નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: મોરલો

સાહસ અને હસાહસનું સર્વનામ એટલે….

Sir Richard Branson

મને આ અંગ્રેજ બચ્ચો સર રિચાર્ડ બ્રાન્સન સીધેસીધો ગમે છે. જો લિસ્ટ બને તો એટ-લિસ્ટ બાવીસ કારણો મળી શકે. એટલાં માટે કે તેઓ મ્હોરા-માસ્ક વગરના ચહેરાવાળી વાઈબ્રન્ટ ઝિંદગી જીવે છે.

કોઈ દંભ નહિ, કોઈ ખોટો મુખોટો નહિ. અસલી ચેહરો, બિન્દાસ્ત-બેફિકર… જીવન. જે કરે છે તે ખુલ્લે આમ. ટોટલ ‘વર્જિન’ રહ્યા વિના, સદાબહાર ગ્રીન.

(આવું હું ‘સાવચ્ચ થોરાક’માં એટલાં માટે કહી શકું કે થોડાં વર્ષો પહેલા મુંબઈમાં ગેટ-વે-ઓફ ઇન્ડિયાની પાસે મેં તેમને દેશ- વિદેશની ‘ફેશન અપ્સરાઓ’ની વચ્ચે એમને કોઈક એડ-કેમ્પેઈન માટે ફોટો-સેશન કરતા જોયા’તા….બેપરવાહ!!!!)

એમની નસેનસમાં સનસનાટી સર્જવાની તન કી શક્તિ મન કી શક્તિ ભારોભાર રહેલી છે. તેમની કંપની ‘વર્જિન ગ્રુપ’ને પણ દરરોજ તરોતાઝા રાખી સમયાંતરે મિડિયાનાં કેમેરામાં સતત લાઇમલાઈટ બતાવતા રહે છે. 65 વર્ષે એમણે ડોસો કેહવું એ બુઢાપાનું અપમાન કહી શકાય. બુઢા હોગા ઉસકા દાદા !

અત્યાર સુધીની તેમની ઝિંદગીની સફરનું લેખું જોખું જોઈએ તો દરેક દિવસ એમના અને એમણે ઓળખનાર દરેક માટે કેસ-સ્ટડી જેવો બને. બાળપણથી જ ‘સાહસ અને હસાહસ’ નામના ફેકટર્સને તેમની મા એ ગળથુથી સાથે પીવડાવી છે.

એમને બસ કોઈક વર્જિન ‘પ્રોબ્લેમ’ દેખાવો જોઈએ. એમાંથી તેઓ ધંધો શોધી કાઢી પૈસા બનાવવું શરુ કરી દે છે. પછી જો હોગા દેખા જાયેગા જેવી અજબ અને ગજબ મર્દાનગી સાથે તેમાંથી સોલ્યુશન આપતા રહે છે. એટલે ઉદ્યોગ સાહસિકની વ્યાખ્યા સમજવાની ન હોય રાજ્જા…એ તો આવા રાજાઓને જોઈને જ શીખવાની હોય.

(હવે આટલું તો હું એમના સાત પુસ્તકોમાંથી ફકત ‘લૂઝિંગ માય વર્જિનીટી’ અને ‘સ્કર્યું ઈટ, લેટ્સ ડૂ ઈટ’ વાંચ્યા પછી કહી શકું છું.)

એમના પુસ્તકો ‘સફળતાની કથાઓ’ નહિ, પણ ‘નિષ્ફળતાની કહાની’ કેટેગરીમાં મૂકી શકાય. જેના પાને પાને આ વિલાયતી કાદુના ડાયરા સંભળાય છે. અને એ પણ ડુંગરે નહિ, ટાપુઓ પર.

ટાઈમ હોય તો ખાલી આ લિસ્ટ પર પણ નજર મારી તેના પુસ્તકોના પ્રિવ્યુ વાંચશો તો પણ અટકાયેલાં કોઈક કામની વર્જિનીટી તૂટશે એની ગેરેંટી.: http://amzn.to/1NtzHMV

વર્જિન મોરલો:

“જે ડરે, એ રડે.
જે ખસે, એ હસે”

(આમ તો આ ક્વોટ રિચાર્ડબાબજીનું સમજી વાંચવાનું….બાકી આવું લખવાનું મને પણ સૂઝ્યું એમની અનેકાનેક ઓડિયો-વિડીયો ચેનલ્સ માંથી.)-

તો બોલો, આજે તમને કયો ગઢ જીતવો છે?

(Image Credit: http://99u.com)

અપ‘હરણ’નું અમેઝિંગ ચક્કર !

FawnBorn

એ ઘનઘોર જંગલમાં એક પ્રેગ્નન્ટ હરણીને પ્રસુતિનું દર્દ શરુ થઇ રહ્યું છે.

તેની રોજિંદી ઝડપી અને કુદ્કુદી દોડ આજે સાવ ધીમી છતાં અધીરી બની કોઈ એક મુકામ શોધી રહ્યું છે. થોડેક દૂર જ આવેલા એક ઉંચા ખડકની બખોલમાં તેને ‘સેફ મેટરનીટી હોમ’ દેખાઈ રહ્યું છે.

પણ આ શું?- અચાનક વીજળી ચમકે છે અને તેની ચકમક હરણીની સાવ પાસે આવેલા એક ઝાડ પર પડે છે. જેનાથી ભડભડ કરતી આગ શરુ થાય છે. હરણીને તો હવે ભાગવું એ જ છુટકો. પણ તેણે તાકાત તો ‘ડિલીવરી’ માટે સાચવી રાખી છે. એટલે…

‘લાવ જલ્દી પેલી બખોલમાં પહોંચી જાઉં.’- એવું વિચારી એ ધીમી ચાલે ગભરાયા વિના ત્યાંથી આગળ વધતી જ જાય છે. અને પાછળથી આગ પણ…

‘ઓહ! એક વધુ મુસીબત?…. હરણીને અચાનક ઉંચા ખડક પર તો લાલ આંખો કાઢતો વનરાજ ઉભેલો દેખાય છે. એ ગભરાય છે. ફફડે છે. છતાં…

‘મારું બચ્ચું અને હું આજે આ સાવજનો કોળિયો તો નહિ જ બનીએ.’- હરણીના વિચારોમાં તેજી આવે છે છતાં ચાલમાં તો એ જ સાબૂત ધીમાપણું.

અરે ! હજુ એક વધુ અવરોધ?!?!?! – એક તરફ વધી રહેલી આગ અને બીજી તરફ કાળ સમા વનરાજ વચ્ચે આ કોણ આવી ચડ્યું?!?!?- એક તીરંદાજ શિકારી! જેનું એક તીર બસ હવે હરણીને કોળિયો કરી જવા માટે નિશાન તાકી રહ્યું છે?

પણ બખોલે આવી ચૂકેલી હરણીને હવે ક્યાં કોઈની ફિકર છે?- એની તો માત્ર એક જ ઉમ્મીદ છે કે…‘મારું પ્યારુ બચ્ચું આ દુનિયામાં અવતરી જાય એટલે’…..બસ ! તેના આ જ વિશ્વાસ પર કુદરતનું ચક્કર પણ તેની દશા બદલી રહ્યું છે…

=•= ચમકેલી વીજળીના જોશ સાથે એ જંગલ પર વાદળો ઘેરાઈ ચુક્યા છે. અને મેઘ ખાંગા થવાની તૈયારીમાં છે.~~~\\ \\~~~

=•= વરસેલો મેઘ હવે પ્રસરતી આગ પર ‘ફાયરબ્રિગેડ’નું કામ કરી રહ્યો છે….|)==

=•= હરણી પર ટંકાયેલા શિકારીના તીર પર પડેલાં પાણીના ટીપાં તીરને સીધી સાવજની દિશા તરફ ફંટાવે છે.–>

=•= શિકારીને આજે વરસાદી મહેર સાથે ‘શેર’ નામના ‘જેકપોટ’ની મહેરબાની હાથમાં આવે છે.-)/\(-

=•= હરણી ‘સિક્યોર્ડ’ બખોલમાં નાનકડા હરણને ‘ડિલીવર’ કરી રહી છે. ^-_-^

કુદરતમાં અપ‘હરણ’નું આવું અમેઝિંગ ચક્કર…બસ આમ જ હાલતું રહે છે. ચાલતું રહે છે….

મેજીકલ મોરલો:

“ચિત્કારી નહિ….બસ ચમત્કારી નજર જરૂરી.”

(હરણી જ જેવી બહેન તરફથી મળેલાં વિદેશી મેસેજનું દેશી વર્ઝન)