નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: Love story

વેલેન્ટાઇનની એક વ્હેલી, વ્હાલી અને વહેલી વાર્તા…..

old-couple-hands

Love…Connected ! 

.
એ જુવાન-ડોસા નસલી ઈરાનીની શારીરિક ઉમ્ર હશે: 80 વર્ષ. પણ માનસિક રીતે તો હજુયે તેઓ 18 વર્ષમાં જ હતા. રોમાન્ટિક મૂવિ જોતા-જોતા સીટી પણ વગાડી શકે એવાં સૂરીલા અને રંગીલા.

(હવે નસલીની આવી શરૂઆતી ઓળખ આપું ત્યારે એ માણસ ‘પારસી પોઈરો’ જ હોય એમ સમજી આગળ ચાલીયે.)

હા, તો નસલીબાપાનો ૮૦માં વર્ષે બાથરૂમમાં થોડોક પગ લપસ્યો. એમાંતો તેમના પગની ઢાંકણીએ તેનું સ્થાન ડોલાવી ડોસાને દવાખાને ભેગો કરી દીધો.

આપણને એમ થાય કે એમની બૈરી રતનબાઈ (એ પણ ફક્ત 60 વર્ષની જ) કદાચ “ઓહ મારા માયજી ! ઓહ મારા ખોદાયજી! આંય ટમુને શું થયું?” જેવાં ડઝનેક સવાલો કરીને ડોસાને થોડો વધારે ગભરાવી ‘નાઈખો’ હસે.

પણ એના બદલે ખાલી “ઓહ્ફ ! આ ઉમ્મરે બી લપ્સો ચ્ચ, જરીક ધ્યાન રાખોની !” નો એકાદ ડાયલોગ સાંભળી લઇ ડોસાએ તેમનો જમણો હાથ રતનની પીઠ પર, અને રતનનો ડાબો હાથ તેમની કમરમાં ભેરવી દઈ ડૉ. ભમગરાની ક્લિનિકમાં આવી ગયા.

નસીબે ડૉ. ભમગરા સંબંધમાં નસલીનો જુનો સાળો. મગજથી એય ભમરો એટલે સાળા-બનેવીએ “ઘન્ના ડા’રે મલીયા, સાહેબજી !!!” કહીને ક્લિનિકમાં હસતાં-હસતાં એકબીજાંવનું સ્વાગત કરી નાઇખું.

“રતન ! ટુ ત્હારે ચુચાપ ઘેર જા. આંને ટો હું જોઈ લેવસ.”- કહી એ રાતે એક તરફ ડૉ. ભમગરાએ નસલીના ઢાંકણ પર પાટાપીંડી વડે ઘાને બંધ કર્યો. અને બીજી તરફ બ્રાંડીનું ઢાંકણ ખોલીને નસલીનું પણ પેઈન દૂર કરી નાઈખું.

આપણને હવે એમ થાય આ બંનેની ધમ્માલ લાંબી ચાલવાની. પણ બીજા દિવસની રાતે નવ વાગ્યે નસલીઅંકલ બેડ પરથી ઉઠવા ગયા ત્યારે નજીક બેસેલી ક્લિનિકની ‘એવન્ની ડાલ્લિંગ નર્સ-સિસ્ટરે’ પૂછ્યું “અંકલ શું થયું?”.

“ટુ અબ્બી હાલ ટારા સાહેબને બોલાવ. ની રેવું મારે અહિયાં.” નર્સે તેનો આગળનો સવાલ અંદર જ રાખી ડૉ. ભમગરાને વેલ્લી તકે બોલાવી દીધા. સાળાજી પણ આવી ગયા સીધા બનેવી પાસે. 

“ભોમિ, મારી રતનને બોલાવ હમના જ. બસ મને બીજું કાંઈ નય જોયે.” – અને ‘બાર વાગી’ જાય એ પહેલા રતનબીબી એમના નસલી પાસે આવી ગયા.

“એકાએક શું થયું ટમુને, ભાઈ કઇ બોલિયો? મને કે’વ તો.” – રતનબાઈએ મીઠ્ઠી ઇન્ક્વાયરી કરી.
“આ ‘સાલ્લો’ શું ધૂર બોલવાનો? અરે એની બ્રાંડીમાં મજા નઠ્ઠી. મારે એનાથી જીવ નથી ખોવો. હું ટો ટા’હરી આંખો જોઈને બીજો ડસકો નીકારવા માંગુ ચ્ચછ. ચાલ મને ઘરે લઇ જા જોવ.”

તે રાતે ડૉ. ભમગરાએ તેમના બેન-બનેવીને, તેઓના ‘દવા-દારુ’ના બિલને… બધાંને માફ કરી દીધા. કેમ કે મોડે મોડે એમને પણ એમને સમજાઈ અને દેખાઈ ગયું કે…

નસલી મોટ્ટી ઉંમરે પણ શું કામ એની રતનને લઇ ‘આવીયો’ તો…અને એ ખુદ હજુયે કેમ તેની ડાલ્લિંગ ‘ધન’ વગરનો જ રહી ગયેલો….આંખોમાં અટકી ગયેલાં તેના આંસુઓની જેમ….સાવ કોરો કટ્ટ જ !

પ્યારો પારસી પંચ:

“શરમને પણ બેશરમ થવા ‘બે’નો સહારો જ જોઈએ છે. ચૌદમી તારીખો તો આવશે અને…’ભમ્મ’ કરતી ચાલી જાશે…!!! ”

– મુર્તઝાચાર્ય (ઇ.સ.પૂ. ૨૦૧૭, વેલેન્ટાઇનના વહેણમાં…)

(Image Credit: ‘i.huffpost.com)

| એક ‘દસમી’ પ્રેમકથા |

 Hanky of Love

“….પણ તું મને એ તો જણાવ કે….તારી યાદ પ્રમાણે આપણે તો ૧૦ વર્ષ પહેલા SSC પછી છુટ્ટા પડી ગયા હતા. તો આટલાં વર્ષો બાદ તે મને ફેસબૂક પર કઈ રીતે ઓળખી લીધી?”

“બસ ! સમજ કે તારી તરફનું મારું પેલું ખેંચાણ…પાછુ લઇ આવ્યું છે.”

“ઓહ ! એ વળી કયું ખેંચાણ હતું?”

“દસમાંની પરીક્ષાના પહેલા જ દિવસે એ સ્કૂલના દરવાજે તારો જમણો હાથ ભીડમાં અચાનક મારી ડાબી આંખો પર જોરથી વાગી ગયો હતો. તું ઉતાવળમાં હોઈશ અને હું શાંતિમાં…એમ માની હું તને કશુંયે બોલ્યો ન હતો.”

“ઓહ એમ ?!?! શક્ય છે.. પણ પછી..પછી શું થયું હતું?

“તું થોડે આગળ નીકળીને મારી તરફ પાછી વળી’તી અને ‘સોઓરી’ કહી મારી આંખોમાંથી નીકળતાં પાણીને તારા નાનકડા રૂમાલ વડે ગરમ ફૂંક મારીને લૂછી નાખ્યું હતું. અને થોડી સેકન્ડ્સમાં જ મને ઠંડક થઈ ગઈ’તી.”

“ઓહ્ફ ! શું વાત કરે છે? મેં આવું કર્યું તું?”

“બસ. પછી એ જ ઘડીથી તારી એ ગરમ ફૂંકને મેં આંખોમાં સમાવી લીધી અને દુવા કરી કે “એ ખુદા! તારી આંખોને કોઈકને કોઈ રીતે મારા થકી ઠંડી કરાવજે.”

“વાઉ ! હાઉ રોમેન્ટિક યાર!”

“એટલે પાછલાં કેટલાંક વર્ષથી ફેસબૂક પર દરેક છોકરીઓની પ્રોફાઈલ પર એક નજર કરી લેતો’તો એમ માનીને કે એક દિવસ ‘મોહબ્બત રંગ લાયેગી. અને ગઈકાલે તું મને અચાનક દેખાઈ ગઈ. એટલે આજે આ રીતે તને મેસેજ મોકલ્યો. બોલ તારી ‘આંખો ઠારવા’ તું ક્યારે રૂબરૂ મળીશ?”

“ઉહ્ફ ! પણ હું તો….”

“મને ખબર છે. તારી પ્રોફાઈલમાં તે ‘મેરિડ’ લખ્યું છે. પણ તારા સ્ટેટસ પરથી મેં જાણી લીધું છે કે તું હજુયે…”

“ઓહ બોય ! તને…આટલો બધો કોન્ફિડેન્સ કઈ રીતે આવ્યો?”

“પગલી ! એ કોન્ફિડેન્સ મારી કરેલી દુવાનો છે. અને ખુદાને પણ ખબર છે કે આ બંદાને હવે આંખો કૂલ કરવાનો ફૂલ સપોર્ટ મળવો જોઈએ.”