નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: મક્કા મદીના

દિલ સાફ, તો દુનિયા આબાદ !

Small Rocky Stones

 

અરેબિકમાં ‘મૌકા’ શબ્દનો અર્થ ‘ખાસ જગ્યા’ થાય છે. આ મૌકા પરથી એક શબ્દ એ પણ છે ‘મક્કા’ જેના રહેવાશીઓને મુક્કીમ કહેવામાં આવે છે. અસલ નામ: ‘મક્કા મુકર્રમા’

(આપણે હિન્દી/ગુજરાતીમાં તેનો અર્થ ‘તક’ તરીકે લઈએ છીએ. હવે પેલું પોસ્ટકાર્ડ પર લખવામાં આવતું ‘મુકામ-પોસ્ટ’ નુંય કનેક્શન મળ્યું ને?)

એજ રીતે અરેબિક શબ્દ ‘મદીના’નો અર્થ એટલે ‘શહેર’. આ શહેરનું અસલ નામ: મદીના મુનવ્વરા (રોશનીથી ભરાયેલું શહેર)

એક મુસ્લિમ તરીકે બાળપણથી મને પણ આ બંને શહેર જોવાની ઈચ્છા. જ્યાં નબી સાહેબ (સ.અ)ના પરિવારની સુગંધ હજુયે એવી બરકરાર છે, જ્યાં ‘અલ્લાહકે સબ બંદે એક હો જાતે હૈ’ એવી જગ્યાને જાણવા, જોવા માટેની ખ્વાઈશ તો હોય જ ને !

અને આખરે એ લગની અને મુહબ્બતની લાગણી મને બરોબર બે વર્ષ અગાઉ આ બંને શહેરોની (હજ તો નહિ પણ) ઉમરાહ સફરના ભવ્ય મોકા રૂપે ફેમિલી સાથે ત્યાં ખેંચી લાવી હતી.

આ શહેરોમાં ક્યાં, કેવું, શું, કઈ રીતે, શાં માટે, ક્યારે ક્યારે કેટલું જોવું એની પણ જતા પહેલા અમને ટ્રેઈનિંગ આપવામાં આવે, ત્યારે વાત આમ નથી રહેતી.

એટલા માટે કે જે રાજ્ય વ્યવસ્થા વર્ષો અગાઉ પયગંબર સાહેબ (સ.અ) સ્થાપી ચુક્યા હતા, તેને માત્ર ફરવાને બહાને ન જોઈ શકાય. પણ દિલમાં એક મુહંમદી શ્રદ્ધાની ટોર્ચ જલાવી જોવું પડે.

મારા નસીબ કે તે વેળાએ કમ્પ્લિટ થયેલી હજની મૌસમ પછીનો ઔસમ માહોલ મેં જાતે જોયો, અનુભવ્યો. અત્યારે તો માત્ર એટલું જ કહું કે…સઉદી અરેબિયન સરકાર દર વર્ષે હજની વ્યવસ્થા માટે જે સહુલીયાતો આપે છે, પહેલા તો તેનો જોઇને જ સલામ કરવાનું મન થઇ જાય છે.

મક્કા-મદીના, મીના-મુઝ્દલેફા શહેરોનાં રોડ, ગલીઓ, મસ્જીદની (અંદર અને બહારનાં) પ્રાંગણ, એટલાં ચોખ્ખા અને સારી રીતે વિકસાવવામાં આવ્યા છે, કે કોઈ ધમાલ સર્જાય એ પહેલા જ ત્યાંની સ્થાનિક પોલિસ મોડર્ન સાધનોનો ઉપયોગ કરી મિનીટ્સમાં કંટ્રોલ કરી શકે છે.

પણ પછી સવાલ થાય છે કે: જ્યાં આવનાર લાખો મુસલમાનો માટે સોફિસ્ટિકેટેડ રહેવાની, ચાલવાની, બેસવાની, આવવા-જવાની સરળતા મળતી હોય તેની સુપર્બ સિસ્ટમમાં અંધાધૂંધીધી (સ્ટેમ્પેડ) શાં માટે સર્જાય છે?

સવાલ જેટલો ઉંડો હતો, જવાબ મને એટલો જ મૂળ કારણ સાથે મળ્યો: ઉતાવળ + લોભ-લાલચ.

બીજાં લાભ જલ્દી લઇ જાય અને પોતે કેમ બાકાત રહી જાય?”-

બાબત કોઈપણ હોય. જ્યાં દરેકને ‘રોટલો અને ઓટલો’ હાજીઓ માટે તૈય્યાર કરી આપવામાં આવ્યો હોય એમાં પણ બીજાંનું પડાવી લેવાની લોભિયા-વૃત્તિ આવાં સ્ટેમ્પ-પેડિયા સંજોગો સર્જે છે.

આ બધું જ હું જાતે જોઈ આવ્યો, સમજી આવ્યો. અને એટલે જ તાજેતરમાં મીના શહેરમાં થયેલી એ મગજમારીનાં ન્યુઝે લખવાનો મોકો આપ્યો છે. જેને નાસમજુ મીડિયા-લોકોએ ધર્મનાં નામે બળાપા રૂપે કાઢ્યો છે.

જે સાચા સંતોએ સમજુ સમાજ વિકસાવવા સુચારુ સિસ્ટમ સ્થાપી તેને ફોલો કરવાનું આહ્વાન કર્યું હોય, તેને બરોબર સમજ્યા વિના કાંકરીચાળો કરનાર ‘શયતાન’ જ હોય.

સાચો મુસ્લિમ આવાં શયતાનોને કાંકરાં ‘મારતો’ નથી, પણ તેની શયતાનિયત પર કંકર ‘ફેંકે’ છે.

દિલ સાફ તો દુનિયા આબાદ.

મક્કા-મદીના મોરલો:

“હજ કરવા તો લાખો લોકો આવતાં હોય છે. પણ એમાંથી બસ ચંદ લોકો જ હાજી બનીને જાય છે.” – નબી મુહંમદ, રસુલ-એ-ખુદા (સ.અ)

…મારી ખુશીઓનો પતંગ આજે આ રીતે હિલોળે ચડ્યો …

Masjid_Nabavi

Masjid_Nabavi

Kabatullah_Makka

Kabatullah_Makka

“કદમોંને ઉનકી ખાક કો કુંદન બના દિયા,
મીટ્ટી ભી કીમિયા હૈ, મુહંમદ કે શહેરમેં.”

દરેક મુસલમાનની અદમ્ય ઈચ્છા-નિયત હોય છે, કે તેની ઝીંદગીમાં કમસે કમ એક વાર મક્કા-મદીના તરફ હજ કે ઉમરાહ કરવા જાય. ગયે વર્ષે (૨ મહિના અગાઉ) અમારા પડોશીને જ્યારે અમે હજ માટે વિદાય કર્યા ત્યારે અમારા તરફથી કાબા-શરીફમાં “દોઆમેં યાદ કરના’ કહી અરજ કરી કે અમને પણ મક્કા-મદીના તરફ આવવું જલ્દી નસીબ થાય…

અને વર્ષોમાં નહિ…માત્ર ચંદ દિવસોમાં (એમની દોઆ થકી પણ)…અમારૂ નસીબ સુપેરે જાગી ઉઠ્યું. ઇન્ડિયા આવવાની ટિકિટના પેકેજમાં ૩ દિવસની ત્યાંની વિસા પણ બોનસ સ્વરૂપે મળી ગઈ. અને પરિવાર સાથે એ જમીન પર પગ મુકવાનું નસીબ થયું.

જ્યાં વર્ષભર લાખોનો લોકોનો તાંતો રહેતો હોય ત્યાં હજના બીજા જ મહિને લગભગ નહીવત ભીડ રહેતી હોય છે. તેવા સમયે અહીં આવી ઈબાદત કરવાની તક મળે ત્યારે…‘માનસ’ કેવી ખુશી મહેસૂસ કરે એ માટે લખાણમાં શબ્દો નથી આવતા.

બાળપણથી જેને અસંખ્ય ફોટોઝમાં જોતા આવ્યા હોઈએ એવા લીલા ગુંબજ અને ઉંચા મિનારાને મદીનાની આ (મેં લીધેલા ફોટોમાં) નબવી-મસ્જીદને રૂબરૂ જોઈ તેની અંદર નમાઝ પઢવાની અને તે બાદ મક્કામાં આવી કાબા-શરીફને જોઈ તેની સામે રાતભર તવાફ (ફરતા રહી ઇબાદત) કરવાની તક મળી ત્યારે ઇન્સાન ખુદાની આગળ શું છે? એ કાયમી સવાલ ઉભો રહે છે. એટલે જ તો કહેવાયું છે કે…

“સબ તો ઝૂકે હુએ હૈ ખાના-એ-કાબા કે સામને,
કાબા ભી ઝૂકા હુઆ હૈ મુહંમદ કે શહેરમેં.”

આધુનિક બનેલા મક્કા શહેરની એક હાઈપર સ્ટ્રકચર, સુપર રોડ-વ્યવસ્થા અને સુપર ચોખ્ખાઈ સાથે ‘મદીને કી ગલીયાં’માં કાયદો અને વ્યવસ્થા એટલી જ સુઘડ સિસ્ટમમાં જોઈ ત્યારે બોલાઈ જવાયુ કે…”

“ઢૂન્ઢા ખુદા કો ઢૂન્ઢનેવાલોં ને હર જગહ,
લેકિન ખુદા મિલા હૈ, મુહંમદ કે શહેરમેં.”

એ શહેરેનની માટીઓને હૈય્યે વસાવી મિલાદુન્નબીના અવસર પર…આપ સર્વેને ઈદે મિલાદની મુબારકબાદી !

(મારી ખુશીઓનો પતંગ આજે આ રીતે હિલોળે ચડ્યો છે દોસ્તો!)