નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: ડહાપણ

કેટલીક મળી આવેલી વાતોમાં સંતાયેલી ડહાપણની ‘દાઢ’…..(આઈ મીન ‘દોઢ’)

દૂઉઉર રહેતી મારી એક મોટીબેહેને મને મોટિવેશનલ મેઈલ મોકલ્યો. એમાં બધી જ ડાહી ડાહી વાતો લખી છે. બરોબર. પણ એમાં અંદરની તરફ નજર કરતા કેટલીક વધારાની દોઢ-ડાહી વાતો પણ ડોકિયાં કરતી દેખાય છે.

મને થયું છે કે ડાહ્યા બનાવતી વાતો તો આપણને દરરોજ (વગર કહ્યે) મળે જ છે.–લ્યો ત્યારે તમે ય (અડધા બન્યા વગર) લઇ જ લો ને…

  • “દરરોજ ૨૦-૩૦ મિનીટ્સ મોઢા પર સ્માઈલ રાખી ચાલવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.” – બરોબર. પણ વધારે પડતું સ્માઈલ આપતા રહેવાથી આપણી સાથે કોઈ પણ ન ચાલે ત્યારે સંસ્થાએ કોઈ ઉપાય સૂચવ્યો નથી.
  • “તમારી જાતની બીજા સાથે સરખામણી ક્યારેય ન કરશો.”– બરોબર. પણ બીજાંઓ આપણને તેમની સાથે સરખાવી આપણી ઈજ્જત ઉતારી લે ત્યારે ‘માણસ’ જાય ક્યાં, ભ’ઈ?
  • “બીજાને બદલવાનો પ્રયત્ન ક્યારેય ન કરશો.”– બરોબર. હવે ગધેડાને ઘોડાની જેમ દોડાવતા રહી આપણે ખુદ જ ગધેડા બનીએ છીએ ત્યારે કયો ઘોડો આપણી મદદે આવે છે?
  • “ક્યારેય ગુસ્સાની ઉગ્ર અવસ્થામાં આવશો નહિ.”– બરોબર. પણ જ્યારે ખૂબ શાંતચિતે આરામ કરતા હોઈએ ને કોઈક વારંવાર આપણા કાનમાં ‘હળી’ કરતું રહે ત્યારે કયુ સત્સંગ કામમાં આવે છે….પ્રભુ? 
  • “જાગતા હોવ ત્યારે જ સ્વપ્ના જુઓ.” – બરોબર. પણ કમબખ્તી એ જ છે કે જ્યારે ભારે ઊંઘમાં હોઈએ છીએ ત્યારે જ ‘સ્વપ્ના’ દેખાય છે; બાકી જાગતા તો ‘મણીબેનો’ જ દેખાય છે. એનો રસ્તો તો કોઈકે સૂચવવો જોઈએ ને?
  • “ઝિંદગી એક શાળા છે. જેમાં હરપળે કાંઈકને કાંઈ શીખતા રહેવું જોઈએ.”– બરોબર. પણ નસીબ તો જુવો. વધુ ભાગે માસ્તર સાહેબ એવા મળે છે કે વારેઘડીયે લાકડીએથી મારે છે બવ….ને ભણાવે છે ઓછું. ત્યારે આપણે બચારા જઈએ ક્યાં?
  • “તમારા પડોશીને પ્રથમ સગા ગણી એને પ્રેમ કરો.” – બરોબર. પણ અમૂક વર્ષ સુધી ખર્ચામાં ઉતારી છેલ્લે ‘મામુ’ બનાવી ચાલી જાય ત્યારે કયો બાપ મદદે આવે છે? કાકા!…કાંઈક તો રહસ્ય સમજાવો?
  • “તમારી જાતને ક્યારેય બહુ ગંભીર ન લેશો. લાઈફને હળવી રાખજો.” – એકદમ બરોબર. પણ..પણ…પણ..લોકો આવી જ વાતને સાવ…હસવામાં ઉડાવી દે છે…યાર! જાઉં કહા બતા એય દિલ…દુનિયા બડી હૈ સંગદિલ.

 ખૈર, આવી તો ઘણી દોઢ-વાતો હજુ એમ ને એમ શાંત પડી છે. ક્યારેક ફરી પાછી ડોકાશે તો ઉચકીને લઇ આવીશ. ત્યાં સુધી તમતમારે કરે રાખો જલસા…કેમ કે એનું લેસન ક્યારેય કોઈ શીખવતું નથી.