નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: ફેસબૂક

કેશ-કીર્તન કલાકાર: નાસિર સુબ્હાની

streets-barber (image Credit: Quartz Media)

નાસિર સુબ્હાની: ૨૮ વર્ષનો આ ‘ટેટુ શોખીન છોકરો થોડાં જ વર્ષ અગાઉ ઈરાકથી ઇમિગ્રન્ટ બની ઓસ્ટ્રેલિયામાં આવ્યો. તેનો દેશ છૂટ્યો, દોસ્તો છૂટ્યા, યાદો-ફરિયાદો છૂટી. પણ એક બાબત કેમે કરીને ન છૂટી. અને તે હતી તેનામાં રહેલી ઈન્સાનિયત.

દુઃખ જ દર્દની દવા બને છે, એનું ભાન તેને ત્યારે થયું જ્યારે મેલબોર્નની ગલીઓમાં તેને ઘણાં દિવસો સુધી ભટકવું પડ્યું…ઘર વિના, ખોરાક વિના. એટલે ફૂટપાથી ભૂખી ઝિંદગીએ તેને લાઈફના ઘણાં ઊંડા પાઠ ભણાવી દીધા.

ત્યારે એક દિવસે એક માણસ મૂફલિસી હાલતમાં, વધી ગયેલાં માથાના અને દાઢીના લાંબા વાળ લઈને પાસે આવી ઉભો રહ્યો. અને નાસિરને કહેવા લાગ્યો: “દોસ્ત, ડ્રગ્સના બંધનથી મુક્ત થવાને આજે એક મહિનો થયો છે. અને મારી પાસે પૈસા નથી. તું મને મારા વધી પડેલા લાંબા વાળ કાપી આપીશ?

અને બસ, નાસિરને કિક મળી, હજ્જામી કામ શરુ કરવાનો ધક્કો મળ્યો. અસ્ત્રો, વસ્ત્રો, કાતર લઇ શરુ કર્યું હજામનું કામ કરવાનો ધંધો મળ્યો. એવાં દરેક ફૂટપાઠી દોસ્તોને સાવ મફતમાં ‘મેક-ઓવર’ કરી આપવાનું કામ મળ્યું.

જ્યારે મનગમતું કામ ખૂટે નહિ એટલું મળતું જાય ત્યારે પેટનો ખાડો પણ પૂરવાની જવાબદારી એ કામ ખુદ પોતાના હાથમાં લઇ લે તો રોટી, કપડાં ઔર મકાનનું સોલ્યુશન આપોઆપ સામે આવી જાય છે.

આજે બે પાંદડે વધી ગયેલો ‘કેશ-કીર્તન’ કરતો નાસિર સુબ્હાની મેલબોર્નની કોઈક ગલીમાં હજુયે હોમ-લેસ લોકોને મફતમાં જ વાળંદી કામ આનંદી બનીને માનવતાનું માર્કેટિંગ કરતો જોવા મળી શકે છે.

દુનિયામાં આવાં નાસિર અઢળક હશે. જેમની ઈન્સાનિયત હજુયે મગજથી નહિ, પણ વાળથી ટકી રહી છે. સલામ છે એ સૌ સ્ટ્રીટ-સુખીઓને!

“દુ:ખીના દુ:ખની વાતો સુખી ના સમજી શકે,
સુખી જો સમજે પૂરું તો દુઃખ ના વિશ્વમાં ટકે”

(Image Credit: Quartz Media)

દિલ સાફ, તો દુનિયા આબાદ !

Small Rocky Stones

 

અરેબિકમાં ‘મૌકા’ શબ્દનો અર્થ ‘ખાસ જગ્યા’ થાય છે. આ મૌકા પરથી એક શબ્દ એ પણ છે ‘મક્કા’ જેના રહેવાશીઓને મુક્કીમ કહેવામાં આવે છે. અસલ નામ: ‘મક્કા મુકર્રમા’

(આપણે હિન્દી/ગુજરાતીમાં તેનો અર્થ ‘તક’ તરીકે લઈએ છીએ. હવે પેલું પોસ્ટકાર્ડ પર લખવામાં આવતું ‘મુકામ-પોસ્ટ’ નુંય કનેક્શન મળ્યું ને?)

એજ રીતે અરેબિક શબ્દ ‘મદીના’નો અર્થ એટલે ‘શહેર’. આ શહેરનું અસલ નામ: મદીના મુનવ્વરા (રોશનીથી ભરાયેલું શહેર)

એક મુસ્લિમ તરીકે બાળપણથી મને પણ આ બંને શહેર જોવાની ઈચ્છા. જ્યાં નબી સાહેબ (સ.અ)ના પરિવારની સુગંધ હજુયે એવી બરકરાર છે, જ્યાં ‘અલ્લાહકે સબ બંદે એક હો જાતે હૈ’ એવી જગ્યાને જાણવા, જોવા માટેની ખ્વાઈશ તો હોય જ ને !

અને આખરે એ લગની અને મુહબ્બતની લાગણી મને બરોબર બે વર્ષ અગાઉ આ બંને શહેરોની (હજ તો નહિ પણ) ઉમરાહ સફરના ભવ્ય મોકા રૂપે ફેમિલી સાથે ત્યાં ખેંચી લાવી હતી.

આ શહેરોમાં ક્યાં, કેવું, શું, કઈ રીતે, શાં માટે, ક્યારે ક્યારે કેટલું જોવું એની પણ જતા પહેલા અમને ટ્રેઈનિંગ આપવામાં આવે, ત્યારે વાત આમ નથી રહેતી.

એટલા માટે કે જે રાજ્ય વ્યવસ્થા વર્ષો અગાઉ પયગંબર સાહેબ (સ.અ) સ્થાપી ચુક્યા હતા, તેને માત્ર ફરવાને બહાને ન જોઈ શકાય. પણ દિલમાં એક મુહંમદી શ્રદ્ધાની ટોર્ચ જલાવી જોવું પડે.

મારા નસીબ કે તે વેળાએ કમ્પ્લિટ થયેલી હજની મૌસમ પછીનો ઔસમ માહોલ મેં જાતે જોયો, અનુભવ્યો. અત્યારે તો માત્ર એટલું જ કહું કે…સઉદી અરેબિયન સરકાર દર વર્ષે હજની વ્યવસ્થા માટે જે સહુલીયાતો આપે છે, પહેલા તો તેનો જોઇને જ સલામ કરવાનું મન થઇ જાય છે.

મક્કા-મદીના, મીના-મુઝ્દલેફા શહેરોનાં રોડ, ગલીઓ, મસ્જીદની (અંદર અને બહારનાં) પ્રાંગણ, એટલાં ચોખ્ખા અને સારી રીતે વિકસાવવામાં આવ્યા છે, કે કોઈ ધમાલ સર્જાય એ પહેલા જ ત્યાંની સ્થાનિક પોલિસ મોડર્ન સાધનોનો ઉપયોગ કરી મિનીટ્સમાં કંટ્રોલ કરી શકે છે.

પણ પછી સવાલ થાય છે કે: જ્યાં આવનાર લાખો મુસલમાનો માટે સોફિસ્ટિકેટેડ રહેવાની, ચાલવાની, બેસવાની, આવવા-જવાની સરળતા મળતી હોય તેની સુપર્બ સિસ્ટમમાં અંધાધૂંધીધી (સ્ટેમ્પેડ) શાં માટે સર્જાય છે?

સવાલ જેટલો ઉંડો હતો, જવાબ મને એટલો જ મૂળ કારણ સાથે મળ્યો: ઉતાવળ + લોભ-લાલચ.

બીજાં લાભ જલ્દી લઇ જાય અને પોતે કેમ બાકાત રહી જાય?”-

બાબત કોઈપણ હોય. જ્યાં દરેકને ‘રોટલો અને ઓટલો’ હાજીઓ માટે તૈય્યાર કરી આપવામાં આવ્યો હોય એમાં પણ બીજાંનું પડાવી લેવાની લોભિયા-વૃત્તિ આવાં સ્ટેમ્પ-પેડિયા સંજોગો સર્જે છે.

આ બધું જ હું જાતે જોઈ આવ્યો, સમજી આવ્યો. અને એટલે જ તાજેતરમાં મીના શહેરમાં થયેલી એ મગજમારીનાં ન્યુઝે લખવાનો મોકો આપ્યો છે. જેને નાસમજુ મીડિયા-લોકોએ ધર્મનાં નામે બળાપા રૂપે કાઢ્યો છે.

જે સાચા સંતોએ સમજુ સમાજ વિકસાવવા સુચારુ સિસ્ટમ સ્થાપી તેને ફોલો કરવાનું આહ્વાન કર્યું હોય, તેને બરોબર સમજ્યા વિના કાંકરીચાળો કરનાર ‘શયતાન’ જ હોય.

સાચો મુસ્લિમ આવાં શયતાનોને કાંકરાં ‘મારતો’ નથી, પણ તેની શયતાનિયત પર કંકર ‘ફેંકે’ છે.

દિલ સાફ તો દુનિયા આબાદ.

મક્કા-મદીના મોરલો:

“હજ કરવા તો લાખો લોકો આવતાં હોય છે. પણ એમાંથી બસ ચંદ લોકો જ હાજી બનીને જાય છે.” – નબી મુહંમદ, રસુલ-એ-ખુદા (સ.અ)

સેક્સ અંગે મારા અંગેઅંગમાંથી નીકળેલાં અંગત મંતવ્યો….

SEX-Logo

એક દોસ્તે સુપર પણ સેન્સિટીવ સવાલ કર્યો: “સાહેબ, સેક્સ વિશે તમારું શું મંતવ્ય છે, તમારી સ્ટાઈલમાં ચર્ચા કરી શકો?” – મેં કહ્યું: “બકા ! આ વિષય બહુ લાંબી ‘ચર્ચા’નો નહિ પણ ટૂંકમાં સમજીને ‘અમલ’માં મુકવાનો છે.”

પણ પછી થયું કે બરોબર છે. દરેકને ગમતા આવા ‘સોજ્જા’ વિષય બાબતે મેં કેમ હજુ કાંઈ ‘કર્યું’ નહિ?!?!?

તો પેશ એ ખિદમત ! એ દોસ્તને (અને તમને સૌને પણ) સેક્સ અંગે મારા અંગેઅંગમાંથી નીકળેલાં શરૂઆતી મજ્જેદાર લિજ્જતદાર સાત સ્વાદવાળા અંગત મંતવ્યો….
— — —
૧. જે વ્યક્તિ…..‘સેક્સ વર્જિત છે.’, ‘બ્રહ્મચારી બનો’, ‘દિલમાં ખારા અને ખાટા વિચારો ન લાવો’ જેવા ઉપદેશ ઠોકે તો એને એવો અમ્પાયર સમજવો કે જે ક્યારેય ક્રિકેટ રમ્યો નથી. – (આવું એક વાર બાબા આમ્ટેએ વિનોબા ભાવેજીને સંભળાવી દીધું હતું.)

૨. સેક્સથી સંબંધને ઉજાળવો કે ઉજાડવો એ દરેકની અંગત ચોઈસ છે. પણ તેની કિંમત ચૂકવવી જ પડે છે. (મફતનું કાંઈ ન મળે…મનીયા.)

૩. જે વ્યક્તિમાં એક બાળકને પણ સંભાળવાની તાકાત ન હોય તો સમજવું તે એક ‘ઈમ્પોટેન્ટ’ વ્યક્તિ છે. (તેની દયા ખાજો બા !!!!)

૪. વિશ્વનો સૌથી પહેલો ધર્મ સેક્સ છે. (બાકી બધાં તેના Ex. છે.)

૫. ‘ધર્મનો ભ’ઈ’ કે ‘ધરમની બેન’ એવાં ટેગ્સ છે, જે ‘સમાજને ‘મામા બનાવવા’ માટે વપરાય છે. માટે હે “મિત્રવર્ય ! આવું ટેગવાનું અને સ્વીકારવાનું બંધ કરી સરળ રસ્તે ચાલ્યા આવો.” (ગુજરાતની વસ્તી આમેય ‘કૂદકે ને ભૂસકે’ વધી રહી છે.)

૬. જો સેક્સ એ તમારો મુખ્ય ધ્યેય ન હોય તો લગ્ન બાદ ‘આદિવાસીઓની આંતરરાષ્ટ્રીય પંચ-વર્ષિય વિકાસ યોજના’ વિશે જાણવું તદ્દન બંધ કરવું. (નહીતર એકેય પ્રોજેક્ટ પાર નહિ પડે.)

૭. દુનિયાને કામસૂત્રની જેટલી જરૂર છે એટલી જ જરૂર ડોટ.કૉમસૂત્રની પણ છે. (જેને એ સમજી લે છે તેના માટે ૧ + ૧ = ૦ સૂત્ર સાચું સાબિત થાય છે.)
— — —
બીજાં સાત સ્વાદવાળા જોઈએ છે?

(ધ્યાન રહે “પહેલા બચ્ચાં અભી નહિ, દૂસરા તુરંત નહિ, ઔર તીસરા….કભી નહિ હોં !!!)

“અપની લાઈફમેં હમ સબ લોગ બેવકૂફ હૈ !!!”

Murtaza Patel with Johnny Lever

Murtaza Patel with Johnny Lever

Murtaza-Johnny_Lever-Abbas_Hirapurwala

Murtaza-Johnny_Lever-Abbas_Hirapurwala

બાઝીગરનો ‘બાબુલાલ’, ઈશ્કનો ‘મી. લોવાલોવા’, આવારા પાગલ દિવાનાનો ‘છગન છત્રી’, ખિલાડીનો ‘નારીયેલવાળો મદ્રાસી’ અને ક્યાંક વળી ‘ગફૂરભાઈ’ જેવા કેટલાંય અભૂલક રોલ્સ કરી લોકોના કોમેડી દિલો પર રાજ કરી દિલખુશકર જોહની લિવર સાથે મારી સાંજ Truly Unforgettable રહી.

આ તો મારા અઝીઝી Facebook દોસ્ત અબ્બાસભાઈ હીરાપુરે મને કૉફી હાઉસમાં ખેંચી લાવ્યા. હવે તેમની ફિલ્મી સ્ક્રિપ્ટ-રાઈટિંગ કેરિયરની વાતોની ચૂસ્કી સાથે કાપુચિનો કૉફી ભળી જાય, અને વાતોમાં સંતાયેલા તેમના ખૂબ નીકટના જીગરી જોહનીભાઈનો ઉલ્લેખ થાય ત્યારે ‘બ્રેક’ સર્જાય એમ કોઈ શક ખરો?

તાબડતોબ ફોન લગાવ્યો. જોહનીભાઈની એપોઇન્ટમેન્ટ અમારા હાથમાં આવી અને પગ લોખંડવાલાના ‘ઓક્સફર્ડ આર્કેડ’ના ૧૫માં માળે જઈ અટકી ગયા. થોડી જ સેકંડમાં વગર મેક-અપમાં પણ એમની જેમ આંખો ફાડી જોવો ગમે એવો બિન્દાસ ચડ્ડીદાસ વ્હાલો જોહની અમારી સામે આવી ગયો. ને પછી અમારાથી વાતોનું ‘લિવર’ એવું દબાવાઈ ગયું કે બે કલાક પછી ભાન થયું કે હવે અમને પણ ‘લીવર’ બનવું જોઈએ.

તેમના અંગત અનુભવોને પણ એક્સપ્રેશન્સ સાથે અડોઅડ બેસી સાંભળવા મળે ત્યારે એમના વાઈફ સુજાતાબેનને મોકલાવેલા કૉફી-બિસ્કીટ પર ‘એશ’માં જ જાય એમાં કોઈ શક ખરો? જોહનીભાઈ સાથે ગાળેલી આ નાનકડી સાંજ પર ખૂબ મોટો લેખ લખી શકુ. પણ વળી એ જ આદત મુજબ ‘થોરામાં ઘન્નું’ કરી એમના કેટલાંક કૉફી –ક્વોટસથી કામ પતાવીએ.

=> “સબકું તીન ઘંટે તક હસાતે રહેના સચમેં બો’ત સિરિયસ કામ હૈ બાવા !”

=> “મેરે શો કો સબસે ઝ્યાદા પસંદ ઔર એન્જોય કરને વાલી પબ્લિક પૂરે ભારતમે સિર્ફ ‘ગુજરાતી’ લોગ હૈ.”

=> “અપની લાઈફમેં હમ સબ લોગ બેવકૂફ હૈ. સમજ હોતી હૈ, ફિર ભી નાસમજ બનકર પૂરી ઝિંદગી સમજદાર’ બનને કી કોશિશ કરતે રહેતે હૈ.”

=>“જો લાઈફ હંમે આજ, અભી મિલી હૈ, વો હી સબસે ખૂબસૂરત હૈ. બાકી સબ વહમ હૈ.”

જોહનીભાઈ સલામ છે આપ જેવા મસ્ત મજાના માણુસને! અને અબ્બાસભાઈ સલામ તમને પણ તમારી આ માનવતાવાળી દોસ્તી પર…બોસ!- દિમાગ કી બત્તી કા પૂરા પાવર જલા ડાલા….ભાય!

લેવિટટાઉનમાં થયેલી ‘લવ’ની લેવી-દેવી…

MobCash_Man- Avi

ન્યૂયોર્કમાં એક નાનકડું ટાઉન છે.: લેવિટટાઉન. ત્યાં એક સ્ટેશનરી અને જનરલ પ્રોડકટ્સ સ્ટોર છે. જેના માલિક છે, અવિનાશ ગાંધી. અને તેમને સાથ આપતી પત્ની ભારતી ગાંધી.

લગભગ ૫૦+ વર્ષિય ગુજ્જુ અવિનાશભાઈએ તેની બોલવાની મિઠાશથી ‘એવું’ મજાનુ સ્નેહભર્યું વાતાવરણ રચ્યું છે કે તેના ગ્રાહકોમાં વર્ષોથી તે ‘એવિ’ તરીકે લાડકા છે. તેમણે તેમનાં રેગ્યુલર ગ્રાહકો સાથે એવો ઘરોબો કેળવ્યો છે કે…તેઓના નાના બાળકોનું ભણતર, તેમની રોજીંદી જરૂરીયાતો, તેમની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વિશે સતત અપડેટ્સ મળતું રહે છે.. અને જરૂર પડ્યે એવિભાઈ તેમને માનસિક કે મનીવાઈઝ માઈક્રો મદદ પણ કરતા રહે.છે. (ઘણું ચ બધું ઠોરાંમાં સમજી જાશો.).

હાં ! …તો હવે થોડાં જ વર્ષ અગાઉ એવિભાઈના પત્ની ભારતીબેનને કેન્સરનું નિદાન થયું. પ્રથમ સ્ટેજમાં હતું એટલે સારવાર તો સમયસર થઇ ગઈ. પણ તેનાથી અવિનાશભાઈની ઘણી સારી એવી મૂડી ધોવાઈ ગઇ. ને વખત એવો આવ્યો કે તેમને વર્ષો જૂની આ દુકાન વેચવાનો કઠોર નિર્ણય લેવો પડ્યો.

તેમના રેગ્યુલર ગ્રાહકોમાંનો જ એક ક્રેઈગ ડેનિશને આ વાતની ખબર પડી. તેણે તેની પત્ની સેલેસ્ટે સાથે મળી એક (મદદગારી) ત્રાગું રચ્યું. બેઉએ એવિ-ભારતીને ખબર ન પડે એ રીતે છુપા રૂસ્તમ બનીને ફેસબૂક પર વિકેન્ડનો એક દિવસ નક્કી કરી ઇવેન્ટ બનાવી.: ‘મોબકેશ- ટુ હેલ્પ એવિ.’

લગભગ ૧૦૦થી વધુ લોકોએ તેને કન્ફર્મ કરી નક્કી કર્યું કે એવિનાં આવાં મુશ્કેલી ભરેલા સમયમાં ભેગા મળી સ્ટોરમાં એક સાથે ‘ખરીદીનો હૂમલો’ કરવો અને ધૂમ મચાવી બધી જ પ્રોડકટ વેચી મરાવવી. જેથી કરીને તેને સ્ટોર વેચવાની નોબત ન આવે.

ને બસ….બેનર્સ-પોસ્ટર્સ-ડેન્ગલ્સ પર ‘એવિ, વી લવ યુ’ ના નારા સાથે શરુ થઇ ‘એ વિ’કેન્ડી ઇવેન્ટ. એવિભાઈ અને ભારતીબેનના મહિનાઓથી રોકાયેલાં (દુઃખદ) આંસુઓ અનહદ ખુશીના આંસુઓથી રોકિંગ થઇ આવ્યા.

આવી સોજ્જી ઇવેન્ટ રચેલા ક્રેઇગ અને તેની પત્નીની ખુશીનું શું પૂછવું?- તેણે તો આખી આ ઘટનાને ૧૦ મિનીટની મુવી-ક્લિપમાં ફેરવી નાખી. જેમાં એવિ અને તેના ગ્રાહકોની અમેરિકન-ગુજ્જુ મોહબ્બતની આપ-લેનું અનોખું દ્રશ્ય જોવા મળે છે જ. પણ અંતમાં તેમનું ગુજરાતી હોવાની સાબિતી આપતું વાક્ય જોઈ ખુદ તમે પણ બોલી ઉઠશો.: “મઝા આવી ગઈ !”

દોસ્તો, આપણા સૌ જોનાર માટે આ ક્લિપ કદાચ નાનકડી હોઈ શકે. પણ તેમાં રહેલો સંદેશો ઘણો મોટો છે. અને મારી આજે ખાસ ઉમ્મીદ અને અપિલ છે કે….જોતા પહેલા આજની આ પોસ્ટમાં ખીલેલા મોહબ્બતનાં મૂવિ મોરલાને શક્ય એટલી લાઈક અને શેર કરી ખીલવવા દેશો. એટલાં માટે કે અહીં પણ અવિનાશભાઈનો ‘ગાંધી’ માર્ગ જ ‘અટક’માં આવ્યો છે.

..તો સમજી લેવું કે તમને…

click_mouse

.

•  જો તમને (કોમ્પ્યુટર સિવાયના) આસપાસના વાતાવરણમાંથી ‘નોટીફિકેશન ટોન’ જેવો અવાજ સંભળાય અને તમે તુરંત તમારો મોબાઈલ/ ઈમેઈલ ચેક કરો તો…

•  જો તમારું માઉસ-કિબોર્ડ કે મોનિટર સ્ક્રિનને કોઈ ‘આંગળી’ પણ કરે અને તમે હાથ ઉગામી દો. (પછી ભલેને તમારી ઘરવાળી હોય કે ‘બાર’વાળી) તો…

•  જો તમને કોઈ કાંઈ પણ સવાલ કરે કે પછી શોધવું હોય તો તેનો જવાબ શોધવા ગૂગલદાસ બાપુને શરણે જાઓ…(ભલેને એ તમારા ચડ્ડી-રૂમાલ પણ હોય)

•  જો તમે ચેટિંગમાં દિલથી લખવાને બદલે સૌથી વધુ ઉપયોગ માત્ર ‘સ્માઇલી કે ઈમોટીકોન’નો કરો તો…

•  જો તમારા મમ્મીને (કે બૈરાને) તમે બીજા રૂમમાંથી ‘હે હા જમવા આવું છું…’ એવો મેસેજ પણ ફેસબૂકથી કે વોટ્સએપથી આપો તો…

•  જો (વાઈફ સાથેનું કનેક્શન ભલે ખુલ્લું હોય પણ) Wi-Fi નું કનેક્શન થોડી સેકન્ડ્સ માટે પણ બંધ થઇ જાય અને તમને વાઈ જેવું કાંઈક આવી જાય તો…

•  જો તમે ક્યાંક પણ જવાનું પ્લાનિંગ કરો પણ શરૂઆત ‘તીયાં Wi-Fi નું કનેક્શન છે કે ની’ થી કરો તો…

•  જો તમને મોનિટરનું બ્લેક સ્ક્રિન જોઈને થોડી સેકન્ડ્સ માટે ધ્રાસ્કો પડે તો…

…તો સમજી લેવું કે તમને ઓનલાઈન-વાઈરલ ઇન્ફેક્શન થયું છે.

(હવે એનું મેડિકેશન ઓનલાઈન સર્ચથી કરવા કરતા નજીકમાં નજીક રહેલા કુટુંબીજનો સાથે ફેસ ટુ ફેસ સમય ગાળી કરવો. મજ્જાઆઆઆઆની લાઈફ !)

ચોંકાવનારા (અને ચમકનારી) ઈન્ટરનેટની કેટલીક અવનવી ખબરો….

 કહેવાય છે કે…

•=) યુ.એસ.એ.માં લગભગ ૨૫૦ મિલિયન ઈન્ટરનેટ યુઝર્સ છે. જ્યારે ચાઈનામાં તેના ‘ડબ્બલ કરતા બી વધારે’ પોણા-છસ્સો યુઝર્સ છે.

•=) ભલેને ફેસબૂક પર આખી દુનિયામાંથી ૧.૧૧ બિલિયન યુઝર્સ હોય છતાં તે ચાઈનામાં પ્રવેશી શક્યું નથી. કેમ કે ત્યાં એ ‘બેન્ડ’ થયેલું છે.

•=) હવે તમે એમ ધારતા હોય કે…એમેઝોન.કૉમ દુનિયાની સૌથી મોટી અબજોનો વેપલો કરતી ઈ-કોમર્સ સાઈટ છે. તો જરા એટલું જાણી લો કે તે હજુયે ખાંડ ખાય છે. કેમ કે અલીબાબા.કૉમ એ એમેઝોન.કૉમ અને ઈ-બે.કૉમના ટોટલ કરતા આગળ છે.

•=) ૨૦૧૫ સુધીમાં જ કદાચ ડેસ્કટોપ કોમ્પ્યુટરનું સ્થાન ટેબ્લેટ કોમ્પ્યુટર લઇ લેશે. કારણકે…..જગ્યા અને સાધનની જુગલબંધીની સહુલીયત એમાંથી મળી ગઈ છે.

•=) અલ્યા એય ફેસબૂક ! તું ભલેને દરરોજ ૩૦૦ મિલિયન જેટલાં ફોટોગ્રાફ્સ અહીં ઠાલવે જાય છે. પણ તારી પાછળ તારું માર્કેટ કબજે કરવા સ્નેપચેટ.કૉમ અને પિંટરેસ્ટ.કૉમ નામના બે નાનકડાં બાળ રાક્ષસો ખૂબ ઝડપથી મોટા થઇ રહ્યા છે. સાવધાન !

•=) ગૂગલ અર્થ (કે મેપ)ના ફોટોગ્રાફ્સ તૈયાર કરવામાં તેનો સ્ટાફ જેટલું ચાલ્યા કે દોડયા છે કે પૃથ્વીથી ચાંદ સુધી લગભગ ૧૦ વાર આંટાફેરા મારી શકાય. (અને આપણે આરામથી માત્ર માઉસ ફેરવ્યા કરીએ છીએ)

•=) એ તો જગજાહેર થઇ ગયું છે કે…યુ-ટ્યુબ પર અત્યારે એક વર્ષમાં એટલો વિડીયો અપલોડ થઇ રહ્યો છે કે જો હોલીવૂડને તેનો ઉપયોગ કરી એક લાંબી ફિલ્મ તૈયાર કરવી હોય તો માઆઆઆઆત્ર ૪૩,૦૦૦ વર્ષ જ લાગે. (ને ત્યાં સુધીમાં તો બીજાં કેટલાં વર્ષનું બીજું નવું ભાથું બંધાઈ ગયું હોય?!?!?!?)

તો દોસ્તો, હવે તમે જ પૂછશો કે…”આમાં આપણા કેટલાં ટકા?” – તો સાહેબ જણાવી દઉં કે…આ ટેકનોલોજીને ધક્કો મારવામાં ૨૮%થી પણ વધું એવા ભારતીયોનો ‘પાછળથી’ ફાળો રહ્યો છે.

– જય (બહાર) ભારત !

| એક ‘દસમી’ પ્રેમકથા |

 Hanky of Love

“….પણ તું મને એ તો જણાવ કે….તારી યાદ પ્રમાણે આપણે તો ૧૦ વર્ષ પહેલા SSC પછી છુટ્ટા પડી ગયા હતા. તો આટલાં વર્ષો બાદ તે મને ફેસબૂક પર કઈ રીતે ઓળખી લીધી?”

“બસ ! સમજ કે તારી તરફનું મારું પેલું ખેંચાણ…પાછુ લઇ આવ્યું છે.”

“ઓહ ! એ વળી કયું ખેંચાણ હતું?”

“દસમાંની પરીક્ષાના પહેલા જ દિવસે એ સ્કૂલના દરવાજે તારો જમણો હાથ ભીડમાં અચાનક મારી ડાબી આંખો પર જોરથી વાગી ગયો હતો. તું ઉતાવળમાં હોઈશ અને હું શાંતિમાં…એમ માની હું તને કશુંયે બોલ્યો ન હતો.”

“ઓહ એમ ?!?! શક્ય છે.. પણ પછી..પછી શું થયું હતું?

“તું થોડે આગળ નીકળીને મારી તરફ પાછી વળી’તી અને ‘સોઓરી’ કહી મારી આંખોમાંથી નીકળતાં પાણીને તારા નાનકડા રૂમાલ વડે ગરમ ફૂંક મારીને લૂછી નાખ્યું હતું. અને થોડી સેકન્ડ્સમાં જ મને ઠંડક થઈ ગઈ’તી.”

“ઓહ્ફ ! શું વાત કરે છે? મેં આવું કર્યું તું?”

“બસ. પછી એ જ ઘડીથી તારી એ ગરમ ફૂંકને મેં આંખોમાં સમાવી લીધી અને દુવા કરી કે “એ ખુદા! તારી આંખોને કોઈકને કોઈ રીતે મારા થકી ઠંડી કરાવજે.”

“વાઉ ! હાઉ રોમેન્ટિક યાર!”

“એટલે પાછલાં કેટલાંક વર્ષથી ફેસબૂક પર દરેક છોકરીઓની પ્રોફાઈલ પર એક નજર કરી લેતો’તો એમ માનીને કે એક દિવસ ‘મોહબ્બત રંગ લાયેગી. અને ગઈકાલે તું મને અચાનક દેખાઈ ગઈ. એટલે આજે આ રીતે તને મેસેજ મોકલ્યો. બોલ તારી ‘આંખો ઠારવા’ તું ક્યારે રૂબરૂ મળીશ?”

“ઉહ્ફ ! પણ હું તો….”

“મને ખબર છે. તારી પ્રોફાઈલમાં તે ‘મેરિડ’ લખ્યું છે. પણ તારા સ્ટેટસ પરથી મેં જાણી લીધું છે કે તું હજુયે…”

“ઓહ બોય ! તને…આટલો બધો કોન્ફિડેન્સ કઈ રીતે આવ્યો?”

“પગલી ! એ કોન્ફિડેન્સ મારી કરેલી દુવાનો છે. અને ખુદાને પણ ખબર છે કે આ બંદાને હવે આંખો કૂલ કરવાનો ફૂલ સપોર્ટ મળવો જોઈએ.”

‘સુ’વિચારની અસર થાય છે?!?!

“આ સુવિચારોની મારા જીવન પર કોઈ અસર દેખાતી નથી. જેટલાં પણ લોકો સુવિચાર બોલે કે લખે છે તે માત્ર સમય અને જગ્યાનો બગાડ કરે છે.”

……આઅહ ! પાછલાં દિવસોમાં ફેસબૂકમાં હવાફેર માટે કેટલાંક ગ્રુપમાં જઈ ખાસ વાંચન માટેનો સમય લીધો. ત્યારે એક જગ્યાએ જાણીતા વડિલની ઉપર મુજબની આ કોમેન્ટ જોવા મળી. મને થોડીવાર માટે તો લાગી આવ્યું કે શું સાચે જ સુવિચારો…એ કુવિચારોની ગરજ સારે છે? કોઈ આમ કેમ કહી શકે?

સુવિચારોનો વિરોધ શા માટે? શું એ કોઈ ગાળ છે કે આપણા દિલને ઠેસ પહોંચી શકે? કે પછી માત્ર બકવાસ કરવા બોલાયેલા શબ્દો છે જેનું કોઈ મહત્વ નથી?

દોસ્તો, જે રીતે અનાજનો દાણો શરીરના બંધારણ પર અક્સીર અસર કરે છે તે જ રીતે સમજણ અને શાણપણના ક્વોટ્સ જે પણ ભાષામાં બોલાયેલા હોય તે વાઈરલ બનીને ગ્રહણ કરનારના મન અને મગજ સુધી અસર કરે છે.

સાયકોલોજી અને (સર્ચ-એન્જિન ટેકનોલોજીએ પણ) પૂરવાર કરી આપ્યું છે કે…મગજને જેવો ખોરાક આપશો દિલ એવું વર્તન કરશે.

” If Good in, So Good Out. If the Garbage in, So the Garbage Out. It is up to us how we get it in our-self.”

એટલાં જ માટે ચાણક્ય કે ચેખોવ, વિવેકાનંદ કે વોલ્તેર, ઓસ્કાર વાઈલ્ડ કે ઓપ્રાહ વિન્ફ્રે, મોહન બાપુ કે મોરારી બાપુના શબ્દોની કિંમત હજુ પણ એટલી જ ઉંચી છે.

આજે ખુશીથી કહી શકું છું કે….મારી આ મસ્તીસભર લખવાની આદત પાછળ વિવિધ વાંચન દ્વારા માણેલાં એ ક્વોટ્સનો બહુ મોટ્ટો ભાગ છે.

માનસિક મોરલો::|>

(એ પણ એક ક્વોટ સાથે જ હોં)

“સુવિચારોની સામાજિક અસર એટલા માટે દેખાતી નથી, કેમ કે…જ્યાં પણ એ લખાયા હોય છે ત્યાં વાંચનાર એમ જ માને છે કે તે બીજાં માટે લખાયા છે.”– ઇર્વિન બોલ.

ભાગ-૨ || શું તમે પણ આ રીતે દુનિયા છોડી શકો છો?

Paul Miller- theVerge.com

દોસ્તો, પાછલા સમાચારથી અપડેટ થવા આ પોસ્ટની લિંક મેળવી લેશો. 

૧લી મે ૨૦૧૩ના દિવસે પૌલ મિલર જ્યારે એક વર્ષિય ડિજીટલ-ઉપવાસ કરી (અન)‘રિયલ’ થઇ ઈન્ટરનેટની દુનિયામાં પાછો ફર્યો ત્યારે તેની કંપની વર્જ.કૉમની સાથે વિશ્વના ચંગી અને જંગી બ્લોગ-મીડિયાની ‘એક્ટસી’ નજર પણ તેના પર રહી.

તેના ખુદના જ શબ્દોમાં જ્યારે તેણે એ ૩૬૫ દિવસી ઝિંદગીનું સરવૈયું બયાન કર્યું છે. તે વાંચ્યા પછી મને ખુદને તેના વિશે કેવો પ્રતિભાવ/અપડેટ આપવો તેની મીઠ્ઠી મૂંઝવણ થઇ ગઈ. માટે બીજા જ દિવસે તેની પર લખવાને બદલે આજે એક વિક પછી કાંઈક સૂઝયુ છે.

તેના અપડેટમાં જે શબ્દો તેણે દિલમાંથી લખ્યા છે, તેવું લખવા આપણે તેના દિલમાં ઘૂસી આંગળીઓ વાટે બહાર નીકળવું પડે. છતાં તેના જ ઇન્ટરનેશનલ શબ્દોને નેશનલ ટચ આપવાની કોશિશ કરી છે.

“૩૦મી એપ્રિલ ૨૦૧૨ની રાતે ૧૧:૫૯ કલાકે જ્યારે મેં મારા કોમ્પ્યુટરના પાવરનો, ઈન્ટરનેટ-વાઈ-ફાઈના કેબલનો, ટેલીવિઝનનો, અને મોબાઈલના ચાર્જરનો પ્લગ છૂટો કર્યો, ત્યારે શરીરમાંથી એક લખલખું પસાર થઇ ગયું. કેવી લાઈફ બનશે? કેવા ફેરફારો, કેવો અનુભવ થશે?- લાગે જાણે બધું જ એક સસ્પેન્સ કથાની શરૂઆત….

એક ઊંડો શ્વાસ લઇ ખૂબ શાંતિથી મારા પહેલા દિવસની શરૂઆત થઇ ત્યારે સામે ન તો કોઈ ફોન, ન કોઈ સમાચારો કે ન કોઈ છાપું…માત્ર હું અને મારા મગજનો થોડો બાકી રહેલો ‘શાંત કોલાહલ’ !

કમાણીની ફિકર?- નો વે!…એટલા માટે કે વર્જ.કૉમના મારા બોસે મને ચાલુ પગારે પૂરા વર્ષ દરમિયાન જુના ધરોબાયેલાં સ્વપ્નાં, બાકી રહેલી ઈચ્છાઓ, કામ કરવાની છૂટ સાથે છુટ્ટી પણ આપી દીધી હતી. એટલે ક્રિકેટ-કિટ સાથે આઝાદ-મેદાન પણ મારી પાસે જ હતું એ લોકો તો માત્ર ફિલ્ડીંગ ભરી રહ્યા…

પુસ્તકોના પોટલાએ, કાગળોના કન્ટેનરે, ભૂલાઈ ચૂકેલાં અને પછીથી મળી આવેલા અગણિત સ્વજનો-દોસ્તોએ એક અનોખું પ્રેરકબળ પૂરું પાડ્યું. જેઓને મારી અને મને જેમની જરૂર હતી તે સૌને પહેલી વાર (ને પછી વારંવાર) જાતે મળવાની-જાણવાની-ખોળવાની તકો મળી. વર્ષો સુધી ‘ડમ્બ’ જણાયેલો લેખિત-પત્રવ્યવહાર તો સ્માર્ટ-ફોનની સામે સાચે જ ‘સ્માર્ટ દેખાયો’.

સોસાયટી-કોમ્યુનિટીના હોલમાં મેળાવડા વખતે ‘જુનવાણી’ દેખાતા વડિલોમાં મને જ્ઞાનનો પાવર વધારે દેખાયો. ને જ્યારે કોઈક ખૂબસૂરત માનૂનીએ અદ્રશ્ય થઇ મને પોતાના હાથથી માત્ર એટલો જ મેસેજ મોકલ્યો કે “તે જે કાંઈ કર્યું છે, તે સારું જ કર્યું છે.” ત્યારે એ પત્રએ વારંવાર ‘પાવર-હાઉસ’ની ગરજ સારી છે.

મને સાચે જ એવી અદભૂત લાગણી થઇ છે એક વર્ષમાં હું ખુદ ‘રિયલ’ બની બહાર આવ્યો છું. મેં મારી જાતને મારી સાથે આટલી નિકટ ક્યારેય જોઈ ન હતી. કનેક્ટીવીટીની સાથે ડીસકનેકટેડ થયેલો હોવા છતાં ખુદની સાથે ‘કનેક્શન’ ફરી વાર એવું સ્થપાયું છે કે હવે માત્ર ‘એ લઇ લેવું, તે લઇ લેવું’ કરવા કરતા આપી દેવામાં વધારે ખુશીઓ મળે છે.  

હાથમાં પ્રિન્ટેડ નકશો લઇ સાયકલ પર અજાણી જગ્યાઓએ એકલો ભમી આવ્યો. જેનાથી નાકે ધૂળ ઉડાડતી ‘ફ્રીસ્બી’ ડીશ રમી આવ્યો, હોમરની ‘The Odyssey’ ના ૧૦૦ પાનાં એક સાથે વાંચી આવ્યો. Les Miserables નાટક જોયા પછી આંખો બંધ કરી રડી આવ્યો. pભાડે રાખેલા પોસ્ટ-બોક્સમાં આવતાં દોસ્તોના, વાંચકોના પત્રો વાંચી દિલ ખોલી હસી આવ્યો. અને હવે જાતને એવી પ્રાર્થના પણ કરું છું કે આ બધું જ સમયાંતરે ચાલુ રહે…

ઓફકોર્સ, એક પણ દોસ્ત ન હોવો એ કરતા ફેસબૂક દોસ્તની પણ એટલી જ જરૂરીયાત લાગી છે, પળવારમાં હજારોને મન:સ્થિતિનો મેસેજ મોકલી શકતું ટ્વિટર ખૂબ મીસ કર્યું છે. ઘણું અગત્ય લાગતું કામ SMS થકી જલ્દી પૂરું થઇ શક્યું હોત જેની ખોટ ખૂબ રહી છે. પણ હવે લાગે છે કે…આ બધી જ સગવડોનું રિમોટ-કંટ્રોલ આપણા ખુદના હાથમાં જ છે. બસ જરૂરીયાત મુજબ તેનો ઉપયોગ કરાય તો સફળતાનું ટોનિક તમારી સામે હાજર થાય.

મારી પાંચ વર્ષની ભાણી કેઝીયાને છેલ્લાં દિવસે સવાલ કર્યો. કે “તારા મતે ‘ઈન્ટરનેટ એટલે શું?”- ત્યારે અવાચક નજરે તે મારી સામે જોઈ રહી. પછી કોમ્પ્યુટર પર રહેલા ‘સ્કાઈપ’ નામના પ્રોગ્રામને આંગળી ચીંધી ઓળખી બતાવ્યું ત્યારે થયું કે એની માસૂમ દુનિયા હજુ આટલી જ ‘વિશાળ’ હતી. પછી આગળ પૂછ્યું કે “તો પછી તું આટલાં વખતથી મારી સાથે વાતો કેમ કરતી ન હતી?” ત્યારે તેના ‘ટંગી’ જવાબ પર મારા આંસુઓ પડી રહ્યા હતાં:

“મામા ! મને લાગ્યું છે કે તમને જ મારી સાથે વાત કરવાનો સમય અને રસ નહિ હોય.”

એટલે હવે આજે (ગયેલી નહિ) પણ સાચે જ મળી આવેલી ખુશીઓ વહેંચવાની આદત ટકાવી રહ્યો છું…..તમારા સૌના સાથ-સહકારથી…”  

મિલરી મોરલો: “જે ત્યજી શકે છે તે વધારે મેળવે છે.”

(મૂળ લેખ અંગ્રેજીમાં વાંચવા આ લિંક પર આવશો: http://bit.ly/10smvtX )

શું તમે પણ આ રીતે દુનિયા છોડી શકો?!?!?!

દોસ્તો, આજે ફરીથી ‘જસ્ટ ઈમેજીન’…

….તમે ઈન્ટરનેટની એક ખૂબ પ્રચલિત મીડિયા વેબસાઈટના એડિટર છો. મિનીટ-ટુ-મિનીટ દરેક પ્રકારના સમાચારોની વર્ષા તમારા કોમ્પ્યુટર પર, ટેલીવિઝન પર, મોબાઈલ પર, આઈ-પેડ પર. તમારી કારના રેડીઓ પર થતી જ રહે છે. 

તમે એવા ડિજીટલ વર્લ્ડ સાથે સતત વાંચન, લેખન અને મનન સાથે એક સૂત્રે સંકળાયેલા છો કે જેમાં માત્ર સુતી વખતે જ (કદાચ) અળગા રહી શકો એવી ‘કોન્સ્ટન્ટ અપડેટ’ થતી જિંદગી છે. 

ને એક દિવસ…અચાનક…

તમારા દિમાગમાં વિચારનો એક કીડો સળવળે છે. તમે તમારી જાતને કહો છો: “ જા! મારા સ્વાહાલા… આ બધાંજ ડિજીટલ ડિવાઈસીસને તિલાંજલિ આપી સાવ અલ-મસ્ત જીંદગી ગુજાર. આ બધું જ છોડીને એક અલગારી દુનિયા વસાવ. જ્યાં કોઈ મોબાઈલ ન હોય, કોઈ ટીવી કે નેટ-સર્ફિંગ ન હોય. કોઈ ઈ-મેઈલ, ટ્વિટર કે સોશિયલ મીડિયા પરનું સ્ટેટસ અપડેટ ન થાય….

…હા ! માત્ર વૈચારિક કામ ચાલુ રહે એ માટે ક્યારેક (કોઈ પણ પ્રકારના નેટ કનેક્શન વિનાનું) લેપટોપ વાપરી શકાય. અને દોસ્તો અને સ્વપરિચિતો સાથે ટૂંકમાં અને ખપ પુરતી જ વાત ઘરની ફોન-લેન્ડલાઈન પરથી કરી શકાય.” 

બાકી દુનિયા જાવે…તેલ લેણે…બોલે તો અપણે કુ ક્યા?….રે’ણા હે તો બસ…”મૈ ઔર મેરી તન્હાઈ’ કે સાથ!

…………તો દોસ્તો તમારો કેવા હાલ થાય?- (એક દોસ્તને પૂછ્યું તો કહ્યું કે ‘હું તો એક વિકમાં જ સાવ વીક થઇ મરી જાઉં. યાર !!!! જીવી જ કેમ શકાય?)

પણ સાચે જ…આવી ઘટના બરોબર..એક વર્ષ પહેલા ૩૦ મી એપ્રિલ ૨૦૧૨ના દિવસે બની હતી. સુપર ટેકનોલોજીકલ સમાચારોની સેવા આપતી સાઈટ: ધ વર્જ.કૉમના એડિટર પૌલ મિલર સાથે.

પૌલે એક આ રીતે વર્ષ સુધી લાંબો ડીજીટલ ઉપવાસ કરવાની નિયત કરી. એ જોવા માટે કે માણસ આ બધી સેવાઓ વિના (પહેલા તો) જીવી શકે છે?- અને જો હા ! તો કઈ રીતે? અને તેની માનસિક અને શારીરિક અસર શું થાય છે? 

આજે બરોબર એક વર્ષ પછી પૌલ મિલર તેની એડીટીંગ જોબ પર પાછો ફરી રહ્યો છે. અને મીડિયાના અનેક માધાંતાઓ તેની આ એક વર્ષની (ઈન્ટરનેટ વિનાની) હાઈબરનેટ વાળી (બેકાર દેખાતી) લાઈફ વિશે જાણવા બેકરાર થયા છે. 

૩૬૫ દિવસમાં કેટલાંય અવનવા સમાચારો અને ઘટનાઓથી આઉટ-ડેટેડ રહેલો મિલર તેની ઈન્ટરનેટ દુનિયામાં પાછો ફરશે ત્યારે શું શું નવું જાણશે?!?!?!?! તેના હજારો…હજારો ન વંચાયેલા ઇમેઇલ્સ, SMSs,થી ભરેલું મોબાઈલ ઈનબોક્સ ખુલશે ત્યારે શું જાણશે?…..આઆઆઆઆઅહ! કેવી કલ્પના કરી શકાય?

ખૈર, તે તેની શરૂઆતનો ‘ડિજીટલ મજૂર દિન’ કઈ રીતે ઉજવવાનો છે એ વિશે તો અફકોર્સ મને પણ પછી જ જાણવા મળશે. ત્યારે અપડેટ તમને મળશે. So, Come… What ‘May ‘ Says! 

.

ભાગ-૨ માટે અહીં આવશો:  https://nilenekinarethi.wordpress.com/2013/05/08/can-you-leave-the-world-like-this-way-2/

માઠા સમાચારોનું એક નાનકડું માવઠું !

|
ઉહ્ફ!…. શમશાદ બેગમ ૯૪ વર્ષની વયે ગઈકાલે વિદાય થઇ ચુક્યા. લેટેસ્ટ ટેકનોલોજીની આ દુનિયામાં મન અને મગજ પર નોસ્ટાલ્જિક અસર જન્માવનાર બુલબુલકંઠી શમશાદજીને હું બાળપણથી સાંભળતો આવ્યો છું. – અલ હમ્દ!

એમના અમર રહેનાર ઓલમોસ્ટ બધાં જ ગીતો ગમતા. પણ વર્ષો પહેલા ઓલ-ઇન્ડિયા રેડિયો પર આવતા ‘કેહ્કશાં’ પ્રોગ્રામની ટાઈટલ ટ્યુન ‘ધરતી કો આકાશ પુકારે’ તો કાયમ યાદ રહેવાની છે જ. અને આજે તો આપણા સૌનું નસીબ એટલું જોરમાં બન્યું છે કે… યુ-ટ્યુબ પર માત્ર એમનું નામ લખતાં ગીતોની પંજાબી વણઝાર સામે દોડતી આવી જાય છે. 

====||====

આહ !…. હજુ થોડાં જ મહિનાઓ પહેલા પહેલી વાર રૂબરૂ મળેલા. પણ દિલ ખોલીને મારા પણ દોસ્ત બની ચુકેલા મહિપત અંકલ મહેતા (ફેસબુક દોસ્ત Durgesh Mehta ના પિતા પણ ગયા અઠવાડિયામાં અણધારી એક્ઝિટ લઇ ચુક્યા ત્યારે થયું કે…અભી અભી તો આયે થે ઔર અભી અભી તો…

ડિસેમ્બરમાં જ્યારે ભારત આવ્યો ત્યારે તેમના દિકરાની હાજરીમાં ખુબજ નિખાલસતાથી પોતાની લાઈફના પ્રેક્ટિકલ ગરમ અનુભવોનો ડબ્બો આઈસ્ક્રીમના ઠંડા કપ સાથે શેર કર્યો ત્યારે ક્યાં ખબર હતી કે…સાયકોલોજીનો આ એક જીવતો જાગતો કેસ-સ્ટડી અમારી સામે પહેલી અને છેલ્લી વાર જ ઉપસ્થતિ થવાનો છે !!! 

ખૈર, ઓશો રજનીશ, કાંતિ ભટ્ટ, ગુણવંત શાહના પાક્કા ‘ફેન’ના પ્રભાવ હેઠળ રહેલા અલ-મસ્ત મહિપતભાઈએ મોતને પણ ઉત્સવ તરીકે ઉજવવાની વસિયત પહેલેથી જ કરી હતી. 

====|||====

આઉચ !… જેમણે વર્ષો પહેલા માત્ર એક જ પુસ્તક લખ્યું.: ‘હેલો અમેરિકા !’ અને એ પણ એવું મજ્જેદાર કે આજે પણ વાંચીએ તો તાજું લાગે એવા પાક્કા ગુજ્જુ-કલકત્તી મસ્તીખોર, સુવર્ણાપતિ, Jayesh Parekh-પિતા, બક્ષી-બંધુ અને કોલેજકાળમાં મારા સૌ પ્રથમ પેન-ફ્રેન્ડ અને પછી પર્સનલ-ફ્રેન્ડ બનેલા મુ. શ્રી અરવિંદભાઈ પારેખ પણ બે મહિના અગાઉ આઉટ થઇ ગયા. 

કલકત્તાની ગુજરાતી સાહિત્ય સભામાં વર્ષો સુધી સેવા આપનાર અરવિંદભાઈએ એમના સારસ-જોડીદાર મુ. સુવર્ણાબેન પારેખની પેન સાથે સેંકડો લેખો પણ લખ્યા છે. એમનાં હસ્તાક્ષર અને હસતાં અક્ષરો આજે મારી ફાઈલમાં યાદી તરીકે અકબંધ રહેલા છે. 

એમના પુસ્તક વિશે પછી ક્યારેક વિગતે અપડેટ કરીશ ઇન્શાલ્લાહ. પણ અત્યારે એટલું જ કહું કે એમને ડોસો કહેવું એ આપણી જવાનીને ગાળ દેવા બરોબર છે. ‘દાદા! આમી તોમાર મીસ્ટી-મિસરી બોન્ધું શોલામ બોલેચ્ચે!”

====|||====

આ બધાં જ આત્માઓને અરેબિકી….અલ્ફ સલામા !

‘ફેસબૂકી’ કાવ્યોના પ્રકાર કેટલાં હોય છે તે જાણવા છે? લ્યો આ રહ્યાં…

આમાં વિશ્વની કોઈ યુનિવર્સીટી મારા રિસર્ચની મદદે આવી નથી. પણ..ફેસબૂક પર સર્ચ કરતા કરતા કેટલાંક ઝણઝણતા તારો મળી આવ્યા…કે આધુનિક ફેસ્બૂકી કાવ્યો કેટલાં પ્રકારના હોય છે?

•=> ગુન્હા-કબૂલ કાવ્ય: આવા કાવ્યો વાંચ્યા બાદ થાય છે કે જો તેને થર્ડ-ડિગ્રી રૂપે કેદીઓને સંભળાવવામાં આવે તો ત્રાસીને જરૂર ગુન્હો કબૂલ કરી શકે એટલાં ભારેખમ હોય છે.

•=> નાડા-ચડ્ડી કાવ્ય: શ્રુગાંર-રસથી ભરપૂર આ કાવ્યો વાંચ્યા બાદ થાય તો ખરા કે ઘણું બધું ખુલી ગયું રે…(દિમાગ સિવાય!)

•=> વિશ્વરૂપમ્ કાવ્ય: સોરી! આવા કાવ્યોમાં કમલ હસનની કોઈ ભૂમિકા નથી. પણ ગંજી-ફરાક ઉપર બેસી ચણા ફાંકીને તેવા સુન્દરમ અલૌકિક કાવ્યોમાં સમગ્ર વિશ્વદર્શન કરાવવામાં આવે છે. (પછી ભલેને પાર્ટી પાલનપુરની બારે’ય ન જઈ શકી હોય)

•=> દુઃખીજીવ(લેણ) કાવ્ય: આમાં પાર્ટીને લાગી રહ્યું છે કે…તે બ્રહ્માંડનો એ સૌથી દુખિયારો જીવ બની અવતર્યો છે ને બસ એ હવે ચંદ ઘડીઓનો જ મહેમાન છે. શૃંગારિક ગાળોથી ભરપૂર આ કાવ્યોની અસર વાઈરલ હોય છે. એનાથી બચવાનું ઇન્જેક્શન માઈકલ જેક્શન પાસેય નહોતું.

•=> મેગી-૨ મિનીટ્સ કાવ્ય: બરોબર…બે જ મિનીટમાં તૈયાર થઇ જતા આ કાવ્યોની વાત તો સાવ સામાન્ય છે. પણ મુશ્કેલી એ વાતની છે કે…મેગી-યુક્ત આવા કાવ્યોને પકડવા ન તો ચોપ-સ્ટિક મળે છે કે ન ચમચો. ત્યારે ભૂલેચૂકે એ જોઈ લેનારને એમ લાગે છે કે ‘ખવિ’ ભલે દેશી હોય, પણ ‘ખાવ્ય’ ‘મેઇડ-ઇન-ચાઈના’નું છે.

•=> ‘ભાઈ છાપ’ બેસન-યુક્ત કાવ્ય: ઇનડાયરેકટલી એમની (ન સાંભળતી પ્રેમિકા કે ન સાંભળતા પ્રેમી)ને દાદાગીરી બતાવવા માટે આવા શૂરવીર કાવ્યો રચવામાં આવેલા હોય છે. પણ વર્ષને અંતે એવી સંસ્થાઓ વાંઢા કે વાંઢી રહી જતા હોય છે. (પછી એકલા ભજીયા ખાવું કોને ગમે, ભ’ઈ?)

•=> ‘લાઈક’-ફંડ ઉઘરાણી કાવ્ય: તેમાં શબ્દોના અર્થનું માથું અને હાથ-પગો ૭૨૦ અંશના ખૂણે ફરતા હોય છતાં આપણને ‘લાઈક’ કરવા માટે હાથ-પગ જોડવામાં આવે….(આ બાબતે દિલનો ઉપયોગ કેમ કરાય બાપલ્યા!?!?!)

[ રિસર્ચ હજુ ચાલુ હૈ મેર દોસ્ત!. આવા બીજાં પ્રકારો મળશે ત્યારે નવા સંશોધન રૂપે તેની નવી આવૃત્તિ બહાર પાડવામાં આવશે. (કાવ્યની નહિ રે…આવા લેખની હોં) ]

કેટલાંક ફેસબૂકી હાઈકુઓ….

આ બે દિવસ પહેલા ચેકબૂક લખતાં લખતાં ‘ફેસબૂક’ વિશે હાઈકુઓ લખાઈ ગયા…પણ હવે તો ‘થોરાંમાં ઘન્નું ચક્કર’ ને સમાવવાની મૌસમ છે. લ્યો ત્યારે..|
—————-
ચાલો થોડાંક
હાઈકુઓ માણીએ,
ફેસબૂકના…
—————-
કોમેન્ટ’ કરું,
તે પહેલા તું મને,
લાઈક’ તો થા!
—————-
વોલ’ ના બોલ,
જો પાછાં અફળાય
તો, ન બોલ !
—————-
શેર કે કૉપી?
તારું એ કર્મ આપે,
સાચી ઓળખ.
—————-
ફોટોજેનિક
નથી છતાં કાયમી
ટેગ’ ટેન્શન.
—————-
કટ’ થયા છો?
કે અંદરથી ચાલુ
છે ‘કૉપી-પેસ્ટ’?
—————-
ભલેને બ્લેન્ક,
હોય ‘ઇમેજ’ તોય
લાઈક’ કરો.
—————-
કર્યું પ્રપોઝ,
ગયું ફ્રેન્ડ’શિપ’નું
વહાણ ડૂબી.
—————-
ઝુકરબર્ગ
‘બનાવે’ હરચીજ
ફેસબૂકમાં!
—————-
રિફ્રેશ’ થાવા,
ઉપર-નીચે સ્ક્રોલ
કરતા રહો.

આ સમાચાર તો સાચે જ ‘મંગલમય’ છે…

SpaceX-on-Mars

SpaceX-on-Mars (C) Wired Magazine

પેલું રોવર જ્યારથી મંગળ પર હરીફરી રહ્યું છે ત્યારથી આખી દુનિયામાં તેના વિકાસના અવનવા ગતકડાં બહાર આવી રહ્યા છે. લેટેસ્ટ અને પાકેપાયે સાચા ન્યુઝ એમ છે કે…

મંગળ ગ્રહ પર એક રેસિડેન્શિયલ સ્કિમ તૈયાર થઇ રહી છે….સાચે જ. બોલો કોણ જવા તૈયાર છે?

આ કોઈ સ્કેમ નથી પણ જેઓ પૃથ્વી પર પણ ‘મંગલમય’ જીવન જીવી શકતા નથી એ સૌ માટે એક નવીનતમ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 

સ્પેસ-X કંપનીના સ્થાપક એલન મસ્કે તેના માર્સ કોલોની ડેવેલોપમેંટ પ્રોજેક્ટ હેઠળ અમેરિકાની સરકારની મદદથી આ સર્વિસની શરૂઆત કરી છે. (યાર! એ લોકોમાં જ આવી તાકાત આવે છે?!?!!?)

મજાની વાત એ છે કે તેના પ્રોજેક્ટને સપોર્ટ કરવા બીજી અન્ય મોટી વેન્ચર્સ કંપનીઓ પણ તેમાં ઇન્વેસ્ટ કરી રહી છે. કોલોનીનો પ્લાન પાસ કરાવતી વખતે ત્યાં વસાહતો કેવી રીતે બનાવવામાં આવશે, તેનો આકાર, રચના, ટકાઉપણું જેવી ઘણી અમેઝિંગ બાબતોને આવરી લેવામાં આવી છે. 

એટલી હદ સુધી કે… લોકોને ત્યાં લઇ જવા માટે ટ્રાન્સપોર્ટેશન, જમવાનું, રહેણાંક પણ કેવું આપવામાં આવશે તેની બારીકાઈથી ચર્ચા કરવામાં આવી છે. (બોલો હવે આમાં કોને મંગળ નડી શકે?)

બીજાની તો ખબર નહિ પણ એલન મસ્કભાઈએ પૃથ્વી પર જ તેના ખુદનું જીવન તો અત્યારથી જ મસ્ત અને મંગલકારી બનાવી દીધું કે નહિ?!!!

(કોઈક ફેસબૂકસંતના ચવાયેલા આ વાક્યને એલને મસ્ક સણસણતો જવાબ આપ્યો: 

“મંગળ પર જીવન શોધો એ કરતા જીવનમાં મંગળ શોધો એ અગત્યનું છે.”)