નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

ભાગ-૨ || શું તમે પણ આ રીતે દુનિયા છોડી શકો છો?

Paul Miller- theVerge.com

દોસ્તો, પાછલા સમાચારથી અપડેટ થવા આ પોસ્ટની લિંક મેળવી લેશો. 

૧લી મે ૨૦૧૩ના દિવસે પૌલ મિલર જ્યારે એક વર્ષિય ડિજીટલ-ઉપવાસ કરી (અન)‘રિયલ’ થઇ ઈન્ટરનેટની દુનિયામાં પાછો ફર્યો ત્યારે તેની કંપની વર્જ.કૉમની સાથે વિશ્વના ચંગી અને જંગી બ્લોગ-મીડિયાની ‘એક્ટસી’ નજર પણ તેના પર રહી.

તેના ખુદના જ શબ્દોમાં જ્યારે તેણે એ ૩૬૫ દિવસી ઝિંદગીનું સરવૈયું બયાન કર્યું છે. તે વાંચ્યા પછી મને ખુદને તેના વિશે કેવો પ્રતિભાવ/અપડેટ આપવો તેની મીઠ્ઠી મૂંઝવણ થઇ ગઈ. માટે બીજા જ દિવસે તેની પર લખવાને બદલે આજે એક વિક પછી કાંઈક સૂઝયુ છે.

તેના અપડેટમાં જે શબ્દો તેણે દિલમાંથી લખ્યા છે, તેવું લખવા આપણે તેના દિલમાં ઘૂસી આંગળીઓ વાટે બહાર નીકળવું પડે. છતાં તેના જ ઇન્ટરનેશનલ શબ્દોને નેશનલ ટચ આપવાની કોશિશ કરી છે.

“૩૦મી એપ્રિલ ૨૦૧૨ની રાતે ૧૧:૫૯ કલાકે જ્યારે મેં મારા કોમ્પ્યુટરના પાવરનો, ઈન્ટરનેટ-વાઈ-ફાઈના કેબલનો, ટેલીવિઝનનો, અને મોબાઈલના ચાર્જરનો પ્લગ છૂટો કર્યો, ત્યારે શરીરમાંથી એક લખલખું પસાર થઇ ગયું. કેવી લાઈફ બનશે? કેવા ફેરફારો, કેવો અનુભવ થશે?- લાગે જાણે બધું જ એક સસ્પેન્સ કથાની શરૂઆત….

એક ઊંડો શ્વાસ લઇ ખૂબ શાંતિથી મારા પહેલા દિવસની શરૂઆત થઇ ત્યારે સામે ન તો કોઈ ફોન, ન કોઈ સમાચારો કે ન કોઈ છાપું…માત્ર હું અને મારા મગજનો થોડો બાકી રહેલો ‘શાંત કોલાહલ’ !

કમાણીની ફિકર?- નો વે!…એટલા માટે કે વર્જ.કૉમના મારા બોસે મને ચાલુ પગારે પૂરા વર્ષ દરમિયાન જુના ધરોબાયેલાં સ્વપ્નાં, બાકી રહેલી ઈચ્છાઓ, કામ કરવાની છૂટ સાથે છુટ્ટી પણ આપી દીધી હતી. એટલે ક્રિકેટ-કિટ સાથે આઝાદ-મેદાન પણ મારી પાસે જ હતું એ લોકો તો માત્ર ફિલ્ડીંગ ભરી રહ્યા…

પુસ્તકોના પોટલાએ, કાગળોના કન્ટેનરે, ભૂલાઈ ચૂકેલાં અને પછીથી મળી આવેલા અગણિત સ્વજનો-દોસ્તોએ એક અનોખું પ્રેરકબળ પૂરું પાડ્યું. જેઓને મારી અને મને જેમની જરૂર હતી તે સૌને પહેલી વાર (ને પછી વારંવાર) જાતે મળવાની-જાણવાની-ખોળવાની તકો મળી. વર્ષો સુધી ‘ડમ્બ’ જણાયેલો લેખિત-પત્રવ્યવહાર તો સ્માર્ટ-ફોનની સામે સાચે જ ‘સ્માર્ટ દેખાયો’.

સોસાયટી-કોમ્યુનિટીના હોલમાં મેળાવડા વખતે ‘જુનવાણી’ દેખાતા વડિલોમાં મને જ્ઞાનનો પાવર વધારે દેખાયો. ને જ્યારે કોઈક ખૂબસૂરત માનૂનીએ અદ્રશ્ય થઇ મને પોતાના હાથથી માત્ર એટલો જ મેસેજ મોકલ્યો કે “તે જે કાંઈ કર્યું છે, તે સારું જ કર્યું છે.” ત્યારે એ પત્રએ વારંવાર ‘પાવર-હાઉસ’ની ગરજ સારી છે.

મને સાચે જ એવી અદભૂત લાગણી થઇ છે એક વર્ષમાં હું ખુદ ‘રિયલ’ બની બહાર આવ્યો છું. મેં મારી જાતને મારી સાથે આટલી નિકટ ક્યારેય જોઈ ન હતી. કનેક્ટીવીટીની સાથે ડીસકનેકટેડ થયેલો હોવા છતાં ખુદની સાથે ‘કનેક્શન’ ફરી વાર એવું સ્થપાયું છે કે હવે માત્ર ‘એ લઇ લેવું, તે લઇ લેવું’ કરવા કરતા આપી દેવામાં વધારે ખુશીઓ મળે છે.  

હાથમાં પ્રિન્ટેડ નકશો લઇ સાયકલ પર અજાણી જગ્યાઓએ એકલો ભમી આવ્યો. જેનાથી નાકે ધૂળ ઉડાડતી ‘ફ્રીસ્બી’ ડીશ રમી આવ્યો, હોમરની ‘The Odyssey’ ના ૧૦૦ પાનાં એક સાથે વાંચી આવ્યો. Les Miserables નાટક જોયા પછી આંખો બંધ કરી રડી આવ્યો. pભાડે રાખેલા પોસ્ટ-બોક્સમાં આવતાં દોસ્તોના, વાંચકોના પત્રો વાંચી દિલ ખોલી હસી આવ્યો. અને હવે જાતને એવી પ્રાર્થના પણ કરું છું કે આ બધું જ સમયાંતરે ચાલુ રહે…

ઓફકોર્સ, એક પણ દોસ્ત ન હોવો એ કરતા ફેસબૂક દોસ્તની પણ એટલી જ જરૂરીયાત લાગી છે, પળવારમાં હજારોને મન:સ્થિતિનો મેસેજ મોકલી શકતું ટ્વિટર ખૂબ મીસ કર્યું છે. ઘણું અગત્ય લાગતું કામ SMS થકી જલ્દી પૂરું થઇ શક્યું હોત જેની ખોટ ખૂબ રહી છે. પણ હવે લાગે છે કે…આ બધી જ સગવડોનું રિમોટ-કંટ્રોલ આપણા ખુદના હાથમાં જ છે. બસ જરૂરીયાત મુજબ તેનો ઉપયોગ કરાય તો સફળતાનું ટોનિક તમારી સામે હાજર થાય.

મારી પાંચ વર્ષની ભાણી કેઝીયાને છેલ્લાં દિવસે સવાલ કર્યો. કે “તારા મતે ‘ઈન્ટરનેટ એટલે શું?”- ત્યારે અવાચક નજરે તે મારી સામે જોઈ રહી. પછી કોમ્પ્યુટર પર રહેલા ‘સ્કાઈપ’ નામના પ્રોગ્રામને આંગળી ચીંધી ઓળખી બતાવ્યું ત્યારે થયું કે એની માસૂમ દુનિયા હજુ આટલી જ ‘વિશાળ’ હતી. પછી આગળ પૂછ્યું કે “તો પછી તું આટલાં વખતથી મારી સાથે વાતો કેમ કરતી ન હતી?” ત્યારે તેના ‘ટંગી’ જવાબ પર મારા આંસુઓ પડી રહ્યા હતાં:

“મામા ! મને લાગ્યું છે કે તમને જ મારી સાથે વાત કરવાનો સમય અને રસ નહિ હોય.”

એટલે હવે આજે (ગયેલી નહિ) પણ સાચે જ મળી આવેલી ખુશીઓ વહેંચવાની આદત ટકાવી રહ્યો છું…..તમારા સૌના સાથ-સહકારથી…”  

મિલરી મોરલો: “જે ત્યજી શકે છે તે વધારે મેળવે છે.”

(મૂળ લેખ અંગ્રેજીમાં વાંચવા આ લિંક પર આવશો: http://bit.ly/10smvtX )

11 responses to “ભાગ-૨ || શું તમે પણ આ રીતે દુનિયા છોડી શકો છો?

 1. Pingback: શું તમે પણ આ રીતે દુનિયા છોડી શકો?!?!?! | નાઇલને કિનારેથી....

 2. jagdish48 May 8, 2013 at 4:02 am

  …આ બધી જ સગવડોનું રિમોટ-કંટ્રોલ આપણા ખુદના હાથમાં જ છે. બસ જરૂરીયાત મુજબ તેનો ઉપયોગ કરાય તો સફળતાનું ટોનિક તમારી સામે હાજર થાય….
  બસ ! રીમોટ કન્ટ્રોલ ‘મારું છે’ એ ભાવના જ જીંદગીની શાંતિથી દુર રાખે છે.

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! May 8, 2013 at 3:31 pm

   દાદા, એ વાત પણ છે જ. તોયે રિમોટ કંટ્રોલને વાપરીને દૂર રાખવું એ પણ એક મનોબળની કસોટી જ છે. જેઓ સમજે છે તે આમ કરી જ રહ્યા છે.

   • jagdish48 May 9, 2013 at 3:01 am

    માર્કેટીગનો માણસ છે. વધારે માણસો સમજે એવા તુક્કાઓ શોધી કાઢ ! હું ભેજાફોડી તો કરું છું, પણ માર્કેટીંગનો માણસનથી.

 3. Devika Dhruva May 8, 2013 at 2:12 pm

  Just amazing….મને લાગે છે કે આ જાતનો અનુભવ પ્રત્યેક માનવીએ એક વખત તો જીવનમાં કરવા જેવો છે. યાદ કરો એ જીવન જ્યારે કોઇ પણ પ્રકારના સાધનો (ફોન,,ટીવી,કોમ્પ્યુટર વગેરે ) ઉપલબ્ધ નહતા અને ક્યાં આજની આ યાંત્રિક પરવશતા !! પ્રગતિની સાથે સાથે માનવી અજાણપણે ખુદ ગુલામ બનતો જાય છે. આ ડીજીટલ ઉપવાસવાળી વાત ખુબ ગમી.

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! May 8, 2013 at 3:30 pm

   દેવિકાબેન, પ્રથમ તો લેખ અને કોમેન્ટ આપવા બદલ આપનો ખૂબ આભાર.

   આપની વાત સાથે સહમત. પૌલ મિલરે પણ એક ઘડીએ એમ વિચાર્યું કે…શું આ સાધનો જ બધું છે? કે એ પાછળની ઘેલછા એ જોવા માટે જ આ પ્રયોગ અજમાવ્યો. જેમાં એને આ સાધનો કરતા જીવનની સાધના વધારે અગત્યની લાગી.

   આવતા રહેશો.

 4. ASHOK M VAISHNAV May 12, 2013 at 5:05 am

  કોઇ પણ વસ્તુ , વિચાર કે ટેવ વિના રહેવાની ટેવ પાડવી એ એક અનોખો પ્રયોગ તો છે જ.
  જો કે, એક વર્ગ એવો પણ છે જે એમ માને છે કે જીંદગીની મોજ માણવા માટે જે કંઇ કરવું પડે તે બધું જ કરવામાં છોછ ન રાખવો, હા , માત્ર તેને વશ ન થ ઇ જવું.
  “ઘટતી જતી તુષ્ટતાનો નિયમ / Law of diminishing Returns” જેમ બહુ જ પસંગીની [તથા કથિત] કુટેવોને (કદાચ) લાગુ નથી પડ્તો, તેમ ‘સુ’ટેવોને પણ લાગુ નથી પડતો. – આ પણ એક બહુ ચર્ચિત અભિપ્રાય જ છે.
  હા, માણસ વૈવિધ્ય પસંદ કરતું પ્રાણી છે, એટલે ‘કુ’ અને ‘સુ’ટેવો -કે અલગ અલગ ‘કુ’ ટેવો કે ‘સુ’ટેવોની – વચ્ચે આવનજાવન કરતા રહેવું તે પણ કરવા જેવો પ્રયોગ છે.
  આખરે તો વાત આવીને ઊભી રહે છે આપણા ‘સગવડ ક્ષેત્ર/ Comfort Zone’ની આપણી ટેવ/આદત પર. જો આપણને તેનું બહુ જ વળગણ હોય, તો આપણે કોઇ જ ફેરફાર નહીં સ્વીકારીએ.
  અહિં શું સારૂં કે શું ખરાબ [ what ought to be or not ought to be] એવું કહેવાનો પણ આશય નથી, તે દરેકનો વ્યક્તિગત મામલો છે.

 5. ushapatel June 8, 2013 at 7:35 pm

  આભાર સુજ્ઞભાઈ, ઘણી વખત એવો વિચાર આવે છે કે બધું એક્દમ જ અચાનક જ ઠપ્પ થઈ જાય! આ નેટવર્ક, આ ફેસબુકની દુનિયા અને કોમ્પ્યુટર ચલાવવા જરૂરી એવા પાસવર્ડો ભૂલાઈ જાય..કેડમાં છોકરું ને ગામમાં શોધવા જેવું ના થઈ જાય એ માટે “તેન ત્યક્તેન ભુંજી થા” આ એક નવલખો હાર આપણા ગળામાં જ પડેલો છે છતાં એને બહાર શોધવા માટે આપણે ફાંફા મારી રહ્યા છીએ…આપણી રચેલી માયાજાળમાં જીવરૂપી કરોળિયો એવો તો ફસાઈ જાય છે કે જ્યારે તેને તે હકીકતની ખબર પડે છે ત્યારે જીવનનું અંતિમ ચરણ કદાચ ચાલતું હોય એવું પણ બને. માટે સમયાંતરે આપણી અંદરની પરમાત્મા સાથે પરમમિત્રની સાથે વાતચીત કરવાનો મોકો મેળવવા બહારની દુનિયા સાથે નાતો એક્વાર મનથી છોડીને જ અનુભવી શકાય. એવું ઉપર મુજબની ઘટના ઘટે ત્યારે સ્વાભાવિક છે એવું લાગે. આભાર આપનો.

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! June 8, 2013 at 8:51 pm

   ઉષાબેન, સૌ પ્રથમ તો આપે સમય લઇને ફીડબેક આપ્યો છે તે બદલ આપનો ખૂબ આભાર. આપની વાત સાથે સંપૂણ સહમત છું બેન. ડિજીટલ ઝિંદગી છોડવી-અપનાવવી શરૂઆતમાં થોડીક અઘરી લાગે છે. પણ મનોબળ મજબૂત હોય છે તો…પરિસ્થિતિ જલ્દીથી હેન્ડલ થઇ શકે છે. પૌલે આ બાબતને સાબિત કરી આપી છે. જો કે એ સિવાય ઘણાં એવા લોકો હશે જેમણે પણ આ રીતે પણ પ્રયોગ કર્યો જ હશે.

   આવતા રહેશો….વાંચતા રહેશો. 🙂

 6. ushapatel June 8, 2013 at 7:39 pm

  Reblogged this on My Blog and commented:
  આભાર સુજ્ઞભાઈ, ઘણી વખત એવો વિચાર આવે છે કે બધું એક્દમ જ અચાનક જ ઠપ્પ થઈ જાય! આ નેટવર્ક, આ ફેસબુકની દુનિયા અને કોમ્પ્યુટર ચલાવવા જરૂરી એવા પાસવર્ડો ભૂલાઈ જાય..કેડમાં છોકરું ને ગામમાં શોધવા જેવું ના થઈ જાય એ માટે “તેન ત્યક્તેન ભુંજી થા” આ એક નવલખો હાર આપણા ગળામાં જ પડેલો છે છતાં એને બહાર શોધવા માટે આપણે ફાંફા મારી રહ્યા છીએ…આપણી રચેલી માયાજાળમાં જીવરૂપી કરોળિયો એવો તો ફસાઈ જાય છે કે જ્યારે તેને તે હકીકતની ખબર પડે છે ત્યારે જીવનનું અંતિમ ચરણ કદાચ ચાલતું હોય એવું પણ બને. માટે સમયાંતરે આપણી અંદરની પરમાત્મા સાથે પરમમિત્રની સાથે વાતચીત કરવાનો મોકો મેળવવા બહારની દુનિયા સાથે નાતો એક્વાર મનથી છોડીને જ અનુભવી શકાય. એવું ઉપર મુજબની ઘટના ઘટે ત્યારે સ્વાભાવિક છે એવું લાગે. આભાર આપનો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: