નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

“૧૧૮ નોટ આઉટ !”

વેઇટ વેઇટ ! આ કોઈ ટિમઇન્ડિયાના ક્રિકેટ ખેલાડીનો લેટેસ્ટ સ્કોર નથી. પણ ફોટોમાં દેખાતી ખુદને હજુયે ચુસ્ત, તંદુરસ્ત, જુવાન માનતી દુનિયાની અત્યારે સૌથી લાંબુ આયુષ્ય ધરાવતી જાપાનની લાડી મિસિસ ‘કેન ટાનાકા’નો લેટેસ્ટ વય-સ્કોર છે.

આપણે તેની આટલી લાંઆઆઆઆઆઆઆઆબી વયનું સિક્રેટતો આગળ જાણીશું જ. પણ તે પહેલા કહી દઉં કે આ કેનબેન તેમની જૈવિક સફરના માઈલસ્ટોન આ રીતે જોઈને આવ્યા છે.

  • ૩૫માં વર્ષે તેમને પેરા-ટાઇફોઇડ થયેલો.
  • ૪૫માં વર્ષે બેનબાએ (ઓલ્યા સ્ટિવ જોબ્સને જે થયેલું તે) પેંક્રિયાટિક કેન્સરની સર્જરી કરાવી.
  • ૭૬માં વર્ષે આ બાનુએ ગોલસ્ટોન સર્જરી કરાવી. પછી સીધો કૂદકો માર્યો….
  • ૯૦માં વર્ષે (જ્યાં બીજાં ઘણાંના મોતિયા મરી ચુક્યા હોય ત્યારે) આ મોટીબેને મોતિયો ઉતરાવ્યો, બોલો યાર ! ને હજુ આગળ જુઓ…
  • ૧૦૩માં વર્ષે કેનબાના મોટા આંતરડામાં કલરેક્ટલ કેન્સર દેખાયું તો તેના પર પણ સર્જરી કરાવી. ને તોયે…
  • ૧૧૮માં વર્ષે આ મિસિસ ટાનાકાનાને ૧૮ વર્ષવાળી યુવતીની જેમ હજુ પણ ૧૨૦ વર્ષ સુધી (૧૨૦ના માવા વગરનું) તસતસતું જીવન જીવતા રહેવાની પ્રબળ ઈચ્છા છે.

મને તો સીધો સવાલ થયો: હાઉ ‘કેન‘ ઈટ પોસિબલ?

એટલા માટે કે કેન મેડમે વિશ્વ-ફલક પર અસંખ્ય બનાવો, વિશ્વ યુદ્ધો, ગ્રહયુદ્ધો જોયાં હોવા છતાં, કન્સ્ટ્રક્શન્સ અને ડિસ્ટ્રક્શન્સનો સુમેળ સાધતી અદભૂત ઘટનાઓના અનુભવોનું પોટલું માળિયે ચડાવી ઘણું બધું છોડી, તરછોડી પોતાની ઝીંદગીને મસ્તમૌલા બનાવી જીવે છે.

બેશક ! દોસ્તો, જાપાન તેમજ વિશ્વના મોટા ડોક્ટર્સ પણ આ હેલ્ધી-વિધવાની લાઈફ પર સર્ચ-રિસર્ચ કરી ‘પતી ગયા છે.’ એટલે તેની ઝિંદગી પર મોટું પુસ્તક લખી શકાય. પણ આ લ્યો, તેણે જ આપેલી લાંબુ જીવન જીવવાની જડીબુટ્ટીનો અર્ક:  “મારા વ્હાલાંવ,

  • મોબાઈલને કચરાપેટીમાં નાખી દ્યો અને બોર્ડ-ગેમ રમો.
  • મગજની કસરત માટે ખાસ કરી ગાણિતિક કોયડાઓમાં મગજ કસો.
  • તમારૂ લાલ લોહી લીલી શાકભાજીથી બનાવતા રહો. અને મિજાજ રંગીન બનાવવા તેમાં ઓર્ગેનિક ફ્રૂટ્સ પધરાવતા રહો.
  • ખાંડને ‘ખાંડ ખવડાવી’ દ્યો અને લીલી ચાહ તેમજ કમ્બુચા પીવો.
  • ભરપૂર નીંદર માણો. સ્વસ્થ રહેવાની આશાનું અમરત્વ તેમાં છે.
  • તમારો પરિવાર તમને લાંબુ જીવવાની તક આપે તે માટે તેમની જોડે સદાય મોજમાં જ રહો. 
  • તમારી ઝિન્દગીનાં નિયમો જાતે બનાવો. કોઈના પણ નિયમોનું અનુકરણ ન કરો.
  • તમારી વયને સંખ્યા સાથે જોડી વ્યય ના કરો, પ્લીઝ. નહીંતર એ તમને કાયમી ટેંશન આપતી રહેશે. 
  • હુ છું ટેંશન વિનાની સાવ હળવી ફૂલ જુવાન છોરી. ગંભીરતા નામના શબ્દને સૂતી વખતેય આજુબાજુ ફરકવા નથી દીધો બાપલ્યા !”

દોસ્તો, હજુયે તમને સવાલ થશે કે ‘આવી કાયમી ડિલ-ખુશ રહેવા સારુ આ કન્ની ડોહી હુ કરટી હોસે?’- સિમ્પલી ! ‘ટાનાકાની‘ (એવું એણે વગર કહ્યે સંભળાવી દીધું છે.) 

તમનેય તેનો ‘અવાજ’ સંભળાયો કે ની, પોઈરા ?

– ✦ –

વર્ષ ૧૯૩૭થી ૧૯૩૯ દરમિયાન કેનનો પતિ હેઇડો ટાનાકા યુદ્ધ મોરચે ગયેલો હોવાથી ગાયબ રહ્યો. પણ જયારે ઘરે પાછા વળતી વેળાએ તે સીધો (બંનેવ જણાએ વર્ષો પહેલા તેના ઘરની નજીક સ્થાપેલા) તેના નૂડલ્સ-બાર પર પહોંચી ગયો કેનને સરપ્રાઈઝ આપી. ત્યારે કેન ગ્રાહકોને નૂડલ્સ પીરસી રહી હતી.

કશુંયે બોલ્યા વિના હેઈડો પણ આસ્તેથી બીજાં ગ્રાહકોને નૂડલ્સ પીરસવામાં લાગી ગયો. પછી શું થયું તે વાત બાજુએ રાખીએ અને કેનને આ ઘટના વિશે જયારે પૂછવામાં આવ્યું’તું તે જાણીયે: 

નૂડલ્સ અમારા જીવનનો આધાર રહ્યો છે. તેના દોરાઓએ જ કદાચ અમને બંનેને વર્ષો સુધી જોડાયેલાં રાખ્યાં. એટલે જ મારો હેઇડો તેના ખેંચાણે સહીસલામત મારી પાસે પાછો આવ્યો’તો.

લખ્યા તારીખ: 10 ડિસેમ્બર, 2021.

ફોટો ક્રેડિટ: Associated Press.

સંબંધ ખોલતો બંધ દરવાજો 

No photo description available.
Door Or Relationship

“અરે મંજુબેન! તમારા ઘરે આવવામાં હવે ક્યાં પરમિશન લેવાની જરૂર છે હેં!? આ તો તમારા ઘરનો દરવાજો ખુલ્લો હોય એટલે સમજી જવાનું કે તમે ઘરમાં જ છો.”

– બે મહિનાથી જ અમારા નવા પડોશી બનેલા રમાબેનનો આમ તો મજાનો સ્વાભાવ. પણ અમારા ઘરના દરવાજાની બેલ સુપર સ્પિડમાં વગાડવાની અને ખુલ્લો હોય ત્યારે સાવ બિલ્લી પગે ઘરમાં પ્રવેશી જવાની એમની જબરદસ્ત કુટેવ.

એક ગૃહિણી તરીકે શરૂઆતમાં એમને મેં 3-4 વાર તો મનોમન માફ કર્યા. પણ થોડાં દિવસો અગાઉ જ્યારે હું કપડાં બદલતી હતી ત્યારે અચાનક મારા બૅડરૂમમાં પણ આવી ગયા ત્યારે મને ખૂબ ખૂંચ્યું.

મેં તેમને શાંતિથી કહ્યું કે “રમાબેન, ભલેને દરવાજો ખુલ્લો હોય પણ જયારે ઘરમાં આવો તો એટલિસ્ટ ડૉરબેલ વગાડી થોડી સેકન્ડ્સ રાહ જોશો તો મને વધારે ગમશે. હું તો સંભાળી લઈશ. પણ ક્યારેક મારા હસબન્ડ પણ ઘરમાં હશે અને તમે આમ અચાનક બિન-બેલે આવી જશો તો એમને જરાયે નહિ ગમે. કારણકે અમે અમારા બાળકોને પણ એવું જ કરતા શીખવ્યે છીએ.”

“મંજુબેન, આપણે આજુબાજુના પડોશી હોઇયે ત્યારે ડૉર ખુલ્લા રાખવાનો ડર ન હોવો જોઇએ. અને આમેય આપણા ફ્લેટ્સમાં સિક્યોરિટી છે. પરમિશન વિના બીજું કોણ આવવાનું હેં!”

– ને ત્યારે રમાબેનનો જવાબ મને ઓપન વિઝા મળ્યો હોય એવો લાગ્યો.
બોલો હવે એને કોણ સમજાવે? પછી મને થયું કે સમયને જ જવાબ આપવા દે.

અને થોડાં જ દિવસો પહેલા તેનો જવાબ પણ મળી ગયો. એક સવારે જ રમાબેન હાંફળા થઇ ઘરે આવ્યા.

“મંજુબેન, ગજબ છે! અમારા ઘરમાંથી હજુ 3 દિવસ અગાઉ જ લીધેલો સ્માર્ટ ફૉન કોઈ ચોરી ગયું છે. કોઈ જ સગડ મળતા નથી. આખું ઘર ફેંદી નાખ્યું, બધે જ તપાસ કરાવી પણ દરવાજા પાસેના કિ-હૉલ્ડર પર ચાર્જ કરેલો ફૉન કોઈ આમ ચોરી કરી કઈ રીતે લઇ જઇ શકે?!?! સમજાતું નથી.”

તો હવે કહેવાની ક્યાં જરૂર છે કે ‘રમા’બેનને આ પડેલા ‘માર’થી સીધા થવાની તક મળી છે. તેમની સાથે અમારો દરવાજો પણ હવે વાસેલો રહે છે અને સંબંધ વધુ સારી રીતે ખુલ્યો છે.

(ઓલમોસ્ટ સાચી બનેલી ઘટના 🙂 )

(કથાબીજ: મંજુબેન)

આવી હોય છે સમયની ર(મઝાની) રમઝટ…..

time-3098699_1280

  • જયારે સમયની અંદર સફર થતી હોય ત્યારે થાય છે: વાંચન.
  • જયારે સમયને સ્પર્શી જવાય છે, ત્યારે થાય છે: લેખન.
  • જયારે સમયથી ભાગી જવાય છે, રચાય છે: સંગીત.
  • જયારે સમયથી અલગ પડી જવાય છે, ત્યારે રચાય છે: ધ્યાન.
  • જ્યારે સમયને છૂટ્ટો મુકાય છે, ત્યારે થાય છે: શ્વાછોસ્વાસ.
  • જયારે સમય ધીમો પડતો લાગે છે, ત્યારે કરાય છે: પ્રતીક્ષા.
  • જ્યારે સમય રોકાઈ જતો લાગે ત્યારે થાય છે: ચુંબન.
  • જયારે સમયનું મિલન થાય છે, ત્યારે સર્જાય છે: સેક્સ.
  • જ્યારે સમય સતત બદલાય છે, ત્યારે મળે છે: જન્મ.
  • જ્યારે સમયની પાછળ રહી જવાય છે, ત્યારે થાય છે: વસવસો.
  • જ્યારે સમયથી ભાંગી પડાય છે, ત્યારે સાંપડે છે: નિરાશા.
  • જ્યારે સમયને પકડી લેવામાં આવે, ત્યારે મુકાય છે: મૌન.
  • જયારે સમયનું પરિવર્તન થાય છે, ત્યારે મળે છે: મોત.

    અને…

  • જ્યારે સમયનું અસ્તિત્વ જ નથી રહેતું, ત્યારે પામીએ છીએ: મોક્ષ.

– મુર્તઝા ‘અલ્ફન’

ખૈર ‘કુછ અચ્છા કિયા’!

Etihad-Ramazan-Fridge

આજની એક ર(મઝાની) વાત…
ખાસ કરીને મિડલ-ઇસ્ટના શહેરોમાં રમઝાનના ૩૦ દિવસોમાં જ ૧૧ મહિનાની સખાવત (દાનધર્મ)નું સાટુ વળતું હોય છે.

મોટી કોર્પોરેટ કંપનીઓ તેમના એમ્પ્લોઈઝને કેશ-બોનસ અને નાની કંપનીઓ ગિફ્ટ-હેમ્પર્સ સાથે જરૂરી એવી ખાધાખોરાકી પણ પુરી પાડે છે. બસ એ જ નિયત કે કોઈ તરસ્યું ન બેસે, કોઈ ભૂખ્યું ન સુવે. રોઝા કરનારને જરૂરી એવી તાકાત મળતી રહે.

પાછલાં વર્ષોમાં કોકાકોલા, મેક્ડોનાલ્ડ્સ, બેંક્સ, જેવી ઘણી બ્રાન્ડ્સ તેમની પ્રોડકટ્સ અને સર્વિસ દ્વારા ભલાઈની લ્હાણી પણ કરતી રહી છે. તો આ વર્ષે UAEની એરલાઇન્સ કંપની Etihad એરવેઝએ કૂલ આઈડિયા દ્વારા કરી છે.

“ઇતિહાદ રમદાન ફ્રિજ” – એવું રેફ્રિજરેટર જેમાં ઇફ્તારી અને સહેરી માટે જરૂરી એવી ફૂડ આઇટમ્સ મળી શકે…સાવ મફતમાં.

ઇતિહાદે આવાં સેંકડો ફ્રિજ દુબઇ, શારજહાં અને અબુધાબી ઉપરાંત બીજાં અન્ય
શહેરોમાં એવી વસાહતોમાં ગોઠવ્યા છે જયાં મુખ્યત્વે મજૂર અને કારીગર વર્ગ રહેતો હોય. તેમાં એવી સરપ્લસ પ્રોડકટ્સ મૂકી રાખે છે. જે ફલાઇટ દરમ્યાન આપવામાં આવતી હોય છે. (જેમ કે…દૂધ, પાંઉ-રોટી, જામ-બટર-પનીર, જ્યુસ, ફ્રૂટ્સ વગેરે…)

સાથેસાથે શહેરીજનોને પણ અપીલ કરી છે કે તેઓ પણ જે ઘરમાં સરપ્લસ હોય અને જરૂરતમંદોને આપી શકાય એવાં ખોરાકનું દાન કરી શકે છે. એક આડ સવાલ : ‘ત્યાં એવાં લોકો પણ હશે કે જે ખાવાનું ઉપરાંત આખેઆખું ફ્રિજ પણ મૂકી આવતા હશે !?! 🤔

બોલો છે ને માણસાઈનું મસ્ત માર્કેટિંગ ! હવે ત્યાંના જે કોઈ વાચક દોસ્તને એવાં પ્રત્યક્ષ ફ્રિજનો સામનો થયો હોય તો અપડેટ્સ આપી શકે છે.

ખૈર, ‘કુછ અચ્છા કિયા’ની તસલ્લીથી કરવામાં આવેલા આ કામો ‘આમ’ જોવા જઇયે તો ‘ખાસ’ બને છે. પણ આવા કાઈન્ડનેસના ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન કેટલું ઇન્ટેન્સિવ અને ઈમ્પ્રેસીવ મળે છે એ તો અલ્લાહ જ જાણે!

(ફોટો ક્રેડિટ Etihad Air)

તમને અલાદ્દીનનો ચિરાગ મળી જાય તો?

Akshay-Modi

તમને અલાદ્દીનનો ચિરાગ મળી જાય અને જીન પ્રગટ થઇને તમને તમારી કોઈ ઈચ્છા પૂરી કરવાનું કહે તો તમે શું માંગો?

જો એ મને મળી જાય અને તેનામાં સાચા જ એવી કોઈ તાકાત હોય તો હું એને કહું કે “આખી દુનિયામાં રહેલા જેટલાં પણ સમાજશાસ્ત્રીઓ અને શિક્ષણ ક્ષેત્રમાં રહેલી દરેક વ્યક્તિના મગજમાં એમ ભરી દે કે ભાવિ પેઢીને અલાદ્દીન અને ચિરાગની વાર્તા સંભળાવવાનું બંધ કરે.

ચૂંટણીના માહોલની વચ્ચે (અમેરિકાના બધાં ‘જીનો’, મિડલ-ઇસ્ટના બધાં ‘અલાદ્દીનો’ અને એશિયાના બધાં ‘ચિરાગો’ને પંચ મારતો) એક અલગ અંદાઝ અને અદામાં પૅડમેન અભિનેતાએ સુપરમેન નેતાસાહેબનો ‘મેંગો પીપલ’ યુકત ઇન્ટરવ્યૂ લઇ જ લીધો.

તેમની કિશોરાવસ્થાથી લઇ અત્યારની ૬૮ વર્ષીય પછી આવનાર નિવૃત્તિની રસીલી અને મજેદાર સફરની ફેક્ટ વાતો અને ટિપ્સ જાણવા-માણવા આ ૬૮ મિનિટ્સની વિડીયો યુટ્યુબ પર ટાઈમ કાઢીને ખરેખર જોવા જેવી રહી. બેશક! બૉડી લેન્ગવેજ પરથી બંનેવ ધૂરંધરો વડીયેવડીયા દેખાય છે.

જે ચોકીદાર કરોડો લોકો માટે માત્ર ‘હાડા તૈણ કલ્લાક’ની જ ઊંઘ લેતો હોય અને છતાં ગુસ્સો દબાવી, રોષ છુપાવી દેશ માટે જે સારું થઇ શકે તે કરવાની કોશિશ કરે તેને સલામ તો જરૂરી છે. – શલામ શાબ !!!

એટલા માટે કે તેમણે શાસ્ત્રોનો શસ્ત્ર તરીકે વિવિધ પ્લેટફોર્મ દ્વારા બખૂબી ઉપયોગ કર્યો છે. તેથી જ સ્તો ગ્રાસરુટ લેવલે સાહેબ જેટલી પણ અથાક મહેનત કરીને વડાપ્રધાનના હોદ્દા પર પહોંચ્યા છે તે કાબિલ-એ-તારીફ છે.
—–
અક્ષય:તમને ક્યારેય એવું થાય કે એક વડાપ્રધાન તરીકે ખુરશીની પાછળ માથું ઢાળી, બંને હાથ રાખી એકદમ રિલેક્સ થઇ શકું તો?

સાહેબ:હોદ્દા પર આવ્યા બાદ હમણાં તો શક્ય નથી થતું. પણ વર્ષો પહેલા દિવાળીની રજાઓમાં હું પાંચ દિવસ એક પણ પુસ્તક, નોટબૂક, રેડિયો કે સાથી વિના પ્રકૃતિની કોઈ એવી અલાયદી જગ્યાએ ચાલ્યો જતો, જ્યાં ફક્ત હું અને મારી જાત રહેતા. ત્યાં મને જે પણ વિચારો મનમાં આવતા તેને રોકટોક કે એનાલિસિસ કર્યા વિના આવવા દેતો. સમજો કે હું મારી જાતને ક્યાંક મળવા ચાલ્યો જતો. જે મારી જિંદગીની અદભૂત ક્ષણો રહેતી.
—–
એવું કહેવાય છે કે મોદી સાહેબને રૂહ-બ-રૂહ મળીને ઘણાં ‘મોદી’ફાઇડ થાય છે. જે આ ઇન્ટરવ્યૂ બાદ અક્ષયમાં પણ દેખાય છે. એટલે જ સ્તો ‘નોન-પોલિટિકલ’ બનેલા ઇન્ટરવ્યૂનો રંગ અંદરથી બહાર આવ્યા બાદ હવે મીડિયા દ્વારા પોલિટિકલ રંગે રંગાયેલો છે. તો હવે…

કોઈ ‘વ્યક્તિ પૂજા’ નહીં પણ એમના કરેલાં કામોથી મળેલી સફળતાને પૂજનીય ગણી એપ્લાય કરવામાં આવે તો દરેક વ્યક્તિ સફળ થઇ શકે છે.” – મુર્તઝાચાર્યનું ‘મોદી’ફાઇડ ક્વોટ.

લાઈફ એ જ લડ્ડુ !

Laddoo

“ઘરમાં ખરેખર કોઈ જો કોઈને વડીલ માનવું હોય તો એ છે સૌથી નાનું બાળક.”

– આવી સાવ સરળ સમજણ મને મારા પહેલા દીકરાના જન્મ પછી મળી ચુકી હતી. અને એટલે જ હું ‘કન્સલ્ટન્ટ’નું તો ટેગ માત્ર પ્રોફેશનને માર્કેટ કરવા માટે જ વાપરું છું. જ્યારે ઘણી બાબતોમાં કાઉન્સેલિંગની મઝા તો મને બચ્ચાંપાર્ટી સાથે વાત કરવામાં જ મળે છે.

તેમની માસૂમિયત, નિખાલસતા, નિર્દોષભાવ અને કુતૂહલવૃત્તિ એવાં અકસીર રિસોર્સર્સીસ છે કે જો તેમને જ વાંચવાની આદત પડે પછી પુસ્તક પણ ફીકા પડતા લાગે. તેમના પ્રશ્નોની ઝડી, આપણાં જવાબોની છડી, ને એમાંથી નીકળતા વળી પાછાં અનેક પેટાપ્રશ્નોની જીભાજોડી એટલે જાણે ઈશ્વર સાથે ચેટિંગ!

આજે રવિવાર છે. આપણાં માંથી ઘણાં લોકો મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા માટે ‘બારે જવા’ કે પછી અંદર જ રહી બંદગી કરતા હોય છે. જે હોય તે. પણ સબૂર! થોડી વાર એવી કોઈપણ ‘ધાર્મિક’ ક્રિયા કરતા પહેલા જયાં હોવ ત્યાં રોકાઈને એક નાનકડી મીઠ્ઠી મધમધતી બાર મિનિટની શોર્ટ મૂવી ‘લડ્ડુ’ જોઈ લેજો.

લાખો શબ્દોને બદલે એક જ સીધી સરળ અને આસાન ભાષામાં ‘ધર્મ’ બતાવતી આ શોર્ટી ફિલ્મ જોયા પછી તમને પણ જાણે માસૂમ આચમન મળ્યા જેવું લાગશે. અને પછી આપોઆપ બોલી પણ જવાશે કે “હાશ! આપણી તો પૂજા (બંદગી કે પ્રેયર) આ જોઈને જ થઇ ગઇ ભૈશાબ! ” – ગેરેન્ટેડ!

મધમધતો મોરલો:  “સાચો ‘ધર્મ’….લડ્ડુ જ છે.”

Burp ! 😋

‘મમી’ રિટર્ન્સ !

Mummies-Found-in-Luxor

‘મમી’ રિટર્ન્સ !

ગઈકાલે ઇજિપ્તના લક્ઝર (Luxor) શહેરમાં લગભગ ૧૦૦ વર્ષ બાદ (આટલી મોટી સંખ્યામાં) ૩૦ જેટલી નવા મમીઝ મળી આવ્યા છે. કહેવાયું છે કે આ મમીઝ ઓલમોસ્ટ ૩૦૦૦થી ૨૫૦૦ વર્ષ ની આસપાસના છે. (ઈ.સ.પૂ 1000-1500) વર્ષની આસપાસ ગણી શકાય.)

માની શકીયે કે આ મમીઝ એ સમયના છે જ્યારે ઇજિપ્તનો ફેરોહ કાળ સૂર્યાસ્તને આરે હતો અને નવા રાજવંશનો સૂર્યોદય હતો. અને એટલે જ મળી આવેલાં મમીઝ ફેરોહ રાજવંશથી અલગ મધ્યમવર્ગીય ફેમિલીના કુટુંબીજનોના હોઈ શકે છે.

આ હું એટલા માટે કહી રહ્યો છું કે મેં મારી સગી આંખે આ મમીઝ, તેના કોમ્પ્લેક્ષ (કબ્રસ્તાન) જોયા અને જાણ્યા છે. તેના પુરાતન અને અતિભવ્ય ઇતિહાસમાં અવારનવાર ‘ફ્લૅશબૅક’ મારી આવું છું. ચાઈના પછી જેનો સુપર ડુપર ઇતિહાસ રહેલો છે એવા આ ઇજિપ્ત દેશની સંસ્કૃત્તિએ ખરેખર દુનિયાની સંસ્કૃત્તિને ફેલાવવામાં ગંજાવર ફાળો આપ્યો છે.

શોધ હજુ ચાલુ છે. આવનારા દિવસોમાં નવી અવનવી માહિતીઓનું મેન્યુલ ખુલશે અને પુરાતન ઇજિપ્તના ઇતિહાસમાં બીજાં અનેકોનેક પાનાંઓ ઉમેરાશે. સુપર એકસાઇટિંગ !

ઝીંદગીમાં એક વાર તો ઇજિપ્ત જવું, એક વાર તો નાઈલનું પાણી ખોબલાં ભરી પીવું, એક વાર તો પિરામીડઝ જોવા મળે તો વારંવાર જવાનું મન થયા કરશે વ્હાલાં!

એક જીવંત ‘કબર’દાર !

Kabar Maker- Saifuddinbhai

“મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.”

પાછલાં ચાલીસ વર્ષથી સુરતમાં આવેલા વિશાળ કબ્રસ્તાનમાં કબર બનાવવાનું કામ કરતા (ફોટોમાં) સૈફુદ્દીનભાઈને હું ‘કબરદાર’ કહી શકું.

આપણને એમ લાગે કે કબર બનાવવાની ‘બોરિંગ’ જોબ કરી કરીને માણસ સાવ અધમૂવો થઇ ચુક્યો હશે, હજારો લોકોના જનાજાને દફન કરી એ ખુદ નંખાઈ ગયો હશે. પણ સૈફુદ્દીનભાઈએ તેમના આ મૃત વ્યવસાયમાં ‘જાન’ રેડી દીધો છે.

તેઓ તેમના મગજના કોમ્પ્યુટરમાં એ દરેક ગુજરનારનો જીવંત ડેટાબેઝ લઈને ફરે છે. કેટલાંયે પરિવારો એવા છે જેમના સભ્યો પરદેશથી જ્યારે વર્ષો પછી તેમના ગુમાવેલા સ્વજનની કબર પર ફૂલ ચડાવવા આવે ત્યારે કબરનું ‘જિયો’ લોકેશન પળવારમાં શોધીને આપી શકે છે.

તેમના મત મુજબ ‘અહીં એવાંય લોકો છે, જેમના સગાં-વ્હાલાં તો ઘણાં છે, છતાં મરતી વખતે કોઈ પાસે ન હતું. અને એવાંય લોકો છે જેમનું કોઈ સ્વજન ન હતું પણ સેંકડોને વ્હાલાં બનાવી ગયા છે.’

નીકળી વખતે મેં એમને પૂછ્યું: “તમે ખુદ કબ્રસ્તાનની અંદર રહો છો. તો અહીં ક્યારેય ‘ભૂત કે ભટકતી આત્મા જેવું કાંઈ જોયું છે?

“જરાયે નહિ. ક્યારેય નહિ. અહીં પોઢી જનાર દરેક લોકો અદભૂત જ છે.”- સૈફુદ્દીનભાઈ હસતા ચહેરે સ્માઈલ આપી કબર પર ફરી સિમેન્ટ લગાવવામાં બીઝી થઇ જાય છે.

‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

પસીનાના ટીપાંની પાછળની ભીનાશ…

SWillams

શરીરમાંથી નીકળતાં પસીનાના એક-એક ટીપાની પાછળની ભીનાશ કદાચ સૌ કોઈ જોઈ અને લાવી શકતા હશે, પણ અંદર રહેલી ખારાશને બહાર લાવવા માટે કરાયેલી મહેનતની જવાબદારી માત્ર અને માત્ર એક જ વ્યક્તિની હોય છે.

હરીફની સાથે કરેલી ફટકાબાજીથી મળેલો વાહ ! વાહ ! નો વિજયી અવાજ કદાચ સૌ કોઈ જોઈ અને લાવી શકતા હશે, પણ, કાંડાના કૌવતથી પળેપળ મારેલા ફટકાંથી નીકળતી આહ ! માટે કરાયેલી મહેનતની જવાબદારી માત્ર અને માત્ર એક જ વ્યક્તિની હોય છે.

ખેલ જોનાર લાખો લોકો બે હાથેથી તાળીઓનો ગડગડાટ કરી શકતા હશે, પણ બાપની એકલે હાથે ઝઝૂમેલી હથેળીઓ તો દિલને ‘ટચ’ કરવા માટે જ તડપતી રહેતી હોય છે.

જ્યા એક ટંકનું ખાવાનું ટેંશન હોય એવી હાલતમાં કાળી દીકરીઓને કાળી મજૂરી કરી દુનિયાની બેસ્ટ ટેનિસ-પ્લેયર બનાવી ગોરી કરનાર બાપ (રિચાર્ડ વિલિયમ્સ માટે દીકરીનું સેરેના કે વિનસ વિલિયમ્સ)નું દરેકેદરેક અચિવમેન્ટ એક નોબેલ પ્રાઈઝની જેવું પૅશકીમતી હોય છે. બેશક! અમૂલ્ય! લા-કિંમત!

માણસ શાં માટે ‘કાંઈક કરવા, કે કરી બતાવવા’ આટલી તૂટી જાય એવી મહેનત કરતો હશે? શું જાતે તૂટીને ફરીથી જોડાઈ જવાનો એક પરમ આનંદ કે પછી જોડાયેલા રહીને જ તૂટીને આખરે બટકાઈ જવાની પરમ ઈચ્છા?

આ વિલિયમ પરિવારે ક્યારે તેમની જાતને પૂછ્યું હશે કે: Will I am?

#SerenaWilliams #MegaMotivation #TennisTycoon

સ્પેશિયલ ‘આઝાદી’ ઑફર !…

AzadiOffer@2x

ફેંકેલા લીંબુમાંથી લેમોનેડ બનાવવાનું એક તાજું ઉદાહરણ !

PeepHole

કાંઈક અજીબ છે ને?

ડ્રગ્સ-બંદૂક, ઐયાશી, ગાળાગાળી, ધાન્ધલ-ધમાલીમાં પોતાની જવાની ‘ફના’ કરી એવા સંજય ‘ધત્ત’ની બાયોપિક જોવા માટે લોકો કેટલાં ‘તત્ત’ પર બનીને જુએ છે !!!

કારણકે આ ‘રાજકુમાર’ ની સંજય-દ્રષ્ટિ પણ જાણે છે કે લોકો એ ‘કુંવર’ને પડદા પાછળ ઓલરેડી લાખો ગાળો આપી નવડાવી ચુક્યા છે, એટલે હવે તેની પર કરોડો ફેંકી નવાજી લેશે જ.

બોલો છે ને ફેંકેલા લીંબુમાંથી લેમોનેડ બનાવવાનું એક તાજું ઉદાહરણ !

સિમ્પલી! કેમ કે આપણને બીજામય ઝીંદગી જીવવાની આદત પડી છે.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
“આપણે ત્યાં પાણી અચાનક બંધ કે પાવરકટ ઑફ થાય,
ત્યારે પહેલું કામ પાડોશીને ત્યાં ડોકિયું કરી પૂછવાનું થાય.

થાય આજુબાજુમાં ઝગડો ને ખુશીનો આપણને સળવળાટ,
આંગણે આપણે નવી ગાડી ને, પાડોશીને એક્ટિવે ઉકળાટ.

પેલા દરવાજે કોણ ઘુસ્યું, ને કોણકોણ પાછાં પગલે પડ્યું?
ને જો પછી કોઈ-કશું ન નીકળે તો જાણે મોટું આભ પડ્યું.

બીજાંની પંચાતના ભાર હેઠળ રહી-સહી આબરૂ જાળવવી,
ને ખુદને આ’ભાર’ની કહેવાની તક ગુમાવી પીઠ પંપાળવી?

માંહ્યલામાં મસમોટો ખજાનો પડ્યો છે ત્યાં એક નજર કરીયે 
‘અર્થ’હીન ચક્કરો ફરી અંતે સાવ ખાલી હાથે કાં પાછાં ફરીયે?”

-મુર્તઝા ‘અલ્ફન’ 
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

હજુ તો કદાચ આપણે ભવિષ્યમાં આવનારી ‘સલ્લુ, મલ્લુ, પપ્પુ, રાજુ, નીરુ’ જેવી ઘણી બાયોપિક્સ સિનેમામાં ‘આછાં અજવાળે’ જોઇશું. ને પછી પાડોશીને ત્યાં જઇ પૂછીશું:

“શું તમારે ત્યાંય અંધારું છે?”

બોલ, ભીંજાવું છે?

CoffeeCulture

વરસાદી માટીની ખુશ્બુ અને કૉફીના ધૂંવા વચ્ચે એક અઝીમ ઇન્ટરકોર્સ સર્જાય છે. જે દેખાતું નથી એટલે જ માણવાની આહ! મજ્જા આવે છે. 
એક તરફ વરસાદના ટીપાં માણસના દિલને પાણી પાણી કરે છે તો બીજી તરફ કૉફીનો કપ દિમાગને પાણીપાણી…

બોલ ભીંજાવું છે?..આજે પણ, તારા રોજેરોજના
અડપલાંથી, લટોની વચ્ચે ફરતી તેજ ફિંગર્સથી,
હોઠ-હથેળીઓની વચ્ચે દબાઈ રહેલી હોટનેસથી,
વરસેલાં અને હજુએ અટકેલાં લીલા-સૂકાં ડ્રોપ્સથી,
ભીંજાતા રહીયે યાર, આજે પણ, રોજેરોજ, કાયમ…

પીવા માટે વરસતો ઠંડો વરસાદ અને પીવડાવવા તરસતો ગરમાગરમ કૉફીના કપ વચ્ચેની દુનિયામાં શૂન્યાવકાશ છે.

~ મુર્તઝા ‘અલ્ફન’ ~

 

આગ એટલે….

Fire

આગ.

આગ એટલે,

ચુલો સળગે,

ઘર સળગે,

બસ સળગે,

વન વગડે દવ લાગે,
ગેસનો બાટલો ફાટે,ત્યારે લાગે એ નહીં…

પણ આગ એટલે…

💥 જયારે તમે સાચે જ નિર્દોષ હોવ છતાં તમારા જ કોઈ સ્વજન દ્વારા ખોટો આળ લગાવવામાં આવે ત્યારે દિલમાં જે ઝાળ લાગે તે…લીલી આગ.

💥 પહેલી જોબના બીજા મહિને જયારે બોસ તરફથી “ગમાર, બુદ્ધુ, ડફોળ, મૂરખ, ડોબો” જેવાં ટેગ્સ સાવ મફતમાં મળે ત્યારે મુઠ્ઠીમાં દબાવેલી અગન એટલે… વાદળી આગ.

💥 ભરોસાપાત્ર કસ્ટમર દ્વારા ખૂબ મોટો ઓર્ડર મળે પછી કોઈજ કારણ જણાવ્યા વિના રિજેક્ટ કરવામાં આવે ત્યારે ઉદ્ભવેલી પીડા એટલે… પીળી આગ.

💥 “તારામાં એક સૂકો પાપડ ભાંગવાની ત્રેવડ નહિ ને મારી હારે લગન કરવા સ.” નો ગામઠી ટોણો વર્ષો સુધી કોઈકના શહેરીના પગમાં આંચ રૂપે શેકાય તે… સફેદ આગ.

💥 કપાળે વાગેલા સાવ સામાન્ય ઘા માંથી તાવ, ને તાવ માંથી જે કેન્સરની ગાંઠ ઉપસી આવે તે અદ્રશ્ય પીડા એટલે… લાલ આગ.

💥 યુવાનીમાં દબાવેલી અદમ્ય ઈચ્છાઓના પોટલાંનો ભાર બુઢાપામાં જ્યારે આંખોમાંથી લાવાની જેમ ઓકાય તે… કેસરી આગ.

💥 અને કાંઈ પણ કહ્યા વિના આપણે ચુપચાપ ‘ચાલ્યા જઇએ’ ને પછી ક્યારેય પાછા ન ફરીએ ત્યારે કોઈકની છાતીમાં જે યાદ કાયમ બળતી રહે તે… કાળી આગ.

આગ ક્યાં ક્યાં નથી? છતાંય સૌને દેખાય છે ખરી?? 

= મુર્તઝા ‘અલ્ફન’ =

‘થોડામાં ઘણું’ સમાવતી નાનકડી ‘મોટી’વેશનલ વાતો…

063-Paperback-Book-Small-Spine-Mockup-COVERVAULT copy

લ્યો એમેઝોન કિન્ડલ પર વધુ એક નાનકડી ઈ-બૂકી ‘થોડામાં ઘણું’ કહેવા માટે હાજર છે. બે દિવસ માટે સાવ મફતમાં મૂકી છે.

(મેરેકુ લગતાહ કે હવે મેં ખરેખર કિન્ડલકે લવમેં ઔર પડ રહા હૂં. કેમ કે અવનવાં આઈડિયાઝની પેટી પણ તેના નેક્સ્ટ ખાનામાં ગોઠવવા માટે તડપી રહી છે. થોડાં અરસામાં એ પણ આવી જ સમજો.)

એટલે ખાસ કહેવાનું કે આજે જ તમારા મોબાઇલ કે કોમ્યુટરમાં કિન્ડલની એપ ડાઉનલોડ કરી દેશો તો ઘણી બધી બૂક્સનું ટેસ્ટિંગ સહેલાઈથી થઇ શકશે. (આ લિંક પરથી: https://www.amazon.com/kindle-dbs/fd/kcp )

અને આ લિંક પરથી “સોજ્જી અને નહલ્લી” બૂક બી મલી જહસે ડોસ્ટ! :

ભારતમાં રહેતા હોવ તો આ લિંક: https://www.amazon.in/dp/B07DRNS33N

ને ભારતની બહાર રહેતા હોવ તો આ લિંક: https://www.amazon.com/dp/B07DRNS33N

હવે કોઈ ટીટોડીને કહો કે ઈંડા મૂકે….

હવે કોઈ ટીટોડીને કહો કે ઈંડા મૂકે,
અહીં છાપાંઓ પરસેવાથી ભીના થઇ જાય છે.

દૂધ-જ્યુસની જાહે’રાતો’ તો આવે આખા પાને,
પણ દિવસ આખો દિમાગનું દહીં કરવામાં જાય છે.

‘પેલો’ બૅકપેક બાંધી ભલેને રખડે ‘કંપની’ઓમાં,
કસર તો ‘પેલી’ની બુકાની બાંધી પુરી થાય છે.

મીર મરાય કે ફાંકા-ફોજદારી થાય છે ઓનલાઇને,
ને ઓફલાઈનમાં બૈરાની બૂમે ચરબી ઉતરી જાય છે.

અહીં ૪૮ સે. પર થોડું વધુ સહન કરીશું પંખામાં પણ,
ત્યાં ‘૪૦’ની સીટ પર ‘૧૨૨ને’ કેમ ઉકાળો થાય છે?

ધરમના નામ પર ધાડ પડે તોયે શું હવે!
પાણી તો દરેકેદરેક કોમનું ઉતરી જાય છે.

હવે તો કોઈ ટીટોડીને કહો કે ઈંડા મૂકે,
અહીં છાપાંઓ પરસેવાથી ભીના થઇ જાય છે.

– કૂલ કૈરોથી…મુર્તઝા ‘અલ્ફન’