નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: અવતરણો

૧૦ બાબતો માટે ‘Thank You’ કહેવું ગમશે….

2-hands-Love

આમ તો વારંવાર ‘અલ-હમ્દુલિલ્લાહ’ બોલતા રહેવાની આદત છે એટલે દરરોજ Thanks Giving Day‘ ઉજવાઈ જાય છે. પણ આજે થયું કે…દુનિયાકે સાથભી ચલ શકતે હૈ તો…ચલે !!! તો પેશ-એ-ખિદમત…..

આ ૧૦ બાબતો (મારા ખુદાને, ને પછી ખુદને) માટે ‘Thank You’ કહેવું ગમશે….

1. ‘પેલ્લામાં પેલ્લું’…..મા-બાપજીએ મને માણસ તરીકે પેદા કરાવ્યો….Thank GOD!

2. આ ખુદને અને ખુદાને સમજવા માટે ‘સમજણ’ આપી.

3. એ સમજણને રાખવા માટે મસ્ત મજ્જાનું જમણ આપ્યું.

4. જમણની સાથે આખા બોડીને ખુલ્લું ફેલાવી શકું એટલી જગ્યાવાળું, હવા-ઉજાશવાળું ઘર આપ્યું.

5. ઘરમાં પણ ‘બિન્દાસ્ત રીતે નાડુ ઢીલ્લું રાખી રહી શકું એવાં લેંઘા-ઝભ્ભા અને ચેઈન-રિએક્શનવાળી પેન્ટ-શર્ટ જેવાં પોશાક બોનસમાં મળ્યા.

6. આ બધું એકલા-એકલા ‘ઉજવી’ને બોર ન થઇ જાઉ એટલા માટે સોજ્જા સગાં-વ્હાલાં આપ્યા. અને એમાંય મેગા-બોનસ પેક અને મેઇડ-ઇન-મોમેન્ટ્સ જેવાં મજ્જેદાર મિત્રો મળ્યા.(આમાં બૈરી, બચ્ચાં, બૂન બધ્ધા આવી ગ્યા)

7. નવી-નવી ટેકનોલોજી સાથે હાથ મિલાવી શકીએ એ માટેનું મન-મગજ અને મિજાજ મળ્યા.

8. નંબર-૭માં રહેલાં અઢળક પોઈન્ટ્સને સમજી તેને ‘એક્સપ્રેસ’ કરવા માટે લખવા-વાંચવા, જોવાં-સાંભળવાની સ્કિલ્સ આપી.

9. નંબર-૮ને વિકસાવવા માટેના વિવિધ હાર્ડવેર-સોફ્ટવેર અને પ્લેટફોર્મ્સ મળ્યાં. (એ પણ ‘ઓટો-અપડેટ’ની સુવિધા સાથે)

10. વાહ !!…વાઉ !!! માત્ર ૧૦ પોઈન્ટ્સમાં ‘Thank You’ કહી શકું એટલી વાઈબ્રન્ટ મોમેન્ટ્સ પણ આપી…..

Oh! My GOD! LOVE YOU !!!

મહેરબાની મોરલો:

” ચહેકતા આંગન, મહેકતા ધંધા,
ઔર ક્યા માંગે અલ્લાહકા બંદા !”

તો સમજવું કે આપણે ‘નારી દિવસ’ દરરોજ ઉજવવા લાયક ‘નર’ છીએ…

વય કોઈપણ હોય….

=> જો આપણે મા ના ખોળામાં હજુયે બેધડક માથું મૂકી સુઈ શકતા હોઈએ…

=> જો બેનનાં કપાળે બેખૌફ ચુમ્મી આપી શકતા હોઈએ …

=> જો પત્નીની કમરમાં (એ પણ બાળકોની હાજરીમાં) બેશર્મ બની હાથ ભેરવી, ગાલે પપ્પી ભરી ‘ચાલ જલ્દી મળીયે’ કહી કામ પર જઈ શકતા હોઈએ …

=> જો દિકરીના ખભા પર હાથ મૂકી બિન્દાસ્ત ‘વોક સાથે ટોક’ કરવા જઈ શકીએ …

=> કે પછી ગર્લ-ફ્રેન્ડની હથેળી પકડી તેની હોઠવાળી વાત સમજી શકતા હોઈએ …

તો સમજવું કે….આપણે ‘નારી દિવસ’ દરરોજ ઉજવવા લાયક ‘નર’ છીએ.

(- મુર્તઝાચાર્યનાં મૂક સંદેશામાંથી.)

‘મૂડ’ અને ‘મૂળ’ જાણ્યા વિના ‘મડ’ ઉછાળનાર, એટલે……

Mud Throw

ભારતમાં હોળી કે દિવાળી ભલેને રાષ્ટ્રીય ઉત્સવો હોય, પણ રાજકીય તો એક જ… – કિચડફેંક.

બારેમાસ ઉજવતા આ તહેવારમાં કુટુંબના રાજ-સભ્યોથી લઇ પાર્લામેન્ટનાં દરેક (અ)સભ્યો આવી જાય. જેઓ ભરપૂર ઉત્સાહ અને જોશ ખરોશ સાથે એક-બીજાં પર કિચડફેંકવામાં કાયમી ધોરણે તત્પર રહે છે.

 • કશુંયે ન બોલો તો પણ…કિચડ ફેંકાય.
 • કાંઈક પ્રોડકટિવ બોલો તો પણ..કિચડ તો ફેંકાય.
 • કાંઈક જુના આઈડિયાને ડેવેલોપ કરવા પ્લાન કર્યું હોય તો પણ…કિચડ !
 • કોઈક નવા પ્રોજેક્ટની પાછળ કમાવવાની સારી નિયત રાખી હોય તો પણ…કિચડ !

ખાસ કરીને કિચડ એવા લોકો પર જ ફેંકવામાં આવે છે જેઓએ કાંઈક સારું કર્યું હોય છે. એટલે જ આ તહેવાર એન્ટિક નહિ પણ ‘એન્ટિ’ફોર્સનાં નિયમ પર ચાલે છે.

 • કંપનીના ચીફે તો આ રીતે જ મેનેજમેન્ટ રચવું…નહિ તો ફેંકો કંપની…કિચડમાં !
 • દેશનાં નેતા કે અભિનેતા તો અમારી ઈચ્છા મુજબ જ ચાલવા-બોલવા જોઈએ…નહિતર કિચડ !
 • સંતે તો અમને જે સાંભળવું ગમે એવી જ કથા કરવી જોઈએ…નહિ તો જાય કથા…કિચડમાં !
 • પ્રિન્સીપાલે તો વાલીઓનાં ‘પ્રિન્સીપલ્સ’ પર જ સ્કૂલ ચલાવવી…નહિતર ભણતર જાય કિચડમાં !

હાળું આ દેશ છે કે…કિચડસ્તાન ?!?!?!

અલ્યા ભાઈ….આપણી ઈચ્છા મુજબ જ આ બધું ચાલતું હોત તો…આજે ઈશ્વર છે? એવું કન્ફયુઝન કે ક્વોશચન થાત ?

આ તો સારું છે કે…આવી માથાભારે મૂંઝવણોનાં મડ-ફેંક મૂડ દરમિયાન એક નાનકડું માસૂમ બાળક પાસે આવી ગાલ પર કીચડને બદલે ‘કિસ’ લગાવી જાય છે, ત્યારે લાગે કે…..વાહ ! આવાં કિચડમાં પણ હજુએ લોટ્સ ઓફ લોટસ ખીલતાં તો રહે છે જ.

તો મૂકો ને પંચાત. ઉનકા કામ એહલે-એ-કિચડ જાને. હમારા કામ તો હૈ…ઉસમેં ભી કમલ સા ખીલ જાના.

‘હોલી’ પંચ:

‘મૂડ’ અને ‘મૂળ’ જાણ્યા વિના ‘મડ’ ઉછાળનારને ‘મેડ’ સમજવો?

આવાં તારણો સાચે જ તારણહાર બનતા હોય છે…

તારણ એમ આવ્યું છે કે વધુ ભાગે ‘એ’ લોકો…

=>1. તેમનું ‘To Do List’ દૈનિક ધોરણે મેઈન્ટેઇન કરી તેના પર અમલ કરે છે.

=>2. વહેલી સવારે (એલાર્મ ક્લોક જગાડે એ પહેલા) જાગી જાય છે.

=>3. જ્યારે કારમાં હોય ત્યારે (ટ્રાફિક દરમિયાન) તેમનો સમય મોટીવેટ કરે એવા પુસ્તકો સાંભળવામાં કરે છે.

=>4. દરરોજ રાતે સુતા પહેલા ‘આજે કાંઈક નવું શીખ્યું?’ એ મુદ્દો પુરો કરી ને જંપે છે.

=>5. દરરોજ અડધો કલાક પરસેવો પડે એવી કસરત કરે છે.

=>6. દરરોજ લગભગ ૨-૩ કલાકનો સમય ખાસ વાંચન માટે કાઢે છે.

=>7. દર અઠવાડિયે તેમના નેટવર્કિંગ થકી પાંચ નવાં દોસ્તો બનાવે છે.

=>8. વધું ભાગે જંકફૂડ અને ટીવીથી દૂર રહી બચતા રહે છે.

=>9. બાળકો સાથે રમવા કે તેમના ઉછેર માટે વધુ સમય ગાળે છે. (પત્ની/ગર્લ-ફ્રેન્ડ માટે કેટલો?- એનું તારણ બહાર આવ્યું નથી.)

=>10. પહેલા ‘આપવા લાયક’ પૂરતું કમાઈ લીધા પછી વધારે ‘આપતા રહેવું’ એવું એમનું મિશન હોય છે.

આ એ જ બિલિયોનર્સ લોકો છે જેઓ વિશ્વની ઇકોનોમી પર રાજ કરે છે. એ લોકો એટલે જ…‘A’ કેટેગરીમાં રહેતા હોય છે.

……………આવાં તારણો….સાચે જ તારણહાર બનીને આવતા હોય છે.

..તો સમજી લેવું કે તમને…

click_mouse

.

•  જો તમને (કોમ્પ્યુટર સિવાયના) આસપાસના વાતાવરણમાંથી ‘નોટીફિકેશન ટોન’ જેવો અવાજ સંભળાય અને તમે તુરંત તમારો મોબાઈલ/ ઈમેઈલ ચેક કરો તો…

•  જો તમારું માઉસ-કિબોર્ડ કે મોનિટર સ્ક્રિનને કોઈ ‘આંગળી’ પણ કરે અને તમે હાથ ઉગામી દો. (પછી ભલેને તમારી ઘરવાળી હોય કે ‘બાર’વાળી) તો…

•  જો તમને કોઈ કાંઈ પણ સવાલ કરે કે પછી શોધવું હોય તો તેનો જવાબ શોધવા ગૂગલદાસ બાપુને શરણે જાઓ…(ભલેને એ તમારા ચડ્ડી-રૂમાલ પણ હોય)

•  જો તમે ચેટિંગમાં દિલથી લખવાને બદલે સૌથી વધુ ઉપયોગ માત્ર ‘સ્માઇલી કે ઈમોટીકોન’નો કરો તો…

•  જો તમારા મમ્મીને (કે બૈરાને) તમે બીજા રૂમમાંથી ‘હે હા જમવા આવું છું…’ એવો મેસેજ પણ ફેસબૂકથી કે વોટ્સએપથી આપો તો…

•  જો (વાઈફ સાથેનું કનેક્શન ભલે ખુલ્લું હોય પણ) Wi-Fi નું કનેક્શન થોડી સેકન્ડ્સ માટે પણ બંધ થઇ જાય અને તમને વાઈ જેવું કાંઈક આવી જાય તો…

•  જો તમે ક્યાંક પણ જવાનું પ્લાનિંગ કરો પણ શરૂઆત ‘તીયાં Wi-Fi નું કનેક્શન છે કે ની’ થી કરો તો…

•  જો તમને મોનિટરનું બ્લેક સ્ક્રિન જોઈને થોડી સેકન્ડ્સ માટે ધ્રાસ્કો પડે તો…

…તો સમજી લેવું કે તમને ઓનલાઈન-વાઈરલ ઇન્ફેક્શન થયું છે.

(હવે એનું મેડિકેશન ઓનલાઈન સર્ચથી કરવા કરતા નજીકમાં નજીક રહેલા કુટુંબીજનો સાથે ફેસ ટુ ફેસ સમય ગાળી કરવો. મજ્જાઆઆઆઆની લાઈફ !)

એમના દ્વારા એવું કહેવાય છે કે…

.

•~> ગોકળગાય ત્રણ વર્ષ સુધી સતત ઉંઘ ખેંચી શકે છે. (આપણે ત્યાં કોલેજના પણ ‘તૈણ’ વરસ જ હોય છે ને?)

•~> જાપાનમાં બનતા ૯૫% મોબાઈલ ફોન્સ ‘વોટરપ્રૂફ’ હોય છે. (આમેય જાપાનીઓ પણ ‘વોટરપ્રૂફ’ જીવન વધારે જીવે છે.)

•~> આ પૃથ્વી પર ઈ.સ.૧૮૦૦ની આસપાસ જન્મેલા (ઓફિસીયલી) માત્ર ૧૪ વ્યક્તિઓ જ હયાત છે. (એ જાણવું પડશે કે આ લોકો ‘જીવતા’ કઈ રીતે હશે?)

•~> ડિઝનીલેન્ડને માત્ર કલરફૂલ રાખવા તેના કારીગરો આખા વર્ષ દરમિયાન લગભગ ૨૦,૦૦૦ લીટર રંગ વાપરે છે. (રંગ છે ડિઝની..તને!)

•~> આ અમારા ગામમાં આવેલા પિરામીડ્સનો અસલ રંગ સુઘડ સફેદ હતો. (જુવો ખરી કે આ સમય પણ ભલભલાને ‘ખાકી’ કરી નાખે છે. ખૈર, ઈંટ ‘કેરો’ રંગ લાગ્યો લ્યા ઈજીપ્ત)

•~> વિશ્વયુદ્ધ-૨ દરમિયાન ચીનાઓ ધડાકેદાર કેમિકલ્સનો ઉપયોગ પાન-કેક અથવા તો મફીન્સમાં ખાવા માટે ભરી રાખતા અને જે વધે તેને ધડાકાઓ કરવામાં કરતા. (હ્મ્મ્મ્મ્મ્મ હવે સમજ પડી કે….ચીનાઓને ‘ચાઈનીઝ’ અને ભારતીયોને ભારત’વાસી’ કેમ બોલાય છે!!!!!)

•~> સવારે જાગીએ ત્યારે ઉઠવાની પાંચ મિનીટમાં જ ૫૦% સપનું ભૂલાઈ જાય છે. અને પછીની ૧૦ મિનીટ થોડી રાહ જોવામાં આવે તો એને યાદ કરવામાં ૯૦% સપનું ગાયબ જ થઇ જાય છે. (તો એનો અર્થ એમ જ થયો કે આપણું સપનું સાકાર કરવા વધુ ભાગે ‘ઊંઘતા રહેવું’?!?!?!?!)

ચાલો ભ’ઈ….કોણ કોણ ‘હવડે જાઈગું’ છે?

લેખ, લેખન અને લેખક…

Hand_Pen

.

•=) “તમને જ્યાંથી પણ આઈડિયા મળી આવે એવી જગ્યાએ વારંવાર જવું. ભલેને પછી એ માટે વહેલી સવારમાં વોકિંગ કરવા બહાર જવું પડે કે સાંજે બહારથી આવી બાથરૂમમાં શાવર લેવો પડે.”

•=) “કોઈ વિષય/વસ્તુ પર નિબંધ લખતા આવડે છે? – સારું. પણ જો એમાંય કોઈક વાર્તા રચતા આવડે તો તો….. મજ્જાની લાઈફ !”

•=) “વાંચક જેટલાં સવાલો કરે એટલું સારું. કારણકે સારા સવાલોનો જવાબ તો સૌને આવડતા હોય છે.”

•=) “જેના લખાણ દ્વારા વાંચક મૂર્ખ બની ગયાનો અનુભવ મેળવે, તેવા લેખકને પણ એવો જ ગણવો.”

•=) “તમારી અંદર રહેલો અવાજ, એ જ તમારું લખાણ.”

•=) “કેટલાં શબ્દો લખાયા, એ કરતા એમાં શું લખાયું એ લખતા આવડી જાય પછી લખાણની ચિંતા બહુ ઓછી રહે.”

•=) “કોઈ બાબતમાં ઝટકો આપી શકાય એવો કોઈ આઈડિયા તમને આવે ત્યારે…તેને સાચે જ કોઈ ઝટાકેદાર અસર કઈ રીતે આપવી તે વિશે પહેલા ૩૬૦ના ખૂણે વિચાર કરવો.”

•=) લખવાની શરૂઆત ત્યારે જ કરવી, જ્યારે સાચે જ કાંઈક લખવા જેવું લાગે. નહીંતર ચુપ રહેવું.

•=) “જ્યાંથી પણ કાંઈક નવું જાણવા કે માણવા મળ્યું હોય તેનો ઉલ્લેખ લેખમાં થાય તો શબ્દો/ વાત લેખે લાગે.”

(Ref: તરવરિયા બ્લોગર જેફરી બૂલ્લાઝના બ્લોગ jeffbullas.com પરથી…દેશી ભાષામાં.)

ચોંકાવનારા (અને ચમકનારી) ઈન્ટરનેટની કેટલીક અવનવી ખબરો….

 કહેવાય છે કે…

•=) યુ.એસ.એ.માં લગભગ ૨૫૦ મિલિયન ઈન્ટરનેટ યુઝર્સ છે. જ્યારે ચાઈનામાં તેના ‘ડબ્બલ કરતા બી વધારે’ પોણા-છસ્સો યુઝર્સ છે.

•=) ભલેને ફેસબૂક પર આખી દુનિયામાંથી ૧.૧૧ બિલિયન યુઝર્સ હોય છતાં તે ચાઈનામાં પ્રવેશી શક્યું નથી. કેમ કે ત્યાં એ ‘બેન્ડ’ થયેલું છે.

•=) હવે તમે એમ ધારતા હોય કે…એમેઝોન.કૉમ દુનિયાની સૌથી મોટી અબજોનો વેપલો કરતી ઈ-કોમર્સ સાઈટ છે. તો જરા એટલું જાણી લો કે તે હજુયે ખાંડ ખાય છે. કેમ કે અલીબાબા.કૉમ એ એમેઝોન.કૉમ અને ઈ-બે.કૉમના ટોટલ કરતા આગળ છે.

•=) ૨૦૧૫ સુધીમાં જ કદાચ ડેસ્કટોપ કોમ્પ્યુટરનું સ્થાન ટેબ્લેટ કોમ્પ્યુટર લઇ લેશે. કારણકે…..જગ્યા અને સાધનની જુગલબંધીની સહુલીયત એમાંથી મળી ગઈ છે.

•=) અલ્યા એય ફેસબૂક ! તું ભલેને દરરોજ ૩૦૦ મિલિયન જેટલાં ફોટોગ્રાફ્સ અહીં ઠાલવે જાય છે. પણ તારી પાછળ તારું માર્કેટ કબજે કરવા સ્નેપચેટ.કૉમ અને પિંટરેસ્ટ.કૉમ નામના બે નાનકડાં બાળ રાક્ષસો ખૂબ ઝડપથી મોટા થઇ રહ્યા છે. સાવધાન !

•=) ગૂગલ અર્થ (કે મેપ)ના ફોટોગ્રાફ્સ તૈયાર કરવામાં તેનો સ્ટાફ જેટલું ચાલ્યા કે દોડયા છે કે પૃથ્વીથી ચાંદ સુધી લગભગ ૧૦ વાર આંટાફેરા મારી શકાય. (અને આપણે આરામથી માત્ર માઉસ ફેરવ્યા કરીએ છીએ)

•=) એ તો જગજાહેર થઇ ગયું છે કે…યુ-ટ્યુબ પર અત્યારે એક વર્ષમાં એટલો વિડીયો અપલોડ થઇ રહ્યો છે કે જો હોલીવૂડને તેનો ઉપયોગ કરી એક લાંબી ફિલ્મ તૈયાર કરવી હોય તો માઆઆઆઆત્ર ૪૩,૦૦૦ વર્ષ જ લાગે. (ને ત્યાં સુધીમાં તો બીજાં કેટલાં વર્ષનું બીજું નવું ભાથું બંધાઈ ગયું હોય?!?!?!?)

તો દોસ્તો, હવે તમે જ પૂછશો કે…”આમાં આપણા કેટલાં ટકા?” – તો સાહેબ જણાવી દઉં કે…આ ટેકનોલોજીને ધક્કો મારવામાં ૨૮%થી પણ વધું એવા ભારતીયોનો ‘પાછળથી’ ફાળો રહ્યો છે.

– જય (બહાર) ભારત !

‘ગુરુ’ની મળી આવેલી કેટલીક ‘મંગળ’મય બાબતો…

સાચો ગુરુ….

•=> ફ્રેન્ડલી હોય પણ ગૂગલ-ફ્રેન્ડલી નહિ (જે માત્ર માહિતી વેચે). એ તો જ્ઞાન વહેંચતો રહે છે, એ પણ સ્વની જાહેરાત કર્યા વિના…

•=> કોઈ પણ ‘ચાર્જ’ લીધાં વિના તેના શિષ્યોનું તન-મન-મગજનું ‘ચાર્જિંગ’ કરે છે. સવાલોના ‘ઉત્તર’ આપી ‘દક્ષિણા’ ન લેવી એ તેનું કામ…

•=> તેની પાસે આવતા દરેકને……એ શિષ્ય તરીકે ન પણ સ્વીકારે. એ તો તેની ‘એન્ટ્રન્સ ટેસ્ટ’ લે. એમને લાગે કે આવનાર કાચો હીરો છે, પછી તેને ઘસતો રહી ચમકાવતો રહે છે…

•=> પોતાની વાત ‘તું’થી કરે. પછી આપણામાં રહેલો સાચો ‘હું’ જગાડી બહાર કાઢે…

•=> ક્યાંય પણ રહી શકે. ટકી શકે. ટકાવી શકે છે…

•=> ખુદ અને ખુદા વચ્ચે ‘પુલ’નું કામ કરતો રહે છે…

•=> જલ્દી મળતો નથી. મેળવવો પડે છે. તેની ખોજ કરવી પડે છે…

(#‎પટેલપોથીમાંથી‬)

રમઝાની માહોલની કેટલીક મઝાની વાતો..

Ramzan Mubarak_Ramadan_Greetings

શારીરિક રીતે એ મારા ૯૦ વર્ષિય દેશી-પડોશી-દોસ્ત છે. પણ માનસિક રીતે હજુયે ટીન-એજમાં વસે છે.

એમના અનુભવોની ઘણી વાતો તેમણે મનમાં અને ડાયરીમાં વર્ષોથી સાચવી રાખી છે. જે મારી સાથે અવારનવાર શેર પણ કરતા રહે છે. હવે જ્યારે માહોલ ‘રમઝાની’ હોય ત્યારે એમની પાસેથી મળી આવતી કેટલીક વાત આવી ‘મઝાની’ પણ હોય છે….

•= ઝિંદગી બેવફા હોઈ શકે, છતાં પણ જીવનને માણતા રહેવું વફાદારીનું કામ છે.

•= જ્યારે કોઈ બાબતે શંકા થાય ત્યારે, અટકી જવા કરતા સૌથી નજીકનું પગલું પણ ભરવું તો ખરૂ જ.

•= જ્યારે તમે માંદા પડો ત્યારે તમારી જોબ સંભાળ નહિ રાખે. પણ તમારું કુટુંબ અને દોસ્તો મદદે આવશે.

•= ઉગ્ર ચર્ચામાં પડો ત્યારે ખોટી દલીલબાજીથી દૂર રહેવું. અને દિલમાં જે સચ્ચાઈ હોય તે રાખી મુકવી.

•= રડવું આવે ત્યારે એકલા રડવા કરતા કોઈકના ખભાનો સહારો લેવો.

•= જ્યારે ખુદની ઉપર સખત ગુસ્સો આવે ત્યારે ખુદાને પણ ઠપકારી દેવો. એ તમારી વાત સાંભળીને પછી તમને સંભાળી લેશે.

•= જે વસ્તુની જરૂરીયાત વારંવાર રહેતી હોય તેને સાચવતા રહેવું.

•= જે વસ્તુને વાપરવાની જરૂરત ન જ પડે તે ક્યારે ન ખરીદવી.

•= જેમને સાચે જ જીવવું છે તેમના માટે ઝિંદગી બહુ ટૂંકી છે. માટે દુઃખ પણ આનંદ સાથે ભોગવવું.

(દોસ્તો, આવી હજુ કેટલીયે વાતો છે જે આવનારા દિવસોમાં ફરી વાર….) ત્યાં સુધી ખુશ રહીએ…આબાદ રહીએ.

મોટિવેશનનો ડોઝ !…એક નાનકડી વાતથી.

આદમ ગ્રાન્ટ સાયકોલોજીસ્ટ છે. અને એ પણ ગૂગલનો. જેનું મુખ્ય કામ ત્યાંના એમ્પ્લોઇઝને સમયાંતરે મોટિવેશનનો ડોઝ આપતા રહેવાનું છે.

(બરોબર જ છે, જે દુનિયાની સૌથી પાવરફૂલ ટેકનોલોજીને પકડી ચાલતા હોય તેમને માઈન્ડનો પાવર મેળવવા સુપરબ્રેઈનને એક્ટિવ રાખવું જ પડે ને દોસ્તો!) –

ખૈર, તેના તાજેતરના એક લેખમાં તેણે મોટિવેશન મેળવવાની એક સીધી અને સરળ વાત સમજાવી.:

|| “જે કામ કરતી વખતે તમને લાગે કે આ કામથી તમને આત્મ-સંતોષ મળવાનો છે અને બીજાં લોકોને ફાયદારૂપ થવાનું છે. બસ એ કરતા જાઓ…ચાલુ જ રાખો. પછી ભલેને કોઈ આવીને ગમે તેટલી ચાવીઓ ચડાવી જાય.” ||

આ મને ગમ્યું. તેના અનુભવ અનુસાર પોતાના કામથી બીજાંને ઉપયોગી થવું એ આપણી પ્રોડકટીવિટીને ઘટાડવાને બદલે ઉલટું વધારે છે.

મળી આવેલા કેટલાંક ચકલાંચૂંથી શંશોધનો…

પૃથ્વી પર આવેલી યુનિવર્સીટી કે ઇન્સ્ટીટયુટની લેબ્સમાં રહેલા આ નિશાચરો (એટલે કે રિસર્ચરો) ક્યારેક નવરા બેઠા એવા રિસર્ચ ‘ઓકે’ છે કે આપણને લાગે કે આવા રિસર્ચને અન્ય સંસ્થાઓ ‘ઓકે’ જ કેમ કરે છે?

લેટેસ્ટ નમૂનો:

 “કરોડો વર્ષ પહેલા જે મહાકાય ડાયનોસોર્સ પૃથ્વી પર ફરતા હતા ત્યારે તેઓ તેમની પૂંછડી હલાવી (એની ડાયનોસોરીઓને) સેક્સ અપીલ કરતા હતા.” – લ્યો યાર! સવાલ થાય છે કે આવા પટપટતા ન્યુઝ કોણ લેવા ગયું તું બાપલ્યા!?!?

એના પરથી લાગે છે કે આવનારા વર્ષોમાં હવે આવા બીજાં ચકલાંચૂંથી શંશોધનો બહાર પડે તો નવાઈ નહિ. જેમ કે…

 • •=> “૧૦૦૦ વર્ષ પહેલા…. લિયોનાર્દો વિન્ચ્શીની પ્રસિદ્ધ મોનાલીસાના એ રહસ્યમય હાસ્યનું કારણ એટલું જ કે…તે જ્યારે ફોટો ચિતરાવવા બેસી હતી ત્યારે તેના કૂલા નીચે કીડી ધીમો ધીમો ચટકો ભરી રહી હતી…”
 • •=> “૯૯૯ વર્ષ અગાઉ…..જેના જવાથી ઘણાં ક્રિકેટપ્રેમીઓ ‘વિધવા’ બન્યા’તા…એવા પ.પૂ.ધ.ધૂ. ૧૮,૪૨૬ રનધીરાજ શ્રી શ્રી ગોલઘુટ્ટમ બલ્લાવીર સચિનેશ્વર તેન્ડૂલકરમ્ પ્રભુ જ્યારે દોઢ-વર્ષના હતા ત્યારે તેમના ઘરની પાછળ આવેલી ગલીમાં નાનકડું ધોકો-બેટ લઇ ૯૯ વાર ઉભાઉભા રબરથી માત્ર ‘બોલ બોલ’ કર્યા કરતા..એટલે ‘નર્વસ નાઈન્ટી’નો રોગ ત્યારથી લાગુ પડ્યો હતો.”
 • •=> “૫૦૦૦ વર્ષ પહેલા… લોક સેવાર્થે મૂર્ધન્ય (ઓહ…સોરી મૂકધન્ય) ‘બની ગયેલા’ ભારતવર્ષ નામના એક નગરના પૂર્વ પ્રધાનમંત્રી નામે મનમોહનભ’ઈએ શાંત રહી પ્લેનેટ રિકોર્ડ કાયમ કર્યો હતો. જ્યારે એમના ‘બોસે’ ઇટાલિક ફોન્ટ સાથે ‘બોલ બોલ’ કરવાનો.
 • •=> “૯૪૫ વર્ષ અગાઉ…. ગુજરાત નામના સાવ નાનકડા ગામડે શ્રી મોદી નામે એક બાપુ-નેતાને અમેરિકા નામના પરગ્રહની વિઝા એટલા માટે રિજેક્ટ થઇ હતી કે…તેઓએ વિઝા ફોર્મની બદલે ‘ભૂલ’થી ચૂંટણીનું ફોર્મ ભરી સબમિટ કર્યું હતું. એમાં લખાયેલી એમની હિસ્ટ્રી જોઈને ત્યાંના એલિયન્સ ઓફિસરોને હિસ્ટીરિયા આવી ગયો હતો.
 • •=> “ઓલમોસ્ટ એક લાખ વર્ષ પહેલાની વાત છે….સન ૧૯૪૯માં જગમશહૂર ‘મોહન’ નામનો કોઈક કાઠિયાવાડી ‘ભારતીય’ બાપુ જો હયાત હોત તો ‘ઇન્ડિયા’ની બહાર આફ્રિકાના જંગલમાં પોતાના નવા સ્થપાયેલા આશ્રમાં અંતે ૮૦ વર્ષનો થયો હોત.”

આવા શંશોધનો…હજુય ‘ચાલુ’ છે. અપડેટ થયે બહાર લાવીશું. ત્યાં સુધી તમતમારે નીરો ગટગટાવો. આહ! ‘બારે ઠંડી બૌ છે, ને?

…તો પછી ‘ટેન્શન્સ’ શું કામ?

Tension-Solution-Wheel

 • કોઈની યાદ ખૂબ સતાવી રહી છે?ફોન કરીને કે રૂબરૂ મળી વાત કરી લ્યો.
 • કોઈક દોસ્તની જોડે ગોઠડી કરવી છે?નાનકડી પાર્ટી ગોઠવી દો.
 • કોઈક નવીન બાબત સમજવી છે?તમારા ખૂબ નજીકના સ્વજનને (મા ને ખાસ) સમજાવી દો.
 • કોઈક સવાલ કરવો છે?કોઈ પણ અકસીર રીતે પૂછી લ્યો.
 • કોઈક એવી બાબત છે, જે નથી ગમતી?જણાવી દો.
 • કોઈક એવી બાબત છે, જે ઘણી ગમી છે?કહી દો.
 • કોઈક વસ્તુ જોઈએ છે?પૂછીને માંગી લ્યો.
 • કોઈકને નફરત કરો છો?ખુલ્લા દિલે બોલી નાખો.
 • કોઈકને મોહબ્બત કરો છો?તેની આગળ એકરાર કરી દો.

ઝિંદગી તો મસ્ત મજાની છે. બસ…જરૂરી છે, માત્ર સિમ્પલ બનાવતા રહેવાની છે.

તો પછી ‘ટેન્શન્સ’ શું કામ?….

“….હાર કર ભી જીતનેવાલેકો ‘બાઝીગર’ ક્યોં કહેતે હૈ?”

“….હાર કર ભી જીતનેવાલેકો ‘બાઝીગર’ ક્યોં કહેતે હૈ?”

એનું ઉદાહરણ જોવું હોય તો અમેરિકાનું નામ મુકવું જ પડે. જો કે મેં એમાં બહુ લાંબુ રિસર્ચ નથી કર્યું. પણ લાંબા સમયથી થતું આવતું ગૂગલ સર્ચ આ બાબતની ઘણી સાક્ષીઓ પૂરી શકે છે. જેમ કે..

• સપ્ટેમ્બર ૧૧ની ઘટના પછી પણ..પહેલા કરતા વધારે ઊંચું, મજબૂત વર્લ્ડ ટ્રેડ સેન્ટર (દુબઈના બુર્જ અલ ખલીફાને ટક્કર આપી) રેકોર્ડ કાયમ કરવા જઈ રહ્યું છે. દુનિયાને તે એમ જણાવે છે કે “કોઈ અમારાથી ઊંચું કોઈ બીજું જઈ જ કેમ શકે?!?!”

• ચેસમાં વર્લ્ડ-ચેમ્પિયન આપણો વિશ્વનાથ આનંદ અને રશિયાનો ગેરી કાસ્પારોવ શિરમોર છે. પણ.. અમેરીકુ તેના ક્લાસિક ‘બોબી ફીશર’ને બેન્ચમાર્ક બનાવી માર્કેટિંગની ઉંધી ચાલ ચાલવામાં પણ પાછળ પડતું નથી.

• ગોલ્ફમાં ઇંગ્લેન્ડના જસ્ટિન રોઝથી ચેમ્પિયનશીપનો ‘ખાડો પૂરાયો’ છે. પણ…દુનિયા ઓળખે છે કોને?….એના ટાઈગર વૂડ્ઝને..અને (હવે હંટર મહાનને) જ સ્તો. પછી બીજાં જાય ‘ગબી’માં!!!

• જોઈ લો સ્વીમિંગમાં…જર્મનીના પોલ બેઇડર્મેનનું નામ સાંભળ્યું છે? યા પછી સાઉથ આફ્રિકાના કેમેરુન બર્ગ વિશે જાણો છો?- ક્યાંથી જાણો સાહેબ?- એની આગળ અમેરિકાના માઈકલ ફેલ્પ્સ અને રાયન લોક્થ પોતાની આગવી સ્ટાઈલથી આગળ ઉ(તરી) ચુક્યા છે.

• ચાલો આવો હવે ઈન્ટરનેટની દુનિયામાં ને પૂછો સવાલ કે “ઈન્ટરનેટનો પિતા કોણ છે?- આમ જવાબ આપો કે ઇંગ્લેન્ડના ‘ટીમ બર્નર્સ લી’… તો કદાચ કોઈ માર્ક્સ નહિ કપાય. પણ અમેરિકામાં હોવ ને તેમ જવાબ આપો કે ‘વિન્ટ સર્ફ’ (વિન્ટેન ગ્રે સર્ફ). તો પૈસા પાછા (કોઈ આપવાનું નથી…). તમે ગૂગલ પર જ (Father of the Internet) લખી જુઓ ને. યેહ અમેરિ કા જવાબ હૈ!..બાબુ!

• અને હવે આજે જ એક લેટેસ્ટ ઉદાહરણ મળી આવ્યું છે. આ વખતની લંડન ઓલિમ્પિકમાં દોડમાં જમૈકાના ઉસૈન બોલ્ટે અમેરિકાના માઈકલ જોહનસન અને કાર્લ લુઈસના બધાંજ રેકોર્ડઝને પોતાના પગતળે કચડી (અમૂલના કહેવા મૂજબ) આખી દુનિયાની ‘બોલ્ટી’ બંધ કરી દીધી છે.. જેનાથી અમેરિકાની તો જાણે ‘વાટ’ લાગી ગઈ.

કાંઈ કરી ના શકે પણ કાંકરીચાળો કરી શકાય એ બહાને તેણે મીડિયા દ્વારા ચારેબાજુથી ઉસૈન પર ‘ડમ્પિંગ ટેસ્ટ’ના માછલાં વાળું પાણી વરસાવવામાં તો આવ્યું છે. (આખરે ઉસૈને ગુસ્સામાં એમ કહ્યું કે આ સિદ્ધિ મળ્યા છતાં આવા વર્તન બદલ મને કાર્લ લુઈસ પરથી માન ઉતરી ગયું છે.)

આ દોડનો બદલો લેવા…(DARPA સંસ્થાએ) હવે માણસ તો નહિ પણ એક રોબોટ ચિત્તાને ‘ઉસૈન કરતા પણ ફાસ્ટેસ્ટ ભાગી શકે એવો દોડવીર’ નામે બનાવીને મીડિયામાં ફરી પાછી પોતાની ચિત્તાગરી બતાવી દીધી છે.

જોઈ લ્યો એ ટાઈટલ સાથે રોબોટનો દોડતો વિડીયો: 

લો કલ્લો બાઆઆત! …..પેલા ક્વોટની જેમ ‘ક્યારેય હાર ન માનવી’ નામનું સૂત્ર આ માનવીઓ ખરું અપનાવે છે!

અહીં તો કેટલાંક અવળચંડાઓને સાનિયા મિર્ઝાના પરફોર્મન્સને બદલે હાથમાં ન લીધેલો ઝંડો વધારે દેખાય છે. યા પછી સોનિયા નહેવાલને સચિને મોંઘી કાર ભેંટ આપી ને મેરી કોમને ફદફદીયુ ય ના મળ્યું એવી અર્થહીન ચર્ચાઓથી ફેસબૂક પર ટાઈમ પસાર કરવો છે.

આવું એટલા માટે કે…આપણને ગુલામગીરીની ‘સાઈકલ’ વધારે માફક આવી ગઈ છે. ને લિડર’શીપ’ના વહાણમાં કાણું રાખવું ગમે છે.

હારીએ તોયે …જીતનો ‘હાર’ પહેરતા રહી સાચી ‘બોન પૈણાઈ’ નાખવાનું આપણે ક્યારે શીખીશું?

લેટ્સ ગો યાઆઆમ!….

કેટલીક મળી આવેલી વાતોમાં સંતાયેલી ડહાપણની ‘દાઢ’…..(આઈ મીન ‘દોઢ’)

દૂઉઉર રહેતી મારી એક મોટીબેહેને મને મોટિવેશનલ મેઈલ મોકલ્યો. એમાં બધી જ ડાહી ડાહી વાતો લખી છે. બરોબર. પણ એમાં અંદરની તરફ નજર કરતા કેટલીક વધારાની દોઢ-ડાહી વાતો પણ ડોકિયાં કરતી દેખાય છે.

મને થયું છે કે ડાહ્યા બનાવતી વાતો તો આપણને દરરોજ (વગર કહ્યે) મળે જ છે.–લ્યો ત્યારે તમે ય (અડધા બન્યા વગર) લઇ જ લો ને…

 • “દરરોજ ૨૦-૩૦ મિનીટ્સ મોઢા પર સ્માઈલ રાખી ચાલવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.” – બરોબર. પણ વધારે પડતું સ્માઈલ આપતા રહેવાથી આપણી સાથે કોઈ પણ ન ચાલે ત્યારે સંસ્થાએ કોઈ ઉપાય સૂચવ્યો નથી.
 • “તમારી જાતની બીજા સાથે સરખામણી ક્યારેય ન કરશો.”– બરોબર. પણ બીજાંઓ આપણને તેમની સાથે સરખાવી આપણી ઈજ્જત ઉતારી લે ત્યારે ‘માણસ’ જાય ક્યાં, ભ’ઈ?
 • “બીજાને બદલવાનો પ્રયત્ન ક્યારેય ન કરશો.”– બરોબર. હવે ગધેડાને ઘોડાની જેમ દોડાવતા રહી આપણે ખુદ જ ગધેડા બનીએ છીએ ત્યારે કયો ઘોડો આપણી મદદે આવે છે?
 • “ક્યારેય ગુસ્સાની ઉગ્ર અવસ્થામાં આવશો નહિ.”– બરોબર. પણ જ્યારે ખૂબ શાંતચિતે આરામ કરતા હોઈએ ને કોઈક વારંવાર આપણા કાનમાં ‘હળી’ કરતું રહે ત્યારે કયુ સત્સંગ કામમાં આવે છે….પ્રભુ? 
 • “જાગતા હોવ ત્યારે જ સ્વપ્ના જુઓ.” – બરોબર. પણ કમબખ્તી એ જ છે કે જ્યારે ભારે ઊંઘમાં હોઈએ છીએ ત્યારે જ ‘સ્વપ્ના’ દેખાય છે; બાકી જાગતા તો ‘મણીબેનો’ જ દેખાય છે. એનો રસ્તો તો કોઈકે સૂચવવો જોઈએ ને?
 • “ઝિંદગી એક શાળા છે. જેમાં હરપળે કાંઈકને કાંઈ શીખતા રહેવું જોઈએ.”– બરોબર. પણ નસીબ તો જુવો. વધુ ભાગે માસ્તર સાહેબ એવા મળે છે કે વારેઘડીયે લાકડીએથી મારે છે બવ….ને ભણાવે છે ઓછું. ત્યારે આપણે બચારા જઈએ ક્યાં?
 • “તમારા પડોશીને પ્રથમ સગા ગણી એને પ્રેમ કરો.” – બરોબર. પણ અમૂક વર્ષ સુધી ખર્ચામાં ઉતારી છેલ્લે ‘મામુ’ બનાવી ચાલી જાય ત્યારે કયો બાપ મદદે આવે છે? કાકા!…કાંઈક તો રહસ્ય સમજાવો?
 • “તમારી જાતને ક્યારેય બહુ ગંભીર ન લેશો. લાઈફને હળવી રાખજો.” – એકદમ બરોબર. પણ..પણ…પણ..લોકો આવી જ વાતને સાવ…હસવામાં ઉડાવી દે છે…યાર! જાઉં કહા બતા એય દિલ…દુનિયા બડી હૈ સંગદિલ.

 ખૈર, આવી તો ઘણી દોઢ-વાતો હજુ એમ ને એમ શાંત પડી છે. ક્યારેક ફરી પાછી ડોકાશે તો ઉચકીને લઇ આવીશ. ત્યાં સુધી તમતમારે કરે રાખો જલસા…કેમ કે એનું લેસન ક્યારેય કોઈ શીખવતું નથી.