નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: ફેસબૂક

ખોટા સમાચારો શું કામ ફેલાવવા?

દોસ્તો, થોડાં દિવસો અગાઉ કેટલાંક ખોટા અને ખાટા ફોટોગ્રાફ્સ જોવા મળ્યા. એવા લોકો પાસેથી જેઓ હજુ સચ્ચાઈને બદલે સફેદ જૂઠ પકડીને બસ કાંઈક બતાવવા માંગે છે….માત્ર શેર કરવા માંગે છે. ઉદાહરણાર્થે…

 • આહા..અલ્હામ્દુલીલ્લાહ ! યેહ દેખિયે….ખુદા કી કુદરત! જાપાનના જબરદસ્ત ત્સુનામીમાં માત્ર એક બચી ગયેલી મસ્જીદ.” પણ સાચો ફોટો હોય વર્ષો પહેલા આર્જેન્ટીનામાં થયેલા વાવાઝોડામાં બચી ગયેલી કોઈક મસ્જીદ (જેવી લાગતી ઈમારત)….
 • વાહ! જુઓ…જુઓ..આપણા સાચ્ચા ભારતીય રતન તાતાએ પાકિસ્તાનનો ૩૫૦ તાતા સુમોનો ઓર્ડર ઠુકરાવ્યો“…એમ કહીને કે જે દેશ અમારા દેશમાં હથિયાર સપ્લાય કરે છે એને અમે માલ સપ્લાય નહિ કરીએ.”- ખરી વાત એ છે કે…રતનજીને આવો કોઈ ઓર્ડર મળ્યો નથી અને એમણે ક્યારેય કોઈ એવો ઓર્ડર ઠુકરાવ્યો નથી.
 • …અને જોઈ લ્યો આનો ક્રૂર અંજામ! કુરાનને જાહેરમાં બાળવાનું આહ્વાન કરનાર અમેરિકાનો પેલો ફાધર-પાસ્ટર આખેઆખો સળગી ગયો.”- ભલા એની માંના….એ બાપો હજુએ જીવે છે.અને આવી ઘટના ફરી નહિ થાય એવી ત્યાંની સરકારે બાહેંધરી આપી દીધી છે.
 • અમેરિકામાં એક થિયેટરમાં પયગંબર સાહેબની ફિલ્મ બતાવાતા થોડાં જ સમયમાં તે જમીન દોસ્ત થઇ ઢળી પડ્યું.”- કોઈક અમેરિકન બંધુને પૂછો છે કે ત્યાં આવી કોઈ ફિલ્મ જાહેર થિયેટરમાં બતાવવામાં આવી હોય?- પછી કોઈકની ફિલ્મ શાં માટે ઉતારવી ભૈશાબ?
 • આહા ! ઝાડમાં નેચરલી કોતરાયેલી ‘અલ્લાહ’ લખેલા શબ્દમાંથી લોહીની ધારાઓ ફૂટી નીકળી.”- ફોટોશોપ સુપર્બ ફોટો એડીટીંગ સોફ્ટવેર છે. જ્યાં રાધા..અનુરાધા થઇ શકે અને મોહન વગર વાંસળીએ સૂર કાઢી શકે પછી ઝાડમાં ઘણું કોતરી શકાય….આવા ખોટા સમાચારો ય!
 • અને આ જોઈ લ્યો ગુરુઓના ગોરખ-ધંધા! કહેવાતા મશહૂર બાપુ કોઈક જોઈ?- કોઈક સેક્સી કન્યા સાથે કામ-આસનમાં બિરાજમાન.” જ્યારે ખરો ફોટો એમના હમશકલ અમેરિકાના એક સુપ્રસિદ્ધ તંત્ર-યોગા ગુરુનો એની ઓફિશિયલ શિષ્યા-પત્ની સાથે હોય. (યાર ઉનકી ચલતી હૈ તો આપકી ક્યોં જલતી હૈ, કુછ ‘કામ’ નહિ હૈ ક્યા?)

બાપલ્યા…લાંબુ ચોળીને ચીકણું કરવામાં સા.બુ.ની ગોટી ક્યા બગાડવી!- આ અગાઉ ફેસબૂકની જો (હુકમી) પર એક લેખ પણ અહીં મુકવામાં આવ્યો જ છે.

ગૂગલ ઈમેજમાં લગભગ ઘણાં ખોટા ફોટોઝનું સાચું જન્મસ્થાન જાણી શકાય છે, તો એ માટેની અસલી તસ્દી લીધા વિના આવા નકલી સમાચારોથી ખુદની દિવાલ શાં માટે બગાડવી?

યાદ રહે મારા વા’લા દોસ્તો, આપણા આ ફેસબુકીયુંનું દરેક અમલ ‘પથ્થર કી લકીર’ છે. જે લખ્યું તે ‘સેવ’ થયું કાયમ માટે…પછી ભલે ને બબ્બે વાર ડિલીટ થતું!- યેહ ફેસબુક હૈ બાબુ! યેહ સબ જાનતી હૈ! અંદરકાભી ઔર બાહરકા ભી !

બ્લોગી અને રમતો ભમતો જોગી એટલે અખિલ સુતરીયા…

Akhilbhai_Sutaria

Photo Source : Akhilbhai’s Facebook Page.

૨૧મી એપ્રિલ ૨૦૧૨ ને દિવસે બપોરે ૨.૨૦ સમયે મારા સ્કાય્પ પર એક મેસેજ ઝળક્યો.

Good Evening from Indiaaaaaaaaaaaa.

ડેસ્ક પર ન હોવાથી એ મેસેજ મેં થોડી મિનીટ્સ પછી આવી જોયો જ્યારે સ્કાય્પમાંથી મને કોલિંગ ટોન્સ સંભળાઈ. સેકન્ડ્સમાં જ સરપ્રાઈઝ બોક્સ માંથી એક નામ વંચાયું. Akhil Sutariya is Calling You.

વગર વિચાર્યે એ કોલ રિસીવ કરી પણ લીધો. કેમ કે વ્યક્તિ પણ એવી જ મજાની હતી.

એક ભોળો આદમી વલસાડી સ્ટાઈલમાં તેની ભલી ભાષામાં તેની દિલની વાતોથી ઘણું બધું કહી ગયો. એ સાથે એમણે એમનું માર્ગદર્શન અભિયાન, ભોમિયા વિના અને સાથે પણ ફરવાની સુટેવ વિશે ઘણી બાબતોની ફીલિંગ્સ વહેંચી. જો કે અમારી વાતનો મુખ્ય મુદ્દો એ હતો કે …અખિલભાઈને મારા લેખોમાં શબ્દ PUN ની સ્ટાઈલ ખુબ ગમતી તે હું કઈ રીતે લખું છું?…

કોઈ જ નાટકીય એક્પ્રેશન્સ નહિ કે કોઈ ખોટી વાત નહિ. જો દિલમેં થા વોહ ઝુબાન પર….

ને છેલ્લે “ભારત આવવાનું થાય ત્યારે વલસાડ જરૂર જરૂર આવજો ભાઈ…આજે તો આ રીતે સ્કાઈપ પર વાતો કરી ઘણું ગમ્યું છે.” ૪૦ મિનીટ્સ ૧૩ સેકન્ડ્સની એ અમારી પ્રથમ અને આખરી ફોન મુલાકાત…

ઓફકોર્સ એ પછી તો વારંવાર એમના સ્ટેટસ અને બ્લોગ-પોસ્ટ્સ પર કોમેન્ટ્સ અને લાઈક્સની ક્રિયા ચાલતી રહી અને ઇન્ટરએક્શન પણ થતું રહે. બ્લોગી અને રમતો જોગી એવા અખિલભાઈના પાછલાં સ્ટેટ્સ વ્યર્થ નહિ પર વર્થ છે. એમણે શિક્ષણ ક્ષેત્રે મોબાઈલી મિશન કર્યું અને જે ગમ્યું તે કર્યું.

પણ…હવે ગઈકાલે રાતે કોમ્પ્યુટર બંધ કરતા પહેલા ફેસબૂક સ્ટેટસ પર નજર અટકી ગઈ અને દિલ ખટકી ગયું કે…’અખિલભાઈ ઇઝ નો મોર. રેસ્ટ ઇન પિસ.’

ત્યારે મને દોસ્ત વિમેશ પંડ્યાની સુરતમાં કહેલી એક રીક્વેસ્ટ યાદ આવી ગઈ. “મુર્તઝાભાઈ, અખિલદાદુ સાથે વાત કરવી છે?- એમણે મળશો તો બહુ ગમશે.”.

મેં કહ્યું દોસ્ત જરૂર પણ પછી. ત્યારે કેમ જાણે દિલમાં અચાનક એમ થયું કે અખિલભાઈને વલસાડની બહાર સફર પર અટાણે કેમ મળું? જો એ રૂબરૂ મળવાનો ટાઈમ ગોઠવી દેશે તો પછી હું એમને મળવા કઈ રીતે જઈ શકીશ ??? – આજે એ બાબતનો વસવસો રહ્યો છે કે…કાશ એમની સાથે બીજી વાર પણ એટલીસ્ટ ફોનથી વાત થતે…

ખૈર, આજથી જ હવે સુતા પહેલા આપણા કોઈ વ્હાલા કે વ્હાલીને વિદાય તો નહિ પણ બાય જરૂર તો કહીએ.

…..જબ ખબર હી નહિ હૈ પલ કી તો બાત ક્યોં કરે કલ કી.

દિમાગના રસાયણને દિલમાં ઉતારનાર (અ)મારા એક વૈદ્યજી.

Chemi-Magic-Board

નાનકડી નોટ: આજનો આલેખ થોડો લાંબો છે. જો સમયનો અભાવ હોય તો લેખને બૂકમાર્ક કરી નિરાંતે વાંચી શકો છો. પણ વાંચશો જરૂર. કાંઈક એવું મેળવશો કે લેખ..લેખે લાગી શકે.

કેમેસ્ટ્રી…. ધોરણ ૧૨ સુધી મારા માટે સૌથી વધારે મિસ્ટિરિઅસ રહેલો વિષય.

ચાલુ ક્લાસે સૌથી વધારે કોઈક વિષયનો ખાત્મો બોલાવવાનું મન થાય તે આ કેમેસ્ટ્રી માટે. કોણ જાણે કેમ મારી ટેબલ-ટોળકીના દોસ્તો એમાં ભરી ભરીને માર્ક્સ લઇ આવતા. જ્યારે મને આ વિષયનું ડબલું મહામહેનતે પકડવું પડતું. અને એટલે જ મેં બારમાંમાં એના નામનું નાહી પણ નાખ્યું. ધમધોકાર પણ નહિ ને કોરોધાર પણ નહિ…માત્ર ભીનાશ દેખાય એ રીતે..

કોલેજમાં પ્રવેશ્યો ત્યારે એડમિશન વખતે આ વિષય મને પાછો નડ્યો. પ્રિન્સીપાલને કન્વિન્સ કરતી વખતે એમને બાંહેધરી આપવી પડી કે સર! આ કોલેજનું નામ કેમેસ્ટ્રીમાં એટ-લિસ્ટ ગુજરાતમાં ઘણું ‘ગરમ’ છે. એટલે બનતી જરૂરી મહેનત કરીશ.અને ભણવામાં પણ (થોડું વધારે) ધ્યાન આપીશ.

મૂંઝવણ તો થઇ કે…કેવી રીતે પાર કરીશ?

જ્યાં કાર્બન/ સલ્ફર ડાયોક્સાઈડ-મોનોક્સાઈડ વિશે શીખતા અને બેન્ઝિન રિંગો કરતા કરતા મને ‘ઓક્સિજન’ લેવાનો વખત આવતો હોય ત્યારે આ કોલેજમાં આ વિષય પર આગળ કેમ વધવું એ મારા માટે મોટો સવાલ હતો.

પણ જવાબ સવાલની પાછળ હતો. મને ફકત શોધવાની હિંમત કરવાની હતી. કોલેજ શરુ થવાના બીજા જ દિવસે કરેલી દુવા ફળી અને જવાબ રૂપે ‘યોગેશ’ પ્રગટ થયા.

દોસ્તો! આમાંથી કેટલાં બારમું કરીને અહીં આવ્યા છે?– આ એમનો પહેલો સવાલ હતો. ત્યારે ક્લાસના અડધાંથી વધારે વિદ્યાર્થી-લોકમાં મારી આંગળી પણ હતી પણ એમના માટે સાવ અજાણી હશે એમ માની લેવું.

ઓકે. હવે મારી તમને સૌને એક સલાહ છે. જે થયું તે ભૂલી જાઓ. સમજો કે સમયનું બારમું થઇ ગયું છે ને આજથી તમે એક નવી ઝિંદગી શરુ કરો છો. તમારી પાસે આ ૩ વર્ષ છે. એ ત્રણ વર્ષનો એવો ઉપયોગ કરી લેજો કે તમારી લાઈફનો એક ટર્નિંગ-પોઈન્ટ બની રહે.” (એ વખત પ્રણય રોયનો ‘ટર્નિંગ-પોઈન્ટ’ પ્રોગ્રામ દૂરદર્શન પર મશહૂર હતો એટલે શક્ય છે આ નામ એમાંન હોઠે આવ્યું હોવું જોઈએ). – આ એ ‘યોગેશ’નું અમારા સૌ ભાવી અર્જુનોને પહેલું આહ્વાન હતું.

શિક્ષક ‘પ્રભુ’ હોય છે એવું તે દિવસે મેં પહેલી વાર જોયું.

હવે બીજી અગત્યની વાત: તમને કેમેસ્ટ્રીમાં ક્યારેય કોઈક પોઈન્ટ સમજવામાં મુશ્કેલી નડે તો બેફીકર થઇ મને ચાલુ ક્લાસમાં અથવા શરમ નડે તો સ્ટાફરૂમમાં પણ આવી સવાલ પૂછી શકો છો. આ ૩ વર્ષ દરમિયાન તમે મને કેમેસ્ટ્રીના વિષય બાબતે કેટલું નીચોવી શકો છો એ હવે મને જોવાનું છે.

ઓહ! આ બીજું આહ્વાન તો સાક્ષાત ‘યોગેશ્વરી’ લાગ્યું. રસાયણશાસ્ત્રનો કોઈ ડોક્ટર જાણે અમારી સેવા કરવા સામે ઉભો હતો.

અને સાચે જ એવું કહીને એમણે અમારા ૩ વર્ષની કારકિર્દીમાં એમના નામ અને અટકથી સાબિત કરી અકસીર દવા કરી બતાવી.

યેસ! એમને હજુયે અમે તેમજ બીજાં ઘણાં ઘણાં અને હજુ ઘણાં વધારે વિદ્યાર્થી દોસ્તો ‘વૈદ્ય સર’થી ઓળખીએ છીએ. 

 • પૂરું નામ: શ્રી યોગેશ મધુસુદન વૈદ્ય
 • લાડકું નામ: ‘પ્રભુ’. અને..
 • એમના ખુદના કહેવા મુજબ: Why. Am. Vaidya?

અમદાવાદની ભવન્સ સાયન્સ કોલેજમાં વર્ષો સુધી ચોકવાળા હાથથી એમની કેટલીયે ક્રિયા-પ્રક્રિયાઓ દ્વારા તૈયાર થઈ અમારા વૈદ્ય સરે ટનબંધ વિદ્યાર્થીઓના દિમાગને એક્ટીવેટ કર્યું છે. એમના મનની સ્થિતિ પર જરૂરિયાત મુજબ રીડક્શન-ઓક્સીડેશન કર્યું છે ને મગજની અશુદ્ધિઓ દૂર કરી અફલિત ક્રિયાઓને ફલિત કરી છે. જેનું હું ખુદ પોતે એક ઉદાહરણ છું.

પ્રોફેસર વૈદ્ય સાહેબ એટલે હાથ અડાડ્યા વિના જ ખુલ્લા હાર્ટથી અમારા સૌ માટે રસાયણ વિજ્ઞાનને સાવ હળવું બનાવી દેનાર એક વ્હાલો જાદુગર. એમના શબ્દો, સમજાવવાની આવડત એવી કે પહેલા બોરિંગ લાગતું રસાયણિક આવર્ત કોષ્ટક અમને શીખ્યા બાદ ‘A B C D ના કક્કા-બારાખડી’ જેવું લાગ્યું.

દિમાગની નસનું લોહી ખેંચાઈ જાય એવો ‘બોરેસ્ટ’ વિષય ‘ઓર્ગેનિક-ઇનોર્ગેનિક સિમેટ્રી’ને અમારી આગળ બોરિક પાવડર જેવો બનાવીને પેશ કર્યો. જ્યારે લોજીક-લેસ લાગતો બાયોલોજીકલ-કેમેસ્ટ્રી વિષય સિમ્પલ લોજીક લગાવી અમારી નસમાં વહેતો કર્યો.

એમના વિશે શું લખવું અને કેટલું લખવું થોડું મુશ્કેલ છે. કેમ કે અત્તરની બોટલ જેટલી વધારે ખુલ્લી રાખીએ એટલી સુગંધ વધારે પ્રસરે છે. એવું એમના જ આયનિક-વિજ્ઞાનમાં અમે જાણેલું છે.

ટેન્શન, પ્રોબ્લેમ, દુઃખ, દર્દ, ઉપાધિ જેવા શબ્દોથી એમને આડવેર. જ્યારે માસૂમ મસ્તી-તોફાન, જોક્સ, ખડખડાટ હાસ્ય, સ્ટ્રેસ-ફ્રી ભણતર, કેમિકલ યુક્ત લેબ, એમના હાર્ડવેર. એટલે જ એમના ગુસ્સાનો લ્હાવો કદાચ અમને ક્યારેય મળી શક્યો નથી.

આજે લાગે છે કે એમની પાસે કેમેસ્ટ્રી શીખવું તો એક બહાનું જ હતું. ત્રણ વર્ષ દરમિયાન અમે એમની પાસેથી એ ઉપરાંત બીજું ઘણું શીખ્યા છે. જેમ કે… 

 • મુશ્કેલીમાં મોટિવેશન કેમ મેળવવું?
 • વિષયનું મેડિટેશન કેમ કરવું?
 • ભૂત કે ભવિષ્યમાં ગોથા ખાવાને બદલે વર્તમાનકાળમાં રહેવું?
 • પરીક્ષા દરમિયાન પેપર કઈ રીતે વાંચવું, લખવું, અને ચેપ્ટર-વાઈઝ તૈયારી કેમ કરવી. વગેરે…વગેરે…વગેરે.

(જ્યાં ઘણું બધું યાદ ન આવે ત્યારે આમ ‘વગેરે’ બોલી દેવું એવી ‘ટીપ’ એમની જ અપાયેલી છે, હોં!

લ્યો ત્યારે લેક્ચર દરમિયાન મને મળી આવેલા એમના જ કેટલાંક ક્વોટ્સ: 

 • દોસ્તો! જેમ આંકડાશાસ્ત્રનો વિષય શરૂઆતમાં સમજવો થોડો મુશ્કેલ લાગે તે જ રીતે રસાયણશાસ્ત્ર પણ. હવે જો તમે એને ‘આંકડી-શાસ્ત્ર’ સમજીને મોજ કરશો તો સાવ સહેલું લાગશે.
 • “..તો….મિત્રો! હાથમાં એક્સિડેન્ટ થવાને આજે મને એક વીક થશે. ઓર્થોપેડિક ડોક્ટરે મને કહ્યું છે કે વિકનેસ દૂર કરવા મને હવે ૧ મહિનાના આરામની જરૂર છે…..ને એટલા માટે આજથી જ મેં ફરી કોલેજ જોઇન્ટ કરી છે. ચાલો છેલ્લા લેક્ચરમાં શું શીખેલા?
 • દોસ્તો! આજે સ્ટાફરૂમમાં આજે ફરી એક લોચો થઇ ગયો છે. ફિઝીક્સના એક પ્રોફેસરે (આદત મુજબ ભૂલથી !!!?!?!) મારી કેમેસ્ટ્રીની જર્નલમાં સાઈન કરી નાખી છે.
 • અને સુપર ક્વોટ: “અમારા સૌ પ્રોફેસર્સની સાથે દોસ્તી રાખશો તો ઘણું શીખી શકશો.”  

ખુદ કેમેસ્ટ્રીને પણ એમણે ‘જનરલ નોલેજ’માં ‘ટ્રાન્સફોર્મ’ કર્યું હતું. એટલે સમયાંતરે ભારેખમ કહેવાતી ‘સરપ્રાઈઝ ટેસ્ટ’ ને બદલે ‘ક્વિઝ-કોન્ટેસ્ટ’નો કોન્સેપ્ટ રાખ્યો હતો. હવે એમાં લોચાં મારીએ તો જ કાંઈક નવું જાણવાનું મળે એવી એમની સામાજિક માન્યતા હતી.

જ્ઞાન બધે બાજુ ફેલાયેલું છે. બસ આપણામાં લેવાની તાકાત હોવી જરૂરી છે.

આ વાક્ય બતાવવા લેક્ચરની છેલ્લી દસ મિનીટ કોઈક ‘હટકે’ વિષયની ચર્ચા પર રહેતી. ભારતમાં ‘ઈન્ટરનેટ’ ત્યારે હજુ ક્રેડલમાં આંગળી ચુસતું પડ્યું હતું. ત્યારે પોતે પણ એક વિદ્યાર્થી બની અમારી કોલેજની કે પછી લો-ગાર્ડન પાસેની ‘બ્રિટીશ લાઈબ્રેરી’માં વારંવાર જઈ ત્યાંના નેટ પર નવું જ્ઞાન ચૂંથી અને ચૂસી આવતા. ને પછી  વખતોવાર અમાર સૌની સાથે ‘શેર’ કરતા. એ અમારી સહિયારી ફેસ-ટુ-ફેસ ભુખ હતી. (ઓયે! બાબા રણછોડદાસે તો વર્ષો પછી ૩ ઈડિયટ્સમાં આવું કહ્યું છે જ્યારે અમારા પ્રો. યોગેશ વૈદ્યજી તો વર્ષોથી કરતા આવ્યા છે.

તો આજે મને એમના વિશે આવું લખવાની જરૂર શું કામ પડી? –

સિમ્પલી! જસ્ટ થોડાં જ સમય અગાઉ હવે એ પણ મારા ફેસબૂકનાફ્રેન્ડ-લિસ્ટમાં આવી ચુક્યા છે. ફરી પાછુ વર્ષો પહેલા એમનુ કહેવાયેલું એક વાક્ય સાબિત કરવા કે “ અલ્યા મુર્તઝા! જે રીતે આજે હું તારો શિક્ષક છું તો એક દિવસ એવો પણ આવશે કે કોમ્યુટર-ઈન્ટરનેટ શીખવા અમને તારી જરૂર પડશે ત્યારે તું અમારો શિક્ષક બનીશ.

આ વાક્ય છે જ એવા મીઠાં માર જેવું કે ખોટું પાડવું પણ ગમે નહિ ને સાચું રાખવું પણ. સાલું બંનેમાં અમારા જેવાને નુકસાન થાય. પણ એ તો અમારા ગુરુ ખરાને, બંને તરફ નુકશાન કેમ થવા દે?

વૈદ્ય સર! તમારી દવા અને દોઆનું રિએક્શન હજુયે એક્શનમાં છે હોં ! – હવે આ લેખમાં તમને એના આયન્સ દેખાય તો જરા શ્વાસમાં લઇ લેજો શાયેબ! આમેય અમે તમારા કાયમ ઋણી રહેવાના છે. તોયે જેટલું કરજ ચૂકવી શકીએ એટલું સારું. પહેલા દિવસે ક્લાસમાં ઉંચી કરેલી મારી પેલી આંગળી તમે આજે પણ હજુ પકડી રાખી છે. ને મને યકીન છે જ કે એ ક્યારેય છોડવાના નથી.

(વૈદ્ય પ્રભુ! તમે આ વાક્ય ન વાંચતા પ્લિઝ):

“ફેસબૂક દોસ્તો, એ હજુ રીટાયર્ડ થઇ શકે છે, પણ ટાયર્ડ નહિ. પ્રોફેસરીમાંથી નીકળી હવે એમનો ફેસબૂક પર ‘ધ્રુવીકરણ’ કરવાનો સમય શરુ થયો છે એટલે એમને કેમિકલ કે નોનકેમિકલયુક્ત સવાલો પૂછી એમની દિવાલના ભરજો, ભૈશાબ!   

કોણ કહે છે કે ૩ વર્ષના ૧૦૯૫ દિવસ થાય છે. મારી ન્યુક્લિયર ફ્યુઝનની ગણતરી મુજબ ભવન્સ કોલેજમાં મને ૩૦૦૦ દિવસ થયા છે. વૈદ્ય જેવા ‘વિદ્યાર્થી’ સરની મોહબ્બતને લીધે….

જ્યાં હું, તું, આપ કે તમે સૌ એના દર્દીઓ છીએ….

• જ્યાં લોકો નવરાશની પળે પોતાની જાત સાથે વાત કરવાનું શરુ કરે…

• જ્યાં બેસી એ કાલ્પનિક જગ્યાઓ વિશે વિચારે અને લીટાં દોરે…

• જ્યાં કારણ વિના અસ્તિત્વ ટકાવવા દીવાલો પર લખતા રહેવું પડે…

• જ્યાં ખોવાયેલા દોસ્તોને મળવાને બદલે જે નથી મળ્યાં એવા દોસ્તોને પામવા બાઘા મારતા રહે…

• જ્યાં ખાનગીમાં બનેલી વર્ચ્યુઅલ વાનગીઓને જાહેરમાં આરોગવી પડે…

• જ્યાં કેસિનોની રમત રમવામાં એક પૈસાની પણ કમાણી ન થાય…

• જ્યાં ડાહ્યા બની ગાંડા બનવાનો ડોળ કરવો પડે…

• જ્યાં ‘પોક’ મુકીને રડવા કરતા કોઈકને વિના કારણે ‘પોક’ કરવું પડે,

• જ્યાં નકલી પ્રાણીઓ-પશુઓ, પક્ષીઓ અને માનવોના ઝૂંડનું ઝૂ બનતું જાય…

• જ્યાં બસ પ્રદર્શન માટે શરીર ખુલે ને મન ખીલે…

• જ્યાં કોઈ મુકવા ન આવે પણ જાતે જવાનું મન વારંવાર થાય…

……..એવી મેન્ટલ હોસ્પિટલનું નામ એટલે ‘ફેસબૂક’. જ્યાં હું, તું, આપ કે તમે સૌ એના દર્દીઓ છીએ.

અક્કલમંદી થી અક્કલની મંદીની સફરના આ છે રહ્યાં-સહ્યાં રસ્તા…

“અક્કલમંદ કેમ થવું? “એવી વાત તો સૌ કોઈ કરે…(ફેસબૂક પર આવેલા મારા આ ફોટો-આલ્બમમાં આવેલી ગુન્જરેજી ક્વોટ્સની એક મોટી દિવાલ જ જોઈ લ્યોને).

ખૈર, પણ આજે વાત કરવી છે…. “મંદ અક્કલના કઈ રીતે થવું?” – નેટ-સંશોધન પરથી મળી આવેલા આ ૧૭.૫ રસ્તાઓ પર ચાલવાથી અક્કલમંદ થી મંદ અક્કલની સફર કરી ઝિંદગીમાં ઘણું ‘સફર’ કરી શકવાની તકો મળે છે.

૧.  ભરપૂર ‘રિયાલિટી શો’ઝ જોવા.(કંટાળો આપે એવો કાંટાળો રસ્તો)

૨.  નકરી ખાંડના બનતા પીણાં (હવે એમાં કોક-પેપ્સીનો ઉલ્લેખ કરવો જરૂરી ખરો?) સસ્તામાં વારંવાર ગટગટાવવા.

૩.  એકસાથે અનેક કામો કરી ‘સંત’ બનવાની કોશિશ કરતા રહેવું. 

૪.  દરરોજ ‘સમયસર’ ચ્યુઈંગ-ગમ ચગળતા રહેવું.

૫.  બાઘા બની હાસ્યસભર ન્યુઝચેનલ્સ જોતા રહેવું (આજતક સે પરસો તક…કે વરશો-વર્ષ તક!). 

૬.  જાડિયા બનતા રહેવું (કે પછી જાડિયા કેમ છીએ એની માત્ર ફિકર કરતા રહેવું).

૭.  બંને પગો વધુ સમયે લટકતાં રાખવા (પછી ભલે ને એ આપણને લટકાવી દે).

૮.  ફલોરાઈડ-યુક્ત પાણી પીતા રહેવું.

૯.  મોજીલી મિટીંગોમાં ટિંગાયા કરવું (કે એમાં જઈ અર્થહીન ગાયા કરવું).

૧૦.  બાળકોને કારણહીન મારતા રહેવું, વઢતા રહેવું, બાનમાં રાખતા રહેવું.

૧૧.  ‘પાવરપોઇન્ટ’ વાળા (બોરિંગ) પ્રવચનો કરતા રહેવું ને સાંભળતા રહેવું.

૧૨.  સમય પસાર કરવા કાર્ટૂન ફિલ્મોમાં (સ્પોન્જબોબ તો ખાસ) હસતા રહેવું (ને પછી ખાસતા રહેવું)

૧૩.  સિગરેટ-બીડીનાં ધૂમાડાથી ધૂમ મચાવવી.

૧૪.  મદિરા-પાન કે રાજપાઠની સ્થિતિમાં રચ્યા-પચ્યા રહેવું.

૧૫.  ખોબેખોબા ભરી મગજમાં ફિકરો ભરી રાખવી. (ટૂંકમાં સ્ટેટસ માંથી સ્ટ્રેસમાં રહેવું)

૧૬.  …ને પછી માથાના દુઃખાવાની ગોળીઓ મગજમાં અને મોંમાં માર્યા કરવી.

૧૭.  શરીરમાંથી આયોડિનનું બેલેન્સ ગુમાવી દેવું (ભલે ને દેવું થઇ ગયું હોય તો પણ)

અને છેલ્લે બાકી રહેલી ૦.૫. …ને આવા રસ્તા બતાવતી ‘ટિપ્સ’ને એક આંખથી વાંચી બીજી આંખે નિકાલ કરવો. 

Are We Really Independent? – શું ખરેખર આઝાદી મળી છે? નો નો નો…

શું ખરેખર આઝાદી મળી છે? નો નો નો….

અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા એટલે આઝાદી?- કોણે કહ્યું….પ્રભુ!?

• જન્મથી જ આપણા કુટુંબ, સમાજમાંથી આપવામાં આવેલા ખોટાં (ને પછી ખાટા) પૂર્વગ્રહોની ગુલામગીરીના શું ખબર છે…..બચ્ચે?

• સ્કૂલમાં ‘ભણ ભણ’ કરાવીને દબાવવામાં આવેલી ક્રિયેટિવિટીનું અત્યારે અપડેટ કેમ છે…..બેટા?

• કોલેજમાં વધારે પોપ્યુલર (અને રોકડી કરી આપતા) એવા ‘સજેસ્ટેડ’ વિષયોને જ મહા-પરાણે ઉતારી છુટ્ટા થયેલા સમયને કેમ પાછો વાળી શકીશું…..દોસ્ત?

• જખ મરાતી હોય અને ના છુટકે ન ગમતી નોકરીએ લાગી મા-બાપને ખુશ રાખવાના ‘ગમ’ની ગુલામગીરી ક્યાં ચીટકાવીશું…..બાપ?

• ‘કસ્ટમર ઇઝ કિંગ’ જેવું સાવ ખોટું વાક્ય સ્વીકારી લઇ…..ગ્રાહકને એક દોસ્ત તરીકે જોવાની માનસિક સ્થિતિ ક્યારે બનાવીશું……શેઠ?

• ‘ઘેંટાઓના ટોળાં’થી બનેલાં નિયમોને અંધ બની પાળતા રહેવાની મજબૂરી યુક્ત ગુલામગીરીને કેમ કરીને તોડવી….સાહેબ?

• અરે! આપણા જ ભાઈ-બંધુઓથી બનેલી અમેરિકન મોબાઈલ ટેકનોલોજીને કોરિયાના મોબાઈલમાં નાખી, ફિન્લેન્ડી રીંગટોન્સને ગાળો ભાંડવાની ગુલામીમાંથી કેમ કરીને છૂટવું….સરજી!?

• બેસણા કે ભ’ઈ-બોન પૈણાવવામાં બ્લેકબેરી/આઈફોન પર સતત સેક્સી મેસેજીસ વાંચવાની ટેક્સીમાં ફર્યા રહેવાની ગુલામગીરીમાંથી કોણ બહાર કાઢશે….બડી!? 

• ચાલો ઘરમાં જ ફૂંકાતા બીડી-સિગારેટ-તમાકું-ગૂટખાને હોઠ વચ્ચે દબાવતાં રહી પાનને ગલ્લે ‘કમાણી જ નથી સાલ્લી’ના નિસાસાઓની ગુલામગીરી કોણ દૂર કરાવશે…..રાજ્જા!!!?

• ઓહ્ફ..! સાચી હકીકત (સચ્ચાઈ) જાણ્યા વગર જ ‘હિંદુ આતંકવાદ’ કે ‘ઇસ્લામિક ટેરરિઝમ’માં જ અંદરોઅંદર ઝગડાંઓ કરી પેલા શૈતાનને ખુશ કરતા રહેવાની આપણી ખુદની જ અશિક્ષિત ગુલામગીરી કયો ગુરુ આવી દૂર કરશે….મારા ભાઈ?!!

અરે વ્હાલાંઓ…આ આ સિવાય બીજી અનેકાનેક ગુલામીમાંથી જ્યારે ફકત ‘જાતે જ’ મુક્ત થઈએ ત્યારે ફેસબૂકમાં કે પોતાના ‘ફેસ’ પર સાચું સ્ટેટસ મુકીશું તો જ ‘હેપી ઈન્ડીપેન્ડન્સ’નું પેન્ડન્ટ (હાર) પહેરવા લાયક બનીશું. બાકી હાલમાં જે પણ કરીએ છીએ માત્ર ‘દબાયેલા નાનકડાં સ્ટેટીક્સ બતાવવા……નહિ કે સાચે સ્ટેટસ ભરવા…”

મારી પંદરમી ઓગસ્ટ તો અંદર (ગટ્સમાં)થી આવે છે….તમારું કેમનું છે?

| ઈન્ડી-ફ્રેન્ડી મુર્તઝા પટેલ. | 

“જે મારતું તે જ પોષતું એ ક્રમ દીસે કુદરતી…”

 • દુન્યવી આલમનો બનેલો રૂઢિપ્રયોગ: “જે પોષતું તે જ મારતું એ ક્રમ દીસે કુદરતી…”
 • વેપારી આલમનો બનેલો રૂઢિપ્રયોગ: “જે મારતું તે જ પોષતું એ ક્રમ દીસે કુદરતી…”

એક તરફ ઇરાન પ્રબળ રીતે અમેરિકાનું (ઓલમોસ્ટ) બધી બાજુએથી વિરોધ કરી રહ્યું છે ત્યારે એના જ કેટલાંક ટેકનોલોજીકલ-વેપારિક વીરલાંઓ અમેરિકામાં રહી આખી દુનિયાને પોતાની ઉદ્યોગસાહસિકતાથી હલાવી રહ્યાં છે. આમ તો લિસ્ટ લાંબુ છે. પણ એમની જ પારસીયન સ્ટાઈલમાં ‘થોરામાં ઘન્નું’ બતાવવા ૩ ઉદાહરણો મુકવા ગમશે.

 • Omid Kordestani: ગૂગલનો જ શરૂઆતી એક સ્થાપક અને હાલમાં સિનીયર એડવાઈઝર

 • Omid Saadati:  – ફેસબૂકનો એક મુખ્ય પાર્ટનર કમ એન્જીનિયર

 • Pierre Omidyar: – ઈબે.કૉમ (Ebay.com) નો સ્થાપક

દોસ્તો, આ ત્રણે પોતાની ધરી પર એટલા સાબૂત છે કે વેપાર અને ટેકનોલોજીની જૂની વ્યાખ્યાઓને તો ક્યારની ફેરવી નાખી છે.

સ્વાર્થથી ભરપૂર આ દુનિયામાં રાજકીય ચકલાં તો કદાચ દુનિયાને બતાવવા માટે જ ચૂંથવામાં આવે છે. પોતાનો હેતુ સિદ્ધ થતો હોય ત્યારે ઇરાની કે ઇન્ડિયન, જાપાની કે જર્મન ટેગને (યા તેગ પણ બોલોને) મ્યાનમાં ભરવી દેવામાં આવે!

આપણે કોણ અથવા શું છીએ?” એ કરતા “આપણે શું કરી શકીએ છીએ” કદાચ વધારે મહત્વનું છે ને?

સોશિયલ મીડિયા…સરળ અને સામાજિક સમજૂતી!

 • ગૂગલ: ‘નાચ’ એટલે શું?- શોધો.
 • ટ્વિટર: મને નાચવું છે…(ક્યાં જવું?!?!?)- પૂછી લો.
 • ગ્રુપોન: બોલો, મારી સાથે ક્લબમાં નાચવા આવવું છે…ડિસ્કાઉન્ટમાં?
 • લિન્ક્ડઇન: હું નાચવામાં બહુ હોંશિયાર છું, ડીપ્લોમા છે આપડી પાસે હોં!
 • ક્વોરા: હું આટલું બધું શાં માટે નાચું છું?- કોઈ મને પ્લિઝ…સમજાવશો?
 • પોલડેડી: હું કેવું નાચ્યો?- આપનો મત જણાવશો.

       અને છેલ્લે એને કેમ ભુલાય…

કોમેન્ટ: બહોત નાચ્યો…ગોપાલ!

ગૂગલ ગ્રુપ ઈ-મેઈલ: ચાલો આવો..હૈસો હૈસો કરતા…આજે બધાં નાચીએ!

આવી જાઓ અહીં જ્યાં ‘મેટ’ ૪૨ દેશોમાં જઈને નાચવા માંડી પડ્યો છે ને બધાં ને પણ એની જોડે નચાવી રહ્યો છે…