નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: જોડણી સ્પર્ધા

શબ્દોના સરોવરમાં ખીલી ઉઠેલુ ‘અરવિંદ’ !

Spelling_Bee_Champion_Arvind_Mahakali

.
આ ફોટો જે બાળકનો છે, તેની સાથે ‘શબ્દો’ની બાબતમાં બહુ પંગો લેવો નહિ. કારણકે તે અત્યારે અમેરિકામાં રહી ત્યાંના બાળકોને-માતા-પિતાઓને અને શિક્ષકોને તો ખરી જ પણ…હવે આ નેટની મહેરબાની હેઠળ રહેતા જોડણી-વાંછુંઓને પણ હલાવી રહયો છે.

શબ્દોની દાદાગીરી કરતા ન્યૂયોર્કના આ ૧૩ વર્ષની ભારતીય બચ્ચાનું નામ છે.: અરવિંદ મહાકાળી.

અમેરિકામાં દર વર્ષે યોજાતી જોડણી અને શબ્દરચનાની નેશનલ ચેમ્પિયનશીપ સ્પર્ધા Spelling Bee Champianship માં અરવિંદ તેના શબ્દોના સરોવરમાંથી છબછબિયાં કરી ૨૮૩થી પણ સ્પર્ધકોને ટપીને આગળ આવી ગયો છે.

હવે આપણને કોઈ એમ પૂછે કે…..

  • •=> Anglophile નો સ્પેલિંગ બોલી તેનો અર્થ સમજાવો. ત્યારે આપણા દિમાગનો એંગલ ખસી શકે પણ અરવિંદ ફટ દઈ જવાબ આપે કે…જે વ્યક્તિ ઇંગ્લેન્ડની દેશભક્તિમાં તરબોળ છે તે એંગલોફાઈલ. (ચાલો જવા દો…)
  • •=> Ouagadougou જેવો અગડમબગડમ શબ્દની જોડણી સાથે અર્થ જણાવો. ત્યારે આપણને તો ગળે ફાંસો આવી જાય એવું લાગે. પણ અરવિંદબાબા શાંઆઆન્તી કહી દે કે “લે! આ તો આફ્રિકાના બુકીનાફાસો દેશની રાજધાની છે. (માઇલા ચ્ચે!)
  • •=> Glasnost નામના શબ્દનો અર્થ શું? – તો કદાચ આપણે ‘કાંચમાંથી બનેલો ટોસ્ટ’ કહીને કોઈનું દિમાગ ખાઈ જઈએ. પણ આ છોરો કહી દે છે કે… ‘અલ્યા હેય! રશિયાની આ પોલીસી સાથે ચેડાં નઈ કરવાના હોં ! નહીંતર પોલીસ આઈને પકડી જશે…બકા!’
  • •=> Zygodont શબ્દના અર્થ શું? – તો જાણવામાં આપણી જીભ ખાટી થાય પણ અરવિંદ બાબો ઓડકાર કાઢ વિના કહી દે કે….દાઢમાં આવેલાં દાંત જ્યારે જોડાયેલા હોય તેને Zygodont ઓળખવા.

આવા તો કેટલાંય ઉદાહરણો છે જેમાંથી પાર પડીને અરવિંદ મહાકાલ સર્જી ચેમ્પિયન બન્યો છે. એમાંય મજાની વાત છે કે જોડણી અને શબ્દ-રચનાની આ સ્પર્ધામાં તેની સાથે પ્રણવ શિવકુમાર, શ્રીરામ હથવર, વન્યા શિવશંકર, વિસ્મ્યા ખારકર જેવાં ૬૦% NRI ભારતીય બચ્ચાં લોક પણ સાથે ઝળકી ઉઠ્યા છે.

ટીવી, નેટ-ગેમ્સ અને ચેટના ઝમાનામાં બાળકો પુસ્તકોના અઢળક વાંચન સાથે જ્યારે આવી સ્પર્ધાઓમાં આગળ આવતા હોય છે, ત્યારે ‘બાળકો વાંચતા જ નથી.’ કહેતા સાહિત્યિક અલેલટપ્પાના મોં પર આ એક નિરવ તમાચો છે.

તમારા બાળકોને નેક્સ્ટ હરીફાઈ માટે તૈયાર કરવા અને વધુ જાણકારી માટે http://www.spellingbee.com/ પર નજર રાખવાની. આ માટે તમને કોઈ જોડણી કે શબ્દ-રચનાની તૈયારી કરવી નહિ એવી મારી નરમ્ન્યભિન્ય અરજ છે.

ચાલો Kwaheri-bwana. (હવે આ શબ્દાર્થ માટે મને નહિ…અરવિંદને પૂછજો…..જોડણી સાથે.)