની પાછળ ઘૂઘવાતો હતો મમત્વનો મહાસાગર….

શ્રી યશવંત કડીકર સાહેબની આ નાનકડી પણ સાગર સમાવતી વાર્તા મેં વર્ષો પહેલા વાંચેલી ને પછી (આંસુ સાથે જ સ્તો) મારી ડાયરીમાં ટપકાવી દીધેલી.

દોસ્તો, માનો યા ના માનો…૧૩મી મેનો આ ‘મા નો દિવસ’ મને ‘ખાસ ઉજવવો’ જરા પણ ગમતો નથી.

ના બાપા ના…આ ૧૩ ના (શુકનિયાળ) આંકને લીધે નહિ પણ કેમ જાણે…આખી દુનિયામાં ફક્ત આજ દિવસે જ્યાં જુવો ત્યાં બસ ‘હેપ્પી મધર્સ ડે’નો સુકો વાઈરલ વાયરો ફરી વળે છે ને ચારેકોર મેસેજોની હારમાળા સર્જાઈ જાય છે. .

શું મારા માટે….મા ફક્ત એક દિવસ મનાવવાની ચીજ છે?

 • જે ઘડીએ તેણે મારો ગર્ભ રાખ્યો…ને નવ મહિના સુધી જતનથી સાચવ્યો એ ઘડીઓનું શું કરું?
 • જે ઘડીથી તેણે મને જન્મ આપી પોતાની ઊંઘ મારા નામે કરી દીધી એ મોંઘેરી મિલકતનું શું કરું?
 • જ્યારથી તેના ધાવણને ચાખવાની શરૂઆત કરી એના એક-એક ટીપાંની તાકાતને ક્યાં ક્યાં સાચવું..ક્યાં વાપરું?
 • કમરમાં દુખાવો ભરાઈ ગયો હોવા છતાં બગડેલા બાળોતિયાંને ઘસી ઘસી સાફ રાખ્યા હોય તે ભીનાશી દર્દની શું દવા કરું?
 • નળને નીચે, પાટલા પર ઉભો રાખી એક કણ પણ સાબુનો આંખમાં ન ઘુસે એવી સિક્યોરીટીથી નવડાવ્યો હોય એ બધાં ધોવાણનો શું હિસાબ કરું?
 • યાર…એ મારી સ્કૂલના પહેલે દિવસે ખુશીના આંસુઓ સાથે રડતી હોય ને મને ક્યાં બેસાડ્યો છે તેનો બધો જ ખ્યાલ કરી મારી ક્લાસ ટિચરને સમજાવતી આવે તેવી સમજણ હું કઈ રીતે બાંધી શકું? 
 • પરીક્ષા વેળા…ના છોલાયેલી પેન્સિલ હોય કે ભુલાયેલું રબર-સંચો..એવું બધું કંપાસપેટીમાં મુકવાની મેમરી મારે કેમે કરીને ભૂલવી?
 • દોસ્તો સાથે ક્યારેક અચાનક બહાર જમીને આવવું પડ્યું હોય ત્યારે રાખી મુકેલા નિસાસાયુક્ત જમણની થાળી મને કઈ રીતે સાફ કરવી? એનો ઉકેલ ક્યાંથી મેળવું?
 • પ્રાથમિકથી લઇ માધ્યમિક. ને પછી સ્નાતક (ગ્રેજ્યુએશન) કે અનુસ્નાતકના દરેક સૂતર પર આવેલા પરિણામોની રાહ જોવામાં અડધું આયખું ભરાવ્યું હોય એવું મજબૂત દોરડું મને ક્યાંથી લાવવું?
 • અલ્યા ભાઆઆય ! મારી શરૂઆતી નોકરીથી લઇ છોકરી જોવાના દરેક કાર્યોમાં તેના વિના કોઈ વીણા કે વાજુ વાગી શકયું છે?- આવા સૂરનું રિકોર્ડિંગ મને તો હજુએ કરતા આવડતું નથી.
 • અને…અને..અને…હજુયે…પોતાના શારીરિક દર્દમાંયે દુવાઓની દવાનું કન્ટેઇનર મોકલતી રહેતી હોય એ બધાંની કસ્ટમ-ડ્યુટી કેમ કરી ભરું?

બસ.. હવે આગળ કેમ લખવું….શું કહેવું…કેવી રીતે ચૂકવવું??????

આ અશક્ય છે….આ ઈમ્પોસિબલ છે….યેહ નામુમકીન હૈ !….‘હાઝા મુશ મોમકીન’

કમબખ્ત ! આપણને જન્મ એક જ વાર મળતો દેખાય છે. મા ના ઋણી બનવા માટે.  

તો પછી ખાસ-મ્-ખાસ આ મેની ૧૩મી શું કામ…શા માટે? Why?

માફ કરજો દોસ્તો. મારા માટે અને મતે મા તો…દરરોજ….અરે! હરઘડી મનાવવાનો મહોત્સવ છે.

તમારું કેમનું છે?  

14 responses to “….એટલા માટે હું ‘મધર્સ ડે’ મનાવતો નથી…માનતો નથી?”

 1. અખિલ સુતરીઆ May 14, 2012 at 2:54 am

  મારેય તમારી જેમનું જ છે … રોજે રોજ ૫૪ વરસેય બાળક થઈને માં ના વાત્સલ્ય વરસાદમાં પલળ્યા વગર ના ચાલે.

 2. madhuvan1205 May 14, 2012 at 3:59 am

  અરે ભાઈ – ગઈ કાલે પત્નિ બાળકોને લઈને મને એકલો મુકીને પીયર ચાલી ગઈ (ગેર સમજ ન કરશો – રજા હોવાથી પોતાની માને મળવા તો જાય ને?) ત્યારે મા વીના મારી બીજા કોણે સંભાળ રાખી હતી?

  પૂર્વના લોકોને જેવી રીતે ભૌતિક વસ્તુઓનું ઘેલું છે તેવી રીતે પાશ્ચાત્ય દેશો સંબધોને એક દિવસ ઉજવી લે છે.

 3. Arvind Adalja May 14, 2012 at 8:20 am

  અનુકરણ આપણો રાષ્ટ્રીય રોગ બની ચૂક્યો છે. મા તે મા જ છે ! હર દિવસ માનો જ હોય ! વર્ષમાં એક વાર કોઈકે લખેલા કાર્ડ મા ને મોકલી કે બૂકે મોકલી મધર્સ ડે ને નામે ઔપચારિકતા નિભાવતા લોકોનું અનુકરણ સ્ટેટસ “મોભો ” બની ચૂક્યું છે ! ખેર ! આપણું આમ માનવું કદાચ અરૂણ્ય રૂદનમાં ખપે !

 4. ASHOK M VAISHNAV May 14, 2012 at 8:23 am

  કેટલાક સંબંધો એવા હોય કે તેને તમે શબ્દમાં વ્યક્ત કરવાનો પ્રયત્ન કરો તે સંબંધને તમે વધતે ઓછે અંશે અન્યાય કરી બેસો જ.
  માનો પ્રેમ પણ એ જ રીતે કોઇના આભારનો મોહ્તાજ નથી.
  અને તેમ છ્તાં પશ્ચિમના સમાજમાં માર્કૅટીંગના ખેરખાંઓ તેને સફળ કરી ગયા છે તેને સમાજનું વધારે પડતું ભૌતિક પ્રતિકો તરફનું ઝુકી જઇ ને અતિઔપચારિક થઇ ગયા છે તેમ ગણીને તેમની દયા ખાઇશું કે તે ખેરખાંઓની ‘ચાલાકી’ને દાદ દઇશું?
  હું અંગતરીતે તો કોઇ પણ સંબંધનું વ્યાપારીકરણ થવા ન દઉં

 5. સુરેશ જાની May 14, 2012 at 12:52 pm

  આને સેલિબ્રેશન કે’વાય …
  http://dhavalrajgeera.wordpress.com/2012/05/13/mothers_da/
  એન્જોય ધ રિયાલિટી !!

 6. Hemal Parmar May 14, 2012 at 3:51 pm

  Khushi na maaira radavi didho……te to, mara vaalllaa…….No words anymore.

 7. dipamzaveri May 14, 2012 at 6:26 pm

  વાત સાચી પરંતુ વર્ષ માં માત્ર એક દિવસ થી જૂની બધી યાદો તો તાજી થઈ જ જાય છે.

 8. abhigam1004 May 15, 2012 at 6:29 am

  so very true.lets try and be worthy of her love.

 9. Vinod R. Patel May 15, 2012 at 1:59 pm

  આપની પોસ્ટ ખુબ ગમી.

  શ્રી યશવંત કડીકરની વાર્તા દિલને સ્પર્શી ગઈ. તેઓએ અને મેં કડીની જાણીતી સંસ્થા સર્વ વિદ્યાલયમાં અભ્યાસ કર્યો છે. તમારો વિચાર એમ કે ‘મા’ એ એક દિવસ માટે નહી પણ સદા યાદ કરવાની બાબત છે. પરંતુ જ્યારે બીજી એક સ્ત્રી જીવનમાં પ્રવેશે છે ત્યારે ઘણાને માટે માં ભુલાઈ જતી હોય છે એનું શું કરવું ?

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! May 15, 2012 at 2:37 pm

   મુ. વિનોદભાઈ, આપે રસપૂર્વક લેખ વાંચ્યો એ બદલ પહેલા તો ખૂબ આભાર.

   હવે આપના સવાલનો નમ્ર ઉત્તર:

   સાહેબ, જીવનમાં ભલેને એક કે અનેક સ્ત્રીઓ પ્રવેશે, પણ જે વ્યક્તિ ‘મા’ નું સ્થાન ઉચ્ચ કોટિએ જાળવી રાખે છે. તેને જગ કોટિ પ્રણામ કરે છે.

   “મા ને રડાવતો નથી ને બૈરીને ડરાવતો નથી એટલે આપડી ગાડી ચાલતી રે’છ શાયેબ! .” – આવું વાક્ય ભારતમાં લાંબી મુસાફરી દરમિયાન એક અભણ ડ્રાઈવર પાસેથી સાંભળી હતી.

   વિનુભાઈ, હવે કોણ કોની કેટલી ભાળ રાખે છે એ તો એના ખુદના સ્વભાવ પર જ આધારિત છે.

   સમજુ તે સમજ્યો…નાસમજુ ના સમજ્યો! 🙂

 10. Vinod R. Patel May 15, 2012 at 2:55 pm

  શ્રી મુર્તઝાભાઈ, આપનો પ્રત્યુતર ગમ્યો.ખાસ કરીને પેલા વતનના ડ્રાઈવરની વાત કે “મા ને રડાવતો નથી ને બૈરીને ડરાવતો નથી” શીરાના કોળિયાની જેમ ગળે ઉતરી ગઈ.

  સામાન્ય માણસ પણ કેવું પાયાનું સત્ય ઉચારતો હોય છે.જેમ કે “માં એ માં બીજા બધા વગડાના વા.”

  મારા બ્લોગની છેલ્લી પોસ્ટમાં મેં મારા પૂજ્ય માતુશ્રીની જીવન ઝરમર રજુ કરી છે એ વાંચી હશે.નીચેની લિંક ઉપર વાંચવા માટે વિનંતી છે. : http://www.vinodvihar75.wordpress.com

 11. dadimanipotli1 May 15, 2012 at 3:55 pm

  આ પશ્ચિમી સંસ્કૃતિના વળગાડમાંથી જાગૃત કરવા/ ઢંઢોરવા નો ખૂબજ સુંદર પ્રયાસ છે…. શા માટે આપણે જાણ્યા -કારયા વિના અનુકરણ કરીએ છીએ ? તેઓ પાસે તો આવા સબંધોને સમજવાનો સમય નથી તે હકીકતને સ્વીકારી અને આ એક દિવસ કદાચ તો મનાવતા હોઈ છે ? પરંતુ આપણે શું કામ ?

  ખૂબજ સુંદર લેખ !

  ધન્યવાદ !

 12. GUJARATPLUS May 16, 2012 at 8:43 pm

  Happy mother’s day.
  let us know the history……
  http://en.wikipedia.org/wiki/Mother's_Day
  http://en.wikipedia.org/wiki/Mother's_Day_(U.S.)

  M – O – T – H – E – R
  “M” is for the million things she gave me,
  “O” means only that she’s growing old,
  “T” is for the tears she shed to save me,
  “H” is for her heart of purest gold;
  “E” is for her eyes, with love-light shining,
  “R” means right, and right she’ll always be,
  Put them all together, they spell
  “MOTHER,”
  A word that means the world to me.
  Howard Johnson (c. 1915)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: