
શહેરમાં કૉલેજનું ભણતર પૂરું કરી, ફાઈનલ પરીક્ષા આપી એ લબરમૂછિયો છોકરો પોતાના ગામમાં પાછો ફરી રહ્યો છે. તેનામાં…
એક તરફ નવો જોશ છે, જોમ છે, હોંશ છે. કાંઈક કરવાની આશાઓ છે. ને બીજી તરફ કૉલેજમાં ન ભણાવાયેલી મજબૂરી છે, મજદૂરી છે, મોંઘવારી છે, મારામારી છે.
ટ્રેઈનમાં પણ જનરલ ડબ્બે જ મુસાફરી કરવાની હોવાથી ઉપડવાના અડધો કલાક પહેલા જ તેણે સ્ટેશન પર આવી જગ્યા રોકી લીધી છે. બારી પાસેની એક સીટ પર તેની સાથે બેગ પણ ગોઠવાયેલી છે. (કોઈક બીજું આવી આ જગ્યા પચાવી પાડે એ બીકે…સ્તો !)
ટ્રેઈન ઉપાડવાની થોડીક જ મિનીટ પહેલા એક બુઝુર્ગ ચાચા એક હાથે લાકડી પકડી તેની નાનકડી ટ્રંક સાથે સામેની સીટ પર ગોઠવાય છે. અને એ સાથે અત્યાર સુધી જગ્યા રોકી બેઠેલો મજૂર જેવો છોકરો ગાયબ થાય છે. ગાડી બધી રીતે, બધી બાજુથી ‘ગરમી’ સાથે હકડેઠઠ ભરાઈ ચુકી છે.
સમય પસાર કરવા એ ચાચા આ કોલેજીયન સાથે ‘આમ બાંતે’ કરવાનો પ્રયત્ન કરે છે. અડધો કલાકમાં તો, શહેરમાં ભણતી તેની પૌત્રીનાં લક્ષણોથી થઇ, કોલેજના આધુનિક શિક્ષણ પર ચર્ચા કરી ચુક્યા છે. (સાથે સાથે તેની ડૂચેદાર પીછોડીમાંથી સૂકાયેલી ખજૂર અને પતાસું પણ ઓફર કરી ચુક્યા છે.)
પણ સફરને સફરિંગ ગણી ચુકેલો આ કોલેજીયન કોઈની સાથે બહુ બોલતો નથી, કશુયે લેતો નથી. એ તો માત્ર પાછુ વાળે છે, તેના અડધો સે.મીનાં હોઠોની મજબૂરીવાળું તેનું અકારણ સ્મિત. (કેમ જાણે તેનામાં એ ‘બુઝુર્ગ ચાચા’ તરફ છૂપો અણગમો છે, દબાવાયેલી કોમી નફરત છે.?!?!?!)
ચાચાની અઢી કલાકની મુસાફરી હવે પુરી થવામાં જ છે. એમનું ડેસ્ટીનેશન આવવાને બસ થોડી મિનીટ્સ જ બાકી છે. એટલે તેઓ કોલેજીયનને ઉપર મુકાયેલી બેગ નીચે ઉતારી આપવા અરજ કરે છે. કોલેજીયન મહાપરાણે ઉભો થઇ પતરાની હળવી પેટીને અવાજ સાથે નીચે (ધીમેથી) પટકે છે. (કેમ ગુસ્સાથી વજન ન વધે?!?!? !!!)
પણ ત્યાં જ….
” બેટે, મૈ ઝ્યાદા પઢા-લિખા તો નહિ હૂં, પર કંઈ ચીઝોકો સમજ સકતા હૂં. અલ્લાહને તો હંમ સબકો ઇન્સાનિયત સે હી બનાયા હૈ. ન જાને કહાં સે હમ સબકે બીચ ક્યોં હેવાનિયત ગઈ હૈ?!?!? મોહબ્બત કા જવાબ મોહબ્બત નહિ રહાં. સફર કે દૌરાન તુમ્હે યું દિલ બંધ રખે હુવે દેખકર હંમે ભી અપની જવાની કે દિન યાદ આ ગયે.
માફ કરના બેટે…પર જવાની યુંહીં બેકાર ચલી જાયેગી, અગર યેહ દિલ ઇસ તરહ સે હંમેશા બંધ હી રહા તો…જિન્હોને હંમે પરાયા કર દિયા હૈ વોહ સબ વહાં ગદ્દીઓ પર બૈઠે તમાશા દેખ રહે હૈ ઔર હમ ઇસ તરહ ગાડીયોંમેં તમાશા બન બૈઠે હૈ…સમજના ઝરૂરી હૈ કી મોહબ્બત ઔર સિયાસત સાથ સાથ નહિ ચલ સકતે. સિયાસત ઉનકે લિયે છોડ દો. અપના કામ તો મોહબ્બત બાંટના હૈ…દિલ કો છૂના હૈ…”
થોડી વાર પછી કોલેજીયનને હવે…
એક તરફ સ્ટેશનનાં દરવાજે ટીકીટ ચેકર સાથે ન સ્વીકારાયેલી સૂકી ખજૂર-પતાસું વહેંચતા નીકળતા ‘પ્યારા ચાચા’ દેખાઈ રહ્યા છે…..ધીમે ધીમે..!! ને બીજી તરફ તેની આંખોમાં પસ્તાવાનાં આંસૂ ઉતરી રહ્યાં છે….ધીમે ધીમે…..
કોલેજના ૩ વર્ષમાં જે પાઠ ન ભણવા મળ્યો એનું પહેલું ‘ચેપ્ટર-ચાચા’ આ રીતે ખુલેલું જોઈ એ કોલેજીયન ખીલી રહ્યો છે.
– કથાકિરણ: આલોક પાંડે.
(Photo Credit: latimesphoto)