નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: રફી સાહેબ

સાચો ‘રફી’ હોય કે ‘સઈદ’ એ તો સદાય ‘આસપાસ’ જ રહેવાનો….

Fans of Rafi

આમ તો આફ્રિકાના કોઈક ગામમાં, અમેરિકાના ટાઉનમાં કે મિડલ-ઇસ્ટનાં કોઈક મોહલ્લામાં જાઓ ‘અમિતાપ્પચ્ચન’ના નામે લોકો ઇન્ડિયન કે ઇન્ડિયાને ઓળખે. અહીં કેરોમાં પણ નાનકડા ડ્રાઈવરથી માંડી કોર્પોરેટ ડાયરેક્ટર્સમાં પણ બચ્ચનબાબુ બવ ‘વાલા.

પણ થોડાં મહિના પહેલા મારા ઘરની જ સામે આવેલી મોટી સ્ટેશનરી-બૂકશોપમાં જવાનું થયું, ત્યારે પાછળથી અવાજ આવ્યો: “ઇન્તા હિન્દી?” (તમે ઇન્ડિયન છો?)- ત્યારે ફરીને હસતા મોંએ મેં હા ભણી. તો તુરંત બીજો સવાલ થયો. “Do You know Muhammad Rafi? I’m big fan of him.” ને બસ મારું શોપિંગ ત્યાં જ અટક્યું.

મુહંમદરફી સાહેબના નામે ઓળખે એવો પહેલો બંદો એટલે (ફોટોમાં દેખાતો) આ મુહંમદ સઈદ ચાચા.

શરૂઆતમાં થયું કે ‘રફી ફેન’ના નામે કદાચ એમના ૨-૪ ગીતોની ઓળખ આપી બાપુ મને એમની ફેનગીરી બતાવશે. પણ કાચી સેકન્ડ્સમાં જ એમના મોબાઈલમાં રહેલું પાકું રફીકી કલેક્શન……..

હમભી અગર બચ્ચે હોતે નામ હમારા હોતા”..(ફિલ્મ: દૂરકી આવાઝ)

દિલકે આઈનેમેં તસ્વીર તેરી રહેતી હૈ”.. (ફિલ્મ: આઓ પ્યાર કરે)

કૌન હૈ જો સપનોમેં આયા, કૌન હૈ જો દિલમેં સમાયા (ફિલ્મ: ઝૂક ગયા આસમાન),….

જેવાં સોંગ્સ જોયા- જાણ્યા પછી મને વાત થોડી સિરિયસ લાગી. ને મારાથી પણ એક સોંગ નીકળી ગયું: “આ ગલે લગ જા મેરે સપને મેરે અપને મેરે પાસ આ….”

ચાલો ગીત-સંગીત તો સમજ્યા પણ કયા હીરો પર ફિલ્માવવામાં આવ્યું છે એની પણ ડીટેઇલ્ડ વિગતો આપી શકે તો બેશક આ મોહબ્બતીને એવા મોહમ્મદી તરફ માન કેમ ન ઉપજે?- એટલે ચાર દિવસ પહેલા નક્કી કર્યું કે આ પોસ્ટ લખવાનું મોટિવેશન મેળવવા જ્યારે એમને પાછો મળું ત્યારે એમની સાથે સેલ્સમેની ફોટો પણ પાડી લઉં.

તો જાણે મારા દિલની વાત સમજી ગયા હોય એમ ચાચાએ બે દિવસ પહેલા સામેથી ડિમાંડ મૂકી કે “દોસ્ત, મને રફીસાહેબનું એક મોટું પોસ્ટર આપીશ, જેથી હું મારા રૂમમાં કાયમી લટકાવી શકું અને એમના દીદાર દરરોજ કરી શકું?.….” – હવે ફોટો જોયા પછી પૂરાવાની શી જરૂર?

હું માનું છું કે આ મુહંમદ સઈદચાચા જેવાં બીજાં ઘણાં મિસરી ચાહકો હશે જેઓ આપણા હિન્દુસ્તાની સંગીત પાછળ ડોલતા હશે. વાત માત્ર રફીસાહેબની જ નથી. બીજાં અનેકાનેક સંગીત રત્નો છે, જેઓના સુપર્બ-મધુર સૂરોએ બીજાં છેડા પર સૂરાવલીઓ છેડી છે.

આવા Fan કરતા પણ વધારે ‘AC’ જેવાં સાંગીતિક ચાહકો જોંઉ છું ત્યારે થાય છે, કે દિલથી કરેલા કોઈપણ કામનાં વેવ્ઝ ધીમધીમે આખા આલમમાં વગર વિઝાએ તેના ચાહક સુધી પહોંચી જ જાય છે.

(પોસ્ટર આપી નીકળતી વખતે મસ્તી સૂઝી: “ ચાચા, ફિલ્મ સંગમનું રાજ કપૂર પર ફિલ્માયેલું ‘બહારોં ફૂલ બરસાઓ મેરા મહેબૂબ આયા હૈ… સાંભળ્યું જ હશે ને?- તો ચાચુ બોલી ઉઠ્યા ‘હે ભાઈ ! એ તો રાજેન્દ્રકુમારે સૂરજમાં ગયું છે.)

સાચો ‘રફી’ હોય કે ‘સઈદ’ એ તો સદાય ‘આસપાસ’ જ રહેવાનો.

આજની આ મુહંમદ રફી-જુલાઈ, ‘સઈદ’ને અર્પણ….

મિસરીમુગન્ની મોરલો:

“ટંગસ્ટનનાં કે ગ્રાફેનનાં તાર કરતા પણ અનેકગણા મજબૂત સૂરીલાં તારો દિલમાંથી નીકળી ‘ટંગ’ દ્વારા પ્રસરેલાં હોય છે. અને એવાં જ સૂર વ્યક્તિને ‘તારો’ (સ્ટાર) બનાવે છે.”

આજ…ફિર રફી ! – “તુમ મુઝે યું ભુલા પાઓગે?”

Mohammed Rafi

“ન ફનકાર ઐસા તેરે બાદ આયા, મુહંમદ રફી તું બહુત યાદ આયા!”

૩૧ જુલાઈ ૧૯૮૦.

એ વખતે ભલે હું આંઠ વર્ષનો હતો. પણ અક્કલ તો એટલી જ હતી હોં ! જેટલી આજે છે. ફરક માત્ર એટલો જ છે કે ત્યારે હું ‘રફી’ચાચા નામના શબ્દને સાંભળતો અને આજે રફીને આખેઆખો સાંભળું છું.

“તમને લોકોને કાંઈ ખબર પડી? ચાચા ગુજરી ગયાઆઆ. હમણાં જ ખબર આયા છે.”- મારા જુના ઘરે અમારા રફી-પેશન કાકાએ ત્યારે રડતા રડતા આવી અમને જણાવ્યું. ઘરમાં થઇ ગઈ હો હા. તે વખતે પેલો જુના વાલ્વનો મોટો તોસ્તાની રેડિયો અમારું મુખ્ય એન્ટરટેઇનમેન્ટ સેન્ટર.-

પળવારમાં તેના મોટ્ટા બટનો ફૂલ વોઇસ પર મૂકી દેવામાં આવ્યા અને લગભગ ૩-૪ મિનીટ પછી ગરમ થયેલાં વાલ્વ-રેડિયોમાંથી… ‘તુમ મુજે ભુલા ન પાઓગે’ નામનું કોઈક સોંગ શરુ થયું. અને તેની સાથે મારા પપ્પાની પણ એન્ટ્રી ઘરમાં થઇ અને એ જ ગંભીર ચહેરે “ચાચા…ઓફ થઇ ગયા….”

ત્યારે મને એટલી તો સમજણ પડી જ ગઈ કે રેડીયોમાં અત્યારે જેમનુ સોંગ આવી રહ્યું છે તે ગુજરી ગયા છે. સ્વજનના મોત કરતા પણ થોડી વધારે ગમીગીનીની અસર ઘરમાં મેં પહેલી વાર જોઈ હતી.

ત્યાર પછી તો દિવસો સુધી રેડિયો ચાલ્યો છે. અને જ્યારે જ્યારે પણ ચાલ્યો ત્યારે ‘મુહંમદ રફી’ નામના એપિસેન્ટરમાંથી ચાલ્યો છે. પછી તો મોટા થતા થતા ઘરમાં આવ્યા ફિલિપ્સ અને પેનાસોનિકના ટ્રાન્ઝીસ્ટર્સ અને સોનીના વોકમેન. પણ એ બધાં રફીના માર્કા સાથે…બ્રાન્ડ સાથે.

મારા કાનના ડોકટરે તો વખતો વખત કમબખ્ત માત્ર કાનનો જ ઈલાજ કર્યો…. પણ આ ડોકટર રફીચાચાએ કાન સાથે દિલના ‘વાલ્વ’નો પણ કાયમી ઉપચાર કરી આપ્યો છે. કેમ ભૂલી જાઉં?- એ જ જુનો વાલ્વ-રેડિયો તો એનું મૂળ છે….(ફિર વોહ ભૂલી સી યાદ આઈ હૈ…અય ગમ-એ-દિલ તેરી દુહાઈ હૈ!)

દુનિયામાં મેલ-ગાયકી ક્ષેત્રે માત્ર બે જ વિભાગ પડેલા છે: ૧. રફી સાબ. ૨. બાકી બીજાં બધાં.

વહેલી સવારે વિવિધ ભારતી હોય, બપોરે આકાશવાણી કે પછી મોડી રાતે રેડિયો-સિલોન. કાન સરવા ત્યારે જ થાય જ્યારે ‘ચાચાનું સોંગ’ સરવો બની કાનમાં ઉતરે. વિશ્વાસ ન આવે તો (બહુ ટે ટે કર્યા વગર) ફિલ્મ ‘ચા ચા ચા’ના ગીતો સાંભળી લેવાના.

અને જ્યારે જ્યારે પાર્ટીને એમ થાય કે… હનીમૂન માટે કાશ્મીર-સિમલા જવાના પૈસા જમા થઇ શકતા નથી. ત્યારે દિલથી…ઊંડા ગળેથી…એક વાર પથારીએથી ‘યાઆઆઆહૂઉઉઉઉઉઉઉ’ કહી ચિલ્લાઈ લેજો. મોટિવેશનનું મેડીકેશન સાવ મફતમાં મળી જાશે.

એટલે જ આજના ગૂગલ જમાના પણ એમનું યાહૂ સદાય અમર રહેવાનું છે જ. અને છતાંય બૈરાની બળજબરી પર ક્યાંક જવું જ પડે તો ‘રફી કે રોમેન્ટિક ગાને’ની સીડી ઉઠાવી લેવી. અને એમાંય (ફિલ્મ: રૂપ તેરા મસ્તાના)નું ‘હસીન દિલરૂબા….કરીબ આ ઝરા…કે અભી દિલ નહિ ભરા’ને વારંવાર સાંભળવું સલાહભર્યું છે. (આ તો શું કે..વાયેગ્રાનો ખર્ચો બચાવવાનો કે ની!)

ખૈર દોસ્તો, રફીચાચાના લાખો લાખો ‘ફેન્સો’ માટે તેમના હજારો હજારો ‘સોન્ગ્ઝો’નું સેંકડો ‘વર્ડઝો’માં લખવું ઘણી ‘હાર્ડીલી’ વાત છે. કેમ કે….એ બધું તો હવે નેટ પર મળી આવે છે પણ…એક અને યુનિક એક જ રફી………..ક્યાં?

મુહંમદી મોરલો:

“આપણા સૌમાં એક રફી ગળે કે દિલે પડેલો જ હોય છે. બસ યુ’નિક’ નામની નહેરમાંથી બહાર કાઢવા મહેનત કરવી પડે છે.”

: જય રફી.