નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: હોળી

‘મૂડ’ અને ‘મૂળ’ જાણ્યા વિના ‘મડ’ ઉછાળનાર, એટલે……

Mud Throw

ભારતમાં હોળી કે દિવાળી ભલેને રાષ્ટ્રીય ઉત્સવો હોય, પણ રાજકીય તો એક જ… – કિચડફેંક.

બારેમાસ ઉજવતા આ તહેવારમાં કુટુંબના રાજ-સભ્યોથી લઇ પાર્લામેન્ટનાં દરેક (અ)સભ્યો આવી જાય. જેઓ ભરપૂર ઉત્સાહ અને જોશ ખરોશ સાથે એક-બીજાં પર કિચડફેંકવામાં કાયમી ધોરણે તત્પર રહે છે.

  • કશુંયે ન બોલો તો પણ…કિચડ ફેંકાય.
  • કાંઈક પ્રોડકટિવ બોલો તો પણ..કિચડ તો ફેંકાય.
  • કાંઈક જુના આઈડિયાને ડેવેલોપ કરવા પ્લાન કર્યું હોય તો પણ…કિચડ !
  • કોઈક નવા પ્રોજેક્ટની પાછળ કમાવવાની સારી નિયત રાખી હોય તો પણ…કિચડ !

ખાસ કરીને કિચડ એવા લોકો પર જ ફેંકવામાં આવે છે જેઓએ કાંઈક સારું કર્યું હોય છે. એટલે જ આ તહેવાર એન્ટિક નહિ પણ ‘એન્ટિ’ફોર્સનાં નિયમ પર ચાલે છે.

  • કંપનીના ચીફે તો આ રીતે જ મેનેજમેન્ટ રચવું…નહિ તો ફેંકો કંપની…કિચડમાં !
  • દેશનાં નેતા કે અભિનેતા તો અમારી ઈચ્છા મુજબ જ ચાલવા-બોલવા જોઈએ…નહિતર કિચડ !
  • સંતે તો અમને જે સાંભળવું ગમે એવી જ કથા કરવી જોઈએ…નહિ તો જાય કથા…કિચડમાં !
  • પ્રિન્સીપાલે તો વાલીઓનાં ‘પ્રિન્સીપલ્સ’ પર જ સ્કૂલ ચલાવવી…નહિતર ભણતર જાય કિચડમાં !

હાળું આ દેશ છે કે…કિચડસ્તાન ?!?!?!

અલ્યા ભાઈ….આપણી ઈચ્છા મુજબ જ આ બધું ચાલતું હોત તો…આજે ઈશ્વર છે? એવું કન્ફયુઝન કે ક્વોશચન થાત ?

આ તો સારું છે કે…આવી માથાભારે મૂંઝવણોનાં મડ-ફેંક મૂડ દરમિયાન એક નાનકડું માસૂમ બાળક પાસે આવી ગાલ પર કીચડને બદલે ‘કિસ’ લગાવી જાય છે, ત્યારે લાગે કે…..વાહ ! આવાં કિચડમાં પણ હજુએ લોટ્સ ઓફ લોટસ ખીલતાં તો રહે છે જ.

તો મૂકો ને પંચાત. ઉનકા કામ એહલે-એ-કિચડ જાને. હમારા કામ તો હૈ…ઉસમેં ભી કમલ સા ખીલ જાના.

‘હોલી’ પંચ:

‘મૂડ’ અને ‘મૂળ’ જાણ્યા વિના ‘મડ’ ઉછાળનારને ‘મેડ’ સમજવો?

આંખોમાં ધરબાયેલી….એક ‘હોલી’ !

Holi

૨૦ વર્ષની વય બેહોશમાં રહેવાની નહિ, પણ જવાનીથી હોશમાં આવવાની હોય છે. આવું મોટાભાગના સંતો કે મોટીવેટર્સ કહેતા આવ્યા છે. એગ્રીડ. પણ હવે કહો કે…

૨૦ વર્ષ અગાઉ જ્યારે નવા- નવા કોલેજમાં (મમ્મીએ મહાપરાણે કહ્યું હોય તો) માથામાં કોકોનટ તેલ નાખી આવ્યા હોઈએ અને બીજે દિવસે આવનારી હોળીનું રિહર્સલ સાંજે છૂટતી વખતે થવાનું હોય ત્યારે શું હાલત થાય?

બીજાં દોસ્તોની મને હજુયે ખબર નથી પણ મારી સાથે આ ‘હોલી’ ઘટના બની હતી એટલું મને યાદ છે.

સાંજે કોલેજના છેલ્લા પીરિયડનો બેલ વાગી ગયો. ને જાણે ‘ગાયો’નું ધણ વાડામાંથી છૂટવા જે રીતે ધમાધમી કરે એવી જ રીતે કેમ્પસની બહાર મિનીટ્સમાં ‘ગાય્સ’નું ટોળું ધસી આવ્યું અને જોતજોતામાં ખિસ્સામાંથી ગુલાલની વર્ષા શરુ થઇ ગઈ. કોરીડોરમાંથી આ દ્રશ્ય જોઈ હું વિચારી રહ્યો કે ‘માઇલા ! આજે રંગહીન શર્ટ તો ગયું બારના ભાવમાં. પણ ઘરે તો ‘મા અને સર્ફ-એક્સેલ હૈ ના’….જો ભી હોગા દેખા જાયેગા….

“એક્સક્યુઝ મી !” – મારી પાછળથી સોફ્ટ અવાજ આવ્યો. – “મને ગુલાલ-રંગોથી નફરત છે. એટલે હોળી રમવાથી હંમેશા દૂર રહું છું. તો પ્લિઝ, મને કોલેજની બહાર નીકળવામાં મદદ કરીશ?”

“ઓહ, પણ કેમ? કોઈ ખાસ કારણ?”- મારાથી સામો રંગીન સવાલ પૂછાઈ ગયો. પણ સંગીન સવાલ અને થોડાં જ દિવસો અગાઉ ક્લાસમાં નવી વિદ્યાર્થીની તરીકે જોઇન્ટ થયેલી રક્ષિતાને મોંમાંથી જવાબ આપવા કરતા ત્યાંથી બહાર નીકળવાની વધારે તાલાવેલી હતી.

“ચાલો” – કેમ્પસમાં ‘રંગમાં આવેલા’ મારા બીજાં ગ્રુપ-દોસ્તોએ અમને બેઉને જોવા અને સમજવાની કોશિશ કરવામાં રંગ છાંટવાનું પણ ભૂલી ગયા. અને મિનીટ્સમાં અમે બેઉ એકબીજાની ખૂબ નજીક ચાલીને ટોળાને પસાર કરી દરવાજે આવી ગયા.

“તને સવાલ થતો હશે કે મને રંગો સાથે નફરત કેમ છે, રાઈટ?” – એણે સીધું જ પૂછી લીધું.- “બીજું તો કાંઈ નહિ, પણ બે વર્ષ અગાઉ પપ્પાના ગુજરી ગયા બાદ મમ્મીને કોઈપણ બાબતે તકલીફ ન પડે એનું હું ધ્યાન રાખું છું. એટલે કલરવાળાં કપડાં ધોવામાં પણ. ……ઘરે વોશિંગ મશીન ભલેને હોય પણ મમ્મીને તકલીફ ન રહેવી જોઈએ. એકની એક દીકરી હોવ એટલે બીજું તો શું વિચારી શકુ, બોલ?”

એકસાથે આવેલાં ‘બોલ્ડ’ સવાલ અને જવાબ આગળ હું પણ ‘ક્લિન’ થઇ ગયો. થોડે આગળ જતાં બે ફાંટા આવી ગયા. એક એના બસ-સ્ટેન્ડ તરફ જવા માટે અને બીજો નજીકમાં જ આવેલાં મારા ઘરની તરફ જતી સ્ટ્રીટનો…

જરૂરી થોડું છે કે ‘હોલી’ પાણીથી જ રમી શકાય?- ધરબાયેલાં આંસુ પણ ‘હોલી’ જ હોય છે ને?

(ફોટો સોર્સ: http://anupjkat.deviantart.com/)