નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: કેમેસ્ટ્રી

દિમાગના રસાયણને દિલમાં ઉતારનાર (અ)મારા એક વૈદ્યજી.

Chemi-Magic-Board

નાનકડી નોટ: આજનો આલેખ થોડો લાંબો છે. જો સમયનો અભાવ હોય તો લેખને બૂકમાર્ક કરી નિરાંતે વાંચી શકો છો. પણ વાંચશો જરૂર. કાંઈક એવું મેળવશો કે લેખ..લેખે લાગી શકે.

કેમેસ્ટ્રી…. ધોરણ ૧૨ સુધી મારા માટે સૌથી વધારે મિસ્ટિરિઅસ રહેલો વિષય.

ચાલુ ક્લાસે સૌથી વધારે કોઈક વિષયનો ખાત્મો બોલાવવાનું મન થાય તે આ કેમેસ્ટ્રી માટે. કોણ જાણે કેમ મારી ટેબલ-ટોળકીના દોસ્તો એમાં ભરી ભરીને માર્ક્સ લઇ આવતા. જ્યારે મને આ વિષયનું ડબલું મહામહેનતે પકડવું પડતું. અને એટલે જ મેં બારમાંમાં એના નામનું નાહી પણ નાખ્યું. ધમધોકાર પણ નહિ ને કોરોધાર પણ નહિ…માત્ર ભીનાશ દેખાય એ રીતે..

કોલેજમાં પ્રવેશ્યો ત્યારે એડમિશન વખતે આ વિષય મને પાછો નડ્યો. પ્રિન્સીપાલને કન્વિન્સ કરતી વખતે એમને બાંહેધરી આપવી પડી કે સર! આ કોલેજનું નામ કેમેસ્ટ્રીમાં એટ-લિસ્ટ ગુજરાતમાં ઘણું ‘ગરમ’ છે. એટલે બનતી જરૂરી મહેનત કરીશ.અને ભણવામાં પણ (થોડું વધારે) ધ્યાન આપીશ.

મૂંઝવણ તો થઇ કે…કેવી રીતે પાર કરીશ?

જ્યાં કાર્બન/ સલ્ફર ડાયોક્સાઈડ-મોનોક્સાઈડ વિશે શીખતા અને બેન્ઝિન રિંગો કરતા કરતા મને ‘ઓક્સિજન’ લેવાનો વખત આવતો હોય ત્યારે આ કોલેજમાં આ વિષય પર આગળ કેમ વધવું એ મારા માટે મોટો સવાલ હતો.

પણ જવાબ સવાલની પાછળ હતો. મને ફકત શોધવાની હિંમત કરવાની હતી. કોલેજ શરુ થવાના બીજા જ દિવસે કરેલી દુવા ફળી અને જવાબ રૂપે ‘યોગેશ’ પ્રગટ થયા.

દોસ્તો! આમાંથી કેટલાં બારમું કરીને અહીં આવ્યા છે?– આ એમનો પહેલો સવાલ હતો. ત્યારે ક્લાસના અડધાંથી વધારે વિદ્યાર્થી-લોકમાં મારી આંગળી પણ હતી પણ એમના માટે સાવ અજાણી હશે એમ માની લેવું.

ઓકે. હવે મારી તમને સૌને એક સલાહ છે. જે થયું તે ભૂલી જાઓ. સમજો કે સમયનું બારમું થઇ ગયું છે ને આજથી તમે એક નવી ઝિંદગી શરુ કરો છો. તમારી પાસે આ ૩ વર્ષ છે. એ ત્રણ વર્ષનો એવો ઉપયોગ કરી લેજો કે તમારી લાઈફનો એક ટર્નિંગ-પોઈન્ટ બની રહે.” (એ વખત પ્રણય રોયનો ‘ટર્નિંગ-પોઈન્ટ’ પ્રોગ્રામ દૂરદર્શન પર મશહૂર હતો એટલે શક્ય છે આ નામ એમાંન હોઠે આવ્યું હોવું જોઈએ). – આ એ ‘યોગેશ’નું અમારા સૌ ભાવી અર્જુનોને પહેલું આહ્વાન હતું.

શિક્ષક ‘પ્રભુ’ હોય છે એવું તે દિવસે મેં પહેલી વાર જોયું.

હવે બીજી અગત્યની વાત: તમને કેમેસ્ટ્રીમાં ક્યારેય કોઈક પોઈન્ટ સમજવામાં મુશ્કેલી નડે તો બેફીકર થઇ મને ચાલુ ક્લાસમાં અથવા શરમ નડે તો સ્ટાફરૂમમાં પણ આવી સવાલ પૂછી શકો છો. આ ૩ વર્ષ દરમિયાન તમે મને કેમેસ્ટ્રીના વિષય બાબતે કેટલું નીચોવી શકો છો એ હવે મને જોવાનું છે.

ઓહ! આ બીજું આહ્વાન તો સાક્ષાત ‘યોગેશ્વરી’ લાગ્યું. રસાયણશાસ્ત્રનો કોઈ ડોક્ટર જાણે અમારી સેવા કરવા સામે ઉભો હતો.

અને સાચે જ એવું કહીને એમણે અમારા ૩ વર્ષની કારકિર્દીમાં એમના નામ અને અટકથી સાબિત કરી અકસીર દવા કરી બતાવી.

યેસ! એમને હજુયે અમે તેમજ બીજાં ઘણાં ઘણાં અને હજુ ઘણાં વધારે વિદ્યાર્થી દોસ્તો ‘વૈદ્ય સર’થી ઓળખીએ છીએ. 

 • પૂરું નામ: શ્રી યોગેશ મધુસુદન વૈદ્ય
 • લાડકું નામ: ‘પ્રભુ’. અને..
 • એમના ખુદના કહેવા મુજબ: Why. Am. Vaidya?

અમદાવાદની ભવન્સ સાયન્સ કોલેજમાં વર્ષો સુધી ચોકવાળા હાથથી એમની કેટલીયે ક્રિયા-પ્રક્રિયાઓ દ્વારા તૈયાર થઈ અમારા વૈદ્ય સરે ટનબંધ વિદ્યાર્થીઓના દિમાગને એક્ટીવેટ કર્યું છે. એમના મનની સ્થિતિ પર જરૂરિયાત મુજબ રીડક્શન-ઓક્સીડેશન કર્યું છે ને મગજની અશુદ્ધિઓ દૂર કરી અફલિત ક્રિયાઓને ફલિત કરી છે. જેનું હું ખુદ પોતે એક ઉદાહરણ છું.

પ્રોફેસર વૈદ્ય સાહેબ એટલે હાથ અડાડ્યા વિના જ ખુલ્લા હાર્ટથી અમારા સૌ માટે રસાયણ વિજ્ઞાનને સાવ હળવું બનાવી દેનાર એક વ્હાલો જાદુગર. એમના શબ્દો, સમજાવવાની આવડત એવી કે પહેલા બોરિંગ લાગતું રસાયણિક આવર્ત કોષ્ટક અમને શીખ્યા બાદ ‘A B C D ના કક્કા-બારાખડી’ જેવું લાગ્યું.

દિમાગની નસનું લોહી ખેંચાઈ જાય એવો ‘બોરેસ્ટ’ વિષય ‘ઓર્ગેનિક-ઇનોર્ગેનિક સિમેટ્રી’ને અમારી આગળ બોરિક પાવડર જેવો બનાવીને પેશ કર્યો. જ્યારે લોજીક-લેસ લાગતો બાયોલોજીકલ-કેમેસ્ટ્રી વિષય સિમ્પલ લોજીક લગાવી અમારી નસમાં વહેતો કર્યો.

એમના વિશે શું લખવું અને કેટલું લખવું થોડું મુશ્કેલ છે. કેમ કે અત્તરની બોટલ જેટલી વધારે ખુલ્લી રાખીએ એટલી સુગંધ વધારે પ્રસરે છે. એવું એમના જ આયનિક-વિજ્ઞાનમાં અમે જાણેલું છે.

ટેન્શન, પ્રોબ્લેમ, દુઃખ, દર્દ, ઉપાધિ જેવા શબ્દોથી એમને આડવેર. જ્યારે માસૂમ મસ્તી-તોફાન, જોક્સ, ખડખડાટ હાસ્ય, સ્ટ્રેસ-ફ્રી ભણતર, કેમિકલ યુક્ત લેબ, એમના હાર્ડવેર. એટલે જ એમના ગુસ્સાનો લ્હાવો કદાચ અમને ક્યારેય મળી શક્યો નથી.

આજે લાગે છે કે એમની પાસે કેમેસ્ટ્રી શીખવું તો એક બહાનું જ હતું. ત્રણ વર્ષ દરમિયાન અમે એમની પાસેથી એ ઉપરાંત બીજું ઘણું શીખ્યા છે. જેમ કે… 

 • મુશ્કેલીમાં મોટિવેશન કેમ મેળવવું?
 • વિષયનું મેડિટેશન કેમ કરવું?
 • ભૂત કે ભવિષ્યમાં ગોથા ખાવાને બદલે વર્તમાનકાળમાં રહેવું?
 • પરીક્ષા દરમિયાન પેપર કઈ રીતે વાંચવું, લખવું, અને ચેપ્ટર-વાઈઝ તૈયારી કેમ કરવી. વગેરે…વગેરે…વગેરે.

(જ્યાં ઘણું બધું યાદ ન આવે ત્યારે આમ ‘વગેરે’ બોલી દેવું એવી ‘ટીપ’ એમની જ અપાયેલી છે, હોં!

લ્યો ત્યારે લેક્ચર દરમિયાન મને મળી આવેલા એમના જ કેટલાંક ક્વોટ્સ: 

 • દોસ્તો! જેમ આંકડાશાસ્ત્રનો વિષય શરૂઆતમાં સમજવો થોડો મુશ્કેલ લાગે તે જ રીતે રસાયણશાસ્ત્ર પણ. હવે જો તમે એને ‘આંકડી-શાસ્ત્ર’ સમજીને મોજ કરશો તો સાવ સહેલું લાગશે.
 • “..તો….મિત્રો! હાથમાં એક્સિડેન્ટ થવાને આજે મને એક વીક થશે. ઓર્થોપેડિક ડોક્ટરે મને કહ્યું છે કે વિકનેસ દૂર કરવા મને હવે ૧ મહિનાના આરામની જરૂર છે…..ને એટલા માટે આજથી જ મેં ફરી કોલેજ જોઇન્ટ કરી છે. ચાલો છેલ્લા લેક્ચરમાં શું શીખેલા?
 • દોસ્તો! આજે સ્ટાફરૂમમાં આજે ફરી એક લોચો થઇ ગયો છે. ફિઝીક્સના એક પ્રોફેસરે (આદત મુજબ ભૂલથી !!!?!?!) મારી કેમેસ્ટ્રીની જર્નલમાં સાઈન કરી નાખી છે.
 • અને સુપર ક્વોટ: “અમારા સૌ પ્રોફેસર્સની સાથે દોસ્તી રાખશો તો ઘણું શીખી શકશો.”  

ખુદ કેમેસ્ટ્રીને પણ એમણે ‘જનરલ નોલેજ’માં ‘ટ્રાન્સફોર્મ’ કર્યું હતું. એટલે સમયાંતરે ભારેખમ કહેવાતી ‘સરપ્રાઈઝ ટેસ્ટ’ ને બદલે ‘ક્વિઝ-કોન્ટેસ્ટ’નો કોન્સેપ્ટ રાખ્યો હતો. હવે એમાં લોચાં મારીએ તો જ કાંઈક નવું જાણવાનું મળે એવી એમની સામાજિક માન્યતા હતી.

જ્ઞાન બધે બાજુ ફેલાયેલું છે. બસ આપણામાં લેવાની તાકાત હોવી જરૂરી છે.

આ વાક્ય બતાવવા લેક્ચરની છેલ્લી દસ મિનીટ કોઈક ‘હટકે’ વિષયની ચર્ચા પર રહેતી. ભારતમાં ‘ઈન્ટરનેટ’ ત્યારે હજુ ક્રેડલમાં આંગળી ચુસતું પડ્યું હતું. ત્યારે પોતે પણ એક વિદ્યાર્થી બની અમારી કોલેજની કે પછી લો-ગાર્ડન પાસેની ‘બ્રિટીશ લાઈબ્રેરી’માં વારંવાર જઈ ત્યાંના નેટ પર નવું જ્ઞાન ચૂંથી અને ચૂસી આવતા. ને પછી  વખતોવાર અમાર સૌની સાથે ‘શેર’ કરતા. એ અમારી સહિયારી ફેસ-ટુ-ફેસ ભુખ હતી. (ઓયે! બાબા રણછોડદાસે તો વર્ષો પછી ૩ ઈડિયટ્સમાં આવું કહ્યું છે જ્યારે અમારા પ્રો. યોગેશ વૈદ્યજી તો વર્ષોથી કરતા આવ્યા છે.

તો આજે મને એમના વિશે આવું લખવાની જરૂર શું કામ પડી? –

સિમ્પલી! જસ્ટ થોડાં જ સમય અગાઉ હવે એ પણ મારા ફેસબૂકનાફ્રેન્ડ-લિસ્ટમાં આવી ચુક્યા છે. ફરી પાછુ વર્ષો પહેલા એમનુ કહેવાયેલું એક વાક્ય સાબિત કરવા કે “ અલ્યા મુર્તઝા! જે રીતે આજે હું તારો શિક્ષક છું તો એક દિવસ એવો પણ આવશે કે કોમ્યુટર-ઈન્ટરનેટ શીખવા અમને તારી જરૂર પડશે ત્યારે તું અમારો શિક્ષક બનીશ.

આ વાક્ય છે જ એવા મીઠાં માર જેવું કે ખોટું પાડવું પણ ગમે નહિ ને સાચું રાખવું પણ. સાલું બંનેમાં અમારા જેવાને નુકસાન થાય. પણ એ તો અમારા ગુરુ ખરાને, બંને તરફ નુકશાન કેમ થવા દે?

વૈદ્ય સર! તમારી દવા અને દોઆનું રિએક્શન હજુયે એક્શનમાં છે હોં ! – હવે આ લેખમાં તમને એના આયન્સ દેખાય તો જરા શ્વાસમાં લઇ લેજો શાયેબ! આમેય અમે તમારા કાયમ ઋણી રહેવાના છે. તોયે જેટલું કરજ ચૂકવી શકીએ એટલું સારું. પહેલા દિવસે ક્લાસમાં ઉંચી કરેલી મારી પેલી આંગળી તમે આજે પણ હજુ પકડી રાખી છે. ને મને યકીન છે જ કે એ ક્યારેય છોડવાના નથી.

(વૈદ્ય પ્રભુ! તમે આ વાક્ય ન વાંચતા પ્લિઝ):

“ફેસબૂક દોસ્તો, એ હજુ રીટાયર્ડ થઇ શકે છે, પણ ટાયર્ડ નહિ. પ્રોફેસરીમાંથી નીકળી હવે એમનો ફેસબૂક પર ‘ધ્રુવીકરણ’ કરવાનો સમય શરુ થયો છે એટલે એમને કેમિકલ કે નોનકેમિકલયુક્ત સવાલો પૂછી એમની દિવાલના ભરજો, ભૈશાબ!   

કોણ કહે છે કે ૩ વર્ષના ૧૦૯૫ દિવસ થાય છે. મારી ન્યુક્લિયર ફ્યુઝનની ગણતરી મુજબ ભવન્સ કોલેજમાં મને ૩૦૦૦ દિવસ થયા છે. વૈદ્ય જેવા ‘વિદ્યાર્થી’ સરની મોહબ્બતને લીધે….