નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: વ્યક્તિ

નાનકડી ‘કેંગુરુ’નો મોટો કૂદકો !

KenGuru Car

હજુ પાછલાં વર્ષો સુધી તો એડવોકેટ મિસ સ્ટેસી ઝોર્મ હંગેરીમાં રહેતી’તી. તેનો એક મુખ્ય પ્રોબ્લેમ હતો કે તે શારીરિક રીતે અપંગ હતી. પણ માનસિક રીતે તેનું ફોકસ સોલ્યુશન પર વધારે રહેતું.

“ઝિંદગી વ્હિલચેર પર ફરતા રહી શું કામ વિતાવવી?- એ કરતા મને તો બહાર નીકળી દુનિયા જોવી છે !” એવો નિશ્ચય કરી સ્ટેસીએ પોતાના પ્રોબ્લેમની વકીલાત જાતે કરવાનું નક્કી કર્યું.

‘જબ હોશ આતા હૈ, તો જોશ ભી સાથ હોતા હૈ !’ સૂત્રનો ઉપયોગ કર્યો. ક્રિયેટિવ ડ્રિમ્સ, પેશન, પર્સપીરેશન અને સખત મહેનતને અંતે તેની સામે ઉભી થઇ ‘કેંગુરુ’.

વ્હિલચેરીઓ માટે ખાસ એવી નાનકડી સ્માર્ટકાર જે ઇલેક્ટ્રોનિક છે, ઇકો-ફ્રેન્ડલી છે અને ઇકોનોમિક છે. પણ જેમ નવા સાહસમાં દરેક પગલું પઝલ સાથે ભરેલું હોય છે. (તેમ તેનું સોલ્યુશન પણ તેની પાછળ ચીટકીને જ આવ્યું હોય છે.)

હંગેરીમાં આ ‘કેંગુરુ’ વેચવા નીકળેલી સ્ટેસીને કોઈ ખાસ ખરીદાર/ઇન્વેસ્ટર ન મળ્યાં. તેનું ટાર્ગેટ-માર્કેટતો અમેરિકામાંથી મળી આવ્યુ.

તેના વેપારની ગાડીને પાટે લાવવા સ્ટેસી તેની નાનકડી ‘કેંગુરુ’ને અમેરિકા લઈ આવી. અને પછી જોઈએ શું?- તેના માર્કેટિંગ કેમ્પેઈન દ્વારા મોટા ઇન્વેસ્ટર્સની સાથે ખુદ પ્રેસિડેન્ટ ઓબામાએ પણ તેમાં ખાસ રસ બતાવ્યો છે. (સ્ટેસીમાં નહિ..હોં!… ‘કેંગુરુ’માં સ્તો.)

મોટર-મોરલો: “નવી શોધખોળોથી હવે અપંગ રહેવું મોહતાજગી નથી બન્યું, તાજગી બની રહ્યું છે.”

વધું અવનવી વિગતો સાઈટ/વિડીયો સાથે: http://www.kenguru.com/

ખાસ ઇજન: દોસ્તો, તમારી કે તમારા કોઈક સ્વજન પાસે એવી કોઈક પ્રોડકટ કે સર્વિસ છે?- જો હોય તો ખબર કરો દુનિયાને…ખરીદાર તો આલમમાં પડ્યા છે. સવાલ એ છે કે ‘વેચનાર ક્યાં છે?’

(photo source: vitrinaauto.com.ec)

આવાં તારણો સાચે જ તારણહાર બનતા હોય છે…

તારણ એમ આવ્યું છે કે વધુ ભાગે ‘એ’ લોકો…

=>1. તેમનું ‘To Do List’ દૈનિક ધોરણે મેઈન્ટેઇન કરી તેના પર અમલ કરે છે.

=>2. વહેલી સવારે (એલાર્મ ક્લોક જગાડે એ પહેલા) જાગી જાય છે.

=>3. જ્યારે કારમાં હોય ત્યારે (ટ્રાફિક દરમિયાન) તેમનો સમય મોટીવેટ કરે એવા પુસ્તકો સાંભળવામાં કરે છે.

=>4. દરરોજ રાતે સુતા પહેલા ‘આજે કાંઈક નવું શીખ્યું?’ એ મુદ્દો પુરો કરી ને જંપે છે.

=>5. દરરોજ અડધો કલાક પરસેવો પડે એવી કસરત કરે છે.

=>6. દરરોજ લગભગ ૨-૩ કલાકનો સમય ખાસ વાંચન માટે કાઢે છે.

=>7. દર અઠવાડિયે તેમના નેટવર્કિંગ થકી પાંચ નવાં દોસ્તો બનાવે છે.

=>8. વધું ભાગે જંકફૂડ અને ટીવીથી દૂર રહી બચતા રહે છે.

=>9. બાળકો સાથે રમવા કે તેમના ઉછેર માટે વધુ સમય ગાળે છે. (પત્ની/ગર્લ-ફ્રેન્ડ માટે કેટલો?- એનું તારણ બહાર આવ્યું નથી.)

=>10. પહેલા ‘આપવા લાયક’ પૂરતું કમાઈ લીધા પછી વધારે ‘આપતા રહેવું’ એવું એમનું મિશન હોય છે.

આ એ જ બિલિયોનર્સ લોકો છે જેઓ વિશ્વની ઇકોનોમી પર રાજ કરે છે. એ લોકો એટલે જ…‘A’ કેટેગરીમાં રહેતા હોય છે.

……………આવાં તારણો….સાચે જ તારણહાર બનીને આવતા હોય છે.

“તુજે મૈ વિદા કરતા હું.. અલવિદા નહિ…”

Taher-Maimoona

“વાહ, આજે પણ એક એવા શ્રવણને જોઈ રહ્યો છું જે હજુયે તેના મા-બાપને બંને હાથોથી ઊંચકીને જાત્રા કરાવે છે.”

લગભગ ૯ વર્ષ અગાઉ મેં જ્યારે મારા એક પરિચિત ભાઈને તેના વૃદ્ધ માતા-પિતા સાથે અહીંની એક મસ્જીદની અંદર જતી વખતે આ ‘દેશી કટ’ મારી ત્યારે એ ખબર ન પડી કે દિકરા પર તેની શું અસર થઇ હશે.

પણ વ્હિલચેર પર બેસેલા ૮૪ વર્ષિય શાંત લાગતા ડોસા-પિતાએ ધીમેથી મોં ઊંચું કરી મારી સામે સ્માઈલ આપી ફકત એટલું કહ્યું: “ઓહ ! તો તમે પણ શ્રવણ વિશે જાણો છો, એમ?!?!?”

બસ એ હતી મારા સૌથી નવયુવાન વૃદ્ધ તાહેરદાદા સાથેની મારી પહેલી મુલાકાત.

ત્યારે તો એમની ‘કબ્રમેં પાંવ લટકાયે બૈઠે હુવે હૈ હમ’ જેવી સ્થિતિ જોઈ વસવસો કરવાના બહુ લાગણીવેડાથી દૂર રહ્યો. એટલા માટે કે તેમના દિકરા સાથે જ થોડી પરિચિતતા હોય તો આ બચારા ડોસાની ઓળખાણ પણ કેટલી?~?~?~

પણ..પણ..પણ…દોસ્તો, માનવ સંબંધોની રહસ્યતા એવી હોય છે કે..ક્યારેય કોઈનો ચહેરો પણ ન જોયો હોય અને એમના કૂલા સાફ કરવા પડે છે…

તાહેરદાદાની સાથે પણ કોઈક અજાણ્યો એવો રિશ્તો કે સિરસ્તો જોડાયેલો હશે. પછી તો અમારી દોસ્તીનો દૌર એવો જામ્યો…એવો જામ્યો કે…તેમને એમના મોટા બાળકો કરતા પણ સૌથી વધારે લાગણીઓ શેર કરવાનો મોકો એમને મારી સાથે પાછલાં ૯ વર્ષમાં મળ્યો છે.

એક જમાનામાં શરૂઆતમાં મુંબઈના ભાંગવાડી સિનેમામાં કેમેરા ઓપરેટર તરીકે અને પછી પ્રોફેશનલ કોર્પોરેટ ફોટોગ્રાફર તરીકેની કેરિયર જમાવી ચુકેલો આ તાહેર જાવી નામનો ‘બુઢ્ઢો’ તેની લાઈફની અનેકાનેક બ્લેક-એન્ડ વ્હાઈટ-રંગીન યાદો, વળાંકો, ઘટનાઓ, સંબંધો. સફરો, ‘સફરિંગ’ની લાગણીઓનો ધોધ એમણે મારા પાડોશી બની વહેવડાવ્યો છે.

મજાની વાત એ બની કે…એમની યુવાનીમાં તેમની સાથે જોડાયેલાં કેટલાંય એવા રિશ્તે-નાતેના નેટવર્ક્સ મારી સાથે પણ સચોટ રીતે સંકળાયેલાં મળી આવ્યા ત્યારે આ રંગીલા દાદુને થઇ આવ્યું કે હું તેમનું ખોવાયેલું બાળપણ બની પાછો આવ્યો છું. સમજો કે તેમણે જોયેલી અદ્દલ ઘટનાઓ અને મારી વર્ણવાયેલી મુદ્દલ યાદોનું બેશુમાર બ્રિજીંગ!

ભૂતકાળી ચિત્કારો, વર્તમાનકાળી ચર્ચાઓ અને ભવિષ્યકાળી ચિંતાઓ સાથે આ ૯ વર્ષોમાં અમે બેઉ દોસ્તોએ એક-મેકના ફેમીલી મેમ્બર્સ સાથે નાનકડું ગ્રુપ બનાવ્યું. જેમાં નાખવામાં આવ્યુ એમના જમાનાની પુરાણી કવિતાઓ, વાર્તાઓ અને કલાસિક સોંગ્સનું મોંણ….જે આજે અમને ચાહે એવી ગરમાગરમ ખુશીઓની રોટલી ઉતરાવી આપે છે…

પણ..પણ..પણ..ડઝનેક શહેરોમાં વર્ષો જીવી ચુકેલો મારો પ્યારો આ તાહેર દોસ્ત મારી પાસેથી (કમબખ્ત એ પણ વેલેન્ટાઈન ડે પહેલા જ) વિદાય થઇ કમ્પાલા (યુગાંડા)માં એમના નાના દિકરા સાથે સ્થાઈ થઇ રહ્યો છે. મારી ‘ના’ આગળ તેઓ હાર્યા નથી. પણ એમની વ્હાલી લાઈફ-ટાઈમ ગર્લ-ફ્રેન્ડ એવી પત્ની મૈમુ‘ના’ની તબિયતને કારણે શરણું સ્વીકારી લીધું છે.

મહિનાઓ અગાઉ બંધ કરેલી એમની બ્લડ-પ્રેશરની ગોળીઓનું પેકેટ ગઈકાલે એમની બેગમાં મજબૂરીથી મુક્યું ત્યારે મારાથી ખુલ્લી ધમકી અપાઈ ગઈ છે.

તાહેર દદ્દુ, તુજે મૈ વિદા કરતા હું.. અલવિદા નહિ. તુજે જલ્દી વાપસ આના હોગા વરના…!” જોઉં છું હવે આ દોસ્ત મને ક્યારે પાછો મળે છે.

…મારી ખુશીઓનો પતંગ આજે આ રીતે હિલોળે ચડ્યો …

Masjid_Nabavi

Masjid_Nabavi

Kabatullah_Makka

Kabatullah_Makka

“કદમોંને ઉનકી ખાક કો કુંદન બના દિયા,
મીટ્ટી ભી કીમિયા હૈ, મુહંમદ કે શહેરમેં.”

દરેક મુસલમાનની અદમ્ય ઈચ્છા-નિયત હોય છે, કે તેની ઝીંદગીમાં કમસે કમ એક વાર મક્કા-મદીના તરફ હજ કે ઉમરાહ કરવા જાય. ગયે વર્ષે (૨ મહિના અગાઉ) અમારા પડોશીને જ્યારે અમે હજ માટે વિદાય કર્યા ત્યારે અમારા તરફથી કાબા-શરીફમાં “દોઆમેં યાદ કરના’ કહી અરજ કરી કે અમને પણ મક્કા-મદીના તરફ આવવું જલ્દી નસીબ થાય…

અને વર્ષોમાં નહિ…માત્ર ચંદ દિવસોમાં (એમની દોઆ થકી પણ)…અમારૂ નસીબ સુપેરે જાગી ઉઠ્યું. ઇન્ડિયા આવવાની ટિકિટના પેકેજમાં ૩ દિવસની ત્યાંની વિસા પણ બોનસ સ્વરૂપે મળી ગઈ. અને પરિવાર સાથે એ જમીન પર પગ મુકવાનું નસીબ થયું.

જ્યાં વર્ષભર લાખોનો લોકોનો તાંતો રહેતો હોય ત્યાં હજના બીજા જ મહિને લગભગ નહીવત ભીડ રહેતી હોય છે. તેવા સમયે અહીં આવી ઈબાદત કરવાની તક મળે ત્યારે…‘માનસ’ કેવી ખુશી મહેસૂસ કરે એ માટે લખાણમાં શબ્દો નથી આવતા.

બાળપણથી જેને અસંખ્ય ફોટોઝમાં જોતા આવ્યા હોઈએ એવા લીલા ગુંબજ અને ઉંચા મિનારાને મદીનાની આ (મેં લીધેલા ફોટોમાં) નબવી-મસ્જીદને રૂબરૂ જોઈ તેની અંદર નમાઝ પઢવાની અને તે બાદ મક્કામાં આવી કાબા-શરીફને જોઈ તેની સામે રાતભર તવાફ (ફરતા રહી ઇબાદત) કરવાની તક મળી ત્યારે ઇન્સાન ખુદાની આગળ શું છે? એ કાયમી સવાલ ઉભો રહે છે. એટલે જ તો કહેવાયું છે કે…

“સબ તો ઝૂકે હુએ હૈ ખાના-એ-કાબા કે સામને,
કાબા ભી ઝૂકા હુઆ હૈ મુહંમદ કે શહેરમેં.”

આધુનિક બનેલા મક્કા શહેરની એક હાઈપર સ્ટ્રકચર, સુપર રોડ-વ્યવસ્થા અને સુપર ચોખ્ખાઈ સાથે ‘મદીને કી ગલીયાં’માં કાયદો અને વ્યવસ્થા એટલી જ સુઘડ સિસ્ટમમાં જોઈ ત્યારે બોલાઈ જવાયુ કે…”

“ઢૂન્ઢા ખુદા કો ઢૂન્ઢનેવાલોં ને હર જગહ,
લેકિન ખુદા મિલા હૈ, મુહંમદ કે શહેરમેં.”

એ શહેરેનની માટીઓને હૈય્યે વસાવી મિલાદુન્નબીના અવસર પર…આપ સર્વેને ઈદે મિલાદની મુબારકબાદી !

(મારી ખુશીઓનો પતંગ આજે આ રીતે હિલોળે ચડ્યો છે દોસ્તો!)

દિલને ધબકતું રાખતા ગીતોનો ગાયક….મન્ના !

Manna Dey

આમ તો હું કાનશિખ રફીયુક્ત છું પણ…મને ખુદને આશ્ચર્ય થાય છે કે ટોપ ૩ સોંગ્સ એકેય એમના નથી. એટલા માટે કે…તેમના જ હાર્ડકોર શિષ્યો ગણાતા ગાયકોએ જગ્યા પચાવી પાડી છે.

જેમાં એક તો યેસુદાસજી, બીજા તલતજી અને ત્રીજા…આહ! મન્ના ડેજી છે. (યેસ! યેસુદાસની જેમ મન્ના સાહેબ પણ રફી સાહેબના પરમ ભક્ત હતા એ જ્યારે મેં થોડાં વર્ષો પહેલા જાણ્યું ત્યારે હું પણ આ બાબતનો ભક્ત બન્યો હતો.)

સાચું કહું તો મન્નાજીના અવસાનથી મને કોઈ ગમ થયો નથી. કેમ કે…એક ગાયક તરીકે તેમણે સુપર અને તેનાથી પણ સુપર્બ ગીતો વાળી ઝિંદગી જીવી છે, જે પુરતી છે.

“ મારી ઝિંદગીમાં મેં જ્યારે જ્યારે પણ ‘પૂછોના કૈસે મૈને રેન બિતાઈ’ (ફિલ્મ- મેરી સુરત તેરી આંખે) ગાયું કે સાંભળ્યું છે ત્યારે ત્યારે હું અવશ્ય આંસુ સાથે રડ્યો જ છું. કેમ કે…મન્નાજીના દર્દની કમાલ છે.” – આવું જ્યારે દાદામુની અશોકકુમારે વર્ષો પહેલા તેમના કોઈક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું ત્યારે ‘જીવતા માણસમાં દિલ ધબકતું રહે છે.’ એવું સાબિત કરવા કોઈ હેલ્થ-સર્ટીફિકેટની જરૂર પડી નથી. કેમ કે…સાંભળ્યા પછી એક રડી શકતા માણસ તરીકે આપણે હજુ હયાત છીએ એવો સૂર અંદરથી નીકળે છે.

પછી સમયાંતરે જીવતા રહેવાનો ડોઝ...‘તું પ્યાર કા સાગર હૈ (ફિલ્મ-સીમા), ‘ઝિંદગી…કૈસી યે પહેલી હાયે (ફિલ્મ-આનંદ), ‘સૂર ના સજે ક્યા ગાઉં મૈ’ (ફિલ્મ- વસંત બહાર), ‘ઉસકો નહિ દેખા હમને કભી પર ઇસકી ઝરૂરત ક્યા હોગી અય્ મા’ (ફીલ- દાદીમા)…..

ઓહોઓઓઓઓઓઓ…એમના જીવનની ઝરમર અને ગીત-માહિતીઓ તો વાઈકીપીડિયામાં અને બીજી અન્ય સાઈટ્સ પરથી ભરપૂર મળી આવશે. પણ…જીવતો મન્ના….????…નામુમકીન.

ગૂગલમાં ‘List of Manna Dey’s songs’ લખતા એક મસ્ત મજાની યાદાવલીમાં યુટ્યુબની લિંક્સ સાથે મન્નાજી હાજર થઈ જશે. રવિવાર સુધારવા માટે બસ..ઇતના હી કાફી હૈ! હા..ધ્યાન રહે કે સવારની શરૂઆત ‘ભોર આઈ, ગયા અંધિયારા (ફિલ્મ- બાવર્ચી)થી થાય. (ચાહ-કૉફી પીવાની… જોરૂરોત બિશોર નોય)

હ..તો હવે તમને સવાલ થાય કે…મારા લિસ્ટમાં એમનું ટોપ ૩માં આવતું કયું ગીત છે? –‘તુમ બેસહારા હો તો…કિસીકા સહારા બનો’ (ફિલ્મ- અનુરોધ) સાંભળશો તો (મન્નાજીનું તો ખરું) પછી અન્નાજી પણ હજાર કહ્યું સાંભળશો….ગેરેન્ટેડ!

હાશ….હવેથી એમની પુણ્યતિથિનો દિવસ સાચે જ… ‘મન્ના ડે’ તરીકે ઓળખાશે.

પરવા છોડો…ઔર અપની ધૂન જમાઓ…

Bahi_Saeed_with_O'dd

અરેબિકમાં દરવાનને ‘બવ્વાબ’ કહેવાય છે. એટલે કે ‘દરવાજાનો રખેવાળ’. અહીં કેરોમાં લગભગ દરેક મોટી બિલ્ડીંગમાં એક બવ્વાબ તો જરૂર હોય છે.

જેમ આપણે ત્યાં ગુરખાઓ સિક્યોરીટીમાં તેમની વફાદારી અને બહાદુરી માટે જાણીતા હોય છે. એમ જ અહીં ‘સઈદી લોકો (સીદી નહિ) તેમની મજબૂત ફીદાગીરી માટે જાણીતા છે.

બિલ્ડીંગનું રક્ષણ કરવાથી લઇ….ગાડીઓ સાફ કરવાનું, ત્યાંના રહીશોનો માલ-સામાન ઊંચકી લાવી આપવાનું તેમજ આવતા-જતા લોકો પર સ્પાય કરવાનું કામ પણ તેઓ કરતા રહે છે.

આવા જ એક બવ્વાબ ‘બ્હાહી સઇદી’ છે. મારી બિલ્ડીંગની નજીક આવેલા તેના જેવા બીજા ઘણાં એવા લોકોથી હટકે છે. રંગીન મિજાજ, હસમુખો સ્વભાવ અને તરન્નુંમી શોખ રાખતો આ બ્હાહીને સાંજ પડે ત્યારે તેની બિલ્ડીંગ પાસેથી પસાર થતા જોઉં છું ત્યારે એક ‘સુખી કુટુંબ’ની વ્યાખ્યા બતાવતો તેની પત્ની અને નાના બાળક સાથે રમતો દેખાય છે.

અહીં ફોટોમાં….બ્હાહીભાઈ રાતનો કરફ્યુ શરુ થાય એટલે પોલીસની પેટ્રોલિંગ-મોટર્સ કે બીજાં અન્ય વિહિકલ્સની ટેન્શન-દોડાદોડ વચ્ચે પણ લગભગ અડધો-પોણો કલાક તેનું વાજિંત્ર: હુ’દ’ (આપણે ત્યાં દિલરૂબા)થી ખુલ્લા દિલે અરેબિક લોકગીત વગાડી નિજાનંદમાં મશગૂલ દેખાય છે. સમજોને કે…સુખની ડેફિનેશનનો ચિતાર…હાઈ-ડેફીનેશન ચિત્રમાં જોવા મળે છે.

મેં તેને માત્ર એટલું કહ્યું કે “ભાઈ, તું જે વગાડે છે તેમાંથી નીકળતા સૂરો મને ઘણાં મીઠ્ઠા લાગે છે.” તો એ મને હસમૂખે કહે છે… “તમને શીખવું છે?”

હવે બોલો- મારા શબ્દસૂર સાથે…તેની ખુશીના સૂરોની શું સરખામણી કરું?

મુગન્ની મોરલો:

” જો સિક્સટીને જ ‘સીટી’ નહિ વગાડી હોય તો…સિક્સટી એ પહોંચતા સુધી ….સીટી નહિ વગાડવાનો વસવસો કાયમી રહેશે.’ પરવા છોડો…ઔર અપની ધૂન જમાઓ! “

વગર કહ્યે ‘આરસી’ દ્વારા ‘ઈમેજ’ બતાવે તે સાચો….

HandMirror

ઓગસ્ટ ’૮૭ નો જ કોઈ એક દિવસ હશે.

ત્યારે ૯માં ધોરણના અંગ્રેજીના એક પીરિયડ દરમિયાન અમારા આર.સી.પટેલ સાહેબે ક્લાસમાં આવતાની સાથે જ ખુરશી પર બેસી સીધો હુકમ છોડ્યો:

“ગઈકાલે આપેલું લેસન કોણે કોણે નથી કર્યું?”

લેસન ન કરનારાઓની આંગળીઓ માંડ એકાદ-બે ઉંચી થઇ. જેમાંથી એક તો મારી જ હતી. શરમના માર્યે પહેલી આંગળી સાથે મને છેલ્લી આંગળી પણ બતાવવાનું મન થઇ ગયું. કારણકે પરિસ્થિતિ પણ એવી જ થઇ આવી હતી. એટલા માટે કે સામે સામે પટેલ સર બેઠાં હતા. મને અટક સામે નહિ, પણ તેમના તમ્મર ખાઈ જવાય એવા તમાચાનો ડર સતાવી રહ્યો હતો.

અને થયું પણ એવું જ. મારી આંગળી કરવાના ૨-૩ મિનીટ પછી એમની બધી જ આંગળીઓની ‘બ્રાન્ડ’ મારા ગાલ પર પડી ચુકી હતી. લાલ થયેલા ગાલ પર આંસુઓ ફરી રહ્યા હતા.

પછી તો ક્લાસની બહાર અંગૂઠા પકડ, ડબલ ક્વોન્ટીટીનું બીજું લેસન અને બોનસમાં મળેલી બીજી ૩-૪ ધોલધપાટે મારી પથારી સાથે દિવસ પણ ફેરવી નાખ્યો હતો. અંગ્રેજીના એક હોમવર્ક ન કરવાનું આટલું સુપરલેટિવ પરિણામ આવશે તેની મને ક્યારેય ખબર ન હતી.

ફાસ્ટ-ફોરવર્ડ ટુ નેક્સ્ટ સપ્ટેમ્બર મહિનાની ચોથી તારીખ….

“મુર્તઝા, આવતી કાલે અંગ્રેજીના ટિચર તરીકે તને આખો દિવસ રહેવાનું છે. અને હું જોઇશ કે તું એક શિક્ષક તરીકે કેવું ભણાવી શકે છે.”- તમાચીદાર પટેલ સરનો કાયમી સળ પડી જાય એવો વર્ચ્યુઅલ તમાચો આ વખતે દિલ-દિમાગ પર પડી આવ્યો.

“સર! પણ..હું કેવી રીતે…? મને કોઈ અનુભવ…?!?!?!!?”

“Don’t argue with me, please. You have to be ready. I will see you tomorrow.”

ગાલ અને દિલ બંને ‘લાલ રાખી’ સવારથી સાંજ સુધી આર.સી. પટેલમાંથી એમ.એસ.પટેલ સાહેબ બનીને અનોખો અંગ્રેજી અનુભવ એ દિવસે મેળવ્યો.

બીજે દિવસે ૧૦ કલાકની ઊંઘથી જાગ્યો ત્યારે મા એ પૂછ્યું: “બેટા ! ગઈકાલે રાતનો તું જમ્યો પણ નથી. બસ આવીને સુઈ જ ગયો, કેમ, સ્કૂલમાં ટીચર બનીને આટલો બધો થાક લાગ્યો કે શું?”

એક મા અને પટેલ સર જેવાં શિક્ષકોના થાકની વ્યાખ્યાનો જવાબ હવે તમાચાથી તો કોઈનેય નહિ આપું એવું લેસન તે સવારે હું શીખી ચુક્યો હતો.

આર.સી પટેલ સાહેબે મને મારામાં રહેલા એક શિક્ષકની ‘આરસી’ બતાવી દીધી હતી. વગર કહ્યે…..એમને આજના દિવસે ખાસ ‘સેલ્યુટ’.

જે વાતચીતમાં ‘ચિત્ત’ ન હોય તેવી વાતચીત….

ચાલો નેટ-બંધુઓ આજે એક વાર્તા કહું….

એક મોટ્ટા જંગલમાં એક સિંહનું (કહેવા પૂરતું) રાજ હતું. સિંહ સ્વભાવે ખૂબ ભલો એટલે કાયમી ધોરણે જંગલમાં મંગલ થતું રહેતું. જ બાબતે સિંહભાઈ પણ બેધ્યાન રહી નિજાનંદમાં રહેતા, એમ સમજીને કે….પ્રજા સુખી તો આપણે સુખી.

એક દિવસે સવારે જ્યારે સિંહભાઈ જાગ્યા ત્યારે જોયું કે એમની ભાગોળે આવેલી ગુફાના દ્વારે એક વિશાળકાય ડ્રેગન આવીને બેઠો છે. થોડીવાર માટે ગભરાઈ ગયેલા સિંહે પિત્તો ગુમાવ્યા વિના ડ્રેગનને કારણ પૂછ્યું તો તેણેજણાવ્યું:

“ હેં હેં હેં હેં ! અરે સિંહભાઆઆય, તમેય તે આમ મારાથી ગભરાઈ જવાતું હશે !!! હું તો તમારો મહેમાન છું, સમજોને કે..ભાઈ જેવો છું. અને મને તો ખબર છે કે તમારા આ મોટ્ટા જંગલમાં તમે મહેમાનોને જાનની જેમ સાચવો છો. ખરું ને?- બસ સમજો કે..થોડાં દિવસ પછી હવાફેર કરી ચાલ્યો જઈશ.”

હાશકારો અનુભવી સિંહભાઈ તો ખુશ થઇ ગયા અને જંગલના પ્રજાજનોને કહ્યું: ભાઈઓ ! આ ડ્રેગનભાઈ આપણા મહેમાન છે હોં! એ આપણને કોઈ નુકશાન નહિ પહોંચાડે. માટે તમે સૌ શાંત રહો એવી મારી અપીલ છે.”

પણ પ્રજામાં રહેતા એક શિયાળભાઈએ પરિસ્થિતિ સમજી કેટલાંક સમજુ પ્રાણીઓને ભેગા કર્યા અને કહ્યું કે…

“ખબરદાર ! સિંહની વાતોમાં આવ્યા છો તો. એ આપણને મૂર્ખ બનાવી રહ્યો છે. એવી મહેમાનગીરી શું કામની જેનાથી આપણા સૌનો જીવ જોખમમાં મુકાય. આ ડ્રેગન ખૂબ લુચ્ચું છે. રાત પડ્યે આપણા સૌમાંથી એક એકને પકડી ગળી જવા આવ્યો છે. માટે તમે સૌ સાવચેત રહેજો. આ મારી અપીલ છે.”

થોડાં દિવસ પછી ફરીવાર ભૂખ્યા બનેલા ડ્રેગને જોયું કે…આ રાજા કરતા તો પ્રજા વધારે સમજુ છે. એટલે બળથી નહિ પણ કળથી કામ કઢાવવું પડશે. એટલે ફરીવાર એક શાંતિનો પ્રસ્તાવ લઇ તે સિંહ પાસે આવ્યો:

“સિંહભાઈ, તમારા પ્રજાજનો તરફથી જો મને સપોર્ટ મળે તો આપણે બેઉ જણા આ જંગલ પર હજુ વધુ શાંતિ કાયમ કરી શકીએ એમ છે. નહીંતર અહીં રહી ભૂખ્યે મારો પ્રાણ જાય એમ છે. તમારું આ સુંદર જંગલ શું કામનું જેમાં આટઆટલી ખુશહાલી કાયમ હોય અને કોઈ સુખી ન જણાય.”

સિંહભાઈ હજુયે આ શાંતિ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યા છે કે…‘હાળું મને આ ‘ભાઈચારા’માં અત્યાર સુધી કેમ ન ખબર પડી કે મારા જ જંગલમાં પ્રજા સુખી નથી…’

મોરલો:

“જે વાતચીતમાં ‘ચિત્ત’ ન હોય તેવી વાતચીત ચિતા સમાન છે.”

” થેંક યુ એષા !”

Esha Khare

પ્લગ ભરાવો અને ૨૦ સેકન્ડ્સમાં જ મોબાઈલની બેટરી ચાર્જ….

દોસ્તો, થોડાં મહિનાઓ બાદ જો આવી સુપર-ફાસ્ટ મોબાઈલ ચાર્જિંગ સહુલિયત આપણને મળતી થઇ જાય ત્યારે એક વાક્ય બોલવું પડશે… “થેંક યુ એષા.”

મિસ એષા ખરે. ગઈકાલ સુધી અજાણ્યું રહેલું આ નામ આજે રાતોરાત ટેકનોલોજીના ક્ષેત્રે ખરુ ઉતર્યું છે. ૧૮ વર્ષની આ ભારતીય અમેરિકન દિકરીએ એવા LED based સુપર-ચાર્જરની શોધ કરી છે. જેના કારણે ગઈકાલે જાહેર થયેલા ઇન્ટેલ ફાઉંડેશન ઓફ યંગ સાયન્ટિસ્ટનો ૫૦,૦૦૦/- ડોલર્સનો એવોર્ડ આ ‘ખરે’બૂન ખાટી ગઈ છે.

વારંવાર ખલાસ થતી તેની મોબાઈલ બેટરીને કારણે દિમાગથી ડિસ્ચાર્જ થતી એષાએ થોડાં જ મહિનાઓ પહેલા જોયું કે માર્કેટમાં હજુ સુધી એવી કોઈ બેટરી નથી કે જેને લીધે પળવારમાં મોબાઈલમાં જાન લાવી શકાય. બસ એક ધૂન સવાર થઇ અને તેને સાથ આપવા માટે તે અરસામાં ઇન્ટેલ કંપનીએ તેનો યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ પ્રોગ્રામ જાહેર કર્યો.

પહેલા દિમાગને અને પછી તેની સ્કૂલમાં શીખેલા ઇલેક્ટ્રોનિક્સના જ્ઞાન વડે સુપરકેપેસિટર્સની ડિઝાઈન કરી તેને પાવરપેક બનાવી એષાએ આ ટેકનોલોજીને ઇન્ટેલના વિજ્ઞાન-મેળામાં પ્રદર્શિત કરી.

મોબાઈલ મોરલો:

“દિકરો કે દિકરી ‘બારમું’ ભલે કરે. પણ તેમના દિમાગનું ‘તેરમું’ ન થાય એટલો સાથ-સહકાર જરૂર આપશો.”

ખરો આતંકવાદ કોણ અને ક્યાં કરી રહ્યું છે?

Hidden Somewhere..But Near !

.
ખરો અને વધુ વાઈરલ અસર કરતો આતંકવાદ ક્યાં અને કેવી રીતે થઇ રહ્યો છે?…આવા આતંકવાદીઓ તો આપણી પાસે જ છે….(કે પછી આપણી અંદર પણ ક્યાંક સમાયેલો..)

  • ••• પોતાની બહેન, પત્ની કે દિકરીઓની રક્ષા માટે માત્ર “જોઈ લઈશ તને…” એવું કહી પેન્ટ ઢીલી કરીને એસ્પિરીન લેતા લોકો જ્યારે રેપ થયેલી કોઈક પારકી દિકરી માટે ટોળે વળી મા-બહેનની ગાળો દ્વારા ઘરમાં જ પોતાનો ગુસ્સો બહાર ઓકતા હોય છે ત્યારે તેઓ આપોઆપ ઘરેલું નામર્દ આતંકવાદીઓ બનતા હોય છે.
  • ••• ખૂબ જલ્દી !..ઝટપટ !…સુપરફાસ્ટ !…રેપીડ-સ્પિડે દરેક કામ કરાવી પ્રોડક્શન દ્વારા પોતાના એમ્પ્લોઇઝ કે આઉટ-સોર્સને મરવા માટે મજબૂર કરી દેતા ‘બોસ’ તો સોફિસ્ટિકેટેડ આતંકવાદીઓ જ છે.
  • ••• “ટેકનોલોજીએ દાટ વાળ્યો છે.” એવું કહેનારા લોકો તો વર્ષોથી છે. આવું કહીને એ લોકો જ શાંતિથી કાઉચ-પોટેટો બનીને ‘પ્લાઝમા ટી.વી’ની સામે રિમોટ-કંટ્રોલ નામની મશીનગન લઇ જીવતી લાશ બનીને પડ્યા રહેતા હોય છે. પછી લેટેસ્ટ ‘સ્માર્ટફોન’ પર આવી જ કોમેન્ટ્સ ફોરવર્ડ કર્યે રાખતા ‘વ્યાજ-જીવી’ આતંકવાદીઓની વસ્તી ખૂબ વાઈરલ બની છે.
  • ••• ‘દીઠો ન હોય ક્યારેય ચોર, ને ગામમાં જઈ મચાવે શોર !’ –કારણ વિનાની ઉત્તેજના જગાવી ટોળું ભેગું કરી પોતાનો હેતુ સાધતા માઈક અને મીડિયાના મજનૂઓ જેવા ‘અવકાશી’ આતંકવાદીઓ તો સિટિઝન જર્નાલિઝમના પ્લેટફોર્મ પર હવે ધાણીની જેમ ફૂટી રહ્યા છે.
  • ••• માત્ર હોંશિયારી ઠોકવા, ફિસિયારી બતાવવા યા ટાઈમ-પાસ કરી બીજાંના ‘હોમ’ અને ‘કોમ્પ્યુટર’માં વગર રજાએ ઘૂસ મારી તેમને નાગા કરીને પાશવી આનંદ લૂંટતા જલ્સાદાર ‘હેકર્સ-ક્રેકર્સ-શોઅર્સ આતંકવાદીઓ’ તો સમાજ માટે સૌથી વધારે ભારરૂપ બની રહ્યા છે.
  • ••• ખોટી માહિતીઓનો સરવાળો કરી તેમાંથી સચ્ચાઈને બાદ કરી ગુણતા ‘(અ)ધાર્મિક આતંકવાદીઓને’ તો કાયમ ઉભી પૂછડીયે ‘ભાગતા’ જ રહેવું પડે છે. અને હું દોઆં પણ કરું છું કે એમનું ટોટલ હવે ‘બોટમલાઈન’ પર આવી જાય!- આમીન.

પહેલા ખુદને માટે, પછી પોતાના ઘર અને પછી સમાજ માટે હંમેશા પ્રોડકટીવ કામ કરતા સજ્જનોનેએ સચ્ચાઈની શોધ દ્વારા આવા આતંકવાદીઓથી લાંબું અંતર જરૂરી…

“કૌન હૈ સચ્ચા કૌન હૈ જુઠા, હર કરે પે નકાબ હૈ, જરા સોચો જરા સમજો જરા સમજકે રહીયો જી !”

ભાગ-૨ || શું તમે પણ આ રીતે દુનિયા છોડી શકો છો?

Paul Miller- theVerge.com

દોસ્તો, પાછલા સમાચારથી અપડેટ થવા આ પોસ્ટની લિંક મેળવી લેશો. 

૧લી મે ૨૦૧૩ના દિવસે પૌલ મિલર જ્યારે એક વર્ષિય ડિજીટલ-ઉપવાસ કરી (અન)‘રિયલ’ થઇ ઈન્ટરનેટની દુનિયામાં પાછો ફર્યો ત્યારે તેની કંપની વર્જ.કૉમની સાથે વિશ્વના ચંગી અને જંગી બ્લોગ-મીડિયાની ‘એક્ટસી’ નજર પણ તેના પર રહી.

તેના ખુદના જ શબ્દોમાં જ્યારે તેણે એ ૩૬૫ દિવસી ઝિંદગીનું સરવૈયું બયાન કર્યું છે. તે વાંચ્યા પછી મને ખુદને તેના વિશે કેવો પ્રતિભાવ/અપડેટ આપવો તેની મીઠ્ઠી મૂંઝવણ થઇ ગઈ. માટે બીજા જ દિવસે તેની પર લખવાને બદલે આજે એક વિક પછી કાંઈક સૂઝયુ છે.

તેના અપડેટમાં જે શબ્દો તેણે દિલમાંથી લખ્યા છે, તેવું લખવા આપણે તેના દિલમાં ઘૂસી આંગળીઓ વાટે બહાર નીકળવું પડે. છતાં તેના જ ઇન્ટરનેશનલ શબ્દોને નેશનલ ટચ આપવાની કોશિશ કરી છે.

“૩૦મી એપ્રિલ ૨૦૧૨ની રાતે ૧૧:૫૯ કલાકે જ્યારે મેં મારા કોમ્પ્યુટરના પાવરનો, ઈન્ટરનેટ-વાઈ-ફાઈના કેબલનો, ટેલીવિઝનનો, અને મોબાઈલના ચાર્જરનો પ્લગ છૂટો કર્યો, ત્યારે શરીરમાંથી એક લખલખું પસાર થઇ ગયું. કેવી લાઈફ બનશે? કેવા ફેરફારો, કેવો અનુભવ થશે?- લાગે જાણે બધું જ એક સસ્પેન્સ કથાની શરૂઆત….

એક ઊંડો શ્વાસ લઇ ખૂબ શાંતિથી મારા પહેલા દિવસની શરૂઆત થઇ ત્યારે સામે ન તો કોઈ ફોન, ન કોઈ સમાચારો કે ન કોઈ છાપું…માત્ર હું અને મારા મગજનો થોડો બાકી રહેલો ‘શાંત કોલાહલ’ !

કમાણીની ફિકર?- નો વે!…એટલા માટે કે વર્જ.કૉમના મારા બોસે મને ચાલુ પગારે પૂરા વર્ષ દરમિયાન જુના ધરોબાયેલાં સ્વપ્નાં, બાકી રહેલી ઈચ્છાઓ, કામ કરવાની છૂટ સાથે છુટ્ટી પણ આપી દીધી હતી. એટલે ક્રિકેટ-કિટ સાથે આઝાદ-મેદાન પણ મારી પાસે જ હતું એ લોકો તો માત્ર ફિલ્ડીંગ ભરી રહ્યા…

પુસ્તકોના પોટલાએ, કાગળોના કન્ટેનરે, ભૂલાઈ ચૂકેલાં અને પછીથી મળી આવેલા અગણિત સ્વજનો-દોસ્તોએ એક અનોખું પ્રેરકબળ પૂરું પાડ્યું. જેઓને મારી અને મને જેમની જરૂર હતી તે સૌને પહેલી વાર (ને પછી વારંવાર) જાતે મળવાની-જાણવાની-ખોળવાની તકો મળી. વર્ષો સુધી ‘ડમ્બ’ જણાયેલો લેખિત-પત્રવ્યવહાર તો સ્માર્ટ-ફોનની સામે સાચે જ ‘સ્માર્ટ દેખાયો’.

સોસાયટી-કોમ્યુનિટીના હોલમાં મેળાવડા વખતે ‘જુનવાણી’ દેખાતા વડિલોમાં મને જ્ઞાનનો પાવર વધારે દેખાયો. ને જ્યારે કોઈક ખૂબસૂરત માનૂનીએ અદ્રશ્ય થઇ મને પોતાના હાથથી માત્ર એટલો જ મેસેજ મોકલ્યો કે “તે જે કાંઈ કર્યું છે, તે સારું જ કર્યું છે.” ત્યારે એ પત્રએ વારંવાર ‘પાવર-હાઉસ’ની ગરજ સારી છે.

મને સાચે જ એવી અદભૂત લાગણી થઇ છે એક વર્ષમાં હું ખુદ ‘રિયલ’ બની બહાર આવ્યો છું. મેં મારી જાતને મારી સાથે આટલી નિકટ ક્યારેય જોઈ ન હતી. કનેક્ટીવીટીની સાથે ડીસકનેકટેડ થયેલો હોવા છતાં ખુદની સાથે ‘કનેક્શન’ ફરી વાર એવું સ્થપાયું છે કે હવે માત્ર ‘એ લઇ લેવું, તે લઇ લેવું’ કરવા કરતા આપી દેવામાં વધારે ખુશીઓ મળે છે.  

હાથમાં પ્રિન્ટેડ નકશો લઇ સાયકલ પર અજાણી જગ્યાઓએ એકલો ભમી આવ્યો. જેનાથી નાકે ધૂળ ઉડાડતી ‘ફ્રીસ્બી’ ડીશ રમી આવ્યો, હોમરની ‘The Odyssey’ ના ૧૦૦ પાનાં એક સાથે વાંચી આવ્યો. Les Miserables નાટક જોયા પછી આંખો બંધ કરી રડી આવ્યો. pભાડે રાખેલા પોસ્ટ-બોક્સમાં આવતાં દોસ્તોના, વાંચકોના પત્રો વાંચી દિલ ખોલી હસી આવ્યો. અને હવે જાતને એવી પ્રાર્થના પણ કરું છું કે આ બધું જ સમયાંતરે ચાલુ રહે…

ઓફકોર્સ, એક પણ દોસ્ત ન હોવો એ કરતા ફેસબૂક દોસ્તની પણ એટલી જ જરૂરીયાત લાગી છે, પળવારમાં હજારોને મન:સ્થિતિનો મેસેજ મોકલી શકતું ટ્વિટર ખૂબ મીસ કર્યું છે. ઘણું અગત્ય લાગતું કામ SMS થકી જલ્દી પૂરું થઇ શક્યું હોત જેની ખોટ ખૂબ રહી છે. પણ હવે લાગે છે કે…આ બધી જ સગવડોનું રિમોટ-કંટ્રોલ આપણા ખુદના હાથમાં જ છે. બસ જરૂરીયાત મુજબ તેનો ઉપયોગ કરાય તો સફળતાનું ટોનિક તમારી સામે હાજર થાય.

મારી પાંચ વર્ષની ભાણી કેઝીયાને છેલ્લાં દિવસે સવાલ કર્યો. કે “તારા મતે ‘ઈન્ટરનેટ એટલે શું?”- ત્યારે અવાચક નજરે તે મારી સામે જોઈ રહી. પછી કોમ્પ્યુટર પર રહેલા ‘સ્કાઈપ’ નામના પ્રોગ્રામને આંગળી ચીંધી ઓળખી બતાવ્યું ત્યારે થયું કે એની માસૂમ દુનિયા હજુ આટલી જ ‘વિશાળ’ હતી. પછી આગળ પૂછ્યું કે “તો પછી તું આટલાં વખતથી મારી સાથે વાતો કેમ કરતી ન હતી?” ત્યારે તેના ‘ટંગી’ જવાબ પર મારા આંસુઓ પડી રહ્યા હતાં:

“મામા ! મને લાગ્યું છે કે તમને જ મારી સાથે વાત કરવાનો સમય અને રસ નહિ હોય.”

એટલે હવે આજે (ગયેલી નહિ) પણ સાચે જ મળી આવેલી ખુશીઓ વહેંચવાની આદત ટકાવી રહ્યો છું…..તમારા સૌના સાથ-સહકારથી…”  

મિલરી મોરલો: “જે ત્યજી શકે છે તે વધારે મેળવે છે.”

(મૂળ લેખ અંગ્રેજીમાં વાંચવા આ લિંક પર આવશો: http://bit.ly/10smvtX )

શું તમે પણ આ રીતે દુનિયા છોડી શકો?!?!?!

દોસ્તો, આજે ફરીથી ‘જસ્ટ ઈમેજીન’…

….તમે ઈન્ટરનેટની એક ખૂબ પ્રચલિત મીડિયા વેબસાઈટના એડિટર છો. મિનીટ-ટુ-મિનીટ દરેક પ્રકારના સમાચારોની વર્ષા તમારા કોમ્પ્યુટર પર, ટેલીવિઝન પર, મોબાઈલ પર, આઈ-પેડ પર. તમારી કારના રેડીઓ પર થતી જ રહે છે. 

તમે એવા ડિજીટલ વર્લ્ડ સાથે સતત વાંચન, લેખન અને મનન સાથે એક સૂત્રે સંકળાયેલા છો કે જેમાં માત્ર સુતી વખતે જ (કદાચ) અળગા રહી શકો એવી ‘કોન્સ્ટન્ટ અપડેટ’ થતી જિંદગી છે. 

ને એક દિવસ…અચાનક…

તમારા દિમાગમાં વિચારનો એક કીડો સળવળે છે. તમે તમારી જાતને કહો છો: “ જા! મારા સ્વાહાલા… આ બધાંજ ડિજીટલ ડિવાઈસીસને તિલાંજલિ આપી સાવ અલ-મસ્ત જીંદગી ગુજાર. આ બધું જ છોડીને એક અલગારી દુનિયા વસાવ. જ્યાં કોઈ મોબાઈલ ન હોય, કોઈ ટીવી કે નેટ-સર્ફિંગ ન હોય. કોઈ ઈ-મેઈલ, ટ્વિટર કે સોશિયલ મીડિયા પરનું સ્ટેટસ અપડેટ ન થાય….

…હા ! માત્ર વૈચારિક કામ ચાલુ રહે એ માટે ક્યારેક (કોઈ પણ પ્રકારના નેટ કનેક્શન વિનાનું) લેપટોપ વાપરી શકાય. અને દોસ્તો અને સ્વપરિચિતો સાથે ટૂંકમાં અને ખપ પુરતી જ વાત ઘરની ફોન-લેન્ડલાઈન પરથી કરી શકાય.” 

બાકી દુનિયા જાવે…તેલ લેણે…બોલે તો અપણે કુ ક્યા?….રે’ણા હે તો બસ…”મૈ ઔર મેરી તન્હાઈ’ કે સાથ!

…………તો દોસ્તો તમારો કેવા હાલ થાય?- (એક દોસ્તને પૂછ્યું તો કહ્યું કે ‘હું તો એક વિકમાં જ સાવ વીક થઇ મરી જાઉં. યાર !!!! જીવી જ કેમ શકાય?)

પણ સાચે જ…આવી ઘટના બરોબર..એક વર્ષ પહેલા ૩૦ મી એપ્રિલ ૨૦૧૨ના દિવસે બની હતી. સુપર ટેકનોલોજીકલ સમાચારોની સેવા આપતી સાઈટ: ધ વર્જ.કૉમના એડિટર પૌલ મિલર સાથે.

પૌલે એક આ રીતે વર્ષ સુધી લાંબો ડીજીટલ ઉપવાસ કરવાની નિયત કરી. એ જોવા માટે કે માણસ આ બધી સેવાઓ વિના (પહેલા તો) જીવી શકે છે?- અને જો હા ! તો કઈ રીતે? અને તેની માનસિક અને શારીરિક અસર શું થાય છે? 

આજે બરોબર એક વર્ષ પછી પૌલ મિલર તેની એડીટીંગ જોબ પર પાછો ફરી રહ્યો છે. અને મીડિયાના અનેક માધાંતાઓ તેની આ એક વર્ષની (ઈન્ટરનેટ વિનાની) હાઈબરનેટ વાળી (બેકાર દેખાતી) લાઈફ વિશે જાણવા બેકરાર થયા છે. 

૩૬૫ દિવસમાં કેટલાંય અવનવા સમાચારો અને ઘટનાઓથી આઉટ-ડેટેડ રહેલો મિલર તેની ઈન્ટરનેટ દુનિયામાં પાછો ફરશે ત્યારે શું શું નવું જાણશે?!?!?!?! તેના હજારો…હજારો ન વંચાયેલા ઇમેઇલ્સ, SMSs,થી ભરેલું મોબાઈલ ઈનબોક્સ ખુલશે ત્યારે શું જાણશે?…..આઆઆઆઆઅહ! કેવી કલ્પના કરી શકાય?

ખૈર, તે તેની શરૂઆતનો ‘ડિજીટલ મજૂર દિન’ કઈ રીતે ઉજવવાનો છે એ વિશે તો અફકોર્સ મને પણ પછી જ જાણવા મળશે. ત્યારે અપડેટ તમને મળશે. So, Come… What ‘May ‘ Says! 

.

ભાગ-૨ માટે અહીં આવશો:  https://nilenekinarethi.wordpress.com/2013/05/08/can-you-leave-the-world-like-this-way-2/

માઠા સમાચારોનું એક નાનકડું માવઠું !

|
ઉહ્ફ!…. શમશાદ બેગમ ૯૪ વર્ષની વયે ગઈકાલે વિદાય થઇ ચુક્યા. લેટેસ્ટ ટેકનોલોજીની આ દુનિયામાં મન અને મગજ પર નોસ્ટાલ્જિક અસર જન્માવનાર બુલબુલકંઠી શમશાદજીને હું બાળપણથી સાંભળતો આવ્યો છું. – અલ હમ્દ!

એમના અમર રહેનાર ઓલમોસ્ટ બધાં જ ગીતો ગમતા. પણ વર્ષો પહેલા ઓલ-ઇન્ડિયા રેડિયો પર આવતા ‘કેહ્કશાં’ પ્રોગ્રામની ટાઈટલ ટ્યુન ‘ધરતી કો આકાશ પુકારે’ તો કાયમ યાદ રહેવાની છે જ. અને આજે તો આપણા સૌનું નસીબ એટલું જોરમાં બન્યું છે કે… યુ-ટ્યુબ પર માત્ર એમનું નામ લખતાં ગીતોની પંજાબી વણઝાર સામે દોડતી આવી જાય છે. 

====||====

આહ !…. હજુ થોડાં જ મહિનાઓ પહેલા પહેલી વાર રૂબરૂ મળેલા. પણ દિલ ખોલીને મારા પણ દોસ્ત બની ચુકેલા મહિપત અંકલ મહેતા (ફેસબુક દોસ્ત Durgesh Mehta ના પિતા પણ ગયા અઠવાડિયામાં અણધારી એક્ઝિટ લઇ ચુક્યા ત્યારે થયું કે…અભી અભી તો આયે થે ઔર અભી અભી તો…

ડિસેમ્બરમાં જ્યારે ભારત આવ્યો ત્યારે તેમના દિકરાની હાજરીમાં ખુબજ નિખાલસતાથી પોતાની લાઈફના પ્રેક્ટિકલ ગરમ અનુભવોનો ડબ્બો આઈસ્ક્રીમના ઠંડા કપ સાથે શેર કર્યો ત્યારે ક્યાં ખબર હતી કે…સાયકોલોજીનો આ એક જીવતો જાગતો કેસ-સ્ટડી અમારી સામે પહેલી અને છેલ્લી વાર જ ઉપસ્થતિ થવાનો છે !!! 

ખૈર, ઓશો રજનીશ, કાંતિ ભટ્ટ, ગુણવંત શાહના પાક્કા ‘ફેન’ના પ્રભાવ હેઠળ રહેલા અલ-મસ્ત મહિપતભાઈએ મોતને પણ ઉત્સવ તરીકે ઉજવવાની વસિયત પહેલેથી જ કરી હતી. 

====|||====

આઉચ !… જેમણે વર્ષો પહેલા માત્ર એક જ પુસ્તક લખ્યું.: ‘હેલો અમેરિકા !’ અને એ પણ એવું મજ્જેદાર કે આજે પણ વાંચીએ તો તાજું લાગે એવા પાક્કા ગુજ્જુ-કલકત્તી મસ્તીખોર, સુવર્ણાપતિ, Jayesh Parekh-પિતા, બક્ષી-બંધુ અને કોલેજકાળમાં મારા સૌ પ્રથમ પેન-ફ્રેન્ડ અને પછી પર્સનલ-ફ્રેન્ડ બનેલા મુ. શ્રી અરવિંદભાઈ પારેખ પણ બે મહિના અગાઉ આઉટ થઇ ગયા. 

કલકત્તાની ગુજરાતી સાહિત્ય સભામાં વર્ષો સુધી સેવા આપનાર અરવિંદભાઈએ એમના સારસ-જોડીદાર મુ. સુવર્ણાબેન પારેખની પેન સાથે સેંકડો લેખો પણ લખ્યા છે. એમનાં હસ્તાક્ષર અને હસતાં અક્ષરો આજે મારી ફાઈલમાં યાદી તરીકે અકબંધ રહેલા છે. 

એમના પુસ્તક વિશે પછી ક્યારેક વિગતે અપડેટ કરીશ ઇન્શાલ્લાહ. પણ અત્યારે એટલું જ કહું કે એમને ડોસો કહેવું એ આપણી જવાનીને ગાળ દેવા બરોબર છે. ‘દાદા! આમી તોમાર મીસ્ટી-મિસરી બોન્ધું શોલામ બોલેચ્ચે!”

====|||====

આ બધાં જ આત્માઓને અરેબિકી….અલ્ફ સલામા !

|| ભલાઈનું રિ-સાયકલિંગ ||

Act-of-Kindness

Photo Source (c) wcrz.com

ઈ.સ. ૧૮૯૨માં સ્ટેનફોર્ડ યુનિવર્સીટીમાં ૧૮ વર્ષના બે નવજુવાનો ચિંતામાં બેઠાં હતા. એટલા માટે કે તેમની પાસે ફી ભરવાના પૈસા ખૂટી ગયા હતા. વળી બેઉ અનાથ હોવાથી કોઈ મદદ કરી શકે એમ પણ ન હતું. અને કોઈકની પાસે હાથ ફેલાવવા માટેનું ગજું પણ હજુ તૈયાર થયું ન હતું.

ખુદ્દારીને વરેલા એ બેઉ જણે કોલેજના જ કેમ્પસમાં એક નાનકડા મ્યુઝિકલ શોનું આયોજન કરી પૈસા કમાવવાનો આઈડિયા દોડાવ્યો. ચેરિટી શોના આશયે તેઓ મળવા આવ્યા તે સમયના મશહૂર પિયાનિસ્ટ જે. પેડ્રોવ્સ્કી પાસે. પણ તેના મેનેજરે તો ૨૦૦૦ ડોલરની ફિ ફરમાવી. મથામણ કરી બંને તૈયાર પણ થઇ ગયા. જો હોગા દેખા જાયેગા.

ભારે મહેનતથી તેમણે શોની ટીકીટો વેચી. પણ હાથમાં આવ્યા માત્ર ૧૬૦૦/- ડોલર્સ. ગઈ ભેંસ પાણીમાં સમજી બંને પેડ્રોવ્સ્કીના મેનજર પાસે પાછા આવ્યા અને શો પછી ખૂટતા ૪૦૦ ડોલર્સ મહેનત કરી વખતે પાછા આપવાનું વચન આપ્યું. પણ ત્યાં તો ખુદ પેડ્રોવ્સ્કી પાસે આવ્યા અને રોકડું પરખાવ્યું:

“નવજુવાનો ! એમ ના ચાલે. ફીનાં પૂરા પૈસા આપો. અથવા આ ૧૬૦૦/- ડોલર્સ પણ તમે જ રાખો. મને ન પોસાય. એમાંથી પહેલાં તમે તમારી ફિ ભરો. પછી જે રકમ બચે એ મારી કમાણી…..જાવ ફતેહ કરો !”

બેઉ જુવાનો માટે શો અને ફિ બંનેમાં જાન રેડી આપનાર પેડ્રોવ્સ્કીસાહેબ ત્યાર પછી તો અમેરિકા છોડીને પોલેન્ડ વસ્યા અને તેમના સદનસીબે તેમને ત્યાંના નામાંકિત નેતા અને વડાપ્રધાન પણ બનાવી દીધા. પણ ત્યાં તો…

૧૯૧૪માં પ્રથમ વિશ્વ-યુદ્ધ થયું. અન્ય દેશોમાં બીજી અસંખ્ય જાનહાનીઓ સાથે મુસીબતોનું મહોરું પોલેન્ડને પણ પહેરવું પડ્યું. અને તેને (કમ) નસીબે?!?!?! મદદ માટે અમેરિકાની ખાદ્ય અને પૂરવઠા સરકાર પાસે ટહેલ નાખવી પડી.

એ વખતે હર્બટ હૂવર નામના મંત્રીએ વિના વિલંબે (અને ટકોરાબંધ) ટનબંધ અનાજ પોલેન્ડ મોકલાવી રાહત આપી. પૂરવઠાની આવી પટેલગીરી જોઈ પેડ્રોવ્સ્કીસાહેબે અનાજ સાથે આંગળા પણ મોંમાં નાખી દીધા. અને યુદ્ધ બાદ એ મંત્રીનો આભાર વ્યક્ત કરવા મી. હર્બટ હૂવર પાસે જાતે અમેરિકા પહોંચી ગયા.

“મુરબ્બી પેડ્રોવ્સ્કી સર ! આમાં આભાર માનવાની કોઈ જરૂર નથી. આપને યાદ હોય તો….આપ વર્ષો પહેલાં સ્ટેનફોર્ડ યુનિવર્સીટીમાં બે નવયુવાનો માટે ફ્રિમાં મ્યુઝિકલ શો અને ભણવાની ફિ આપી ચુક્યા છો. તેના પરથી માનવતાનો પાઠ ભણનારા એ બે યુવાનોમાં એક હું પણ હતો.”

માનવંતો મોરલો: “સાચી નિયતથી ભલાઈ કરનાર અને લેનારનું રિ-સાયકલિંગ બસ આજ રીતે ચાલ્યું આવે છે અને ચાલતું રહેશે….”

(કોઈક ભલા માણસે મોકલેલા જુના ઈ-મેઈલનું તાજું રહે એવું ભાષાંતર….નાઈલને કિનારેથી !)


તો એ છે…માઈન્ડબુદ્ધિ વાળો માણસ…

tim-harris

Tim-Harris (c) People Mag.

.
દોસ્તો, આપણું મન કે મગજ થોડો સમય સલામત ન રહેતું હોય તો શું થાય છે?

•=> વગર કારણે પણ ક્ષુલ્લક બાબતોમાં ધમાધમી કરી નાખીએ છીએ કે…

•=> બીજાનો ગુસ્સો ત્રીજા પર ઉતારી દઈએ છીએ યા..

•=> આપણી આજુબાજુનું ૧૦ ડિગ્રીનું વાતાવરણ પણ ૧૦૦ ડિગ્રીમાં ફેરવી નાખીએ છીએ. ખરું ને?

પણ મેક્સિકો સીટીમાં રહેતો ટિમ હેરિસ, એને ખુદને ખબર નથી કે એ છેલ્લે ક્યારે ગુસ્સે થયો હતો. ને ખબર પડે પણ કેમ કારણકે તેને ગુસ્સો શું એ શીખવવામાં આવ્યું જ નથી.

એટલા માટે કે શારીરિક (અસામાન્ય) રીતે એનું મન અને મગજ સલામત નથી. પણ માનસિક રીતે એ આપણા જેવા સામાન્યને ક્યાંય પાછળ મૂકી શકે છે એવું સલામત છે.

ટિમને ડાઉન્સ સિન્ડ્રોમ છે. આપણે જેને ‘મંદબુદ્ધિ’ (માનસિક કમી) તરીકે ઓળખીયે છે.

હવે હું એમ કહું કે આ ટિમ (તેની નાનકડી ટિમ સાથે) ‘ટિમ્સ પ્લેસ’ રેસ્ટોરન્ટનો માલિક છે અને એ પણ ‘દુનિયાની સૌથી સુખી રેસ્ટોરન્ટ’ના સ્લોગન સાથે. તો તમને કુતૂહલતા જાગે ને? – મને પણ જાગી છે. અને એના વિશે થોડું જાણ્યા પછી એ મને આ લખવા માટે જગાડી ગયો છે.

એ એટલો ચિયરફૂલ છે કે એને ત્યાં આવનાર દરેક ગ્રાહકોને ‘જાદુકી ઝપ્પી’ આપે છે અને તેનામાં રહેલી હેપીનેસનો વાઈરસ એ સૌમાં ટ્રાન્સફર કરતો ફરે છે. સ્પેશિયલ અને નવા સર્વે ગ્રાહકોને નાચતા-નાચતા ભેંટીને જાતે ‘સર્વ’ કરે છે. આ માટે ખાસ તેણે ભેંટ-મીટર પણ ભીંતે ભરાવ્યુ છે.

તેને લગતી ઓલિમ્પિકમાં નૌકા અને તેમજ બીજી ઘણી હરીફાઈઓમાં અનેકાનેક ગોલ્ડમેડલ્સ જીતી લાવી થોડાં અરસા અગાઉ જ ઈન્ટરનેટ પર સેલિબ્રિટી બની ગયેલા ટિમ હેરિસની નાનકડી વિડીયો ક્લિપ જોયા પછી (ત)મને પણ કહેવાનું મન થાય કે…

“ જેનામાં ટિમ સ્પિરીટ હોય તે ક્યારેય હારતો નથી. ટિમ દોસ્ત ! તું પણ ક્યારેય હેરિસ (આઈ મીન હારીશ) નહિ હોં. તને જોઈ બીજાં ઘણાં એકલા સુતેલા દોસ્તોને જાગી જવાનું મન થાય એવું તારું ટીમવર્ક છે. ”

(દોસ્તો, આ બાબતને ટીમવર્ક સાથે વધુને વધુ શેર કરી શકશો તો આપણને સૌને એટલિસ્ટ વર્ચ્યુંઅલી ‘ભેંટ’ મળશે.)