નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: છોકરી

આને શું કહેવું, સમયનું સાયકલિંગ કે સંજોગોનું રી-સાયકલિંગ?

Re-Cycling Of Time Or Situation?

recycling bins Re-Cycling Of Time Or Situation?

મારી નજરની સામે સમયાન્તરે આખો ઘટનાક્રમ બન્યો છે, લાંબો છે. પણ તેમાં રહેલી સમજણ ટૂંકાવી લખું છું. ધ્યાનથી વાંચશો તો તમારામાંથી કોઈકને જીવનનો રાહ મળી આવશે. સવાલ ફક્ત આટલો થાય છે કે: આને શું કહેવું, સમયનું સાયકલિંગ કે સંજોગોનું રી-સાયકલિંગ?
— — —
એક મસ્ત મજાની દિલદારી છોકરીના દસ વર્ષ અગાઉ લગ્ન થાય છે. લગભગ બે વર્ષ પછી દિકરો જન્મે છે. ત્યારે છોકરીને શંકા જાય છે કે ‘પતિની નજર એક બીજી સ્ત્રી પર છે અને કાંઈક ચક્કર ‘ચાલુ’ છે. છોકરી ચુપ રહે છે. બીજાં ત્રણ વર્ષ બાદ દિકરી જન્મે છે.

છોકરીના પતિની ‘ફક્ત ફ્રેન્ડ જ છે યાર’ વાળી વાતનું ‘લફરું’ ખુલ્લું પડી ‘મજબૂત માશૂકા’ બની ચુકી છે. પતિને બાળકોમાં બહુ રસ રહ્યો નથી, ને પત્ની માટે તો ‘જરા પણ’ કસ રહ્યો નથી.

છોકરી એ ત્રણની વચ્ચે ‘સાવ બિચારી’ બની છે. તેના પછીના ૩ વર્ષ માથાકૂટવાની અંદર વીતવા અને વીંટવામાં ગયા છે. પતિ તરફથી અપાતી ઘરખર્ચીતો ક્યારનીય બંધ થઇ ચુકી છે. પણ આ છોકરીમાં એક સજ્જડ પ્લસ પોઈન્ટ એ છે, કે તે ભણાવવામાં પણ ખૂબ હોંશિયાર છે એટલે જાણીતી સ્કૂલમાં અરેબિક ટિચર તરીકે જોબ કરી ઘરખર્ચ ચલાવે છે.

જે પતિ પાસેથી સુખ-સંભાળ, સેક્સ, સિક્યોરીટી જેવાં તત્વો ન જ મળે ત્યારે એ બધું જ મૂકી સાંત્વના માટે મા-બાપ પાસે આવે જ. ને પછી તો….ફેમિલી-વોર…ડાયવોર્સની સાંકળઘટનાઓ…..બાદ છોકરી મા-બાપ પાસે ને બાળકો એમના પિતા પાસે સેટ થાય છે. છોકરીના વાલીડા દુઃખીતો છે જ પણ “જે થાય છે તે સારું જ થાય છે.” બોલી સમયને સમયનું કામ કરવા દેવાની સલાહ આપે છે.

એક અંગત કુટુંબી સ્નેહી તરીકે હું તેમની આ આખી ઘટના ત્રણ વર્ષથી જાણું અને જોઉં છું. અને મારા મોંમાંથી પણ માત્ર એટલું જ નીકળે છે: “જે થવાનું છે તે બેસ્ટ થવાનું છે. બસ તું એ ‘બેસ્ટ’ નામની મોટી બસની રાહ જો બૂન.”

….ને ત્યાંજ ગઈકાલે મને સમયના ગોઠવાયેલાં ચોકઠાંમાંથી નીચે મુજબ સમાચાર મળે છે.

આ ડાયવોર્સી છોકરીનાં પતિની બીજાં શહેરમાં બદલી થઇ છે. જ્યાં તેની સાથે રહેતી બાળકીને જરાય ફાવતું નથી એટલે તે તેની દાદીમા પાસે પાછી જુના શહેરમાં આવે છે. દાદી તેને ત્યાંની એક મશહૂર સ્કૂલમાં ફરીથી રિ-એડમિટ કરે છે, જ્યાં એ પહેલા ભણતી હોય છે. જ્યારે દિકરાને તો ક્યારનોય બોર્ડીંગમાં મુકી દેવાયો છે.

થોડાં જ દિવસ બાદ સ્કૂલનાં ટ્રસ્ટીનો આ ડાયવોર્સી છોકરી પર ફોન આવે છે કે: “બેટા ! તારી માસૂમાને તું જ સંભાળી શકે એમ છો. એટલે અમે ચાહિયે છીએ કે આ જ સ્કૂલમાં શ્રેષ્ઠ અરેબિક ટિચર તરીકે તું જ યોગ્ય છે. બોલ સ્કૂલ ક્યારે જોઈન કરે છે?”

હવે આ ડાયવોર્સી છોકરીની એક આંખમાં તેની ‘માસૂમા’ પાછી મેળવવાના હર્ષિલા આંસુઓ તો છે જ પણ સાથે-સાથે ફરીથી ગમતું મેળવવાનો અને ગમ દૂર થયાનો અનેકગણો આનંદ બીજી આંખમાંથી નીકળી રહ્યો છે.
— — —
બોલો દોસ્તો, ત્યારે સવાલ થાય ને કે: આને શું કહેવું, સમયનું સાયકલિંગ કે સંજોગોનું રી-સાયકલિંગ?

સાયકલિંગ શોટ:

“આંખોમે રોક લે અપને ઇન આંસુઓકા તુફાન,
લેતી હૈ ઝિંદગાની હર કદમપે એક ઇમ્તેહાન.”
.
.
(Photo-Credit: dreamstime.com)

આંખોમાં ધરબાયેલી….એક ‘હોલી’ !

Holi

૨૦ વર્ષની વય બેહોશમાં રહેવાની નહિ, પણ જવાનીથી હોશમાં આવવાની હોય છે. આવું મોટાભાગના સંતો કે મોટીવેટર્સ કહેતા આવ્યા છે. એગ્રીડ. પણ હવે કહો કે…

૨૦ વર્ષ અગાઉ જ્યારે નવા- નવા કોલેજમાં (મમ્મીએ મહાપરાણે કહ્યું હોય તો) માથામાં કોકોનટ તેલ નાખી આવ્યા હોઈએ અને બીજે દિવસે આવનારી હોળીનું રિહર્સલ સાંજે છૂટતી વખતે થવાનું હોય ત્યારે શું હાલત થાય?

બીજાં દોસ્તોની મને હજુયે ખબર નથી પણ મારી સાથે આ ‘હોલી’ ઘટના બની હતી એટલું મને યાદ છે.

સાંજે કોલેજના છેલ્લા પીરિયડનો બેલ વાગી ગયો. ને જાણે ‘ગાયો’નું ધણ વાડામાંથી છૂટવા જે રીતે ધમાધમી કરે એવી જ રીતે કેમ્પસની બહાર મિનીટ્સમાં ‘ગાય્સ’નું ટોળું ધસી આવ્યું અને જોતજોતામાં ખિસ્સામાંથી ગુલાલની વર્ષા શરુ થઇ ગઈ. કોરીડોરમાંથી આ દ્રશ્ય જોઈ હું વિચારી રહ્યો કે ‘માઇલા ! આજે રંગહીન શર્ટ તો ગયું બારના ભાવમાં. પણ ઘરે તો ‘મા અને સર્ફ-એક્સેલ હૈ ના’….જો ભી હોગા દેખા જાયેગા….

“એક્સક્યુઝ મી !” – મારી પાછળથી સોફ્ટ અવાજ આવ્યો. – “મને ગુલાલ-રંગોથી નફરત છે. એટલે હોળી રમવાથી હંમેશા દૂર રહું છું. તો પ્લિઝ, મને કોલેજની બહાર નીકળવામાં મદદ કરીશ?”

“ઓહ, પણ કેમ? કોઈ ખાસ કારણ?”- મારાથી સામો રંગીન સવાલ પૂછાઈ ગયો. પણ સંગીન સવાલ અને થોડાં જ દિવસો અગાઉ ક્લાસમાં નવી વિદ્યાર્થીની તરીકે જોઇન્ટ થયેલી રક્ષિતાને મોંમાંથી જવાબ આપવા કરતા ત્યાંથી બહાર નીકળવાની વધારે તાલાવેલી હતી.

“ચાલો” – કેમ્પસમાં ‘રંગમાં આવેલા’ મારા બીજાં ગ્રુપ-દોસ્તોએ અમને બેઉને જોવા અને સમજવાની કોશિશ કરવામાં રંગ છાંટવાનું પણ ભૂલી ગયા. અને મિનીટ્સમાં અમે બેઉ એકબીજાની ખૂબ નજીક ચાલીને ટોળાને પસાર કરી દરવાજે આવી ગયા.

“તને સવાલ થતો હશે કે મને રંગો સાથે નફરત કેમ છે, રાઈટ?” – એણે સીધું જ પૂછી લીધું.- “બીજું તો કાંઈ નહિ, પણ બે વર્ષ અગાઉ પપ્પાના ગુજરી ગયા બાદ મમ્મીને કોઈપણ બાબતે તકલીફ ન પડે એનું હું ધ્યાન રાખું છું. એટલે કલરવાળાં કપડાં ધોવામાં પણ. ……ઘરે વોશિંગ મશીન ભલેને હોય પણ મમ્મીને તકલીફ ન રહેવી જોઈએ. એકની એક દીકરી હોવ એટલે બીજું તો શું વિચારી શકુ, બોલ?”

એકસાથે આવેલાં ‘બોલ્ડ’ સવાલ અને જવાબ આગળ હું પણ ‘ક્લિન’ થઇ ગયો. થોડે આગળ જતાં બે ફાંટા આવી ગયા. એક એના બસ-સ્ટેન્ડ તરફ જવા માટે અને બીજો નજીકમાં જ આવેલાં મારા ઘરની તરફ જતી સ્ટ્રીટનો…

જરૂરી થોડું છે કે ‘હોલી’ પાણીથી જ રમી શકાય?- ધરબાયેલાં આંસુ પણ ‘હોલી’ જ હોય છે ને?

(ફોટો સોર્સ: http://anupjkat.deviantart.com/)