નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

“૧૧૮ નોટ આઉટ !”

વેઇટ વેઇટ ! આ કોઈ ટિમઇન્ડિયાના ક્રિકેટ ખેલાડીનો લેટેસ્ટ સ્કોર નથી. પણ ફોટોમાં દેખાતી ખુદને હજુયે ચુસ્ત, તંદુરસ્ત, જુવાન માનતી દુનિયાની અત્યારે સૌથી લાંબુ આયુષ્ય ધરાવતી જાપાનની લાડી મિસિસ ‘કેન ટાનાકા’નો લેટેસ્ટ વય-સ્કોર છે.

આપણે તેની આટલી લાંઆઆઆઆઆઆઆઆબી વયનું સિક્રેટતો આગળ જાણીશું જ. પણ તે પહેલા કહી દઉં કે આ કેનબેન તેમની જૈવિક સફરના માઈલસ્ટોન આ રીતે જોઈને આવ્યા છે.

  • ૩૫માં વર્ષે તેમને પેરા-ટાઇફોઇડ થયેલો.
  • ૪૫માં વર્ષે બેનબાએ (ઓલ્યા સ્ટિવ જોબ્સને જે થયેલું તે) પેંક્રિયાટિક કેન્સરની સર્જરી કરાવી.
  • ૭૬માં વર્ષે આ બાનુએ ગોલસ્ટોન સર્જરી કરાવી. પછી સીધો કૂદકો માર્યો….
  • ૯૦માં વર્ષે (જ્યાં બીજાં ઘણાંના મોતિયા મરી ચુક્યા હોય ત્યારે) આ મોટીબેને મોતિયો ઉતરાવ્યો, બોલો યાર ! ને હજુ આગળ જુઓ…
  • ૧૦૩માં વર્ષે કેનબાના મોટા આંતરડામાં કલરેક્ટલ કેન્સર દેખાયું તો તેના પર પણ સર્જરી કરાવી. ને તોયે…
  • ૧૧૮માં વર્ષે આ મિસિસ ટાનાકાનાને ૧૮ વર્ષવાળી યુવતીની જેમ હજુ પણ ૧૨૦ વર્ષ સુધી (૧૨૦ના માવા વગરનું) તસતસતું જીવન જીવતા રહેવાની પ્રબળ ઈચ્છા છે.

મને તો સીધો સવાલ થયો: હાઉ ‘કેન‘ ઈટ પોસિબલ?

એટલા માટે કે કેન મેડમે વિશ્વ-ફલક પર અસંખ્ય બનાવો, વિશ્વ યુદ્ધો, ગ્રહયુદ્ધો જોયાં હોવા છતાં, કન્સ્ટ્રક્શન્સ અને ડિસ્ટ્રક્શન્સનો સુમેળ સાધતી અદભૂત ઘટનાઓના અનુભવોનું પોટલું માળિયે ચડાવી ઘણું બધું છોડી, તરછોડી પોતાની ઝીંદગીને મસ્તમૌલા બનાવી જીવે છે.

બેશક ! દોસ્તો, જાપાન તેમજ વિશ્વના મોટા ડોક્ટર્સ પણ આ હેલ્ધી-વિધવાની લાઈફ પર સર્ચ-રિસર્ચ કરી ‘પતી ગયા છે.’ એટલે તેની ઝિંદગી પર મોટું પુસ્તક લખી શકાય. પણ આ લ્યો, તેણે જ આપેલી લાંબુ જીવન જીવવાની જડીબુટ્ટીનો અર્ક:  “મારા વ્હાલાંવ,

  • મોબાઈલને કચરાપેટીમાં નાખી દ્યો અને બોર્ડ-ગેમ રમો.
  • મગજની કસરત માટે ખાસ કરી ગાણિતિક કોયડાઓમાં મગજ કસો.
  • તમારૂ લાલ લોહી લીલી શાકભાજીથી બનાવતા રહો. અને મિજાજ રંગીન બનાવવા તેમાં ઓર્ગેનિક ફ્રૂટ્સ પધરાવતા રહો.
  • ખાંડને ‘ખાંડ ખવડાવી’ દ્યો અને લીલી ચાહ તેમજ કમ્બુચા પીવો.
  • ભરપૂર નીંદર માણો. સ્વસ્થ રહેવાની આશાનું અમરત્વ તેમાં છે.
  • તમારો પરિવાર તમને લાંબુ જીવવાની તક આપે તે માટે તેમની જોડે સદાય મોજમાં જ રહો. 
  • તમારી ઝિન્દગીનાં નિયમો જાતે બનાવો. કોઈના પણ નિયમોનું અનુકરણ ન કરો.
  • તમારી વયને સંખ્યા સાથે જોડી વ્યય ના કરો, પ્લીઝ. નહીંતર એ તમને કાયમી ટેંશન આપતી રહેશે. 
  • હુ છું ટેંશન વિનાની સાવ હળવી ફૂલ જુવાન છોરી. ગંભીરતા નામના શબ્દને સૂતી વખતેય આજુબાજુ ફરકવા નથી દીધો બાપલ્યા !”

દોસ્તો, હજુયે તમને સવાલ થશે કે ‘આવી કાયમી ડિલ-ખુશ રહેવા સારુ આ કન્ની ડોહી હુ કરટી હોસે?’- સિમ્પલી ! ‘ટાનાકાની‘ (એવું એણે વગર કહ્યે સંભળાવી દીધું છે.) 

તમનેય તેનો ‘અવાજ’ સંભળાયો કે ની, પોઈરા ?

– ✦ –

વર્ષ ૧૯૩૭થી ૧૯૩૯ દરમિયાન કેનનો પતિ હેઇડો ટાનાકા યુદ્ધ મોરચે ગયેલો હોવાથી ગાયબ રહ્યો. પણ જયારે ઘરે પાછા વળતી વેળાએ તે સીધો (બંનેવ જણાએ વર્ષો પહેલા તેના ઘરની નજીક સ્થાપેલા) તેના નૂડલ્સ-બાર પર પહોંચી ગયો કેનને સરપ્રાઈઝ આપી. ત્યારે કેન ગ્રાહકોને નૂડલ્સ પીરસી રહી હતી.

કશુંયે બોલ્યા વિના હેઈડો પણ આસ્તેથી બીજાં ગ્રાહકોને નૂડલ્સ પીરસવામાં લાગી ગયો. પછી શું થયું તે વાત બાજુએ રાખીએ અને કેનને આ ઘટના વિશે જયારે પૂછવામાં આવ્યું’તું તે જાણીયે: 

નૂડલ્સ અમારા જીવનનો આધાર રહ્યો છે. તેના દોરાઓએ જ કદાચ અમને બંનેને વર્ષો સુધી જોડાયેલાં રાખ્યાં. એટલે જ મારો હેઇડો તેના ખેંચાણે સહીસલામત મારી પાસે પાછો આવ્યો’તો.

લખ્યા તારીખ: 10 ડિસેમ્બર, 2021.

ફોટો ક્રેડિટ: Associated Press.

Leave a comment