નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: સોશિયલ મીડિયા

દિમાગની નસબંધી કરનારા આ છે નજરબંધી કલાકારો…..!!!

The Clairvoyants

.
બે અઠવાડિયા અગાઉ તમામ થયેલાં ‘અમેરિકા’ઝ ગોટ ટેલેન્ટ શોઝની’ ફાઈનલમાં બીજાં નંબરે આવેલાં આ બેઉ જણા ટોમી ટેન અને તેની પાર્ટનારી મિસ. એમિલી વોન’તાસ ઇલ્યુઝન-ખેલમાં ‘બવ ભારે’ જોડી તરીકે પંકાઈ આવી છે.

ઇલ્યુઝન (નજરબંધી)ની સુપર ટ્રિક્સ દ્વારા પહેલા યુરોપને ઘેલું બનાવ્યું, ને હવે અમેરિકાના એ ટેલેન્ટ-શોમાં તેમના નજરબંધીના અધધધભૂત પ્રયોગો દ્વારા જોનારાં દિમાગની નસબંધી કરી રહ્યાં છે.

પહેલા હું ક્લાસિક જાદુગર ડેવિડ કોપરફિલ્ડને મહાન ઇલ્યુઝનિસ્ટ માનતો ‘તો. પણ હવે આ બંનેની ઘણી ટ્રિક્સ જોયા બાદ તેમને સુપર-ફેન્ટાસ્ટિક માનું છું.

ઓફકોર્સ દરેક જાદુની પાછળ સાયન્સ-મેથ્સના મિશ્રણની અથાગ પ્રેક્ટિસ કામ કરે છે. પણ આપણા મનમાં ચાલી રહેલાં (અને ચુકેલાં) વિચારો, નંબર્સ, સંખ્યા, ઘટના, વસ્તુ જેવી અખૂટ માહિતીઓ આ બેઉ કઈ રીતે જાણી શકે એ ‘સોચને કા વિષય બન્યા હૈ’.

એમની સાડા-સાતસો જેટલી કરામતોને જોઇને મારી તો શું કોઈનીયે આંખોના પોપચાં ઢીલ્લ્લા થઇ શકે છે. લ્યો આપું એક નસખેંચું ઉદાહરણ…

એમિલી સ્ટેજ પર બેસી આંખો પર કાળી પટ્ટી પહેરી હિંચકે ઝૂલે છે. તેનો પાર્ટનર ટોમી કોઈપણ પ્રેક્ષક પાસે જાય.(એ પ્રેક્ષક પણ પાકે પાયે કોઈક અજાણ્યો જ હોય). પછી તેની પાકીટ તેના હાથે ખોલાવે અને અંદર શું શું છે એ જોવાની કોશિશ કરે.

એ દરમિયાન ટોમી તો કશુંયે બોલે નહિ. પણ ત્યાં દૂર બેસેલી એમિલી પેલા અજાણ્યા માણસે શું ખોલ્યું છે?, એમાંથી તેણે શું કાઢ્યું છે? તેનો રંગ-રૂપ-સાઈઝ, કવોન્ટિટી શું છે? તેની પર શું શું લખ્યું છે? કઈ રીતે લખ્યું છે?…..એ જાણે બધું જ જોઈ શકે એમ ધીમેધીમે બોલવા માંડે.

ત્યારે હાજર સૌને ખબર પડે કે…એમિલી નામની આ એક્સ-રે મશીન બાઈએ પેલા પ્રેક્ષકભ’ઈની પાકીટમાંથી કોઈક અનેરી ડિઝાઈનવાળા ક્રેડિટ-કાર્ડના એ માલિકનું નામ, કાર્ડ-નંબર, તેની એક્સપાયરી ડેટ અને ઓહ ! એમાં બેલેન્સ કેટલું છે એ પણ આસાનીથી કહી બતાવે.- બોલો, આવું કર્યા બાદ ધડાધડ તાળીઓ ના પડે તો બીજું થાય પણ શું?-

હવે તમને સવાલ થાય કે કદાચ એમિલીનો એ પાર્ટનર કોઈક સિક્રેટ-કોડ દ્વારા સ્ટેજ પર બધું ટ્રાન્સફર કરતો હશે??!?! – પણ આવી શંકા આવે એ પહેલા ટોમીબાપુ એવો પુરાવો બતાવે કે સમાધાન પહેલા જ શંકા તેલ લેવા ચાલી જાય. તો લ્યો બાપુ, બીજું દાંત-દબાવ ઉદાહરણ આપું…

પેલો ટોમી એક દળદાર ડિક્શનેરી લઇને કોઈપણ અજાણ્યા પાસે જાય. અને કહે કે… “બકા, તું જાતે કોઈ પણ પાનું ખોલ. અને એમાં રહેલો સૌથી લાંબો શબ્દ કાઢીને મનમાં યાદ રાખી લે.”

પછી એક તરફ ટોમી એક કાગળ-પેન હાથમાં લે. અને પેલાએ જે શબ્દ ધાર્યો હોય એ કાગળમાં લખવા માંડે. પેલો શબ્દ બોલે પણ ટોમી તો કાગળ પર નંબર લખી બતાવે. એટલે બધાંયને થાય કે ટોમીયાએ લોચો માર્યો.

પછી એ નાટકીય અંદાજે બોલે “ઓહ સોરી હોં ! આપડી ભૂલ થઇ લાગે છે.” એમ કહી સાચો જવાબ જાણવા એમિલી તરફ ડોકું ઘુમાવે. ને ત્યાંતો એમિલી આખેઆખો શબ્દ લખીને બેસી રહી હોય.

પછી એમિલી એ કાગળ બધાંને બતાવે. પેલો શબ્દ આપનાર પેક્ષક ગાંડો થાય એનો વાંધો નથી. એ ક્ષણે ટોમી તેનું પોત પ્રકાશે. અને જણાવે કે “હુંયે ખોટો નથી ભૈલા! મેં જે સંખ્યાત્મક કોડ લખ્યો છે, તે ડિક્શનેરીમાં આવેલા તે ધારેલા શબ્દનો પાનાં નંબર અને શબ્દની મૂળ જગ્યાનું સ્થાનાંક છે.” –

બોલો, તમેય દાંતે આંગળી ભરાવી ને? – અત્યારે લાખો લોકો પણએવુંજ કરી રહ્યાં છે. એમને સવાલ થઇ રહ્યો છે. :

‘હાળું, બંને આવી નજરબંધી કરે છે કઈ રીતે? એટલે જ કહું છું કે કપલનો ફોટો કપલ ઓફ સેકન્ડ્સ માટે ધ્યાનથી જોશો.

હવે તમે સૌ કદાચ એમની ટ્રિક્સનું સર્ચિંગ કરશો જ એવું હુંયે એડવાન્સમાં જણાવી શકું છું.

પણ મને હવે શંકા થાય છે કે ટિકી-ટિકીને જોતા આ બંનેના ફોટોને આપણે ‘એન્જોયા’ કરશું અને કદાચ આપણા મનની અંદર અને ‘અન્ડર’ રહેલું બધ્ધુંયે જાણી લેશે તો?!?!?! પછી આપડે કોહને મોઢું બતાઈશું લ્યા હેં ! 😛

(Image Credit: agt.wikia.com.)

લોખંડી મન અને મીણ જેવું દિલ ધરાવતી બ્રાઝિલની ‘સિક્યોરીટી મોમ’

Security Mom in Brazil

Security Mom in Brazil Football Stadium

બ્રાઝિલ એટલે ફૂટબોલમાં જીવતો દેશ. ત્યાંના જન્મેલાં બાળકને તેની મા ગળથુથીને બદલે દૂધની સાથે ફૂટબોલની કિકનું રસપાન કરાવે છે.

ત્યાંના નાગરિકો ખેલાડીઓ ભલે ટિમ બ્રાઝિલ માટે જાંબાઝ બનતા હોય છે. પણ અંદરોઅંદર પોતાની કાઉન્ટી ટિમ્સ માટે એવી જાંફેસાની પણ કરી નાખે છે, કે વિરોધી ટિમ સાથે મરણીયા બની લોહીયાળ જંગ પણ ખેલે છે. ફૂટબોલ માટે એક આવો જઝ્બો અને જોશ કદાચ બીજાં દેશમાં હશે કે કેમ એ સવાલ છે.

ખૈર, તેમનાં આવા સુપર લડાયક-લોહીયાળ પેશનને એક નવો જ સોફ્ટ ટચ આપવા ત્યાંના શહેર રિયો દે જાનેરીયોની ફૂટબોલ એસોસિએશને તાજેતરમાં એક મમતાભર્યો રસ્તો અપનાવ્યો. – ” સિક્યોરીટી મોમ.”

ફૂટબોલ માટે કિલર-ઇન્સ્ટીન્કટવાળી પણ મીણ જેવું દિલ ધરાવતી પાવરફૂલ અને ક્વોલીફાઈડ માતાઓ ને પસંદ કરી તેમને સિક્યોરીટીની પ્રોફેશનલ તાલીમ આપી ત્યાંના સ્ટેડિયમમાં સિક્યોરીટી તરીકે મુકવામાં આવી.

– શું કામ? – એટલાં માટે કે જે ટોળું આક્રમક બને એમને આખરે મા જ શાંત પાડી શકે છે. એવું સભ્યોએ માન્યું અને પ્રયોગ અમલમાં પણ મુકાયો.

ફૂટબોલની ગેમ દરમિયાન વારંવાર થતી હિંસાની આગને ટાળવા આવી માતાઓ આખરે ‘મોમ’ બનીને વ્હારે આવી. જ્યાં ‘પાંડુ કી લાઠી’ કામમાં ન આવી ત્યાં આ મોમે ખભા પર માત્ર હાથનો સ્પર્શ આપી નવલોહિયાઓને શાંત પાડી દીધા.

જેમાંથી કેટલાંક જુવાનીયાઓને તો ત્યાં જ ખબર પડી કે…”આઈલા!! અપૂન કી મા ઇધર પુલિસ બનકે કૈસે આ ગઈલી રે?!?!?!- પછી થાય શું? કયા ‘બાપા’ની તાકાત કે અફડાતફડી મચાવી શકે?!?!?!

આ પ્રયોગ એટલો સફળ થયો કે હવે નિયમિત ધોરણે ત્યાં આવી મોમ્સને જોબ્સ માટે સિક્યોર કરવામાં આવશે.

આપણે ત્યાં એવી કઈ રાષ્ટ્રીય ‘ધમાલ’ થાય છે, કે જેમાં આપણી ‘પટેલ છાપ’ મા પણ સેવા આપી શકે? – હુ કેવુંસ ભ’ઈ?

“બર્ગર-કિંગનાં અનોખા લગ્ન !”

Mr Burger-Ms. King

“ઇસ તસ્વીર કો ધ્યાન સે દેખિયે !”…….ફોટોમાં દેખાતા આ બે ચહેરાંઓની પ્રેમ-કહાની આમ તો બાળપણની છે. પણ આલમને તેની મેચ્યોરિટી પાછલાં અઠવાડિયામાં જ દેખાઈ છે. વાત કાંઈક આવી બની છે…..

અમેરિકાના ઈલિનોઈસ રાજ્યમાં આવેલા ન્યુ બર્લિન ટાઉનના આ જાડિયા જોએલ બર્ગર અને તેની પાકી પ્રેમિકા એશલી કિંગનું પ્રેમ-ચક્કર આમ તો પ્રાઈમરી સ્કૂલથી ચાલતું આવ્યું. પછી સેકન્ડરી અને કોલેજમાં તેનો રંગ પાકો થયો. જાણે-અજાણે બેઉની જોડી ‘બર્ગર-કિંગ’થી ઓળખાવા લાગી.

થોડાં દિવસો અગાઉ જ્યારે બેઉ જણાએ લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે એક તરફ એશલી એટલી ભાવુક બની કે લગ્નની પાર્ટી ગોઠવવા (ને પ્રમોટવા) સીધી ફાસ્ટ-ફૂડ કંપની બર્ગર-કિંગની ઓફિસે જઈ પહોંચી. BK વાળાઓ એ ઓર્ડર પર પૂરતું ધ્યાન તો આપ્યું, પણ સાવ સામાન્ય ભાવે. જ્યારે બીજી તરફ જોએલ ભ’ઈએ સોશિયલ મીડિયામાં જાહેરાત કરી.

પણ ગયા જ અઠવાડિયે આ વાત બની વાઈરલ. અને ત્યાંના લોકલ ન્યુઝપેપર ‘સ્ટેટ જર્નલ રજીસ્ટર’નાં કોઈક રિપોર્ટરને સૂઝ્યું ગતકડું. ને બનાવ્યા ન્યુઝ કે “બર્ગર-કિંગનાં અનોખા લગ્ન !”.

બર્ગર કી બાત કુછ ઔર ક્રિયેટીવ ગરબડ હો કે આગે બઢી…

ત્યાંના બર્ગર-કિંગ કંપનીની PR એજન્સીએ આ વાતને ‘બેક’ થયેલી જોઈને આ બંને જોડીનો ડાયરેક્ટ સ્કાય્પ પર કોન્ટેક્ટ કર્યો. પછી સરપ્રાઈઝ આપી કે “જાવ મેરે બચ્ચોં…તમારા લગ્નમાં આવનાર દરેક મહેમાનને અમારા બર્ગર-કિંગ તરફથી ટોટલ જમણવાર….મફત !”

બોલો હવે, તમારામાંથી કોના લગ્ન થવાના છે?- જો તમારા બંનેનાં નામમાં કાંઈક અનોખું હોય તો શોધી કાઢો એવી બ્રાંડ, ને મેળવો માનુની સાથે મેરેજનું મેનુ………સાવ મફ્ફત !

(ખૈર, આવું જાણ્યા પછી હવે તો મનેય જવાબ મળ્યો છે કે ખાસ કરીને બર્ગરની બાબતે મેક-ડોનાલ્ડ કરતા આ કેમ ‘કિંગ’ છે.)

આમાં ‘નમો’ અસ્તેની કોઈ અસર ખરી?

Appleste

.

ખાસ કરીને યુ-ટ્યુબ પર હું વિવિધ ક્ષેત્રનાં પ્રસિદ્ધ વક્તાઓનાં લેક્ચર્સ (કિ-નોટ સ્પ્કિંગ) વારંવાર જોતો રહું છું. તેના અંતમાં કેટલાંક વખતથી મને તેમાં મસ્ત મજાની નુક્તેચીની જોવા મળે છે.

નમસ્તેની મુદ્રા સાથે એ વક્તા પોતાનું વક્તવ્ય તમામ કરે છે. બંને હાથોને જોડી ઓડીયન્સ તરફ માથું ઝુકાવી સૌનો હાર્દિક આભાર માને ત્યારે થાય છે કે…ભારતીય કલ્ચરનું માર્કેટિંગ સારું એવું થઇ રહ્યું છે.

આ એપલનું રિસેન્ટ આઈફોન-૬ લોન્ચ વખતે પણ તેના વડા ટિમ કૂકે આવું જ કર્યું ત્યારે (તેની આગળની લાઈનમાં બેસેલા ભારતીય ડેવેલોપર્સની ખુશી વિશે તો શું કહી શકું) પણ મારું દિલ એટલું કહેવા મજબૂર થઇ જ ગયું. ‘એપલસ્તે !”

હવે આમાં ‘નમો’ અસ્તેની કોઈક અસર ખરી?

..તો સમજી લેવું કે તમને…

click_mouse

.

•  જો તમને (કોમ્પ્યુટર સિવાયના) આસપાસના વાતાવરણમાંથી ‘નોટીફિકેશન ટોન’ જેવો અવાજ સંભળાય અને તમે તુરંત તમારો મોબાઈલ/ ઈમેઈલ ચેક કરો તો…

•  જો તમારું માઉસ-કિબોર્ડ કે મોનિટર સ્ક્રિનને કોઈ ‘આંગળી’ પણ કરે અને તમે હાથ ઉગામી દો. (પછી ભલેને તમારી ઘરવાળી હોય કે ‘બાર’વાળી) તો…

•  જો તમને કોઈ કાંઈ પણ સવાલ કરે કે પછી શોધવું હોય તો તેનો જવાબ શોધવા ગૂગલદાસ બાપુને શરણે જાઓ…(ભલેને એ તમારા ચડ્ડી-રૂમાલ પણ હોય)

•  જો તમે ચેટિંગમાં દિલથી લખવાને બદલે સૌથી વધુ ઉપયોગ માત્ર ‘સ્માઇલી કે ઈમોટીકોન’નો કરો તો…

•  જો તમારા મમ્મીને (કે બૈરાને) તમે બીજા રૂમમાંથી ‘હે હા જમવા આવું છું…’ એવો મેસેજ પણ ફેસબૂકથી કે વોટ્સએપથી આપો તો…

•  જો (વાઈફ સાથેનું કનેક્શન ભલે ખુલ્લું હોય પણ) Wi-Fi નું કનેક્શન થોડી સેકન્ડ્સ માટે પણ બંધ થઇ જાય અને તમને વાઈ જેવું કાંઈક આવી જાય તો…

•  જો તમે ક્યાંક પણ જવાનું પ્લાનિંગ કરો પણ શરૂઆત ‘તીયાં Wi-Fi નું કનેક્શન છે કે ની’ થી કરો તો…

•  જો તમને મોનિટરનું બ્લેક સ્ક્રિન જોઈને થોડી સેકન્ડ્સ માટે ધ્રાસ્કો પડે તો…

…તો સમજી લેવું કે તમને ઓનલાઈન-વાઈરલ ઇન્ફેક્શન થયું છે.

(હવે એનું મેડિકેશન ઓનલાઈન સર્ચથી કરવા કરતા નજીકમાં નજીક રહેલા કુટુંબીજનો સાથે ફેસ ટુ ફેસ સમય ગાળી કરવો. મજ્જાઆઆઆઆની લાઈફ !)

લેખ, લેખન અને લેખક…

Hand_Pen

.

•=) “તમને જ્યાંથી પણ આઈડિયા મળી આવે એવી જગ્યાએ વારંવાર જવું. ભલેને પછી એ માટે વહેલી સવારમાં વોકિંગ કરવા બહાર જવું પડે કે સાંજે બહારથી આવી બાથરૂમમાં શાવર લેવો પડે.”

•=) “કોઈ વિષય/વસ્તુ પર નિબંધ લખતા આવડે છે? – સારું. પણ જો એમાંય કોઈક વાર્તા રચતા આવડે તો તો….. મજ્જાની લાઈફ !”

•=) “વાંચક જેટલાં સવાલો કરે એટલું સારું. કારણકે સારા સવાલોનો જવાબ તો સૌને આવડતા હોય છે.”

•=) “જેના લખાણ દ્વારા વાંચક મૂર્ખ બની ગયાનો અનુભવ મેળવે, તેવા લેખકને પણ એવો જ ગણવો.”

•=) “તમારી અંદર રહેલો અવાજ, એ જ તમારું લખાણ.”

•=) “કેટલાં શબ્દો લખાયા, એ કરતા એમાં શું લખાયું એ લખતા આવડી જાય પછી લખાણની ચિંતા બહુ ઓછી રહે.”

•=) “કોઈ બાબતમાં ઝટકો આપી શકાય એવો કોઈ આઈડિયા તમને આવે ત્યારે…તેને સાચે જ કોઈ ઝટાકેદાર અસર કઈ રીતે આપવી તે વિશે પહેલા ૩૬૦ના ખૂણે વિચાર કરવો.”

•=) લખવાની શરૂઆત ત્યારે જ કરવી, જ્યારે સાચે જ કાંઈક લખવા જેવું લાગે. નહીંતર ચુપ રહેવું.

•=) “જ્યાંથી પણ કાંઈક નવું જાણવા કે માણવા મળ્યું હોય તેનો ઉલ્લેખ લેખમાં થાય તો શબ્દો/ વાત લેખે લાગે.”

(Ref: તરવરિયા બ્લોગર જેફરી બૂલ્લાઝના બ્લોગ jeffbullas.com પરથી…દેશી ભાષામાં.)

ચોંકાવનારા (અને ચમકનારી) ઈન્ટરનેટની કેટલીક અવનવી ખબરો….

 કહેવાય છે કે…

•=) યુ.એસ.એ.માં લગભગ ૨૫૦ મિલિયન ઈન્ટરનેટ યુઝર્સ છે. જ્યારે ચાઈનામાં તેના ‘ડબ્બલ કરતા બી વધારે’ પોણા-છસ્સો યુઝર્સ છે.

•=) ભલેને ફેસબૂક પર આખી દુનિયામાંથી ૧.૧૧ બિલિયન યુઝર્સ હોય છતાં તે ચાઈનામાં પ્રવેશી શક્યું નથી. કેમ કે ત્યાં એ ‘બેન્ડ’ થયેલું છે.

•=) હવે તમે એમ ધારતા હોય કે…એમેઝોન.કૉમ દુનિયાની સૌથી મોટી અબજોનો વેપલો કરતી ઈ-કોમર્સ સાઈટ છે. તો જરા એટલું જાણી લો કે તે હજુયે ખાંડ ખાય છે. કેમ કે અલીબાબા.કૉમ એ એમેઝોન.કૉમ અને ઈ-બે.કૉમના ટોટલ કરતા આગળ છે.

•=) ૨૦૧૫ સુધીમાં જ કદાચ ડેસ્કટોપ કોમ્પ્યુટરનું સ્થાન ટેબ્લેટ કોમ્પ્યુટર લઇ લેશે. કારણકે…..જગ્યા અને સાધનની જુગલબંધીની સહુલીયત એમાંથી મળી ગઈ છે.

•=) અલ્યા એય ફેસબૂક ! તું ભલેને દરરોજ ૩૦૦ મિલિયન જેટલાં ફોટોગ્રાફ્સ અહીં ઠાલવે જાય છે. પણ તારી પાછળ તારું માર્કેટ કબજે કરવા સ્નેપચેટ.કૉમ અને પિંટરેસ્ટ.કૉમ નામના બે નાનકડાં બાળ રાક્ષસો ખૂબ ઝડપથી મોટા થઇ રહ્યા છે. સાવધાન !

•=) ગૂગલ અર્થ (કે મેપ)ના ફોટોગ્રાફ્સ તૈયાર કરવામાં તેનો સ્ટાફ જેટલું ચાલ્યા કે દોડયા છે કે પૃથ્વીથી ચાંદ સુધી લગભગ ૧૦ વાર આંટાફેરા મારી શકાય. (અને આપણે આરામથી માત્ર માઉસ ફેરવ્યા કરીએ છીએ)

•=) એ તો જગજાહેર થઇ ગયું છે કે…યુ-ટ્યુબ પર અત્યારે એક વર્ષમાં એટલો વિડીયો અપલોડ થઇ રહ્યો છે કે જો હોલીવૂડને તેનો ઉપયોગ કરી એક લાંબી ફિલ્મ તૈયાર કરવી હોય તો માઆઆઆઆત્ર ૪૩,૦૦૦ વર્ષ જ લાગે. (ને ત્યાં સુધીમાં તો બીજાં કેટલાં વર્ષનું બીજું નવું ભાથું બંધાઈ ગયું હોય?!?!?!?)

તો દોસ્તો, હવે તમે જ પૂછશો કે…”આમાં આપણા કેટલાં ટકા?” – તો સાહેબ જણાવી દઉં કે…આ ટેકનોલોજીને ધક્કો મારવામાં ૨૮%થી પણ વધું એવા ભારતીયોનો ‘પાછળથી’ ફાળો રહ્યો છે.

– જય (બહાર) ભારત !

ખરો આતંકવાદ કોણ અને ક્યાં કરી રહ્યું છે?

Hidden Somewhere..But Near !

.
ખરો અને વધુ વાઈરલ અસર કરતો આતંકવાદ ક્યાં અને કેવી રીતે થઇ રહ્યો છે?…આવા આતંકવાદીઓ તો આપણી પાસે જ છે….(કે પછી આપણી અંદર પણ ક્યાંક સમાયેલો..)

 • ••• પોતાની બહેન, પત્ની કે દિકરીઓની રક્ષા માટે માત્ર “જોઈ લઈશ તને…” એવું કહી પેન્ટ ઢીલી કરીને એસ્પિરીન લેતા લોકો જ્યારે રેપ થયેલી કોઈક પારકી દિકરી માટે ટોળે વળી મા-બહેનની ગાળો દ્વારા ઘરમાં જ પોતાનો ગુસ્સો બહાર ઓકતા હોય છે ત્યારે તેઓ આપોઆપ ઘરેલું નામર્દ આતંકવાદીઓ બનતા હોય છે.
 • ••• ખૂબ જલ્દી !..ઝટપટ !…સુપરફાસ્ટ !…રેપીડ-સ્પિડે દરેક કામ કરાવી પ્રોડક્શન દ્વારા પોતાના એમ્પ્લોઇઝ કે આઉટ-સોર્સને મરવા માટે મજબૂર કરી દેતા ‘બોસ’ તો સોફિસ્ટિકેટેડ આતંકવાદીઓ જ છે.
 • ••• “ટેકનોલોજીએ દાટ વાળ્યો છે.” એવું કહેનારા લોકો તો વર્ષોથી છે. આવું કહીને એ લોકો જ શાંતિથી કાઉચ-પોટેટો બનીને ‘પ્લાઝમા ટી.વી’ની સામે રિમોટ-કંટ્રોલ નામની મશીનગન લઇ જીવતી લાશ બનીને પડ્યા રહેતા હોય છે. પછી લેટેસ્ટ ‘સ્માર્ટફોન’ પર આવી જ કોમેન્ટ્સ ફોરવર્ડ કર્યે રાખતા ‘વ્યાજ-જીવી’ આતંકવાદીઓની વસ્તી ખૂબ વાઈરલ બની છે.
 • ••• ‘દીઠો ન હોય ક્યારેય ચોર, ને ગામમાં જઈ મચાવે શોર !’ –કારણ વિનાની ઉત્તેજના જગાવી ટોળું ભેગું કરી પોતાનો હેતુ સાધતા માઈક અને મીડિયાના મજનૂઓ જેવા ‘અવકાશી’ આતંકવાદીઓ તો સિટિઝન જર્નાલિઝમના પ્લેટફોર્મ પર હવે ધાણીની જેમ ફૂટી રહ્યા છે.
 • ••• માત્ર હોંશિયારી ઠોકવા, ફિસિયારી બતાવવા યા ટાઈમ-પાસ કરી બીજાંના ‘હોમ’ અને ‘કોમ્પ્યુટર’માં વગર રજાએ ઘૂસ મારી તેમને નાગા કરીને પાશવી આનંદ લૂંટતા જલ્સાદાર ‘હેકર્સ-ક્રેકર્સ-શોઅર્સ આતંકવાદીઓ’ તો સમાજ માટે સૌથી વધારે ભારરૂપ બની રહ્યા છે.
 • ••• ખોટી માહિતીઓનો સરવાળો કરી તેમાંથી સચ્ચાઈને બાદ કરી ગુણતા ‘(અ)ધાર્મિક આતંકવાદીઓને’ તો કાયમ ઉભી પૂછડીયે ‘ભાગતા’ જ રહેવું પડે છે. અને હું દોઆં પણ કરું છું કે એમનું ટોટલ હવે ‘બોટમલાઈન’ પર આવી જાય!- આમીન.

પહેલા ખુદને માટે, પછી પોતાના ઘર અને પછી સમાજ માટે હંમેશા પ્રોડકટીવ કામ કરતા સજ્જનોનેએ સચ્ચાઈની શોધ દ્વારા આવા આતંકવાદીઓથી લાંબું અંતર જરૂરી…

“કૌન હૈ સચ્ચા કૌન હૈ જુઠા, હર કરે પે નકાબ હૈ, જરા સોચો જરા સમજો જરા સમજકે રહીયો જી !”

શું તમે પણ આ રીતે દુનિયા છોડી શકો?!?!?!

દોસ્તો, આજે ફરીથી ‘જસ્ટ ઈમેજીન’…

….તમે ઈન્ટરનેટની એક ખૂબ પ્રચલિત મીડિયા વેબસાઈટના એડિટર છો. મિનીટ-ટુ-મિનીટ દરેક પ્રકારના સમાચારોની વર્ષા તમારા કોમ્પ્યુટર પર, ટેલીવિઝન પર, મોબાઈલ પર, આઈ-પેડ પર. તમારી કારના રેડીઓ પર થતી જ રહે છે. 

તમે એવા ડિજીટલ વર્લ્ડ સાથે સતત વાંચન, લેખન અને મનન સાથે એક સૂત્રે સંકળાયેલા છો કે જેમાં માત્ર સુતી વખતે જ (કદાચ) અળગા રહી શકો એવી ‘કોન્સ્ટન્ટ અપડેટ’ થતી જિંદગી છે. 

ને એક દિવસ…અચાનક…

તમારા દિમાગમાં વિચારનો એક કીડો સળવળે છે. તમે તમારી જાતને કહો છો: “ જા! મારા સ્વાહાલા… આ બધાંજ ડિજીટલ ડિવાઈસીસને તિલાંજલિ આપી સાવ અલ-મસ્ત જીંદગી ગુજાર. આ બધું જ છોડીને એક અલગારી દુનિયા વસાવ. જ્યાં કોઈ મોબાઈલ ન હોય, કોઈ ટીવી કે નેટ-સર્ફિંગ ન હોય. કોઈ ઈ-મેઈલ, ટ્વિટર કે સોશિયલ મીડિયા પરનું સ્ટેટસ અપડેટ ન થાય….

…હા ! માત્ર વૈચારિક કામ ચાલુ રહે એ માટે ક્યારેક (કોઈ પણ પ્રકારના નેટ કનેક્શન વિનાનું) લેપટોપ વાપરી શકાય. અને દોસ્તો અને સ્વપરિચિતો સાથે ટૂંકમાં અને ખપ પુરતી જ વાત ઘરની ફોન-લેન્ડલાઈન પરથી કરી શકાય.” 

બાકી દુનિયા જાવે…તેલ લેણે…બોલે તો અપણે કુ ક્યા?….રે’ણા હે તો બસ…”મૈ ઔર મેરી તન્હાઈ’ કે સાથ!

…………તો દોસ્તો તમારો કેવા હાલ થાય?- (એક દોસ્તને પૂછ્યું તો કહ્યું કે ‘હું તો એક વિકમાં જ સાવ વીક થઇ મરી જાઉં. યાર !!!! જીવી જ કેમ શકાય?)

પણ સાચે જ…આવી ઘટના બરોબર..એક વર્ષ પહેલા ૩૦ મી એપ્રિલ ૨૦૧૨ના દિવસે બની હતી. સુપર ટેકનોલોજીકલ સમાચારોની સેવા આપતી સાઈટ: ધ વર્જ.કૉમના એડિટર પૌલ મિલર સાથે.

પૌલે એક આ રીતે વર્ષ સુધી લાંબો ડીજીટલ ઉપવાસ કરવાની નિયત કરી. એ જોવા માટે કે માણસ આ બધી સેવાઓ વિના (પહેલા તો) જીવી શકે છે?- અને જો હા ! તો કઈ રીતે? અને તેની માનસિક અને શારીરિક અસર શું થાય છે? 

આજે બરોબર એક વર્ષ પછી પૌલ મિલર તેની એડીટીંગ જોબ પર પાછો ફરી રહ્યો છે. અને મીડિયાના અનેક માધાંતાઓ તેની આ એક વર્ષની (ઈન્ટરનેટ વિનાની) હાઈબરનેટ વાળી (બેકાર દેખાતી) લાઈફ વિશે જાણવા બેકરાર થયા છે. 

૩૬૫ દિવસમાં કેટલાંય અવનવા સમાચારો અને ઘટનાઓથી આઉટ-ડેટેડ રહેલો મિલર તેની ઈન્ટરનેટ દુનિયામાં પાછો ફરશે ત્યારે શું શું નવું જાણશે?!?!?!?! તેના હજારો…હજારો ન વંચાયેલા ઇમેઇલ્સ, SMSs,થી ભરેલું મોબાઈલ ઈનબોક્સ ખુલશે ત્યારે શું જાણશે?…..આઆઆઆઆઅહ! કેવી કલ્પના કરી શકાય?

ખૈર, તે તેની શરૂઆતનો ‘ડિજીટલ મજૂર દિન’ કઈ રીતે ઉજવવાનો છે એ વિશે તો અફકોર્સ મને પણ પછી જ જાણવા મળશે. ત્યારે અપડેટ તમને મળશે. So, Come… What ‘May ‘ Says! 

.

ભાગ-૨ માટે અહીં આવશો:  https://nilenekinarethi.wordpress.com/2013/05/08/can-you-leave-the-world-like-this-way-2/

યું કી…બાત હૈ…યુ.કે. કી

ગઈકાલે અમારા સૈય્યેદના સાહેબની ૧૦૨મી વર્ષની વર્ષગાંઠના સેલિબ્રેશન માટે અહીંના અમારા યુથ-ગ્રુપે એક પ્રહસન (સ્કીટ)ના પ્રોગ્રામનું આયોજન કર્યું. જેમાં મારા ભાગે | માન્ચેસ્ટર (યુ.કે)થી આવતા હોય એવા મન્નુભાઈ માસ્તર | નું એક અનોખું પાત્ર ભજવવાની જવાબદારી આવી.

સ્કૂલ અને કોલેજના દિવસોમાં કરેલા કેટલાંક નાટકોના દિવસો જાણે મને પાછાં મળ્યા. માત્ર ૩ જ દિવસમાં સ્ક્રિપ્ટની તૈયારી, બ્રિટીશ- ગુજરાતી પહેરવેશ ધારણ કરી મુર્તઝાને ‘મન્નુભાઈ માસ્તર’માં ટ્રાન્સફોર્મ કરવાનો, સ્ટેજ પર સતેજ રહી, હાથમાં દાંડિયા લઇ મન્નુને ફન્ની કરી ડાયલોગ્સ ડિલીવર કરવાનો અનુભવ અદભૂત રહ્યો.

‘જેનો અંત સારો, પછી બધું જ સારું ગણાય’ એમ આખો શો હીટ અને હોટ રહ્યો.

મોડી રાતે ઘરે પાછો ફર્યો ત્યારે આંખનો થોડો થાક ઉતારવા ફેસબૂકના માત્ર કેટલાંક સ્ટેટસ પર આછી નજર ફેરવી. અને ત્યાં જ ક્રિયેટિવ કવિ શ્રી પંચમભાઈ શુક્લનો લંડન થી (એ પણ યુ.કે.!!!) એક મેસેજ ચમક્યો.

“મુર્તઝાભાઈ, તમારું એક કાવ્ય અહીંના અમારા એક મેગેઝિન ‘ઓપિનિયન’માં આ મહિનાના અંકમાં પબ્લિશ કરવામાં આવ્યું છે.”

યુ.કેના વર્ચ્યુઅલ મન્નુ માસ્તરનો થાક યુ.કેના જ એક્ચ્યુઅલ ગુજ્જુ ‘પંચમદા’ એ સેકન્ડ્સમાં ઉતારી ‘નાઈખો બાપલ્યા!’

૨૦૧૧માં જુલાઈના એક દિવસે સતત ૪ કલાક આખી રાત જાગી લેખને બદલે આ કાવ્ય લખ્યુંતું ત્યારે ખબર ન હતી કે એનો ‘ઓપિનિયન’ મને આ રીતે લેખે લાગશે ! મુ. વિપુલભાઈ કલ્યાણી અને પંચમભાઈ શુક્લ, આપનો હાર્દિક આભાર.

તમારામાં રહેલો કોઈક એવો કલાકાર છે જે વર્ષોથી સૂતેલો હોય?- જો મોકો મળે તો તક ખોળી ક્યારેક જગાડી દેજો. આમાં કલાકો નહિ માત્ર એક ક્ષણ કાફી છે.

સુખી તો દરેકને થવું હોય છે. પણ એ તો જાતે ખુશ થઇ ‘મેળવવી’ પડે છે….સાથીઓને સથવારે !

ખોટા સમાચારો શું કામ ફેલાવવા?

દોસ્તો, થોડાં દિવસો અગાઉ કેટલાંક ખોટા અને ખાટા ફોટોગ્રાફ્સ જોવા મળ્યા. એવા લોકો પાસેથી જેઓ હજુ સચ્ચાઈને બદલે સફેદ જૂઠ પકડીને બસ કાંઈક બતાવવા માંગે છે….માત્ર શેર કરવા માંગે છે. ઉદાહરણાર્થે…

 • આહા..અલ્હામ્દુલીલ્લાહ ! યેહ દેખિયે….ખુદા કી કુદરત! જાપાનના જબરદસ્ત ત્સુનામીમાં માત્ર એક બચી ગયેલી મસ્જીદ.” પણ સાચો ફોટો હોય વર્ષો પહેલા આર્જેન્ટીનામાં થયેલા વાવાઝોડામાં બચી ગયેલી કોઈક મસ્જીદ (જેવી લાગતી ઈમારત)….
 • વાહ! જુઓ…જુઓ..આપણા સાચ્ચા ભારતીય રતન તાતાએ પાકિસ્તાનનો ૩૫૦ તાતા સુમોનો ઓર્ડર ઠુકરાવ્યો“…એમ કહીને કે જે દેશ અમારા દેશમાં હથિયાર સપ્લાય કરે છે એને અમે માલ સપ્લાય નહિ કરીએ.”- ખરી વાત એ છે કે…રતનજીને આવો કોઈ ઓર્ડર મળ્યો નથી અને એમણે ક્યારેય કોઈ એવો ઓર્ડર ઠુકરાવ્યો નથી.
 • …અને જોઈ લ્યો આનો ક્રૂર અંજામ! કુરાનને જાહેરમાં બાળવાનું આહ્વાન કરનાર અમેરિકાનો પેલો ફાધર-પાસ્ટર આખેઆખો સળગી ગયો.”- ભલા એની માંના….એ બાપો હજુએ જીવે છે.અને આવી ઘટના ફરી નહિ થાય એવી ત્યાંની સરકારે બાહેંધરી આપી દીધી છે.
 • અમેરિકામાં એક થિયેટરમાં પયગંબર સાહેબની ફિલ્મ બતાવાતા થોડાં જ સમયમાં તે જમીન દોસ્ત થઇ ઢળી પડ્યું.”- કોઈક અમેરિકન બંધુને પૂછો છે કે ત્યાં આવી કોઈ ફિલ્મ જાહેર થિયેટરમાં બતાવવામાં આવી હોય?- પછી કોઈકની ફિલ્મ શાં માટે ઉતારવી ભૈશાબ?
 • આહા ! ઝાડમાં નેચરલી કોતરાયેલી ‘અલ્લાહ’ લખેલા શબ્દમાંથી લોહીની ધારાઓ ફૂટી નીકળી.”- ફોટોશોપ સુપર્બ ફોટો એડીટીંગ સોફ્ટવેર છે. જ્યાં રાધા..અનુરાધા થઇ શકે અને મોહન વગર વાંસળીએ સૂર કાઢી શકે પછી ઝાડમાં ઘણું કોતરી શકાય….આવા ખોટા સમાચારો ય!
 • અને આ જોઈ લ્યો ગુરુઓના ગોરખ-ધંધા! કહેવાતા મશહૂર બાપુ કોઈક જોઈ?- કોઈક સેક્સી કન્યા સાથે કામ-આસનમાં બિરાજમાન.” જ્યારે ખરો ફોટો એમના હમશકલ અમેરિકાના એક સુપ્રસિદ્ધ તંત્ર-યોગા ગુરુનો એની ઓફિશિયલ શિષ્યા-પત્ની સાથે હોય. (યાર ઉનકી ચલતી હૈ તો આપકી ક્યોં જલતી હૈ, કુછ ‘કામ’ નહિ હૈ ક્યા?)

બાપલ્યા…લાંબુ ચોળીને ચીકણું કરવામાં સા.બુ.ની ગોટી ક્યા બગાડવી!- આ અગાઉ ફેસબૂકની જો (હુકમી) પર એક લેખ પણ અહીં મુકવામાં આવ્યો જ છે.

ગૂગલ ઈમેજમાં લગભગ ઘણાં ખોટા ફોટોઝનું સાચું જન્મસ્થાન જાણી શકાય છે, તો એ માટેની અસલી તસ્દી લીધા વિના આવા નકલી સમાચારોથી ખુદની દિવાલ શાં માટે બગાડવી?

યાદ રહે મારા વા’લા દોસ્તો, આપણા આ ફેસબુકીયુંનું દરેક અમલ ‘પથ્થર કી લકીર’ છે. જે લખ્યું તે ‘સેવ’ થયું કાયમ માટે…પછી ભલે ને બબ્બે વાર ડિલીટ થતું!- યેહ ફેસબુક હૈ બાબુ! યેહ સબ જાનતી હૈ! અંદરકાભી ઔર બાહરકા ભી !

ગન કંટ્રોલથી ગુન્હા કંટ્રોલ?!?!

દોસ્તો,

એક તરફ…અમેરિકામાં ગઈકાલે થયેલી ક્રૂર ‘સ્કૂલ-મેસ્કર’ જેવી સમસ્યા ઉભી થઇ છે ને બીજી તરફ થોડી જ મિનીટ્સમાં…(યેસ દિવસો કોણે જોયા હવે) પ્રે. ઓબામાનું ‘ગન કંટ્રોલ’ ઓનલાઈન પિટીશન બહાર પડી ચૂક્યું છે.

આ બંને બાબતો એ ગઈકાલથી સોશિયલ મીડિયા પર સુપર વાઈરલ અસર બતાવી દીધી છે. ઓબામાએ આંસુ સાથે તેના સૌ અમેરિકન્સને ખાસ નિવેદન બહાર પાડ્યું છે કે “તમે સૌ આ પિટીશન પર મેક્સિમમ સાઈન કરી આ બંદૂકી કાયદાને કડકમાં કડક અમલમાં મુકવા અમારી ગવર્નમેન્ટને સાથ આપો.”

માની શકું કે આ લખાય છે ત્યાં સુધીમાં બીજા હજારો હજારો લોકોએ http://1.usa.gov/UGCHXM પર સાઈન કઈ દીધી હોવી જોઈએ.

આ સ્થિતિ પર હવે “આ ઘટના જોયા પછી તમારા બાળકો સાથે કઈ રીતે વાત કરશો, વર્તશો?” જેવા લેખો અને કોર્સ પણ ઓનલાઈન આવી ગયા છે. ચક્રો ગતિમાન છે. ત્યાં પ્રાર્થના હવે થઇ રહી છે.

આજે મને એક બાબત ખૂબ ગમી છે.

કેટલું ઝડપી?- સોશિયલ મીડિયાનો માત્ર RIP,….OH So Sad!…OMG! It’s Very Bad! જેવી ખોટેખોટી કોમેન્ટ્સને બદલે આવા નિર્ણયાત્મક પગલાં લેવામાં ઉપયોગ થાય તો કેવો સરસ અને અસરકારક ઉપયોગ થઇ શકે!

એ ખરું કે અમેરિકા જેવી બાળકીય કત્લેઆમ ભારતમાં હજુ થતી નથી. (અને એ માટેનો કોઈ ઇન્તેઝાર પણ ક્યાં કરવાનો છે?!?!?) આ તો…બાળકોને જે દેખાય છે એમાંથી એ શીખે છે. ગોળી પર ક્યાં કોઈનું નામ કોતરાયેલું હોય છે?

કહેવાનું તાત્પર્ય આપ લોકો પણ સમજી ગયા હશો.

બસ માત્ર એક સવાલ: આવા નિર્ણયો (સાચે જ લોકશાહી વાળી?!?!) આપણી મૂક-સરકાર આપણા સૌની સમક્ષ ક્યારે મૂકી શકશે?

“નાનકડાં બાળકો તો આવતીકાલ માટેનું તૈયાર થતું સુરક્ષા-લશ્કર છે, એમનું જતન અત્યારથી જરૂરી છે.”
– માતપિતા અને ગુરુ સૈય્યેદના મોહંમદ બુરહાનુદ્દીન સાહેબનું એક વધુ સુપર ક્વોટ. 

Are We Really Independent? – શું ખરેખર આઝાદી મળી છે? નો નો નો…

શું ખરેખર આઝાદી મળી છે? નો નો નો….

અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા એટલે આઝાદી?- કોણે કહ્યું….પ્રભુ!?

• જન્મથી જ આપણા કુટુંબ, સમાજમાંથી આપવામાં આવેલા ખોટાં (ને પછી ખાટા) પૂર્વગ્રહોની ગુલામગીરીના શું ખબર છે…..બચ્ચે?

• સ્કૂલમાં ‘ભણ ભણ’ કરાવીને દબાવવામાં આવેલી ક્રિયેટિવિટીનું અત્યારે અપડેટ કેમ છે…..બેટા?

• કોલેજમાં વધારે પોપ્યુલર (અને રોકડી કરી આપતા) એવા ‘સજેસ્ટેડ’ વિષયોને જ મહા-પરાણે ઉતારી છુટ્ટા થયેલા સમયને કેમ પાછો વાળી શકીશું…..દોસ્ત?

• જખ મરાતી હોય અને ના છુટકે ન ગમતી નોકરીએ લાગી મા-બાપને ખુશ રાખવાના ‘ગમ’ની ગુલામગીરી ક્યાં ચીટકાવીશું…..બાપ?

• ‘કસ્ટમર ઇઝ કિંગ’ જેવું સાવ ખોટું વાક્ય સ્વીકારી લઇ…..ગ્રાહકને એક દોસ્ત તરીકે જોવાની માનસિક સ્થિતિ ક્યારે બનાવીશું……શેઠ?

• ‘ઘેંટાઓના ટોળાં’થી બનેલાં નિયમોને અંધ બની પાળતા રહેવાની મજબૂરી યુક્ત ગુલામગીરીને કેમ કરીને તોડવી….સાહેબ?

• અરે! આપણા જ ભાઈ-બંધુઓથી બનેલી અમેરિકન મોબાઈલ ટેકનોલોજીને કોરિયાના મોબાઈલમાં નાખી, ફિન્લેન્ડી રીંગટોન્સને ગાળો ભાંડવાની ગુલામીમાંથી કેમ કરીને છૂટવું….સરજી!?

• બેસણા કે ભ’ઈ-બોન પૈણાવવામાં બ્લેકબેરી/આઈફોન પર સતત સેક્સી મેસેજીસ વાંચવાની ટેક્સીમાં ફર્યા રહેવાની ગુલામગીરીમાંથી કોણ બહાર કાઢશે….બડી!? 

• ચાલો ઘરમાં જ ફૂંકાતા બીડી-સિગારેટ-તમાકું-ગૂટખાને હોઠ વચ્ચે દબાવતાં રહી પાનને ગલ્લે ‘કમાણી જ નથી સાલ્લી’ના નિસાસાઓની ગુલામગીરી કોણ દૂર કરાવશે…..રાજ્જા!!!?

• ઓહ્ફ..! સાચી હકીકત (સચ્ચાઈ) જાણ્યા વગર જ ‘હિંદુ આતંકવાદ’ કે ‘ઇસ્લામિક ટેરરિઝમ’માં જ અંદરોઅંદર ઝગડાંઓ કરી પેલા શૈતાનને ખુશ કરતા રહેવાની આપણી ખુદની જ અશિક્ષિત ગુલામગીરી કયો ગુરુ આવી દૂર કરશે….મારા ભાઈ?!!

અરે વ્હાલાંઓ…આ આ સિવાય બીજી અનેકાનેક ગુલામીમાંથી જ્યારે ફકત ‘જાતે જ’ મુક્ત થઈએ ત્યારે ફેસબૂકમાં કે પોતાના ‘ફેસ’ પર સાચું સ્ટેટસ મુકીશું તો જ ‘હેપી ઈન્ડીપેન્ડન્સ’નું પેન્ડન્ટ (હાર) પહેરવા લાયક બનીશું. બાકી હાલમાં જે પણ કરીએ છીએ માત્ર ‘દબાયેલા નાનકડાં સ્ટેટીક્સ બતાવવા……નહિ કે સાચે સ્ટેટસ ભરવા…”

મારી પંદરમી ઓગસ્ટ તો અંદર (ગટ્સમાં)થી આવે છે….તમારું કેમનું છે?

| ઈન્ડી-ફ્રેન્ડી મુર્તઝા પટેલ. | 

નાચ ન જાને પર આંગન ‘તેરા મેરા’

દોસ્તો, ગઈ કાલની પોસ્ટ સોશિયલ મીડિયાની સામાજિક સમજૂતી પર ‘નાચ’ની વાત તો લખાઈ ગઈ પણ એક મસ્ત મજાની વાત અધૂરી રહી ગઈ. એ વાત છે એક લચલચતા છોકરા ‘મેટ‘ ની…

આ મેટને હવે તો લાખો લોકોએ જોયો હશે…મળ્યા હશે (સમજોને કે ‘મેટ’ થયા હશે). પણ ૨૦૦૮ની સાલમાં એને મગજમાં ગતકડું ભરાયું કે “પોતાની એક અલગ ‘હટકે સ્ટાઈલમાં નાચીને દુનિયા ફરવી છે.”  પોતાના ઘરનું આંગણું વાંકુ પડે એ પહેલા આખી દુનિયામાં નાચવાની આ ચળે એને યુ-ટ્યુબ મશહૂર કરી દીધો.

દુનિયા ફરવાનો, જોવાનો, નાચવાનો, અરે..લોકોને સાથે પણ નચાવવાની આ લગની તેને કેમ લાગી અને એની પાછળ કોણે, કઈ રીતે મદદ કરી એની તો એક આખી અલગ ‘નેટ-વેપારી‘ વાત છે.  પણ સાચું કહું તો સોશિયલ મીડિયાનું આ એક ખરેખરું સાચું ઉદાહરણ બન્યું છે. જેના વિશે મારા સોશિયલ મીડિયા ગુરુ ડેવિડ સ્કોટે (ઓફ કોર્સ, એમના વિશે પણ વાત જણાવીશ) વિગત વાર લખ્યું છે.

જ્યારે કોઈ વાતની લગની લાગે ત્યારે ગાંધી વાળી આંધી સર્જાય છે. જેમાંથી આવા ‘મેટ’ જેવા મિત્રની પણ મિટિંગ મળે છે.

જોઈ લ્યો એની મસ્તીનો શો…૧૪ મહિનાની મુસાફરી અને ૪૨ દેશોની નાચ ભરેલી મસ્તી…પછી ના કહેતા…હાયલા…આવું તો મને ય નાચવું’તું…લે હું ક્યા રહી ગયો?

સોશિયલ મીડિયા…સરળ અને સામાજિક સમજૂતી!

 • ગૂગલ: ‘નાચ’ એટલે શું?- શોધો.
 • ટ્વિટર: મને નાચવું છે…(ક્યાં જવું?!?!?)- પૂછી લો.
 • ગ્રુપોન: બોલો, મારી સાથે ક્લબમાં નાચવા આવવું છે…ડિસ્કાઉન્ટમાં?
 • લિન્ક્ડઇન: હું નાચવામાં બહુ હોંશિયાર છું, ડીપ્લોમા છે આપડી પાસે હોં!
 • ક્વોરા: હું આટલું બધું શાં માટે નાચું છું?- કોઈ મને પ્લિઝ…સમજાવશો?
 • પોલડેડી: હું કેવું નાચ્યો?- આપનો મત જણાવશો.

       અને છેલ્લે એને કેમ ભુલાય…

કોમેન્ટ: બહોત નાચ્યો…ગોપાલ!

ગૂગલ ગ્રુપ ઈ-મેઈલ: ચાલો આવો..હૈસો હૈસો કરતા…આજે બધાં નાચીએ!

આવી જાઓ અહીં જ્યાં ‘મેટ’ ૪૨ દેશોમાં જઈને નાચવા માંડી પડ્યો છે ને બધાં ને પણ એની જોડે નચાવી રહ્યો છે…